સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે મહા મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે બ્રહ્માજીએ મહાયજ્ઞ કર્યો હતો એ દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો થકી મનુષ્ય જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની દિશા ખોલી શકે છે.
પ્રયાગરાજના ત્રિવેણીસંગમ પર વહેલી સવારે સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ.
સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે મહા મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે બ્રહ્માજીએ મહાયજ્ઞ કર્યો હતો એ દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો થકી મનુષ્ય જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની દિશા ખોલી શકે છે. પ્રયાગરાજમાં ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાપર્વના માહાત્મ્ય, ઇતિહાસ વિશે જાણીએ અને આ વર્ષના મેળામાં શું ખાસ છે એ પણ જાણીએ
૨૦૨૫ને આપણે આવજો કહ્યું એને હજી ચાર જ દિવસ થયા છે. ગયા વર્ષને યાદ કરીએ તો વાગોળવા માટે આર્થિક, રાજકીય, સામાજિક અને બીજી અનેક ઘટનાઓ હશે જેને કારણે આપણે એમ કહી શકીએ કે ૨૦૨૫ ખરેખર ઘટનાસભર વર્ષ રહ્યું. પરંતુ ધાર્મિક દૃષ્ટિએ આ વર્ષ ન માત્ર ઘટનાસભર રહ્યું બલકે રેકૉર્ડ બ્રેકિંગ રહ્યું એમ નિઃશંક કહી શકાય. ૨૦૨૫નું વર્ષ એટલે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું વર્ષ. અને એ મેળો પણ કેવો? શ્રદ્ધા અને શ્રદ્ધાળુઓની સાથે-સાથે ભારતની મૅનેજમેન્ટ ક્ષમતા સાબિત કરનારો, ભીડમાં પણ ઐક્યનો આલાપ ગુંજવી જનારો મેળો. ભારતના સાંસ્કૃતિક વારસા અને ગરિમાનાં ગુણગાન ગાનારો મેળો એટલું જ નહીં, આ મેળાને કારણે તો ભારતે વર્લ્ડ રેકૉર્ડમાં પણ એક નવો અધ્યાય સુવર્ણ અક્ષરે લખ્યો છે. અને હવે ૨૦૨૬માં? ફરીથી પ્રયાગરાજમાં માઘમેળો?
ADVERTISEMENT
યસ, ૨૦૨૬ના આ નવા વર્ષની શરૂઆત પણ આપણે ભારતીય સનાતન સંસ્કૃતિના ગૌરવ અને શ્રદ્ધાના એક ભાગ્યોદય દ્વારા શરૂ કરી રહ્યા છીએ. એ જ સંગમ કિનારે માઘમેળો ઊજવીશું જ્યાં ગયા વર્ષમાં મહાકુંભ મેળો ઊજવાયો હતો. સંસ્કૃતિ અને ધર્મ, શ્રદ્ધા અને આસ્થાના એક એવા સમન્વયનો મેળો કે જે ભારતીયોને જ નહીં, વિદેશીઓને પણ પોતાની તરફ આકર્ષી રહ્યો છે. કહેવાય છે કે ભારત વિશ્વને ધર્મ અને શ્રદ્ધાની ઝાંખી કરાવતો દેશ છે. સંસ્કૃતિ અને વારસાની દૃષ્ટિએ ભારત દેશ જેટલો સમૃદ્ધ છે એટલો વિશ્વનો બીજો કોઈ દેશ નથી. અને આજથી શરૂ થતો આ ૪૪ દિવસનો માઘમેળો પણ ભારતની એ જ સમૃદ્ધ સંસ્કૃતિનો એક મહત્ત્વનો હિસ્સો છે. તો શબ્દ લટાર પર પ્રયાગરાજ તરફ નીકળીએ એ પહેલાં કેટલીક મૂળભૂત માહિતીઓ જાણી લઈએ જેથી સફરની મજા બેવડાઈ જાય અને સાથે-સાથે જ સંસ્કૃતિ પ્રત્યેનો આદર અને ભારતની ક્રાઉડ મૅનેજમેન્ટ વ્યવસ્થાથી લઈને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને મૂળભૂત કાબેલિયતના અહોભાવનો લુત્ફ પણ ઉઠાવી શકીએ.

ગઈ કાલે માઘમેળાના પહેલા જ દિવસે લગભગ ૯ લાખ લોકોએ પ્રયાગરાજમાં સ્નાન કર્યું હતું અને મેળાના વિસ્તારમાં પોલીસોનું ઘોડા પર પૅટ્રોલિંગ.
ધર્મશ્રદ્ધાનો આ મેળાવડો એટલે માઘમેળો, જે ગઈ કાલે શરૂ થઈ ચૂક્યો છે. ભારતની અત્યંત પવિત્ર અને મહત્ત્વની ગણાતી ત્રણ નદીઓના મિલન, ત્રિવેણી સંગમ સ્થાને. એટલે કે પ્રયાગરાજ, જ્યાં ગયા વર્ષે મહાકુંભ મેળાનું આયોજન થયું હતું. માઘમેળો આ જ રીતે દર વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. આ વર્ષે તો આ મેળાની શરૂઆત ૨૦૨૫ના વર્ષના અંતિમ દિવસથી જ અયોધ્યાથી થઈ ગઈ હતી એમ કહીએ તો પણ ચાલે. શ્રીહરિ રામચંદ્રજીના ભવ્ય મંદિર પ્રાંગણમાં ૩૧ જાન્યુઆરીથી જ ધાર્મિક પૂજાવિધિઓ અને અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યાં. અયોધ્યાથી ઉજવણીના શંખનાદ સમી આ શરૂઆત બાદ આજથી પ્રયાગના ત્રિવેણી સંગમ પર શરૂ થઈ રહ્યો છે માઘમેળો. હિન્દુ સનાતન ધર્મના કૅલેન્ડર અનુસાર મહા મહિનો એટલે કે માઘ માસ અંગ્રેજી કૅલેન્ડરના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન આવે છે.
માઘમેળો - સંસ્કૃતિ અને ઇતિહાસ
આપણો સનાતન ઇતિહાસ એવું કહે છે કે દર વર્ષે મહા મહિનામાં ઊજવાતા આ મેળાની શરૂઆત મૂળ બ્રહ્માજી દ્વારા થયેલા એક યજ્ઞ પછી થઈ. કહાણી કંઈક એવી છે કે સૃષ્ટિના સર્જન પછી એના પર આધિપત્ય જમાવવા માટે દેવો અને અસુરો વચ્ચે અનેક વાર યુદ્ધો અને વિગ્રહો થતાં રહ્યાં. ક્યારેક દેવો જીતતા તો ક્યારેક અસુરોનું પલડું ભારી રહેતું. આખરે એક સમય એવો આવ્યો કે જ્યારે શ્રીહરિ વિષ્ણુના સૂચનથી દેવો અને અસુરો વચ્ચે મંથન કરાવવાનું નક્કી થયું. મંદરાચલ પર્વતને મથી તરીકે સ્થાપિત કરવામાં આવ્યો અને એની ફરતે વાસુકિ નાગને દોરડા તરીકે વીંટાળી મંથન શરૂ થયું જેમાં અનેક રત્નો અને ઝેરની સાથે અંતે અમૃતની પણ પ્રાપ્તિ થઈ. એ અમૃત કળશમાંથી અમૃત છલકાઈને જે ચાર જગ્યાએ ટીપાં પડ્યાં હતાં એ ચારેય સ્થળોએ (પ્રયાગરાજ, ઉજ્જૈન, નાશિક અને હરિદ્વાર) આપણે કુંભમેળાની ઉજવણી કરીએ છીએ.
એમાંનું એક સ્થળ એટલે પ્રયાગ! એ જ પ્રયાગના કિનારે આ માઘમેળાની કહાણી પણ આકાર પામી. બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ત્રણ પવિત્ર નદીઓનું પણ સર્જન થયું, ગંગા, યમુના અને સરસ્વતી. હવે સમુદ્રમંથન, જે આમ તો રૂપક તરીકે મનુષ્યના આંતરમનના મંથનની જ પરિસ્થિતિ સૂચવે છે. રોજિંદા જીવનમાં પળેપળ આપણે સદ્ગુણ અને દુર્ગુણ, સત્ય અને અસત્ય, સારું અને ખરાબ વચ્ચેનું માનસિક યુદ્ધ લડતા રહી પસંદગી કરવાની હોય છે. આપણી ભીતર જો ધર્મ અને સત્ય જીતે તો દેવોની જીત અને અધર્મ અને અસત્ય જીતે તો અસુરોની. અંતે જ્યારે પરિણામ સ્વરૂપ અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે એ જ બ્રહ્માંડના રચયિતા શ્રી બ્રહ્માજીએ ત્રિવેણી સંગમ પર એક મહાન યજ્ઞ કર્યો. બ્રહ્માજીએ આ યજ્ઞ મહા મહિના દરમિયાન કર્યો હતો અને એ યજ્ઞની ફલશ્રુતિ તરીકે તેમણે સૃષ્ટિનું શુભ, ધર્મ આચરણ (અર્થાત અમૃતની પ્રાપ્તિ) દ્વારા મોક્ષની પ્રાપ્તિ અને સંગમ સ્નાન દ્વારા મનુષ્ય માત્રની ભલાઈનું નિર્ધારણ કર્યું હતું. ત્યારથી પ્રયાગરાજ, તીર્થરાજ તરીકે ઓળખાવા માંડ્યું.

કલ્પવાસ સાધના કરતા લોકો માટે કાચી કુટિરો બનાવવામાં આવી છે અને વચ્ચે આવેલા વિસ્તારમાં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.
ત્યાર બાદ સનાતન સંસ્કૃતિના ઇતિહાસમાં એવું નોંધાયું કે મહા મહિનાના આ પવિત્ર દિવસો કે જ્યારે બ્રહ્માજીએ અહીં યજ્ઞ કર્યો હતો એ દરમિયાન ત્રિવેણીમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા મનુષ્ય જન્મમાં મોક્ષપ્રાપ્તિ તરફ આગળ વધી શકાય છે. ઋષિ-મુનિઓ અને દેવતાઓ પાસે મળેલી આ પ્રેરણાને અનુસરતા આપણે માનવીઓએ આ મહિના દરમિયાન પ્રયાગ જઈ સ્નાનાદિ ધાર્મિક ક્રિયાઓ કરવા માંડી. ધીરે-ધીરે ભારત ખંડના અનેક લોકોને શ્રદ્ધા અને ધર્મના આ કાર્યનું મહત્ત્વ સમજાયું અને અનેક લોકો આ દિવસો દરમિયાન પ્રયાગ જવા માંડ્યા. ત્રણ પવિત્ર નદીઓ જે સ્થળે ભેગી મળતી હોય એવા દુર્લભ સ્થળે સ્નાન, ધાર્મિક પ્રવૃત્તિ અને અનુષ્ઠાન એટલાં બધાં થવા માંડ્યાં કે શ્રદ્ધાળુઓનો એ માનવ મહેરામણ એક મોટા મેળાવડાનું સ્વરૂપ ધારણ કરવા માંડ્યો. ત્યારથી લઈને આજ સુધી કુંભમેળાનું લઘુ રૂપ ગણાતા આ મેળા દરમિયાન અનેક લોકો દર વર્ષે પ્રયાગરાજ જઈ આ મેળાના સાક્ષી બને છે.
પવિત્ર સ્નાન અને કલ્પવાસ
માઘમેળામાં પવિત્ર સ્નાન અને કલ્પવાસનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે. મહા મહિના દરમિયાન અને એમાં પણ ખાસ કરીને મકરસંક્રાન્તિ અને મૌની અમાસ (અર્થાત મૌન રહી ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરવાના માહાત્મ્યની અમાસ)ના દિવસે પવિત્ર સંગમમાં સ્નાન કરવાથી મનુષ્ય, ધર્મ આચરણ અને મોક્ષ તરફ ગતિ મેળવી શકે છે. આ સાથે જ કલ્પવાસનું પણ મહત્ત્વ છે. અર્થાત ૫૪ દિવસોનું એક એવું દુષ્કર તપ કે જ્યારે સામાન્ય જીવન અને સામાન્ય દિનચર્યાથી દૂર રહી આત્મશુદ્ધિ અને સાધનામય જીવન જીવવું. કોઈ સ્થાયી છત્રછાયા એટલે કે ઘરમાં કે ઘર જેવી સુવિધાઓમાં ન રહેતાં સંગમ કિનારે જ અસ્થાયી શિબિરમાં રહી દિવસમાં માત્ર એક વાર જે કંઈ ખાવા યોગ્ય મળે એ સાત્વિક ભોજન તરીકે સ્વીકારી ઉપવાસ રાખીએ. આથી જ માઘમેળા માટે કહેવાયું છે કે કલ્પવાસી તંબુમાં ડેરા અને સાત્ત્વિક ભોજનના કોળિયા. દરરોજ સવારે બ્રહ્મમૂહૂર્તમાં નદીમાં સ્નાન કરી સૂર્ય નારાયણને અર્ઘ્ય આપી ધાર્મિક પ્રવચનો સાંભળવાં, ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું અને ઈશ્વર સ્મરણ કરવું. મોહમાયા છોડી દાનનું માહાત્મ્ય સ્વીકારી ૫૪ દિવસ સુધી આધ્યાત્મિક જીવન જીવવાને કલ્પવાસ કહેવાય છે. તો જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્તિ તરફ આગળ વધી શકીએ છીએ.
પ્રાચીન અને અર્વાચીન સમયમાં ઉલ્લેખ
ઋગ્વેદ, પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં પણ મહા મહિના દરમિયાન પવિત્ર સંગમમાં સ્નાન અને ધાર્મિક અનુષ્ઠાનનો મહિમા મળે છે. પુરાણોમાં કહેવાયું છે કે મહા મહિના દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન મનુષ્યને મોક્ષ તરફ લઈ જાય છે.
એક ચીની યાત્રી હુઍન સાંગ તેમની ટ્રાવેલ ડાયરીમાં નોંધે છે. મારા ભારત ભ્રમણ દરમિયાન હું પ્રયાગના નદીકાંઠે એક જબરદસ્ત મોટા માનવ મહેરામણનો સાક્ષી બન્યો. અનેક લોકો નદીમાં સ્નાન કરી અનુષ્ઠાન કરતા મેં જોયા. સપરિવાર દૂર-સુદૂરથી પ્રયાગના એ નદી કિનારે આવતા લોકો માઘમેળો ઊજવી રહ્યા હતા.
આ સિવાય સંગમકાળ નામના તામિલ ભાષામાં લખાયેલાં સંકલનોમાં પણ નોંધાયું છે કે વાર્ષિક સ્નાનનો આ ઉત્સવ રાજવી હર્ષવર્ધનના કાળથી ઊજવાય છે જેમાં કોઈ પ્રદેશ કે કોઈ જાતિના બાધ વિના ભારત વર્ષના અનેક લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે અને કલ્પવાસ કરી પોતાની માઘ તપસ્યા પૂર્ણ કરે છે.
મહત્ત્વનાં સ્નાનપર્વો
જાન્યુઆરી મહિનાની ૧૪મી તારીખ કે જ્યારે મકરસંક્રાન્તિ છે એ દિવસ મેળાની પહેલી મહત્ત્વની તારીખ તરીકે આંકીએ તો ત્યાર બાદ ૧૮ જાન્યુઆરીએ મૌની અમાસ છે. આ બન્ને દિવસોને મેળામાં પવિત્ર સ્નાનના સૌથી મોટા દિવસ ગણવામાં આવે છે. ત્યાર બાદ ૨૩ જાન્યુઆરીએ આવશે વસંત પંચમી, જે જ્ઞાન અને આંતરિક પવિત્રતા માટે મહત્ત્વની તારીખ છે. તો વળી ૧ ફેબ્રુઆરી તો આ મેળાનું મધ્યાહન છે એમ કહો તો ચાલે. અર્થાત માઘી પૂર્ણિમાનો દિવસ અને ત્યાર બાદ મેળાનો અંતિમ દિવસ ૧૫ ફેબ્રુઆરી કે જે દિવસે મહાશિવરાત્રિ છે અને મેળાની પૂર્ણાહુતિનો પણ દિવસ છે.

તપસ્વીઓએ પ્રથમ સ્નાન કર્યું હતું. કિન્નર અખાડાનાં સાધ્વીએ સ્નાનની સાથે શસ્ત્રપૂજા કરી હતી.
૨૦૨૬નો મેળો, વ્યવસ્થા અને નવીનતા
જેમ-જેમ માઘમેળાની ખ્યાતિ વધતી જાય છે એમ-એમ દર વર્ષે લોકોનો ધસારો પણ વધી રહ્યો છે. એવામાં એ પણ જાણવું પડશેને કે મેળામાં વ્યવસ્થા ક્યાં અને કેવી છે, શું ખાસ છે? દર વર્ષ કરતાં આ વખતે મેળામાં શું નવું છે? તો હાલો ત્યારે એક લટાર એ તરફ પણ મારી આવીએ.
ગઈ કાલથી એટલે કે ૩ જાન્યુઆરીથી શરૂ થયેલા આ માઘમેળામાં ભારતના તીર્થરાજ એવા પ્રયાગરાજમાં ઊજવાઈ રહ્યો છે. ત્રિવેણી સંગમની એ પાવન જગ્યાએ આ મેળો ફેબ્રુઆરી મહિનાની ૧૫ તારીખ સુધી આયોજિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જબરદસ્ત અપગ્રેડેશન અને ખાસ આ મેળા માટે જ ડિઝાઇન થયેલા અને બનાવાયેલા નવા રૂટ્સ મેળામાં દેશવિદેશથી આવનારા શ્રદ્ધાળુઓને વધુ સુવિધા પ્રદાન કરી શકશે. મેડિકલ ફૅસિલિટીઝ જેમાં હૉસ્પિટલ્સથી લઈને કાયમી દવાખાનાની સાથે જ હંગામી મેડિકલ ક્લિનિક્સ પણ ઊભાં કરવામાં આવ્યાં છે.
ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મેળાના સ્થળે અને એની આસપાસ લગભગ ૨૫,૦૦૦ જેવાં ટૉઇલેટ્સ બનાવ્યાં છે. CCTV અને AI બન્નેની પૂરતી મદદ પોલીસ અને શ્રદ્ધાળુઓ બન્નેને મળી રહે એ રીતે સિક્યૉરિટી પણ ઍડ્વાન્સ લેવલની ઊભી કરવામાં આવી છે. કુંભમેળામાં જે રીતે દોડધામની એક-બે નાની ઘટનાઓ બની હતી એના પરથી શીખ લઈ આ વખતે સરકારે વધુ સજ્જ વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ સંત-મહાત્માઓ માટેના ટેન્ટ્સ, અખાડા વગેરેનો આખોય મૅપ તૈયાર થયો અને એક હંગામી શહેર ઊભું કર્યું હોય એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે.
આ વખતના મેળામાં ખાસ આકર્ષણ તરીકે બે મુખ્ય ચીજો છે. એક યોગ પ્રક્રિયા અને યોગ શીખવાની શિબિરો અને બીજો સાંસ્કૃતિક કાર્યક્રમો. વ્યવસ્થાપકો કહી રહ્યા છે કે ૧૫ ફેબ્રુઆરી સુધી મેળામાં રોજ કોઈક ને કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમણે આયોજન કર્યું છે જે શ્રદ્ધાળુઓ માટે એક નવો અને આકર્ષક અનુભવ બની રહેશે. આ સિવાય કલ્પવાસ માટે અલગથી ટેન્ટ્સ અને પવિત્ર સ્નાન માટે પણ અલાયદી વ્યવસ્થાઓ તો ખરી જ.
નેક્સ્ટ લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ આશરે ૨૪૨ કિલોમીટર જેટલા પાણી પર તરતા પૂલ બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં, ૮૫ કિલોમીટરની નવી સિવેજ લાઇન્સ પણ બનાવવામાં આવી છે જે ૨૫ હજાર જેટલાં ટૉઇલેટ્સની હાઇજીન વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ બનશે.
નેક્સ્ટ લેવલ મેડિકલ ઍન્ડ હેલ્થકૅરઃ ૨૦ બેડ સાથેની આખેઆખી બે નવી નક્કોર હૉસ્પિટલ્સ બનાવવામાં આવી છે. આ સાથે આયુર્વેદિક અને હોમિયોપૅથિક ક્લિનિક્સ તો ખરાં જ. સરકારી હૉસ્પિટલમાં ૨૫૦ બેડની ઇમર્જન્સી સારવાર સુવિધાઓ અલગ. એટલું જ નહીં, કોઈ પણ સમયે સેવામાં હાજર એવી ૫૦ એમ્બ્યુલસ, જે મેળામાં અને એની આસપાસના વિસ્તારમાં હરપળ ઉપલબ્ધ હશે.
નેક્સ્ટ લેવલ સ્માર્ટ સિક્યૉરિટી - મેળાનો ફેલાવો લગભગ ૨૦ કિલોમીટરના દાયરામાં ફેલાયેલો છે તો આ ૨૦ કિલોમીટરમાં કુલ ૧૭ પોલીસ-સ્ટેશન્સ છે અને કુલ ૪૨ પોલીસ ચોકીઓ. એટલું જ નહીં, આખાય વિસ્તાર પર નજર રાખવા માટે ૪૦૦ કરતાંય વધુ CCTV કૅમેરા છે. આ બધા સાથે ક્રાઉડ મૅનેજમેન્ટમાં મદદ કરશે ઍડ્વાન્સ AI સિસ્ટમ. જે ક્રાઉડ પ્રિડિક્શન્સથી લઈને એની વ્યવસ્થા સુધ્ધાંમાં મદદ કરશે. હજી વાત અહીં જ નથી અટકતી, દરેક પોલીસ-કર્મચારીને સ્પેશ્યલ ટ્રેઇનિંગ આપવામાં આવી છે જેમાં દરેક વિઝિટર સાથે તેઓ નરમાશ અને સલૂકાઈથી વાત કરી શકે ત્યાંથી લઈને અંગ્રેજી ભાષામાં વાત કરવામાં પણ એકેય પોલીસકર્મી પાછળ ન પડે એ લેવલનું પ્રિપેરેશન કરાયું છે.
નેક્સ્ટ લેવલ ટ્રાન્સપોર્ટ - વધારાની ફલાઇટ્સ, વધારાની ટ્રેન્સ આ બધી વ્યવસ્થા તો હવે જૂની જાણીતી થઈ એમ કહો. ઉત્તર પ્રદેશ સરકારે લોકલ ટ્રાન્સપોર્ટ માટે સુસજ્જ વ્યવસ્થા ઊભી કરી છે ૭૫ જેટલી ઇલેક્ટ્રિક શટલ બસોની અને એની સાથે ૩૮૦૦ જેટલી ઉત્તર પ્રદેશ રાજ્યની બસો તો ખરી જ.

બ્રહ્મમુહૂર્તમાં આરતી કરતી મહિલા.
વિશેષ આકર્ષણ - યોગ ક્લાસિસ અને યોગસાધના સિવાય બે મુખ્ય આકર્ષણો આ વખતના મેળામાં સામેલ થઈ રહ્યા છે. એક, દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બીજું, આ વખતના મેળામાં પહેલી વાર રાજ્ય સરકારે મેળાનો ઑફિશ્યલ લોગો પણ તૈયાર કર્યો છે જેમાં ત્રિવેણી સંગમ, અક્ષય વટ અને સાઇબેરિયન પક્ષીઓ ચિત્રિત દેખાઈ રહ્યાં છે.
આજની તેજ રફતાર જિંદગીમાં આપણે દરેક અનેક પ્રકારના માનસિક તનાવ અને દોડધામ વચ્ચે જીવવા કરતા દોડતા વધુ રહીએ છીએ. માઘમેળા જેવો ધાર્મિક ઉત્સવ આપણને થોડું રોકાઈ જવા માટે, વિચાર કરવા માટે અને પોતાની જાત સાથે ફરી જોડાણ સાધવા માટે પ્રેરે છે. આ મેળો આપણા જીવનમાં સાદગી, સંયમ અને સંતુલનનું મહત્ત્વ સમજાવે છે. આથી જ કહેવાયું છે કે માઘમેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ માનસિક અને આત્મિક શુદ્ધિનું પર્વ છે. પ્રયાગરાજનો માઘમેળો એ માત્ર એક આયોજન કે માત્ર એક મેળો નથી પરંતુ એ ભારતની જીવંત પરંપરાનો બેનમૂન નમૂનો છે. જે આપણને આપણા મૂળ સાથે જોડે છે, આપણી આસ્થાને વધુ મજબૂત કરે છે. અને એ યાદ કરાવે છે કે સાચી શાંતિ ભીડ કે દોડધામથી નહીં પરંતુ થોડું રોકાઈ જવાથી, વિશ્વાસ અને શ્રદ્ધાથી મળે છે.
માઘમેળાનું આધુનિક સ્વરૂપ
જેમ-જેમ વધુ ને વધુ લોકો મેળામાં સમ્મિલિત થતા ગયા તેમ-તેમ મેળાનું સ્વરૂપ પણ બદલાતું ગયું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્ત્વ અપાવા માંડ્યું. મેળામાં સ્ટૉલ્સ કે બૅનર્સ કે જાહેરાતો દ્વારા સરકાર અને બીજી સંસ્થાઓ પોતાનાં આયોજનો અને યોજનાઓ વિશે લોકોને જણાવવા માંડ્યા.
ધાર્મિક મેળાનું સ્વરૂપ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ અને અનુષ્ઠાનો પૂરતું જ સીમિત ન રહેતાં ઉજવણી અને ખાણી-પીણીનો પણ એક મહાઉત્સવ બનવા માંડ્યો. સાધુ-સંતોના મેળાવડાનું અને ધર્મ પરિષદથી લઈને શાસ્ત્રાર્થ માટે મેળો એક મહત્ત્વનો પ્રસંગ બનતો ગયો. અનેક સાધુ-સંતો અને તેમના અખાડાની હંગામી શિબિર સ્થપાવા માંડી અને સાથે જ નિતનવી શિલ્પકલાઓ, ખાવાની વાનગીઓ વગેરેના સ્ટૉલ્સ પણ શરૂ થયા. આજે હવે માઘમેળો માત્ર ધાર્મિક મેળો નહીં રહેતાં એક ધાર્મિક પર્યટન ઉત્સવ બની ગયો છે.


