Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મા એ પહેલી ગુરુ છે તો એનાથી અવળું પણ, ગુરુ એ પહેલી મા પણ છે

મા એ પહેલી ગુરુ છે તો એનાથી અવળું પણ, ગુરુ એ પહેલી મા પણ છે

Published : 15 May, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


આપણે વાત કરતા હતા કે ‘કૃષ્ણમ્ વન્દે જગદગુરુમ્’ શું કામ કહેવાય છે?

શું આખું વિશ્વ તેમની પાસે દીક્ષા લેવા આવેલું? બધાએ તેમના નામની કંઠી પહેરી? અરે, આજના કાળમાં જ્યાં યાતાયાતનાં આટઆટલાં આધુનિક સાધનો છે એ સમયમાં પણ તમે દાવો કરી શકો એમ નથી કે આ પૃથ્વીના પટ પર રહેનારો પ્રત્યેક માનવ કહેવાતો જીવ કૃષ્ણને ઓળખતો હોય, કૃષ્ણચરિત્રથી પરિચિત હોય. એ કાળમાં સૌ શ્રીકૃષ્ણને જાણતા જ હશે. ઈશ્વરની ઉપાસના તો સર્વકાલિક અને સાર્વદેશિક છે; પરંતુ એક ફિલોસૉફરના રૂપમાં, પ્રજ્ઞાવાન પુરુષના રૂપમાં તમે કૃષ્ણને જુઓ તો એ કાળમાં પણ આખી દુનિયા કૃષ્ણને ઓળખતી નહોતી. ગોકુળ ભલે ગાંડું થયું હોય, દ્વારકામાં ભલે કૃષ્ણ ઊપડ્યા ન ઊપડતા હોય તો પછી આખું જગત તેમનાથી દીક્ષિત હશે, આખું જગત તેમને ગુરુ માનતું હશે એમ કેમ કહેવાય? કૃષ્ણ જગદગુરુ કેમ? બસ, આ જ રીતે. તે જગદગુરુના વિચારોને તમે જુઓ! તેની ગીતા તમે વાંચો. આ સંસ્કારદાત્રી માતાની વાત છે એટલે એમાં હું ગીતાને મૂકું. ગીતા સંસ્કારદાત્રી મા છે.



કદાચ વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે જેની જયંતી ઊજવાતી હોય! ગીતા જયંતી. જે ઉત્પન્ન થાય એ લાંબું ટકે નહીં. એ ક્યારેક સમાપ્ત થાય, પણ જે પ્રગટ થાય એ ચિરંતન હોય છે. ગીતા પ્રગટ થઈ તેથી ગીતા જયંતી ઊજવાય છે.


તુલસીનું કાવ્ય પ્રગટ થયેલું કાવ્ય છે. એ લખાયેલું છે એમ કહેવું એ એનો પૂર્ણ આદર કરવા સમાન નથી. એટલા માટે એનો આદર અત્યારે પણ એટલો જ છે. ભાગવત પ્રગટ થયું છે, ગીતા પ્રગટ થઈ છે. આ ગ્રંથો એ પણ ગુરુ છે. આ જન્મદાત્રી માતાઓ છે. એટલા માટે કથા માતાની વાત કરી હતી. તમે કથા સાંભળો છો એનો મતલબ એ છે કે કથારૂપી માતાએ તમને બધાને ખોળે લીધા છે. સુખનું ઠેકાણું હોય તો એ માનો ખોળો છે. નાનું બાળક બીજું કંઈ જાણતું નથી. આવી રીતે કથારૂપી માતાનો ખોળો આપણને પ્રાપ્ત થયો છે.

એમ સંસ્કારદાત્રી માતાઓમાં પણ જેમ જડ અને ચેતન બધા ગુરુ એમ સંસ્કારદાત્રી ગ્રંથના રૂપમાં પણ હોય અને સ્ત્રીના રૂપમાં પણ હોય. જગદગુરુની એક બીજી વ્યાખ્યા મળે છે કે આખું જગત તેમને ગુરુ તરીકે સ્વીકારતું હોય એ ગુરુ નહીં. કેટલા ગુરુની વાત દત્ત ભગવાને કહી. ગ્રંથને પણ ગુરુ માનવાની વાત સંત તુલસીદાસજીએ કહી છે.


મા એ પહેલી ગુરુ છે અને ગુરુ એ મા પણ છે. આ ગ્રંથ ગુરુ પણ છે અને એ મા પણ છે, સંસ્કારદાત્રી જનેતા છે. કોઈક સારું પુસ્તક ક્યાંક તમને પ્રભાવિત કરી જાય, તમારા વિચારોને અ‌ને તમારી ભાવનાને સ્પર્શ કરી જાય, તમારા જીવન-પ્રવાહને એક નવો વળાંક આપી જાય એ પુસ્તકને માની જેમ સાચવવું, માની જેમ ભક્તિ કરવી. તો ગીતા પણ મા છે. કથા મા છે. આ બધા ગ્રંથો એ મા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK