દરેક સ્ત્રીને રસોઈ બનાવતાં તો આવડવું જ જોઈએ આ માન્યતા વર્ષો જૂની છે. જોકે આજની વર્કિંગ અન્નપૂર્ણા એકસાથે પચાસ યુદ્ધક્ષેત્રે લડતી હોય ત્યારે સંપૂર્ણ રસોડાનો ભાર તેના એકલા પર યોગ્ય નથી

તાજેતરમાં ધ ટાઇમ યુઝ સર્વે અનુસાર ૬.૧ ટકા ભારતીય પુરુષો રસોડામાં કામ કરે છે
વર્ષોથી ઘરના રસોડાનો કાર્યભાર સ્ત્રીઓએ જ સંભાળ્યો છે. ઘણી સ્ત્રીઓ માટે તો રસોડું જ તેનું કાર્યક્ષેત્ર બની જતું હોય છે. દિવસના ૭-૮ કલાક તે રસોડાને જ આપતી હોય છે. રસોઈ બનાવવા સિવાયનાં કામોમાં અનાજ વીણવું, લોટ દળવો, શાક સુધારવું, રસોડાની સફાઈ કરવી, જરૂરી વસ્તુઓને જમાવીને રાખવી, મસાલાઓ પીસીને રાખવા જેવાં બીજાં ઝીણાં-મોટાં હજાર કામ તે કરતી હોય છે. તાવડી તેર વાનાં માગે એવી કહેવત આપણે ત્યાં છે અને એ તેર વાનાં ભેગાં કરવામાં જ ઘણી સ્ત્રીઓનું જીવન સમાપ્ત થઈ જાય છે.
આ બાબતે વાત કરતાં સાહિત્ય સર્જનમાં સ્ત્રીઓનો સૂર સ્પષ્ટ કરતી લેખિની સંસ્થાનાં પ્રમુખ પ્રીતિ ઝરીવાલા કહે છે, ‘આજે સમય બદલાઈ રહ્યો છે. પહેલાં રાંધવાને સ્ત્રીઓની નૈતિક ફરજ ગણવામાં આવતી. આજે સમય આપણને સમજાવે છે કે રાંધવું એ એક બેઝિક લાઇફ-સ્કિલ છે જે દરેક વ્યક્તિને આવડતી હોવી જોઈએ. એમાં સ્ત્રી અને પુરુષ જેવો ભેદ શું? જેમના જીવનમાં સ્ત્રી નથી હોતી એવા બધા જ પુરુષો રસોઈ બનાવતાં શીખી જાય છે. વર્ષોથી લગ્નપ્રસંગે મહારાજ જ જમવાનું બનાવતા. આજે ફાઇવસ્ટારથી માંડીને રોડ સાઇડ પાણી-પૂરીવાળા સુધી બધે પુરુષો જ છે. એનો અર્થ એ થયો કે એવું જરાય નથી કે પુરુષોને ખાવાનું બનાવતાં ન આવડે. હા, જ્યાં સુધી મજબૂરી તેમના માથે પડતી નથી કે એ કામમાંથી પૈસા મળતા નથી ત્યાં સુધી પુરુષો રસોડાને અપનાવતા નથી.’
ઑફિસમાં કે કાર્યક્ષેત્રમાં આપણે જેન્ડર રોલ્સ વિશે હંમેશાં ચર્ચા કરતા હોઈએ છીએ. સ્ત્રીને પુરુષો જેટલી જ જવાબદારી ઑફિસમાં મળે અને એટલો જ પગાર મળે એ બાબતે ઘણી ચર્ચાઓ સમાજમાં જોવા મળે છે, પરંતુ ઘરમાં આ જવાબદારી વહેંચાવી જોઈએ એ વાત સ્પષ્ટ રીતે કોઈ કરતું નથી. આજે પણ પતિ-પત્ની સરખું ભણેલાં હોય, સરખા પ્રકારના કલાકો ઑફિસમાં વિતાવતા હોય તો પણ ઘરે આવીને પતિ રિમોટ સાથે ટીવી ખોલીને બેસી જાય છે અને સ્ત્રી ફટાફટ રસોઈમાં લાગી જતી હોય છે. આ ફરક લગભગ દરેક શહેરી ઘરમાં જોવા મળે જ છે. એ બદલવા માટે શું કરી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રીતિ ઝરીવાલા કહે છે, ‘આ બાબતે આજની છોકરીઓએ તેમના પતિ સાથે વાત કરવી જરૂરી છે. તેમને પોતાની પરેશાની સમજાવવી જરૂરી છે. મહેણાં મારવા કરતાં સ્પષ્ટતા વધુ અસર કરશે. શરૂઆત નાની હેલ્પ સાથે કરી શકાય. તે એવું કરે ત્યારે તેને ચોક્કસ બિરદાવો. બીજું એ કે જીવનમાં ક્યારેય તેની મમ્મીને દોષ ન આપો કે તેણે તેને કંઈ શીખવ્યું નથી. જોકે તમે ચોક્કસ એવી મમ્મી બનો કે તમારા દીકરી અને દીકરા બંનેને જીવનની જરૂરિયાત ગણી શકાય એવી રાંધવાની સ્કિલ ચોક્કસ શીખવો.’
ભારતીય પુરુષ અને રસોડું
તાજેતરમાં ધ ટાઇમ યુઝ સર્વે અનુસાર ૬.૧ ટકા ભારતીય પુરુષો રસોડામાં કામ કરે છે. આ સર્વે અનુસાર ૮૪ ટકા સ્ત્રીઓ કામના કલાકો એટલે કે દિવસના ૭થી ૧૦ કલાક વગર કમાણીના કામમાં એટલે કે મોટા ભાગે ઘરકામ અને રસોઈમાં વિતાવે છે, જ્યારે પુરુષો પોતાનો ૮૦ ટકા સમય કમાણી જેમાંથી થાય એ કામ પાછળ જ વિતાવે છે. ઘરમાં રસોઈ કરવી એ જરૂરત છે, પણ એમાં કમાણી નથી એટલે પુરુષો આ કામમાં પડતા નથી.