ક્ષમાપના પર્વ તરીકે ઊજવાતા પર્યુષણના ૮ દિવસની ગોઠવણી એ રીતે થઈ છે કે વ્યક્તિ જો બરાબર એમાં ઇન્વૉલ્વ થઈને સાધના કરે તો મનનું શુદ્ધીકરણ નિશ્ચિત છે. આજે પર્યુષણના પહેલા દિવસે એની રચના પાછળ રહેલા વિજ્ઞાન પર વાત કરીએ
પ્રતીકાત્મક તસવીર
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ એટલે કે તમામ તહેવારોનો રાજા માનવામાં આવે છે. સામાન્ય ઉત્સવોમાં આહ્લાદ, ભૌતિક આનંદ અને ખાન-પાન મુખ્ય હોય છે; જ્યારે પર્યુષણ એ અંતર્મુખી બનીને આત્માની શુદ્ધિ કરવાનું પર્વ છે. પર્યુષણ એ માત્ર ધર્મક્રિયાઓના રૂટીનને અનુસરવાના દિવસો નથી; મન, વચન અને કાયાની શુદ્ધિ માટેનું એક અત્યંત વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક માળખું છે. મૅથેમૅટિકલી આ ૮ દિવસની ગોઠવણી એ રીતે કરવામાં આવી છે કે જો વ્યક્તિ પૂરા સમર્પણ સાથે એમાં ઇન્વૉલ્વ થઈને આરાધના કરે તો મનમાં સંચિત થયેલા ક્રોધ, લોભ જેવા કષાયોની તીવ્રતા ઘટવી પૂરી રીતે શક્ય છે. આજથી શરૂ થઈ રહેલા પર્યુષણ પર્વની સાથે પર્યુષણની વિશેષ લેખમાળાના પહેલા અધ્યાયમાં પર્યુષણ શું કામ ખાસ છે, પર્યુષણનું અંતિમ ધ્યેય શું છે અને કઈ રીતે આજથી શરૂ થતા ૮ દિવસને ઊજવવા જોઈએ એ જાણીએ.
તમે ધર્મ કર્યો કે ધર્મક્રિયા?
ADVERTISEMENT
જૈન આચાર્ય ભગવંત ધર્મ અને ધર્મક્રિયાનો અર્થ સમજાવવાની એક અનોખી લિટમસ ટેસ્ટ આપે છે. ધર્મક્રિયા તમને સદ્ગતિ આપશે, પણ ધર્મ તમને પરમ ગતિ સુધી લઈ જશે. જોકે બન્ને વચ્ચેનો ભેદ કેમ સમજવો? એનો સરળ ઉપાય છે કે દરેક ક્રિયા પછી જાતને પૂછો કે આમ કરવાથી મારા મનના રાગ અને દ્વેષ ઓછા થયા? જો જવાબ હા હોય તો તમે ધર્મ કર્યો અને ના હોય તો તમે માત્ર ધર્મક્રિયા કરી કહેવાય.
અર્થ સમજીએ
જૈન પરંપરાના મૂળ આગમ ગ્રંથો અર્ધમાગધી અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. પ્રાકૃત ભાષામાં આ પર્વ માટે મૂળ શબ્દ પજ્જુસણા અથવા પરિજુસણા છે. કાળક્રમે સંસ્કૃત ભાષામાં એનું શાબ્દિક રૂપાંતરણ પર્યુષણ થયું. જૈન આચાર્યો અને પ્રાચીન શાસ્ત્રકારોએ પર્યુષણ શબ્દને મુખ્યત્વે બે સંસ્કૃત ધાતુઓ અને ઉપસર્ગના આધારે વિગતવાર સમજાવ્યો છે. પરી વત્તા વસન. એમાં પરી એટલે કે ચારેય તરફથી, સંપૂર્ણપણે, ચોમેરથી અને વસન એટલે કે નિવાસ કરવો, વાસ કરવો કે સ્થિર થવું. આખું વર્ષ માનવમન અને ઇન્દ્રિયો બાહ્ય જગતના વિષયો, ભૌતિક સુખો, વ્યાપાર-ધંધા અને રાગ-દ્વેષમાં દોડતું રહે છે. પર્યુષણના દિવસોમાં મનને ચારેય તરફથી સંકોચીને પોતાના શુદ્ધ આત્મામાં સ્થિર કરવું એને પર્યુષણ કહેવાય છે. બીજી એક વ્યાખ્યા મુજબ પર્યુષણ શબ્દ પરી અને ઉષણ આ બે શબ્દના સંયોજનથી બન્યો છે. પરી એટલે કે સંપૂર્ણ રીતે અને ઉષણ એટલે કે તપાવવું, સળગાવવું કે બાળીને નષ્ટ કરવું. તપ, સંયમ, સ્વાધ્યાય અને જપરૂપી અગ્નિ દ્વારા આત્મા પર ચોંટેલા ક્રોધ, માન, માયા અને લોભ જેવા ચાર કષાયો તેમ જ પ્રાચીન કર્મરૂપી કચરાને ચારેય બાજુથી બાળીને સાફ કરવાનું પર્વ એટલે પર્યુષણ.
અહીં જૈન ખગોળ-ભૂગોળના જાણકાર વૈજ્ઞાનિક ગ્રંથોના રચયિતા આચાર્ય શ્રી નંદીઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘પર્યુષણનું હાર્દ ક્ષમાપના થકી આત્માશુદ્ધિ છે જેને પામવા માટે ૮ દિવસની ટ્રેઇનિંગની બહુ જ સુંદર લૉજિકલ વ્યવસ્થા પૂર્વના આચાર્યોએ કરી છે. જો તમારે અંતરની શુદ્ધિ જોઈએ છે તો તમારે માફ કરવા પડે અને માફી માગવી પડે. મનમાં વેર-ઝેરની ગાંઠ સાથે ક્યારેય આત્મશુદ્ધિ થાય જ નહીં. હવે પ્રશ્ન એ છે કે આ માફી માગવી અને આપવી સહેલી તો નથી. એના માટે શું કરવાનું? તો કષાય એટલે કે ક્રોધ, માન, માયા અને લોભને ઘટાડો. આ ૪ જ એ નડતર છે જે તમને માફી માગતા અને માફી આપતા રોકે છે.’
વિશિષ્ટ વ્યવસ્થા
આગળ કહ્યું એમ પર્યુષણનું હાર્દ ક્ષમાપના છે અને ક્ષમાપના વિના આત્મશુદ્ધિ અસંભવ છે. પૂજ્ય નંદીઘોષસૂરિ મહારાજસાહેબ કહે છે, ‘કોઈને માફ કરવા કે કોઈની માફી માગવી ત્યારે જ સરળ બને જ્યારે કષાયો નબળા પડે. શાસ્ત્રોમાં કષાયોની તીવ્રતાના આધારે ૪ સ્તર દર્શાવ્યાં છે. સંજ્વલન એટલે કે સૌથી ઓછી તીવ્રતા, જે સામાન્ય રીતે ૧૫ દિવસ સુધી ટકે. પ્રત્યાખ્યાનાવરણ એટલે કે મધ્યમ તીવ્રતા, જે આશરે ૪ મહિના સુધી પ્રભાવ રાખે. અપ્રત્યાખ્યાનાવરણ એટલે કે ઉચ્ચ તીવ્રતા, જે આખા વર્ષ સુધી મનમાં ગાંઠ બાંધી રાખે. અનંતાનુબંધી એટલે કે અત્યંત ઘોર તીવ્રતા, જે આજીવન અથવા ભવોભવ સુધી વેર-વિરોધ કાયમ રાખે. જો સંવત્સરીના દિવસે પણ ક્ષમાપના ન થાય અને વેરની ગાંઠ અકબંધ રહે તો એ અનંતાનુબંધી કષાય જીવને સંસારભ્રમણ અને દુર્ગતિ તરફ દોરી જાય છે. આ જ કારણથી પૂર્વના સમર્થ આચાર્યોએ ૮ દિવસનું મનોવૈજ્ઞાનિક માળખું ઘડ્યું છે. પ્રથમ ૩ દિવસ અમારી (જીવદયા) પ્રવર્તન એટલે કે અહિંસાના માહાત્મ્ય પર પ્રવચનો અને કર્તવ્યો દ્વારા કષાયોને મંદ કરવા. ચોથા અને પાંચમા દિવસે પ્રભુ મહાવીરના જીવનચરિત્રના શ્રવણ દ્વારા સમભાવની સાધના કરવી અને સરળતા કેળવવી; ચંદનબાલા, મૃગાવતી કે ગજસુકુમાલ જેવાં ઉત્તમ દૃષ્ટાંતો દ્વારા ક્ષમાની ભૂમિકા તૈયાર કરવી. અંતિમ ચરણમાં કઠોર મનને કોમળ બનાવી ‘ખામેમી સવ્વ જીવો, સવ્વે જીવા ખમંતુ મેં, મિતિમે સવ્વ ભુવેસુ, વેરં મજ્ઝ ન કેણઈ’ એટલે કે બધા જીવો મને ક્ષમા કરે, હું બધા જીવોને ક્ષમા કરું છું, બધા જીવો સાથે મારે મૈત્રી છે અને વેર કોઈ સાથે નથી એ ભાવ સાથે અહંકાર ઓગાળીને જાતને નિર્મળ કરીને આત્મામાં લીન કરવી એ જ પર્યુષણનું પ્રયોજન છે. બીજી મહત્ત્વની વાત એ કે આધ્યાત્મિક સાધના સીધી રીતે આપણી આંતરિક ઊર્જા અને આભામંડળ સાથે જોડાયેલી છે. જેમ કષાયો વધે એમ આભામંડળ સંકોચાઈને કલુષિત અને નકારાત્મક બને છે; પરંતુ જેમ સમભાવ અને ક્ષમા વધે એમ આભામંડળ શુદ્ધ, તેજસ્વી અને શુક્લ લેશ્યા તરફ ગતિ કરે છે.’
ઑપરેશન પહેલાંની તૈયારી
સામાન્ય રીતે કોઈ મોટું ઑપરેશન થવાનું હોય તો વિવિધ ટેસ્ટ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, વિવિધ રિપોર્ટ્સ કરાવવાનું કામ બે-ત્રણ દિવસ પહેલાં જ ઍડ્મિટ કરીને ડૉક્ટર શરૂ કરી દેતા હોય છે એમ જણાવીને પર્યુષણનો મહિમા સમજાવતાં અગ્રણી જૈન શ્રાવક, વિવેચક, વક્તા અને અભ્યાસી અતુલ શાહ કહે છે, ‘હકીકતમાં સૌથી વધુ મહત્ત્વ સંવત્સરીનું છે. અઢી કલાકના એ ઑપરેશનની તૈયારી આગળના સાડાસાત દિવસ દરમ્યાન કરવાની છે જેથી ઑપરેશન દરમ્યાન જ્યારે વાર્ષિક ક્ષમાપના કરો તો એમાં ભાવોની નિર્મળતા ભળેલી હોય. પર્યુષણ મનના પ્રદૂષણને દૂર કરવાનું પર્વ છે, પર્યુષણ પશુતામાંથી પ્રભુતા તરફ લઈ જવાનું પર્વ છે, પર્યુષણ મનની હિંસકતા, મનની ક્રૂરતાને દૂર કરવાનું પર્વ છે. તમારે તીર્થમાં જવું પડે જ્યારે પર્વો તમારી પાસે આવતાં હોય છે. સૂર્ય અને ચંદ્ર સૌથી વધુ નજીક ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે. સૂર્યને આત્માની ઉપમા આપી છે અને ચંદ્રને મનની ઉપમા આપી છે. એ સમયે પ્રકૃતિ પણ તમને અનુકૂળ વાતાવરણ આપે છે જેમાં તમારાં મન અને આત્મા બહુ નજીક આવી જાય છે. ગ્રહોની ગોચર વ્યવસ્થા એવી છે એટલા માટે ભાદરવા સુદ ચોથની વ્યવસ્થા કરવામાં આવી. આત્માની સાથે જોડાણ અને અનુસંધાન કરી શકે છે. પ્રતિક્રમણ એ માત્ર મંત્રોચ્ચાર નથી; આખા વર્ષ દરમ્યાન મન, વચન અને કાયાથી થયેલી હિંસા, પ્રમાદ અને કટુતાનું ઑડિટ છે. એક-એક ‘મિચ્છા મિ દુક્કડં’ જો આંખમાં પશ્ચાત્તાપનાં આંસુ સાથે, હૃદયની સરળતાથી નીકળે તો જન્મોજન્મનાં કર્મો ક્ષણવારમાં ખપી જાય છે.’
