જીવનમાં જ્યારે ગુરુની કૃપા થાય છે ત્યારે વિવેક પણ જાગૃત થાય છે અને જીવ ભગવદ્ અભિમુખ પણ બને છે
સંત દાદુ દયાલ
જીવનમાં જ્યારે ગુરુની કૃપા થાય છે ત્યારે વિવેક પણ જાગૃત થાય છે અને જીવ ભગવદ્ અભિમુખ પણ બને છે. આ સંદર્ભમાં સંત દાદુ દયાલની એક વાત ખૂબ પ્રસિદ્ધ છે.
એક વાર ચોમાસામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. દાદુ પોતાની દુકાનમાં બેઠા હતા. કોઈ ગ્રાહક નહોતા કેમ કે જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. દાદુ પૈસાનો હિસાબ કરી રહ્યા હતા. થોડા પૈસાનો હિસાબ નહોતો મળતો અને એ જ વખતે તેમના ગુરુજી આવ્યા. આવીને ગુરુજીએ દુકાન બહાર ઊભા રહીને જોયું કે દાદુ તો દુકાનના કામમાં વ્યસ્ત છે. ગુરુ કંઈ બોલ્યા નહીં, વરસાદમાં ભીંજાતા દુકાનની બહાર જ ઊભા રહ્યા.
ADVERTISEMENT
પંદર-વીસ મિનિટ, અડધો કલાક પસાર થઈ ગયો.
ગુરુ તો ઊભા રહ્યા. દાદુ તેમના કામમાં મશગૂલ હતા. જ્યારે બધા હિસાબનો તાળો મળી ગયો ત્યારે તેમને શાંતિ થઈ. પૈસા સંભાળીને મૂકી દીધા, હિસાબનો ચોપડો બંધ કર્યો અને બહાર નજર દોડાવી. તેમણે જોયું તો વરસાદ તો હજી વરસી રહ્યો હતો પણ દુકાનની બહાર ગુરુજી ભીંજાતા ઊભા હતા.
દાદુને દુ:ખ થયું. આવીને તે ગુરુજીના પગમાં પડી ગયા.
‘મને માફ કરો ગુરુજી, મારું ધ્યાન જ નહોતું. હું મારા કામમાં વ્યસ્ત રહ્યો અને તમારે અહીં પ્રતીક્ષા કરવી પડી.’
ગુરુજીએ દાદુને ઊભા કરતાં કહ્યું, ‘હું અડધા કલાકથી ઊભો-ઊભો તારી પ્રતીક્ષા કરતો હતો તેથી તને દુઃખ થયુંને? તો દાદુ, પરમાત્મા યુગોથી તારી પ્રતીક્ષા કરી રહ્યા છે. તું કેટલા જન્મ સુધી આમ જ ભટકતો રહીશ? પ્રભુ ઘણા સમયથી તારી પ્રતીક્ષા કરી રહ્યા છે, તેને ક્યાં સુધી
તું ઊભા રાખીશ?’
ગુરુજીનું આ વાક્ય સાંભળી દાદુ જાગી ગયા. સંસાર છૂટી ગયો, સંસારની મમતા મટી ગઈ. જુઓ, સદ્ગુરુ કોઈ ને કોઈ બહાને જીવને જગાડી ભગવદ્ અભિમુખ કરે છે અને એટલે જ કીધું છેને...
પ્રભુ પદ પ્રગટ કરાવતા પ્રીતિ
ભરમ મિટાવત ભારી
પરમ કૃપાલુ સકલ જીવન પર
હરિ સમ દુખ હારી
જગત માંહી સંત પરમ હિતકારી
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે.)


