Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મેન્ટલી ફિટ હોવું આજની સૌથી મોટી જરૂરિયાત છે

મેન્ટલી ફિટ હોવું આજની સૌથી મોટી જરૂરિયાત છે

02 May, 2022 04:49 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દરેક ‌ફીલ્ડમાં ભારોભાર કૉમ્પિટિશન હોય, એ બધા વચ્ચે પણ આપણે મેન્ટલ ફિટનેસ જાળવવી અત્યંત જરૂરી છે

મેન્ટલી ફિટ હોવું આજની સૌથી મોટી જરૂરિયાત છે

ફિટ & ફાઈન

મેન્ટલી ફિટ હોવું આજની સૌથી મોટી જરૂરિયાત છે


‘સીઆઇડી’ અને ‘ક્રાઇમ પેટ્રોલ’ જેવી અઢળક ટીવી-સિરિયલો કરી ચૂકેલા કરણ શર્મા  હાલમાં ‘સસુરાલ સિમર કા’ની સેકન્ડ સીઝનમાં પણ જોવા મળ્યા હતા. શેન વૉર્ન કે સિદ્ધાર્થ શુકલાનું અકાળે અવસાન પણ મેન્ટલ ફિટનેસના અભાવે જ થયું હોવાનું માનતો કરણ કહે છે કે ભલે દરેક ‌ફીલ્ડમાં ભારોભાર કૉમ્પિટિશન હોય, એ બધા વચ્ચે પણ આપણે મેન્ટલ ફિટનેસ જાળવવી અત્યંત જરૂરી છે

વાતની શરૂઆતમાં જ મારે કહેવું છે કે મોટા ભાગના યંગસ્ટર્સ એવું માને છે કે ફિટનેસ એટલે સિક્સ-પૅક્સ ઍબ્સ અને હૃતિક રોશન કે ટાઇગર શ્રોફ જેવો લુક. જોકે આ વાત બધાએ મનમાંથી કાઢી નાખવી જોઈએ. ફિટનેસ એટલે માત્ર લુક નહીં. બૉડીનું ધ્યાન રાખવામાં આવે એના કરતાં મેન્ટલ હેલ્થનું વધારે ધ્યાન રાખવામાં આવે એનું નામ ફિટનેસ. માણસ ફિટ ત્યારે જ કહેવાય જ્યારે તે મનથી પણ એટલો જ સક્ષમ હોય. માત્ર ને માત્ર બૉડી બનાવ્યા કરો, પણ મેન્ટલી સ્ટ્રેસમાં રહ્યા કરો તો એ ફિટનેસની કોઈ વૅલ્યુ નથી. થોડા સમય પહેલાં ઑસ્ટ્રેલિયન બોલર શેન વૉર્નનું જે ડેથ થયું એની પાછળ આ જ કારણ જવાબદાર હશે અને ટીવીસ્ટાર સિદ્ધાર્થ શુકલા સાથે પણ એવું જ બન્યું હોય એવું મારું પર્સનલી માનવું છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થ તરફ ધ્યાન નહીં આપવાની મેન્ટાલિટી જવાબદાર રહી હોય એ વાત આપણે જરા પણ અવગણી ન શકીએ.
આજના આ સમયમાં જ્યારે કૉમ્પિટિશન જબરદસ્ત વધી ગઈ છે અને જે સ્ટ્રેસ ડેવલપ થયું છે એ જોતાં તો હું કહીશ કે મેન્ટલ હેલ્થ વધારે જરૂરી બની ગઈ છે. બધા જ ફીલ્ડમાં અત્યારે કૉમ્પિટિશન છે તો પૅન્ડેમિકને કારણે એમાં વધારો પણ થયો છે એટલે ૯૯.૯૯ ટકા લોકો સ્ટ્રેસ વચ્ચે જીવે છે. આ સ્ટ્રેસ બહુ જોખમી છે. એને દૂર કરવા વર્કઆઉટની સાથોસાથ મેડિટેશન અને યોગ પણ જરૂરી છે. જો તમારી પાસે સમય ન હોય અને તમે વર્કઆઉટ ન કરી શકતા હો તો વાંધો નહીં, પણ મેડિટેશન અને પ્રાણાયામ જેવી ઍક્ટિવિટી તો ચાલુ કરો જ કરો. 
પૅન્ડેમિકના આશીર્વાદ | ફિટનેસ માટે મોટા ભાગના લોકો વર્કઆઉટને જ પ્રિફર કરતા અને એમાં પણ જિમમાં જવાનું જ તેમને પસંદ આવતું. જોકે સર, પૅન્ડેમિકે આખી દુનિયા ચેન્જ કરી નાખી. વર્કઆઉટની બાબતમાં તો એણે ખરેખર આશીર્વાદ જેવું કામ કર્યું. જિમ સિવાય વર્કઆઉટ નહીં કરનારા મારા જેવા અઢળક લોકો ઘરમાં વર્કઆઉટ કરતા થઈ ગયા તો જેમણે ઘરમાં આળસ કરી તેઓ આલૂ જેવા ગોળમટોળ થયા અને તેમને સમજાયું કે બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે યાદ કરો આપણા ક્રિકેટર રોહિત શર્માને. બે વર્ષ પહેલાંની આઇપીએલમાં લોકોએ તેને એ હદે ક્રિટિસાઇઝ કર્યો કે ન પૂછો વાત. રોહિતે પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેણે લૉકડાઉનને વેકેશન બનાવીને એન્જૉય કર્યું એનું એ રિઝલ્ટ હતું. જોકે એ પછી રોહિતે ફરી પોતાનું બૉડી શેપમાં લઈ આવવાનું કામ કર્યું જ.
પૅન્ડેમિક પછી મેં ઘરે જ જિમનાં ઇક્વિપમેન્ટ્સ વસાવી લીધાં છે. જિમિંગ ઉપરાંત હું ફ્રી-સ્ટાઇલ વર્કઆઉટ, યોગ અને મેડિટેશન પણ કરું છું. ક્રિકેટ અને ફુટબૉલ પણ ઍક્ટિવલી રમું છું અને સાથે-સાથે સાઇક્લિંગ અને સ્વિમિંગ પણ નિયમિત કરું છું.
વર્કઆઉટનું બેસ્ટ રિઝલ્ટ મેળવવાનો એક રસ્તો દેખાડું. તમારે ગોલ સેટ કરી લેવાનો અને એ ગોલ મુજબ વર્કઆઉટ કરવાનું. હું કહીશ કે સિક્સ-પૅક ઍબ્સની જરૂર રૂટીન લાઇફમાં કોઈને નથી એટલે એની પાછળ મહેનત ન કરો એ જ હિતાવહ છે. બૉડી પ્રૉપર શેપમાં રહે, મસલ્સમાં ક્યાંય સ્ટિફનેસ ન આવે અને જૉઇન્ટ્સ પ્રૉપર કામ કરે એટલું જ તમે ઇચ્છતા હો તો તમારા માટે સાઇક્લિંગ અને સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે. ઘરે જ તમે સ્કિપિંગ અને સ્ટ્રેચિંગ પણ કરી શકો અને યોગ, પ્રાણાયામ, મેડિટેશન તો અચૂક કરવાં. 
હું રોજ એક કલાક વર્કઆઉટ કરું છું. એમાં સાઇક્લિંગ, સ્વિમિંગ કે આઉટડોર સ્પોર્ટ્સનાં ટાઇમિંગ્સ કાઉન્ટ નહીં કરવાનાં. જો એ બધાને કાઉન્ટ કરીને કહું તો હું દિવસમાં બેથી સવાબે કલાક આ ઍક્ટિવિટીમાં આપતો હોઈશ. પહેલાં યોગ અને સૂર્યનમસ્કાર કરું અને એ પછી વર્કઆઉટ કરું. અર્લી મૉર્નિંગ શિફ્ટ હોય તો હું એનાથી પણ વહેલો જાગીને વર્કઆઉટ કરું. મારું માનવું છે કે ઈવનિંગ વર્કઆઉટ જોઈએ એવું રિઝલ્ટ નથી આપતું. 
ખાવાની બાબતમાં રહો સતર્ક | બને ત્યાં સુધી બહારનું, ડીપ ફ્રાઇડ ફૂડ ખાવાનું ટાળો એ જરૂરી છે. બહુ મન થાય તો મહિનામાં એકાદ વાર લેવાનું રાખો, પણ રેગ્યુલર બેઝ પર તો ન જ ખાઓ. મુંબઈમાં મોટા ભાગના લોકો દિવસમાં ઓછામાં ઓછું ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું બહારનું ફૂડ ખાઈ જતા હોય છે જે હેલ્થ માટે હાનિકર્તા છે. આપણી આસપાસ હેલ્ધી એવા ઘણા નાસ્તા અને ફૂડ અવેલેબલ છે. જે સતત ટ્રાવેલ કરે છે તેમણે દાળિયા અને સિંગ કે પછી ફ્રેશ ફ્રૂટ્સ રાખવાં જોઈએ. એ ઈઝીલી કૅરી પણ કરી શકશો. 
મારું ફૂડ-ઇન્ટેક સાદું છે અને બને ત્યાં સુધી બહારનું ફૂડ અવૉઇડ કરું છું. બૉડી શેપમાં રાખવું હોય તો સૌથી પહેલાં બહારનું ખાવાનું બંધ કરવું. પનીર, ટોફુ, સ્પ્રાઉટ્સ, વેજિટેબલ્સ બેસ્ટ પ્રોટીન-સોર્સ છે. એ ખાવાનું રાખશો તો તમને ઍડિશનલ સપ્લિમેન્ટ્સની જરૂર જ નહીં રહે. દિવસ દરમિયાન પાણી પીવાનું બધા કહેશે, પણ હું કહીશ કે દિવસમાં બે વાર જૂસ કે નાળિયેર-પાણી પીવાનું રાખો. હું મારી સાથે ગોળ, અજમો, ધાણા અને શેકેલું જીરું નાખેલું લૂક-વૉર્મ વૉટર રાખું છું. દિવસમાં ઓછામાં ઓછું બે લિટર આ પાણી હું પીતો હોઉં છું.



 ગોલ્ડન વર્ડ‍્સ
વર્કઆઉટમાં બીજું કશું ન કરી શકો તો ઍટ લીસ્ટ સૂર્યનમસ્કાર કરવાનું શરૂ કરજો. સૂર્યનમસ્કાર ફાધર ઑફ વર્કઆઉટ છે એવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2022 04:49 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK