હું વેજિટેરિયન છું છતાં મને અહીં કબાબથી લઈને બિરયાનીમાં અનેક ઑપ્શન મળી રહે છે. આ જ વેજ કબાબ જો તમે અન્ય શહેરમાં ખાશો તો તમને મજા નહીં આવે. એનું કારણ બનાવવાની પરંપરાગત પદ્ધતિ, ચોકસાઈપૂર્વક પડતા મસાલા અને વર્ષોનો અનુભવ.
કશિશ અગ્રવાલ અને ચટોરી ગલી
ફૂડ ઍન્ડ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર કશિશ અગ્રવાલ કહે છે, ‘એક ઇન્ફ્લુએન્સર તરીકે હું છેલ્લાં કેટલાંય વર્ષોમાં અલગ-અલગ શહેરોમાં ફરી છું, અલગ-અલગ ફૂડ ટેસ્ટ કર્યાં છે. લખનઉની ફેમશ ડિશ પણ મેં અન્ય શહેરોમાં ટ્રાય કરી છે, પણ સાચું કહું તો જે ટેસ્ટ લખનઉમાં બનતા ઑથેન્ટિક ફૂડમાં આવે છે એ તમને અન્ય શહેરમાં મળશે નહીં. કબાબની જ વાત કરું તો જે ટેસ્ટ, ગુણવત્તા અને એને બનાવતી વખતે ઝીણવટભરી બારીકાઈ અહીં ધ્યાનમાં રાખવામાં આવે છે એ બીજે કશે તમને જોવા મળશે નહીં. હું વેજિટેરિયન છું છતાં મને અહીં કબાબથી લઈને બિરયાનીમાં અનેક ઑપ્શન મળી રહે છે. આ જ વેજ કબાબ જો તમે અન્ય શહેરમાં ખાશો તો તમને મજા નહીં આવે. એનું કારણ બનાવવાની પરંપરાગત પદ્ધતિ, ચોકસાઈપૂર્વક પડતા મસાલા અને વર્ષોનો અનુભવ. ફૂડ ઇન્ફ્લુએન્સર તરીકે હું તમને કેટલીક જગ્યા સૂચવી શકું છું જે પર્સનલી મને પસંદ છે, અહીં અસ્સલ લખનવી ફૂડનો આનંદ માણી શકશો.
દેવા ફૂડ : આ એટલું ફેમસ નથી અને લાઇમલાઇટથી પણ દૂર છે, એનાં વેજ કબાબ બેસ્ટ હોય છે. તેમ જ સોયા બિરયાની પણ એની સારી આવે છે જે અલીગંજ વિસ્તારમાં આવેલું છે.
ADVERTISEMENT
લખનઉ ચોક : મખ્ખન મલાઈ જે લખનઉની બેસ્ટ ડિઝર્ટ ડિશ છે એ દરેક જગ્યાએ મળતી નથી પણ લખનઉ ચોકનું મખ્ખન મલાઈ ખૂબ વખણાય છે જે ઓલ્ડ લખનઉમાં સ્થિત છે.
લલ્લા બિરયાની : લખનઉની બિરયાની ખાવી છે પણ વેજ ઑપશન નથી મળી રહ્યા તો તમારે લલ્લા બિરયાની ટ્રાય કરવી જોઈએ જ્યાં વેજ ઑપ્શન મળી રહેશે. એ લખનઉમાં ચૌપાટિયા ચોરાહા પાસે આવેલું છે. અહીં વેજિટેબલ બિરયાનીમાં લાંબા દાણાવાળા બાસમતી ચોખા, વિવિધ શાકભાજી, સુગંધિત મસાલા અને કેસર ઉમેરવામાં આવે છે અને સ્લો કુકિંગ જેવી પરંપરાગત પદ્ધતિથી રાંધવામાં આવે છે.

પ્રકાશ કી કુલ્ફી
ફૂડીસ્તાન : ફૂડીસ્તાન એક સ્ટૉલ છે જે સોયાચાપ માટે જાણીતો છે. ત્યાં વેજ સોયાચાપના અનેક વિકલ્પો મળી રહેશે. આ સ્ટૉલ ગોમતીનગરમાં આવેલો છે.
ચટોરી ગલી : એક પ્રકારની ખાઉ ગલી છે જ્યાં લખનઉની દરેક ડિશ મળી રહે છે. વર્ષો જૂના ગુપ્ત મસાલા અને પરંપરાગત નુસખાનો ઉપયોગ કરીને અહીં અવધી વ્યંજન બનાવવામાં આવે છે.
અને હવે વાત કરીએ લખનઉની કેટલીક ઑથેન્ટિક ફૂડ-પ્લેસ વિશે...
રામ આશ્રય (ચોક ખાતે) : ૧૮૦૫માં સ્થપાયેલી રામ આશ્રયની મૂળ દુકાન બડા ઇમામબાડા નજીક ચોકમાં આવેલી છે. આ મૂળ દુકાનને લખનઉના છેલ્લા નવાબ, નવાબ વાજિદ અલી શાહને પણ સેવા આપવાનો મોકો મળ્યો હતો. અહીંની મલાઈ ગિલોરી સૌથી બેસ્ટ ગણાય છે જે દૂધની ક્રીમમાંથી બનેલી અને સૂકાં ફળો અને ખાંડ (મિસરી)થી ભરેલી પાન જેવી મીઠાઈ હોય છે.
રત્તીલાલ (ઘસિયારી મંડી) : ખસ્તા કચોરી લખનઉનું શ્રેષ્ઠ શાકાહારી ભોજનોમાંનું એક ગણાય છે. જેમ મેં પહેલાં કહ્યું હતું એમ ખસ્તા કચોરી વેચતી ઘણી જગ્યાઓ છે પરંતુ કેટલાંક નામ ખૂબ જ લોકપ્રિય છે. એમાંથી એક રત્તીલાલ છે. ઘસિયારી મંડીમાં સ્થિત રત્તીલાલ એક મીઠાઈની દુકાન છે જે ખસ્તા કચોરી અને પૂરી પણ પીરસે છે. ગરમાગરમ ખસ્તા કચોરી મસાલાવાળા બટાટા અને છોલે સાથે પીરસવામાં આવે છે.
ચોક માર્કેટ : શીરમલ એક સ્વીટ નવાબી બ્રેડ છે જે દૂધ, કેસર અને ઘીથી બનેલી નરમ, સોનેરી રંગની હોય છે જેને ચા સાથે પણ ખાવામાં આવે છે. ચોકમાં આવેલી સદીઓ જૂની બેકરીઓમાં ઑથેન્ટિક શીરમલ મળે છે.
ટુંડે કબાબી (ચોક) : ખૂબ જ જાણીતું અને પ્રસિદ્ધ નામ છે જે લગભગ ૧૦૦ વર્ષ કરતાં પણ જૂનો ઇતિહાસ ધરાવે છે. અહીં એવો દાવો કરવામાં આવે છે કે અહીંના કબાબમાં ૧૬૦ મસાલાનો ઉમેરો કરવામાં આવે છે. જોકે મોટા ભાગના લોકોને એમ જ છે કે અહીં નૉન-વેજ કબાબ જ મળે છે પરંતુ એવું નથી, અહીં વેજ કબાબ પણ મળે છે. બટાટા, રતાળુ, ચણાની દાળ, ચણાનો લોટ અને પારંપારિક મસાલા ઉમેરી વેજ કબાબ બનાવવામાં આવે છે.
બાજપેયી કચોરી ભંડાર : લખનઉનાં મોટા ભાગનાં ઘરોમાં નાસ્તામાં ખસ્તા કચોરી હોય છે. અહીં લોકો કચોરીને મસાલેદાર બટાટાની કઢી સાથે ખાતા હોય છે. જૂનું અને જાણીતું નામ એવું બાજપેયી કચોરી ભંડારની કચોરી ખાવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે.
રામ આશ્રય
પ્રકાશ કી મશહૂર કુલ્ફી : પ્રકાશ કી મશહૂર કુલ્ફી બે માળનું કુલ્ફી ઘર છે. આ દુકાન ૭૦ વર્ષ જૂની છે. એની મૅન્ગો કુલ્ફી અને પાન કુલ્ફી તેમ જ ફાલૂદા ખૂબ જ ફેમસ છે. સામાન્ય લોકો જ નહીં પણ સેલિબ્રિટી અને વિદેશીઓ પણ અહીં કુલ્ફીની મજા માણવા આવતા હોય છે.
અમીનાબાદ : આ ધમધમતા બજાર વિસ્તારમાં સ્ટ્રીટફૂડ સ્ટૉલ અને નાનાં ભોજનાલયોની ભરમાર છે જે મૂળ લખનઉની શાકાહારી વાનગીઓ પીરસે છે. આ માર્કેટ લખનઉની જૂની માર્કેટમાંની એક છે અને એની સરખામણી દિલ્હીના ચાંદની ચોક સાથે કરવામાં આવે છે.
હઝરતગંજ : એક પ્રખ્યાત શૉપિંગ એરિયા છે જ્યાં અનેક શાકાહારી રેસ્ટોરાં અને કૅફે મળી શકે છે, જ્યાં પરંપરાગત અને ફ્યુઝન ભોજન મળે છે.


