Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

હર ચિક્કી કુછ કહતી હૈ

Published : 09 January, 2025 08:01 AM | Modified : 09 January, 2025 12:07 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ચિક્કીના શું ફાયદા છે એ વિશે દસ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં મુલુંડનાં ડાયટિશ્યન સલોની ભટ્ટ કોરડિયા પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ભાગ ૧

પ્રતીકાત્મક તસવીર


મકરસંક્રાન્તિમાં ચિક્કી ખાવાનું માહાત્મ્ય અનેરું છે. શા માટે આ સીઝનમાં ચિક્કી ખાવી જોઈએ એનું મહત્ત્વ સમજીએ અને સાથે સૌથી વધુ ખવાતી સિંગદાણા અને તલની ચિક્કીના ફાયદા વિશે સવિસ્તર જાણીએ


મકરસંક્રાન્તિ પર ઘરમાં ચિક્કી ન બને એવું શક્ય જ નથી. ગુજરાતી ઘરોમાં ચિક્કી અને મહારાષ્ટ્રિયન ઘરોમાં તિળગુડ વિના સેલિબ્રેશન અધૂરું ગણાય. શા માટે ઉત્તરાયણના ગાળામાં ચિક્કી ખાવાનું મહત્ત્વ છે, માર્કેટમાં મળતી જાતજાતની ચિક્કીઓમાંથી કઈ ચિક્કી આ દિવસોમાં ખાવી જોઈએ, દાળિયા, તલ, સિંગ, રાજગરો, મમરા, ડ્રાયફ્રૂટ્સ એમ વિવિધ ચીજોમાંથી બનતી દરેક ચિક્કીના શું ફાયદા છે એ વિશે દસ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં મુલુંડનાં ડાયટિશ્યન સલોની ભટ્ટ કોરડિયા પાસેથી જાણીએ   



ઉત્તરાયણમાં ચિક્કીનું મહત્ત્વ


સૂર્ય દ​ક્ષિણ દિશાથી ઉત્તર તરફ જવા પ્રસ્થાન કરે છે તેથી આ દિવસને ઉત્તરાયણ પણ કહેવાય છે. આ દિવસથી શિ​શિર ઋતુનો અંત આવે છે અને વસંતની શરૂઆત થાય છે. માન્યતા એવી પણ છે કે મકરસંક્રાન્તિના દિવસે સૂર્યદેવતા પોતે તેમના પુત્ર શનિના ઘરે મળવા જાય છે. શનિદેવ મકરના સ્વામી હોવાથી આ દિવસને મકરસંક્રાન્તિ પણ કહેવાય છે. જોકે મકરસંક્રાન્તિ એક એવો તહેવાર છે જે અન્ય તહેવારોની તુલનામાં સ્વાસ્થ્ય માટે ફાયદાઓ લઈને આવે છે. આ દિવસની શિયાળાની ઋતુના અંતની શરૂઆત થાય છે. વૈજ્ઞાનિક અને હેલ્થની સાથે આધ્યાત્મિક દૃષ્ટિએ આ દિવસને સપરમો માનવામાં આવે છે. મકરસંક્રાન્તિના દિવસથી ઠંડીની અસર ઓછી થાય છે. આ દિવસથી દિવસો લાંબા અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે. દર વર્ષે ૧૪ જાન્યુઆરીના દિવસે સૂર્ય ઉત્તર તરફ જાય છે એ દિવસ આપણી હેલ્થ માટે પણ સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યસ્નાન એટલે કે સવારનો કુમળો તડકો શરીરને ભરપૂર પ્રમાણમાં વિટામિન D આપે છે. આ ઉપરાંત આ જે સમય છે એ કાપણીનો સમય પણ કહેવાય. આ સમયે રવિ પાકનું વાવેતર થાય છે ત્યારે તલ, સિંગદાણા અને શેરડી સારા પ્રમાણમાં મળે છે અને શરીરને ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ આપે છે. તેથી એની ચિક્કી ઉત્તરાયણમાં ખાવાનો રિવાજ છે. ગુજરાતમાં સૌથી વધુ સિંગદાણા અને મમરાની ચિક્કી ખવાય છે તો મહારાષ્ટ્રમાં તલ અને દાળિયાની ચિક્કીનું મહત્ત્વ છે. કોપરાની ચિક્કી સાઉથ ઇન્ડિયામાં વધુ ખવાય છે. તહેવારનાં નામ ભલે અલગ હોય પણ સેલિબ્રેશન તો એક જેવું જ હોય છે.

ગુડ ફૅટનો ભંડાર સિંગદાણાની ચિક્કી


ઠંડીને કારણે શરીરમાં વિટામિન Bનું પ્રમાણ ઓછું થાય છે એને પાછું મેળવવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે. સૂર્યપ્રકાશથી વિટામિન Bનું ઍબ્સૉર્પ્શન કરીને કૅલ્શિયમનું પ્રોડક્શન વધારે છે. બનવાનું ચાલુ થશે. કૅલ્શિયમને પ્રોસેસ કરવા માટે આપણાં હાડકાંને આ વિટામિનની સખત જરૂર હોય છે. આ સમયગાળામાં કૅલ્શિયમ અને આયર્નયુક્ત ખોરાક ખાવાનો આગ્રહ રાખવામાં આવે છે. સિંગદાણાની ચિક્કીમાં ફૅટ હોવાથી એ પેટ ભરાવે. સિંગદાણામાં ગુડ ફૅટ એટલે મૉનોઅનસૅચ્યુરેટેડ ફૅટી ઍસિડ (MUFA) અને પૉલિઅનસૅચ્યુરેટેડ ફૅટી એસિડ (PUFA) હોય છે, જે તમારા કૉલેસ્ટરોલ લેવલને ઘટાડે છે અને હૃદય સંબંધિત બીમારીઓના જોખમને ઓછું કરે છે. આ સાથે ગોળમાંથી શરીરને ફૉસ્ફરસ, કૅલ્શિયમ અને ભરપૂર પ્રમાણમાં આયર્ન મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે. આ બન્નેનું કૉમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે. આ ચિક્કીમાં ઘણા પ્રકારના ઍન્ટિઑક્સિડન્ટ્સ અને ફાયટોફેનોલ્સ મળી આવે છે જે તમને ઑલ્ઝાઇમર્સ જેવી મગજની સામાન્ય સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. એ તમારી નર્વસ સિસ્ટમને પણ મજબૂત બનાવે છે.

ફોલેટની કમી દૂર કરશે

સિંગદાણાની ચિક્કીમાં એટલો પાવર છે જે બીજી કોઈ ચિક્કીમાં નથી, કારણ કે એમાં ફૅટ છે. એમાંથી વિટામિન Eની સાથે આયર્નનો એક પ્રકાર ગણાતું ફોલેટ પણ મળે છે. ૧૦૦ ગ્રામ ચિક્કીમાંથી ૨૪૦ માઇક્રોગ્રામ ફોલેટ મળે છે, જે આપણી ડેઇલી વૅલ્યુનું ૬૦ ટકા જેટલું મળી જાય. પ્રીમૅચ્યોર ગ્રે હેર, મોઢામાં ચાંદાં પડવાં, થાક, મહિલાઓને ગર્ભવતી થવામાં મુશ્કેલી આવવી, અને એનીમિયા જેવી સમસ્યા હોય એનો અર્થ એ જ છે કે ફોલેટની કમી છે અને સિંગદાણાની ચિક્કી ફોલેટની કમીને પૂરી કરશે. એ ઇમ્યુનિટી તો વધારશે જ સાથે આયર્નનું પ્રોડક્શન પણ વધારશે. પહેલાં તો લાઇફસ્ટાઇલ હેલ્ધી હતી અને લોકોનો ખોરાક પણ વધુ હતો, પણ અત્યારે લાઇફસ્ટાઇલ બહુ જ અનહેલ્ધી થઈ ગઈ છે. પહેલાં શારીરિક પ્રવૃત્તિઓ થતી હતી, પણ હવે બેઠાડુ પ્રવૃત્તિઓ વધી ગઈ છે. તેથી જીવનશૈલી પ્રમાણે ડાયટ પ્લાન કરવી જરૂરી છે, કારણ કે હવે પહેલાં જેવી પાચનશક્તિ રહી નથી. અત્યારે આ ચિક્કીના આઇડિયલ યુઝની વાત કરીએ તો દિવસમાં ૧૦થી ૧૫ ગ્રામ જેટલી ખાવી જોઈએ. દરરોજ આટલી ચિક્કી ખાવાથી ભૂખ નહીં લાગે અને એનું પોષણ પણ તમને મળશે.

હૉર્મોન્સને બૅલૅન્સ કરે તલની ચિક્કી

સિંગદાણા બાદ શરીરને સૌથી વધુ પોષણ આપતી ચિક્કી છે તલની ચિક્કી. રાજગરાથી બહોળા પ્રમાણમાં આયર્ન આપતી તલની ચિક્કી હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે. આયર્નની સાથે તલમાં ફાઇબરનું પ્રમાણ પણ સૌથી વધુ હોય છે, તેથી પાચન સંબંધિત સમસ્યાઓ થતી નથી, પેટ સાફ રહે છે. આયર્ન રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે, પણ સાથે રેડ બ્લડ સેલ્સના પ્રોડક્શનમાં પણ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત શરીરના ડૅમેજ્ડ સેલ્સને પણ રિપેર કરવાનું કામ કરે છે. ફાઇબર, આયર્ન અને કૅલ્શિયમથી ભરપૂર તલની ચિક્કી ખાવાથી તમારી ઓવરઑલ હેલ્થ પણ સારી રહે છે. મેનોપૉઝ અને પેરિમેનોપૉઝથી પસાર થતી મહિલાઓ માટે તલની ચિક્કી ગુણકારી છે. હું પર્સનલી આવી મહિલાઓની ડાયટમાં તલની ચિક્કી ઍડ કરાવું જ છું. આપણાં હૉર્મોન્સ ફૉસ્ફોલિપિડ ફૅટથી બનેલાં હોય છે, તેથી કોઈ પણ કામ કરવા માટે હૉર્મોન્સને ફૅટ જોઈએ. હેલ્ધી લાઇફસ્ટાઇલ ન હોય તેમને હૉર્મોન્સ ઇમ્બૅલૅન્સની સમસ્યા હોય છે ત્યારે મેનોપૉઝમાં ઘણી તકલીફ આપે છે. આથી તલની ચિક્કી હૉર્મોન્સ બૅલૅન્સ કરવાનું પણ કામ કરે છે.’

બહોળા પ્રમાણમાં આયર્ન મળે

એની ન્યુટ્રિશનલ વૅલ્યુની વાત કરીએ તો ૧૦૦ ગ્રામ તલમાં ૧૪.૬ MG જેટલું આયર્ન મળી રહે છે જે ડેઇલી વૅલ્યુના ૮૧ ટકા જેટલું છે. એની સરખામણીમાં ૧૦૦ ગ્રામ રાજગરામાંથી ૭.૬ MG જેટલું આયર્ન મળે છે. આ ઉપરાંત તલની ચિક્કીમાંથી ૯૮ ટકા જેટલું કૅલ્શિયમ મળી રહે છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે તલ કેટલા ગુણકારી છે. તલમાં ફૅટનું પ્રમાણ વધુ હોવાથી ૧૦૦ ગ્રામ તલ ન ખાઈ શકાય. થોડા ખાશો ત્યાં પેટ ભરાઈ જશે. એ સિંગદાણાની જેમ જ ગુડ ફૅટ સોર્સ છે, પણ સિંગદાણા કરતાં તલની ચિક્કી વધારે ખાવી હોય તો ખાઈ શકાય.એનો આઇડિયલ ઇન્ટેક ૩૦ ગ્રામ સુધી છે એટલે સિંગદાણાની ચિક્કી કરતાં બમણી ખાઈ શકાય.

(આવતી કાલે દાળિયા, ડ્રાયફ્રૂટ્સ, મમરા, કોપરું, રાજગરાની ચિક્કીના ફાયદા અને કયા માધ્યમમાં ચિક્કી બનાવવી શ્રેષ્ઠ છે વિશે જાણીશું)

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2025 12:07 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK