આવા લોકોને એ પૂછવું જોઈએ કે કર્મનો ત્યાગ કઈ રીતે સંભવ થશે? ખાવું, પીવું, કમાવું, સાંભળવું, સંભળાવવું તો બંધ થઈ જશે; પરંતુ મનના વિચારોનો વેપાર તો ચાલતો જ રહેશેને?
પ્રતીકાત્મક તસવીર
એ વાતમાં કોઈ બેમત નથી કે સમસ્ત સંસાર કર્મફળ વ્યવસ્થાના આધાર પર ચાલી રહ્યો છે અને એટલે જ અવારનવાર આપણને સાંભળવા મળે છે કે ‘જે જેવું વાવશે એવું જ લણશે’ અર્થાત્ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય જ છે અને એનાથી કોઈ બચી નથી શકતું. માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે આપણને સતત હેરાન કે દુઃખી કરતી રહે છે ત્યારે આવા સમયે આપણા મોઢેથી મોટા ભાગે એવું નીકળે છે કે આખરે ક્યાં સુધી મારે આ બધું સહન કરવું પડશે? સહન કરવું પણ એક પ્રકારે કર્મના હિસાબ-કિતાબ ચૂકવવાની વિધિ જ છે અને ક્યાં સુધી કરવું? આનો જવાબ છે જ્યાં સુધી કર્મનું દેવું એટલે કે કરજ ન ઊતરે ત્યાં સુધી. જોકે જેવું કોઈનું કરજ ઊતરવાનું શરૂ થાય છે ત્યારે પેલા કરજદારને આંતરિક ખુશી મળે છે કે હાશ, મારો ભાર હવે ધીરે-ધીરે ઊતરી રહ્યો છે. બરાબર એવી જ રીતે જ્યારે આપણને એ જ્ઞાત થવા માંડે છે કે આપણા અનેક જન્મનાં કર્મના હિસાબ ચૂકતે થઈ રહ્યા છે તો દુઃખની પરિસ્થિતિમાં પણ એક પ્રકારની આંતરિક ખુશીનો અહેસાસ આપણને થાય છે, પરંતુ કર્મની ફિલસૂફી ન જાણતા લોકો પછી એવું વિચારવા લાગે છે કે ‘અમે કર્મ જ ન કરીએ તો કર્મ બંધાશે જ નહીંને?’ આવા લોકોને એ પૂછવું જોઈએ કે કર્મનો ત્યાગ કઈ રીતે સંભવ થશે? ખાવું, પીવું, કમાવું, સાંભળવું, સંભળાવવું તો બંધ થઈ જશે; પરંતુ મનના વિચારોનો વેપાર તો ચાલતો જ રહેશેને?
દુનિયામાં અમુક લોકો એવા પણ જોવા મળે છે જેઓ કર્મ અને સંબંધમાં માને છે તેમ જ સંસાર અને સુખ-દુઃખના અસ્તિત્વનો પણ સ્વીકાર કરે છે, પરંતુ તેઓ આ એક હકીકત પર વિચાર નથી કરતા કે કર્મ કરનાર તેમ જ સુખ-દુઃખને ભોગવનાર દેહથી અલગ કોઈ સત્તા છે જેને આપણે ‘આત્મા’ તરીકે ઓળખીએ છીએ. આજે સમસ્ત સંસારની દરેક સમસ્યાનું મૂળ કારણ જો કોઈ હોય તો એ છે ‘આત્મિક જ્ઞાનનો અભાવ’. આ ઘોર અજ્ઞાનને કારણે આજે આપણે ઘોર કલહયુગ અર્થાત્ કળિયુગ જોઈ રહ્યા છીએ. હવે આ અજ્ઞાનતામાંથી બહાર આવવા માટે આપણે સત્યદર્શન કરવાની આવશ્યકતા છે જે કેવળ માત્ર એક પરમપિતા પરમાત્મા જ કરાવી શકે છે. એ દર્શનનો મૂળ મંત્ર એ જ છે કે જગત સત્ય છે, આત્મા પણ સત્ય છે, સંબંધ તથા કર્મ જીવન સાથે જોડાયેલાં છે અને એમને શ્રેષ્ઠ બનાવવાં એ જ સત્ય જ્ઞાન છે. યોગાભ્યાસની આવશ્યકતા પણ એમને સાત્ત્વિક, સ્નેહયુક્ત અને શક્તિશાળી બનાવવા માટે તેમ જ કર્મબંધનથી મુક્ત થવા માટે જ છે. અતઃ આપણે આ વિધિને શીખીએ તેમ જ એનો અભ્યાસ કરતી વખતે એ ધ્યાન રાખીએ કે આપણા સંબંધ ‘બંધન’ ન બને અને આપણાં કર્મ ‘વિકર્મ’ની શ્રેણી ન હોય.
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી
રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.
