ફૂડ-લવર ફૅમિલીએ ઘાટકોપરમાં શરૂ કરેલા ફૂડ-જૉઇન્ટ પર તમે એશિયન ફૂડના નવેસરથી પ્રેમમાં પડો એવું ઘણું છે
સોયા ચિલી રામેન (ઉપરથી ડાબું), સ્વીટ કૉર્ન વૉન્ટોન, બાર્બેક્યુ કૉટેજ ચીઝ સ્પ્રિંગ અન્યન બાઓ (નીચેથી ડાબું), ટેમ્પુરા સુશી
૨૦૨૪ની ૧૦ ફેબ્રુઆરીએ મા-દીકરાની જોડી માધવી મહેતા અને યશ મહેતાએ ઘાટકોપર ઈસ્ટમાં ‘ધ પાન્ડા’ઝ પ્લેટ’ નામનું ફૂડ-જૉઇન્ટ શરૂ કર્યું અને એ માટે તેમણે રામેન, સુશી અને વિયેતનામિઝ રોલ અને એના જેવી બીજી અનેક એશિયન ડિશિઝ પસંદ કરી. માધવીબહેન પોતાના આ નવા સ્ટાર્ટ-અપ વિશે વાત કરતાં કહે છે, ‘અમારી પાસે એક ફ્રૅન્ચાઇઝી હતી પરંતુ એમાં કશા પણ પ્રયોગ કરવાની છૂટ ન હોય. મજા નહોતી આવી રહી. અમને એમ થયું કે આપણું પોતાનું જ ફૂડ-જૉઇન્ટ કેમ ન ચાલુ કરવું. પોતાનું હોય તો કશુંક અલગ કરી શકાય. આ વિચાર આવ્યો અને અમે મંડી પડ્યાં. અમારા ઘરમાં અમે ત્રણેય એટલે કે હું, મારો દીકરો યશ અને મારા હસબન્ડ મનીષ ફૂડી છીએ. મારા હસબન્ડે અમને ઇન્સ્પાયર પણ કર્યાં અને ગાઇડન્સ પણ આપ્યું. પરંતુ અમે નક્કી કર્યું કે મુંબઈની ગલીએ-ગલીએ મળતી આઇટમો નથી બનાવવી. છેવટે ઘણુંબધું વિચાર્યા બાદ અમે રેગ્યુલરથી ઘણું જુદું પડતું હોય એવું ફૂડ સર્વ કરવાનું શરૂ કર્યું. એના માટે મુંબઈની લગભગ દરેક વેજિટેરિયન રેસ્ટારાંથી લઈને સ્ટ્રીટ-ફૂડ સ્ટૉલ પર જઈને અમે બે-બે ત્રણ-ત્રણ વાર સુશી અને બીજી એશિયન ડિશ ટ્રાય કરી આવ્યા છીએ. છેલ્લે જ્યારે અમને અમારું પર્ફેક્ટ વર્ઝન મળ્યું એટલે એક નવા કન્સેપ્ટ સાથે આ નાનકડી ફૂડ-કોર્ટ શરૂ કરી છે.’



