બચત એ વધારાનો ‘ભાઈ’ બની શકે એ વિચાર હવે વરાળ થઈ રહ્યો છે. બચત એટલે ઑલ ટાઇમ સિક્યૉરિટી ઍન્ડ ઍની ટાઇમ લિક્વિડિટી!
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સમય ક્યારેક શિક્ષકનો રોલ પણ ભજવે છે. છેલ્લા દોઢ-બે મહિનાએ દરેકને ઘણી વસ્તુઓની મહત્તા સમજાવી છે. ઑઇલથી લઈને ગૅસ-સિલિન્ડર સુધીની ચીજોનું રાતોરાત મૂલ્યાંકન વધી ગયું. ભૂકંપ પછીના આફ્ટરશૉક્સ ઘણું નુકસાન કરી દે એમ યુદ્ધ પછીના સમયની મોંઘવારી પણ ઘણું નુકસાન કરે.
એટલે કહેવાનું કે માણસે ‘બચત’નો મહિમા સમજવો પડશે. ગુજરાતીઓએ તો ખાસ. ગુજરાતમાં સ્થિતિ એવી છે કે ભવિષ્ય માટે જમા કરવામાં આવતી નિધિ વર્તમાનમાં વપરાઈ રહી છે. ગયા વર્ષમાં સાડાનવ લાખથી વધુ ગુજરાતીઓએ પ્રોવિડન્ટ ફન્ડ (PF)માંથી ૮૯૩૦ કરોડ રૂપિયાથી વધુ રકમનો ઉપાડ કર્યો. ચોક્કસ એનાં કારણો હોઈ શકે, પરંતુ બચત નામના બાળકને નખોરિયાં ભરવાનું ઘણું ચાલે છે.
ADVERTISEMENT
૧૦ વર્ષમાં PFમાંથી થતા ઉપાડનું કદ ૨૭પ ટકા વધી ગયું. બીજી તરફ દેશમાં સાડાત્રણ કરોડથી વધારે સેવિંગ્સ અકાઉન્ટ્સ બંધ થયાં અને લગભગ એટલાં જ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં. બચતને ફાયદેમંદ બનાવવાની લાયમાં ઘણા દાઝે પણ છે.
બચત એ વધારાનો ‘ભાઈ’ બની શકે એ વિચાર હવે વરાળ થઈ રહ્યો છે. બચત એટલે ઑલ ટાઇમ સિક્યૉરિટી ઍન્ડ ઍની ટાઇમ લિક્વિડિટી! માણસ સલવાય ત્યારે બચત પણ સલવાયેલી હોય તો એ બચત નથી. બચત એ જે IPLના ઇમ્પૅક્ટ ખેલાડી જેવી બને. જરૂર પડે ત્યારે સક્રિય થઈ શકે અને પરિસ્થિતિને સંભાળી શકે. દરેક ટીમને ઇમ્પૅક્ટ પ્લેયરની સેવા લેવાની જરૂર પડે એવું નથી. એમ છતાં પણ દરેક ટીમ ઇમ્પૅક્ટ પ્લેયર રાખે જ. રિઝર્વ કહો કે એક્સ્ટ્રા કહો, બધા બચતના જ પર્યાયો છે. સ્પોર્ટ્સથી લઈને ઇકૉનૉમી અને જીવનજરૂરી ચીજોનો જથ્થો, બચત બધે જ અમલમાં છે.
ગલ્ફમાંથી આવતાં કન્ટેનરો અટકી પડ્યાં છે ત્યારે દેશ પોતાની રિઝર્વ્સ તરફ જોતો હતો. રિઝર્વ્સ બધે જરૂરી છે. દેશથી લઈને વ્યક્તિ સુધી દરેકનો હવેનો સમય ‘પ્લાનિંગ ફૉર વાઇઝ સેવિંગ્સ’નો છે. કટોકટી કહીને નથી આવતી, પણ એક વાત નક્કી કે આવતી કટોકટીની પળોમાં બચત ૧૦૮ ઍમ્બ્યુલન્સની માફક હાજર થઈને તત્કાલ સારવાર આપે. પૈસા સર્વસ્વ નથી છતાં અવસરે મહત્ત્વનો રોલ ભજવે છે. પૈસાની હાજરી કરતાં પૈસાની ગેરહાજરી વધુ બળવાન છે. હાજર પૈસો બોલે, ગેરહાજર પૈસો ચીખે.
પૈસાની સ્ટોરેબિલિટીનો સદુપયોગ કરીને સારા દિવસો હોય તો આવતી કાલની સુરક્ષા માટે આયોજન કરવા જેવું ખરું. આ આયોજન સિક્યૉરિટીની સાથે સમાધિ પણ જાળવી આપે. આપણા શરીરમાં ક્યારેક એક હાથ કે પગને ગંભીર ઈજા પહોંચે ત્યારે બીજો હાથ કે પગ ઘણું સંભાળી લે. એક કિડની નબળી પડે ત્યારે બીજી કિડની એક્સ્ટ્રા લોડ ઉપાડી લે. ગાડીનું સ્પેર વ્હીલ ક્યારેક જ કામ લાગે. એમ છતાં કાયમ રાખવું જરૂરી છે. ગૅસનું એક્સ્ટ્રા સિલિન્ડર વર્ષો પહેલાંની શ્રીમંતાઈ ગણાતી હોવા છતાં તાજેતરમાં કેટલી મહત્ત્વની જરૂરિયાત બની! સમયની ડિમાન્ડ સમજીને પણ બચત અને સંતોષને આજનો યુગધર્મ સમજીને આચરણમાં મૂકવા જેવાં ખરાં.
