શ્રાવણમાં ગંગાજળ લઈને મહાદેવને અર્પણ કરવાની કાવડયાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ સંકલ્પ, સંયમ, ત્યાગ અને શ્રદ્ધાની કઠિન સાધના છે. જાણીએ આ પરંપરાની શરૂઆત, પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક મહત્ત્વ.
કાવડયાત્રા એટલે ગંગાનું પવિત્ર જળ લઈને પવિત્રતાની શોધમાં નીકળવું
શ્રાવણ મહિનામાં ગંગાનું જળ લઈને મહાદેવના શિવલિંગ પર ચડાવવાની આ અનોખી યાત્રા પાછળ બેથી ત્રણ પૌરાણિક કથાઓ પ્રચલિત છે. આજે ભલે એના આધુનિક સ્વરૂપમાં જાતજાતની રંગબેરંગી કાવડો, ગાડીઓ, રથ અને અલગ-અલગ થીમ સાથે સરઘસો નીકળતાં હોય; એનો અસલી હેતુ હતો કઠોર તપસ્યા કરવાનો અને જાત પર સંયમ અને સંતુલન કેળવતી એક વિશેષ આંતરિક પ્રક્રિયામાંથી પસાર થવાનો
પગપાળા થતી એક એવી યાત્રા, જે માત્ર ભક્તિ ન રહી જતાં તપસ્યામાં પરિવર્તિત થાય છે. શ્રાવણ મહિનો આવે એટલે ઉત્તર ભારતના રસ્તાઓ જાણે ભગવા રંગે રંગાઈ જાય છે. હરિદ્વાર, ગંગોત્રી, ગૌમુખ કે બીજા અન્ય પવિત્ર ઘાટો તરફથી ગંગાજળ ભરેલી હજારો કાવડ ખભે ઊંચકાય અને યાત્રીઓનાં પગલાં એક જ દિશા તરફ આગળ વધવા માંડે અને તે દરેકનું સરનામું એટલે મુકામ પોસ્ટ શિવાલય. કોઈના ખભા પર સાદી વાંસની કાવડ હોય તો કોઈની કાવડ પર ફૂલો કે રોશનીનો શણગાર હોય, કોઈની કાવડ વળી વિશાળ હોય તો કોઈકની કલાત્મક; પરંતુ એ દરેક કાવડમાં જો કોઈ એક ચીજ કૉમન હોય તો એ છે યાત્રા પાછળનો ભાવ- ‘ગંગાજળ લઈને મહાદેવના શિવલિંગ પર અર્પણ કરવું.’
‘બોલ બમ... હર હર મહાદેવ...’ના નાદ સાથે પગપાળા ચાલતો કાવડિયો માત્ર એક યાત્રી નથી. તે પોતાના શરીરને સાધન અને દરેક ડગલાંને જપ અને યાત્રાને તપસ્યા બનાવીને આગળ વધતો હોય છે. બહારથી સામાન્ય નજરે જોતાં આ ભલે એક ધાર્મિક યાત્રા દેખાતી હોય, પરંતુ વાસ્તવમાં કાવડ અને એની સાથે થતી યાત્રા સંકલ્પ, સંયમ, ત્યાગ, શ્રદ્ધા અને આત્મસમર્પણની યાત્રા છે. ભારતમાં આ રીતની અનેકો ધાર્મિક યાત્રાઓ પ્રસંગે-પ્રસંગે થતી હોય છે, પરંતુ કાવડયાત્રા એ સંખ્યાની દૃષ્ટિએ આ બધી યાત્રાઓમાં કદાચ સૌથી મોટી વાર્ષિક ધાર્મિક યાત્રા છે. આ વર્ષે એટલે કે ૨૦૨૬માં હમણાં સુધીમાં અંદાજે ૪.૮ કરોડ જેટલા કાવડિયાઓ હરિદ્વાર પહોંચ્યા છે. આ જ આંકડો ૨૦૨૫માં આશરે ૪.૫ કરોડ જેટલો હતો અને ૨૦૧૯માં લગભગ ૩.૫ કરોડ કાવડિયા હરિદ્વાર પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યા જ દર્શાવે છે કે આ યાત્રા માત્ર ધર્મ અને ભક્તિને કારણે જ નથી થતી; પરંતુ આધુનિક જીવનમાં કદાચ શહેર, ટેક્નૉલૉજી અને સતત દોડધામભર્યા જીવનની વચ્ચેથી માણસ ફરી એક વાર પોતાના મૂળ સાથે જોડાવાની જરૂરિયાત મહેસૂસ કરે છે. થોડા દિવસ માટે બધું છોડો, પગપાળા ચાલો, નામસ્મરણ કરો અને એક જ લક્ષ્ય તરફ આગળ વધો આ અનુભવ જાણે આધુનિક યુગના માનવી માટે એક પ્રકારનું આધ્યાત્મિક ‘રીસેટ’નું બટન સાબિત થાય છે.
તો સવાલ એ છે કે આ પરંપરા ક્યારે અને કઈ રીતે શરૂ થઈ? શું કાવડયાત્રા ખરેખર પ્રાચીન કાળથી જ થતી હતી? ખભા પર ગંગાજળ લઈને ચાલવામાં એવું તે કયું આધ્યાત્મિક રહસ્ય છે કે કરોડો લોકો દર વર્ષે આ કઠિન માર્ગ યાત્રા માટે પસંદ કરે છે?
ADVERTISEMENT
કાવડ એટલે શું?
‘કાવડ’ એ મૂળભૂત રીતે એક એવી લાકડાની કે વાંસની દાંડી છે જેના બન્ને છેડે પાત્રો લટકાવ્યાં હોય છે. એ પાત્રમાં ગંગાજળ ભરી, ખભા પર ઊંચકી, સંતુલન જાળવી રાખીને યાત્રી મહાદેવના મંદિર સુધી પ્રવાસ કરતો હોય છે. આપણે બધા જાણીએ છીએ કે સનાતન હિન્દુ ધર્મમાં દરેક વસ્તુ, પ્રસંગ, કથા, પાત્રો દરેકેદરેક ચીજ પ્રતીકાત્મક હોય છે અને એ દરેકનું મહત્ત્વ મનુષ્યને કંઈક ને કંઈક શીખવવા માટેનું હોય છે. એ જ રીતે કાવડ અને એની સાથે થતી આ યાત્રા પણ જીવનમાં સંતુલન વિશે અને લક્ષ્ય પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણનો ભાવ સૂચવે છે. આથી કાવડ માત્ર પાણી વહન કરવાનું સાધન નથી, એ જીવનયાત્રાનું એક પ્રતીક છે.
ખભા પર ઊંચકાયેલી કાવડનો એક છેડો શરીરનું ભારણ છે અને બીજો છેડો ભક્તિનો. બન્ને વચ્ચે સંતુલન જાળવીને ચાલવું પડે છે. એ જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ, લાભ અને નુકસાન, આશા અને નિરાશા વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે. યાત્રાના અંતે જ્યારે ગંગાજળ શિવલિંગને અર્પણ થાય ત્યારે એક ક્ષણમાં ભક્તના ખભાનો ભાર ઊતરી જાય છે. અર્થાત્ એ ખભા પરથી એ ક્ષણે માત્ર પાણી જ શિવને અર્પણ નથી થતું; અર્પણ થાય છે અહંકાર, થાક, મનની અશાંતિ, પોતાની ઇચ્છાઓ અને અર્પણ થાય છે ‘હું’ હોવાનો ભાવ. વાસ્તવિક કાવડયાત્રા અને એ યાત્રા પાછળનો વાસ્તવિક આધ્યાત્મિક સંદેશ જ આ છે.
આથી જ કાવડયાત્રાને માત્ર ભગવાં વસ્ત્રો, વિશાળ કાવડ, હજારોની ભીડ કે ‘બોલ બમ’ના નાદથી ઓળખવી એ અધૂરી સમજ છે. વાસ્તવમાં તો એની સાથે જોડાયેલો વિચાર ખૂબ અનેરો છે - ‘પવિત્ર જળ લઈને પવિત્રતાની શોધમાં નીકળવું.’
ક્યારથી શરૂ થઈ?
કાવડ લઈને ચાલનાર ભક્તને ‘કાવડિયો’ અથવા ‘કાવડિયા’ અને આ સમગ્ર યાત્રાને ‘કાવડયાત્રા’ કહેવામાં આવે છે. હિન્દુ કૅલેન્ડર અનુસાર શ્રાવણ મહિનો શરૂ થાય એટલે શિવભક્તો હરિદ્વાર, ગૌમુખ અને ગંગોત્રી જેવાં તીર્થસ્થળોએથી ગંગાજળ લઈ, પોતાની કાવડમાં ભરીને એ શિવને અર્પણ કરવા હેતુ શિવાલય સુધી લઈ જાય છે. પરંપરાગત રીતે આ યાત્રામાં યાત્રીઓ ખુલ્લા પગે ચાલતા, સાત્ત્વિક આહાર લેતા અને યાત્રા દરમ્યાન બીજા અનેક પ્રકારના સંયમનું પાલન કરતા હોય છે. કેટલાક કાવડિયાઓ તો ગંગાજળ ભર્યા પછી કાવડને જમીન પર નહીં મૂકવાનો નિર્ધાર પણ લેતા હોય છે. અંતે આ જળ કોઈ શિવમંદિરમાં શિવલિંગ પર અભિષેકરૂપે અર્પણ કરવામાં આવે છે.
કાવડયાત્રા ક્યારથી શરૂ થઈ એનો જવાબ એક વાક્યમાં આપવો મુશ્કેલ છે, કારણ કે આ યાત્રા વિશેના પૌરાણિક સંદર્ભો અને ઐતિહાસિક પુરાવા બન્ને મળે છે.
ધાર્મિક પરંપરા અને સંદર્ભ
કાવડયાત્રાની શરૂઆત સાથે અનેક કથાઓ જોડાયેલી છે, જેમાંની એક કથા રાવણ સાથે તો એક કથા પરશુરામજી સાથે જોડાયેલી છે. એ જ રીતે એનો સૌથી પ્રાચીન સંદર્ભ છેક સમુદ્રમંથનની કથા સાથેનો છે.
રાવણ પ્રખર શિવભક્ત હતો એ વાત આપણે સૌ જાણીએ છીએ. તેનું રાજ્ય એટલે લંકા જ્યાં તેણે શિવજીની આરાધના માટે એક વિશાળ શિવાલય બનાવ્યું હતું. કહેવાય છે કે રાવણ શિવજીને અભિષેક અર્પણ કરવા માટે લંકાથી ગંગાજીના ઉદ્ગમસ્થાન ગંગોત્રી સુધી પ્રવાસ કરતો અને ત્યાંથી ગંગાજળ ભરીને તેના શિવાલય સુધી લઈ જતો હતો.
આ જ રીતે બીજો સંદર્ભ પરશુરામજી સાથે પણ મળે છે. જેમને સ્વયં શિવનો અંશ કહેવામાં આવે છે એવા પરશુરામજી વિશે એવી કથા પ્રચલિત છે કે તેઓ કૈલાસ પર્વત પર વિરાજતા મહાદેવને ગંગાજળ અર્પણ કરવા હેતુ હરિદ્વારથી ગંગાજળ કાવડમાં લઈ પગપાળા કૈલાસ ગયા હતા.
અને આ બન્નેથી પણ પ્રાચીન કથા કાવડયાત્રાને સમુદ્રમંથન જોડે છે. સમુદ્રમંથન દરમ્યાન જ્યારે એક પછી એક અનેક વરદાનો પ્રાપ્ત થયાં ત્યારે એમાંથી જ હળાહળ વિષ પણ પ્રાપ્ત થયું. અમૃત ગ્રહણ કરવા માટે દરેક દેવતાઓ અને દાનવો તત્પર હતા, પરંતુ વિષ કોઈને મંજૂર નહોતું. જોકે હળાહળ ગ્રહણ કરી શકે એવી કોઈનામાં કાબેલિયત પણ નહોતી. ત્યારે દેવોના દેવ ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિના કલ્યાણ હેતુ એ વિષ ગ્રહણ કર્યું અને એ ઉદર સુધી નહીં લઈ જઈને પોતાના ગળામાં સ્થિત કરી લીધું જેને કારણે તેમનું ગળું નીલવર્ણ થઈ ગયું અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા. એ વિષ ગ્રહણ કરવાને કારણે શિવજીના કંઠમાં જે જ્વાળાઓ અને ગરમી ઉત્પન્ન થઈ એ શાંત કરવા દેવતાઓએ તેમને ગંગાજળ અર્પણ કર્યું. એ જ ભાવનાની સ્મૃતિમાં શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેક કરવાની પરંપરા વિકસી હોવાની પણ ધાર્મિક માન્યતા છે.
ઐતિહાસિક સંદર્ભ
કાવડયાત્રાનો ઐતિહાસિક સંદર્ભ છેક અઢારમી સદીમાં મળે છે. એવી નોંધો મળે છે કે અઢારમી સદીમાં બિહારના જહાંગીરા (આ નામ મહર્ષિ જહનુના નામ પરથી પડ્યું હતું) જે હવે સુલતાનગંજ તરીકે ઓળખાય છે ત્યાંથી ગંગાજળ કાવડમાં પગપાળા યાત્રા દ્વારા દેવધરના વૈદ્યનાથ ધામ સુધી લઈ જવામાં આવતું અને વૈદ્યનાથ મહાદેવને એ ગંગાજળ અભિષેક તરીકે અર્પણ કરવામાં આવતું. આજે આપણે જે વિશાળ સંગઠિત કાવડયાત્રા જોઈએ છીએ એટલી વિશાળ અને મોટી સંખ્યામાં પહેલાંના સમયમાં નહોતી. એને આ સ્વરૂપ અને બદલાવ ધીરે-ધીરે મળ્યાં છે. ઘણા લાંબા સમય સુધી તો આ યાત્રા માત્ર સંતો, સાધુઓ અને તપસ્વીઓ સુધી જ મર્યાદિત હતી; પણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં એનું વિસ્તરણ થયું. એમાંય ખાસ કરીને ૧૯૮૦ના દાયકાથી તો કાવડયાત્રામાં વિશાળ જનભાગીદારી જોવા મળી રહી છે. ધીરે-ધીરે એ પગપાળા યાત્રામાં વાહનો પણ ઉમેરાયાં અને ગંગાજળ ભરવાનાં નવાં-નવાં સ્થળો પણ ઉમેરાયાં. આથી કાવડયાત્રાની આસ્થા કદાચ અત્યંત પ્રાચીન છે, પરંતુ એનું આજનું મહાયાત્રા સ્વરૂપ આધુનિક યુગમાં ઘડાયું છે.
શ્રાવણ મહિનામાં જ કેમ?
કાવડયાત્રા માટે શ્રાવણ મહિનો જ મહત્ત્વનો ગણાવા પાછળ ધાર્મિક અને પ્રાકૃતિક બન્ને કારણો છે. સનાતન હિન્દુ ધર્મ-સંસ્કૃતિમાં શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત મહિનો માનવામાં આવે છે. આ સમય દરમ્યાન શિવપૂજા, ઉપવાસ, રુદ્રાભિષેક, બિલ્વ અને જળાભિષેકનું વિશેષ મહત્ત્વ છે. એટલું જ નહીં, સમુદ્રમંથનની પૌરાણિક કથાનો સંદર્ભ પણ શ્રાવણની શિવભક્તિ જોડાયેલો છે. હળાહળ વિષપાન દ્વારા ભગવાન શિવે દેવ અને દાનવો સહિત સૃષ્ટિને બચાવી હતી. આથી તેમને શીતળતા મળે એ હેતુથી જળ અર્પણ કરવાનું પ્રતીકાત્મક મહત્ત્વ શરૂ થયું.
એનો એક સુંદર પ્રતીકાત્મક હેતુ એ પણ ખરો કે શિવ માત્ર દેવતા નથી, તેઓ સહનશક્તિના પ્રતીક પણ છે. ભક્ત જ્યારે ગંગાજળ અર્પણ કરે છે ત્યારે તે જાણે કહે છે, ‘હે મહાદેવ, તમે જગતનું વિષ સહન કર્યું, મારા જીવનમાં પણ વિષસ્વરૂપ અહંકાર, ક્રોધ અને દુઃખ છે જે આપ સ્વીકારી લઈને અમને શાંત કરો અને સહનશીલ બનાવો.’
ગંગાજળ જ શા માટે?
હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ગંગાજી માત્ર નદી નથી. એમને ‘માતા’ સ્વરૂપે પૂજવામાં આવે છે. પુરાણોમાં ગંગાજીની પવિત્રતા અને એમના જળના આધ્યાત્મિક મહત્ત્વનું વિશદ વર્ણન મળે છે. શિવપુરાણમાં પણ ગંગા અને પવિત્ર જળ સાથે જોડાયેલાં અનેક તીર્થ અને ઉપાસનાના પ્રસંગો મળે છે. એ ગંગાજી જ છે જે હિમાલયમાંથી નીકળીને મેદાનો તરફ આવે છે. એથી ગંગાજળને હિમાલયની પવિત્રતા, પ્રકૃતિ અને આધ્યાત્મિક ઊર્જાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે.
કોઈ કાવડિયો જ્યારે ગંગાના કિનારે પહોંચે છે ત્યારે તે માત્ર એ નદીમાંથી પાણી નથી ભરતો, તે પોતાની યાત્રાનો મુખ્ય સંકલ્પ પૂરો કરવા માટે ‘ગંગાજી’ને પોતાના ખભા પર ધારણ કરે છે જેનો એક અદ્ભુત આધ્યાત્મિક અર્થ છે. જે પાણી સતત વહે છે એને ભક્ત દ્વારા થોડા સમય માટે પોતાના ખભા પર ધારણ કરીને સ્થિર કરવામાં આવે અને ત્યાર બાદ એ શિવજીને અર્પણ કરીને ફરી વહેતું મૂકવામાં આવે. એનો અર્થ કંઈક એવો છે કે આ સતત વહી રહેલા જીવનમાં આપણે કોઈ પણ ચીજ કાયમ માટે રાખી શકતા નથી. જે મળ્યું છે એ અંતે સમર્પિત કરવાનું જ છે. આથી જીવનકર્મની આપાધાપી વચ્ચે થોડો સમય સ્થિર થઈને એ પરમતત્ત્વમાં સમર્પિત થવાની ભાવના કેળવીએ તો અંતે સમર્પણનો એ ભાવ આપણને પણ ઈશ્વરતત્ત્વમાં સમાહિત થવાની કાબેલિયત તરફ લઈ જાય.
કાવડયાત્રા માત્ર યાત્રા નહીં, તપસ્યા
કાવડયાત્રાની સૌથી મોટી વિશેષતા એની શારીરિક કઠિનતા કરતાં માનસિક શિસ્ત છે. પરંપરાગત કાવડિયો તેની એ યાત્રા દરમ્યાન રસ્તા પર ખુલ્લા પગે ચાલે છે. ગરમી હોય, વરસાદ હોય, કાદવ હોય કે લાંબો માર્ગ તે આગળ વધતો રહે છે. સાથે જ યાત્રા દરમ્યાન સાત્ત્વિક ભોજન, બ્રહ્મચર્ય, નશામુક્તિ, સંયમ અને શિસ્તનું પાલન કરવું પણ એટલું જ મહત્વનું છે. આથી જ કાવડયાત્રાને માત્ર તીર્થયાત્રા નહીં પરંતુ એક પ્રકારની સાધના તરીકે જોવી યથાયોગ્ય છે. શિવપુરાણમાં તપસ્યાની મહત્તા સમજાવતાં જળને જીવનદાયક અને જળદાનને પુણ્યદાયક ગણાવવામાં આવ્યું છે.
વાસ્તવમાં કાવડિયાના દરેક પગલે એક સંકલ્પ હોય છે. તે પોતાના શરીરને કહે છે, ‘થાક્યો હોવા છતાં અટકવાનું નથી’; મનને કહે છે, ‘વાસનાઓમાં ભટકવાનું નથી’ અને ભીતરને કહે છે કે ‘મારો માર્ગ મહાદેવ સુધી જાય છે.’ આથી જ તો કાવડયાત્રાનો સાચો અર્થ માત્ર ગંગાજળ પહોંચાડવામાં નથી, પરંતુ પોતાની અંદરના અશાંત મનને એકાગ્રતા સુધી પહોંચાડવાનો છે.
બોલ બમ - જય ભોલે
લાંબા માર્ગ પર ચાલતા કાવડિયાઓ વારંવાર ‘બોલ બમ’, ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ જેવો જયઘોષ કરે છે. આ નાદ થાકેલા શરીરને નવી ઊર્જા આપે છે અને સમૂહને એકતાનો અનુભવ કરાવે છે, જેને કારણે વ્યક્તિગત યાત્રા ધીમે-ધીમે સામૂહિક ભક્તિમાં પરિવર્તિત થાય છે.
આવા ભક્તિમાર્ગ પર નીકળેલા વાંછુકો, કાવડિયાઓ માટે રસ્તામાં અજાણ્યા લોકો ભોજન, પાણી, આરામની જગ્યા અને તબીબી સહાયની વ્યવસ્થા કરે છે. આ દૃષ્ટિએ કાવડયાત્રા માત્ર ભક્તિ નહીં, પરંતુ સેવા અને સહઅસ્તિત્વની સંસ્કૃતિનું પણ દૃષ્ટાંત રચે છે. ઘણા કાવડિયાઓએ કાવડને સીધી જમીન પર નહીં મૂકવાનો સંકલ્પ લીધો હોવાને કારણે તેમના માટે રસ્તામાં વિશેષ સ્ટૅન્ડ પણ બનાવવામાં આવ્યાં હોય છે. આ નિયમનો આધ્યાત્મિક અર્થ પણ કેવો સુંદર છે. ગંગાજળને પવિત્ર તો માનવામાં આવે જ છે અને કાવડમાં રહેલું જળ પણ હવે સામાન્ય પાણી નથી રહ્યું, એ ‘સંકલ્પનું જળ’ બની ગયું છે. આથી એને સતત ઊંચું રાખવું, મૂકવું નહીં એ નક્કી કરેલો સંકલ્પ પૂર્ણ કર્યા વિના મૂકવો નહીં અને હંમેશાં ઉચ્ચ સંકલ્પ રાખવાનું પ્રતીક છે.
કાવડયાત્રાની સૌથી સુંદર વાત જ એ છે કે એમાં ગંતવ્ય કરતાં યાત્રાનું મહત્ત્વ વધારે છે. ગંગાજળ તો થોડા કલાકોમાં વાહન દ્વારા પણ પહોંચી શકે, પરંતુ ભક્ત એને ખભા પર લઈને દિવસો સુધી ચાલે છે. શા માટે? કારણ કે ભગવાન સુધી પહોંચવા માટે માત્ર વસ્તુ અર્પણ કરવી પૂરતી નથી, પોતાને અર્પણ કરવાની ભાવના અને સમર્પણનો ભાવ કેળવવાનું મહત્ત્વ છે.
આસ્થાના ઉત્સવમાં સમસ્યાઓ પણ છે અપરંપાર
આ યાત્રામાં ગંગાજળ માત્ર હરિદ્વારથી જ નહીં; ગૌમુખ અને ગંગોત્રી ઉપરાંત સુલતાનગંજ, પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસી જેવાં સ્થળેથી પણ લેવામાં આવે છે અને આખરે વિવિધ શિવમંદિરોમાં અર્પણ કરવામાં આવે છે. જોકે કાવડયાત્રાની આ વિશાળતા સાથે જ અનેક પડકારો પણ જોડાયેલા છે. ભારે ભીડ, ટ્રાફિક, કચરો, ધ્વનિપ્રદૂષણ, માર્ગસુરક્ષા અને પર્યાવરણ જેવા પ્રશ્નો દર વર્ષે વધુ ને વધુ જટિલ સ્વરૂપ ધારણ કરતા જાય છે.
આ પ્રશ્નોનો આશય ભક્તિ સામે પ્રશ્નો ઊભા કરવાનો નથી, પરંતુ એથી સાવ ઊલટું ભક્તિની સાચી ભાવનાને વધુ જવાબદાર બનાવવી જરૂરી છે એ કહેવાનો છે. વિચાર કરો કે જો આપણી ધર્મ-સંસ્કૃતિમાં ગંગાજીને માતા તરીકે પૂજવામાં આવતાં હોય તો એ જ ગંગા નદીમાં કચરો ફેંકવો ભક્તિ કેવી રીતે હોઈ શકે? જો શિવ કલ્યાણના પ્રતીક હોય તો યાત્રા દરમ્યાન રસ્તામાં અન્ય લોકોને મુશ્કેલી પહોંચાડવી, ગંદકી કરવી કે મોટે-મોટેથી DJ વગાડી ધ્વનિપ્રદૂષણ કરવું એ શિવભક્તિ કેવી રીતે હોઈ શકે? જો કાવડ તપસ્યા છે તો અહંકાર, ઉશ્કેરાટ અને હિંસા માટે એમાં સ્થાન કઈ રીતે હોઈ શકે? આ પ્રશ્નો કાવડયાત્રાની ટીકા માટે નહીં, એની મૂળ આધ્યાત્મિક ભાવનાને વધુ શુદ્ધ બનાવવા માટે જરૂરી છે.
સૌથી કઠિન યાત્રા કરે છે ડાક બમ
કાવડયાત્રામાં સૌથી કઠિન અને અનોખી પરંપરાઓમાં ડાક બમનો સમાવેશ થાય છે. કોણ હોય છે આ ડાક બમ? આ ડાક બમ એ તપસ્વીઓ છે જેઓ સુલતાનગંજથી ૧૦૫ કિલોમીટરની પદયાત્રા કરીને વૈદ્યનાથ મહાદેવ પહોંચે છે, એ યાત્રા ક્યાંય રોકાયા વિના પૂરી કરે છે અને ચોક્કસ નિર્ધારિત સમયમાં દેવધરના વૈદ્યનાથ મહાદેવને જળ અર્પણ કરે છે. સમયસર પહોંચવાનું હોવાથી ડાક બમ એક ક્ષણનો પણ આરામ કે વિલંબ કર્યા વિના સતત કાવડ લઈને દોડતા હોય છે. તેઓ ક્યાંય કાવડ જમીન પર મૂકતા નથી. આ લોકો મોટા ભાગે ૨૪ કલાકની અંદર યાત્રા પૂરી કરી લેવાનો સંકલ્પ લે છે. આ કાવડિયા મોટા ભાગે સફેદ વસ્ત્રોમાં જ યાત્રા આરંભે છે. આવા ડાક બમ તપસ્વીઓને મહાદેવનાં દર્શન અને જળાભિષેક માટે ખાસ કૉરિડોર બનાવી આપવામાં આવે છે. આવા તપસ્વીઓ માટે ભક્તોને ખૂબ માન હોય છે. દેવધરના વૈદ્યનાથ મંદિરમાં આવા ડાક બમ કાવડિયાઓની સેવા કરવા માટેની શિબિરો ગોઠવાય છે.
