લગ્ન હવે એક વિધિ મટીને ઇવેન્ટ બની ગયાં છે ત્યારે વેડિંગ-પ્લાનર્સ પાસેથી જાણીએ કે કંઈક હટકે કરવાની કામનામાં લોકો કઈ હદ સુધી જાય છે, દેવઊઠી અગિયારસ પતે એટલે કે દેવ ઊઠી જાય પછી આપણે ત્યાં લગ્નો લઈ શકાય એવી વર્ષો જૂની પરંપરા છે. આ બીજી નવેમ્બરે અગિયારસ પતે પછી આ વર્ષની શિયાળુ લગ્નની સીઝન ચાલુ થઈ જશે. વ્યક્તિ લગ્ન જીવનમાં એક જ વાર કરે છે એવું આજકાલ કહેવું અઘરું છે, પણ ભલે બધા માટે નહીં તોય મોટા ભાગના લોકો માટે તો આ વાત સત્ય જ છે અને મહત્ત્વનું એ હોય છે કે વ્યક્તિ લગ્ન કરે છે ત્યારે તો એવા જ વિચાર સાથે કરે છે કે પહેલી અને છેલ્લી વારનાં છે. એટલે એની ઉજવણી પણ યથાશક્તિ બેસ્ટ જ કરે છે. કોવિડકાળ પછી તો આમ પણ લોકોને લાગવા માંડ્યું છે કે જીવન એક જ છે, પૂરી રીતે જીવી લેવું જરૂરી છે. એમાં અધૂરામાં પૂરું સોશ્યલ મીડિયાએ લોકોને સમજાવ્યું છે કે લગ્ન કરી લેવાં એ પૂરતું નથી; એનાં ઍસ્થેટિક, થીમ, કપડાં, ફૂડ, ફોટોગ્રાફી એમ દરેક અનુભવને એકદમ ખાસ બનાવવો જરૂરી છે. એટલે આજની તારીખે જે લગ્નો થાય છે એમાં બજેટની કમી નથી હોતી અને એને કારણે ભરી-ભરીને ક્રીએટિવિટીનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં શરૂ થઈ રહેલી લગ્નની સીઝનમાં તમને શું-શું જોવા મળશે એ આજે જાણી લો જાણીતા વેડિંગ-પ્લાનર્સ પાસેથી.
01 November, 2025 08:07 IST | Mumbai | Jigisha Jain