Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અસ્થમાને કારણે બ્રેથલેસનેસ બહુ છે? તો અકસીર છે અજમાનો અર્ક

અસ્થમાને કારણે બ્રેથલેસનેસ બહુ છે? તો અકસીર છે અજમાનો અર્ક

07 May, 2024 07:32 AM IST | Mumbai
Dr. Ravi Kothari | feedbackgmd@mid-day.com

ભારતમાં લગભગ ૬૦ કરોડ લોકો બ્રેથલેસનેસ અનુભવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍલોપથીની દવાઓ અસ્થમાનાં લક્ષણોને કાબૂમાં લે છે, પણ જો વારંવાર આવતા દમના હુમલાને કન્ટ્રોલમાં લેવા હોય તો આયુર્વેદ જેવું અકસીર હથિયાર બીજું કોઈ જ નથી એ વાત આજે વિશ્વ અસ્થમા દિવસે સહુએ ગાંઠે બાંધી લેવા જેવી છે. પંચકર્મથી ક્રૉનિક લક્ષણો દૂર કરી શકાય છે અને કેટલીક હાથવગી ઔષધીઓ બ્રેથલેસનેસને પણ દૂર કરે છે

શ્વસનતંત્રની આ સમસ્યા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખૂબ વણસી છે. કેટલાક અંશે પ્રદૂષણને કારણે તો કેટલાક અંશે આપણી લાઇફસ્ટાઇલને કારણે. ગયા વર્ષે એક અભ્યાસમાં બહાર આવ્યું હતું કે ભારતમાં લગભગ ૮૦ ટકા લોકોને ખબર જ નથી કે તેઓ અસ્થમાના દરદી છે. શ્વસનમાર્ગમાં ઇન્ફ્લમેશનને કારણે શ્વાસ લેવામાં પડતી તકલીફની આ સમસ્યા એટલી ક્રૉનિક થઈ ગઈ છે અને કોરોના પૅન્ડેમિક પછી અવારનવાર થતો કફ, ખાંસી, ઉધરસ, બ્રેથલેસનેસ જેવાં લક્ષણો એટલાં કૉમન થઈ ગયાં છે કે જાણે ઘેર-ઘેર અસ્થમાના દરદીઓ થઈ ગયા હોય એવું લાગે. 
તાજેતરમાં બૉમ્બે હૉસ્પિટલ અને ભાટિયા હૉસ્પિટલના ડૉક્ટરોએ કરેલા અભ્યાસનાં તારણો છાપામાં વાંચ્યાં. એમાં કહેવાયું હતું કે ભારતમાં લગભગ ૬૦ કરોડ લોકો બ્રેથલેસનેસ અનુભવે છે.  મારી પાસે આવતા દરદીઓની સંખ્યા અને તેમની ફરિયાદોને જોતાં બ્રેથલેસનેસ અને અસ્થમા જેવાં લક્ષણો ધરાવતા લોકોની સંખ્યા જોતાં ૬૦ કરોડનો આંકડો ખરેખર સાચો લાગે છે. અલબત્ત હા, હું એ કહીશ કે બધાને કંઈ અસ્થમાને કારણે જ બ્રેથલેસનેસ થાય છે એવું નથી, અસ્થમાનો દરેક દરદી યુનિક છે કેમ કે તેની સમસ્યાનું મૂળ જુદું છે. 

કઈ રીતે જુદું છે એ જરાક સમજાવું. જો આપણે માત્ર અસ્થમાની જ વાત કરીએ તો મેડિકલી બે પ્રકારના અસ્થમા હોય. બ્રૉન્કિયલ અસ્થમા અને ઍલર્જિક અસ્થમા. નાકથી ફેફસાં સુધી શ્વાસ પહોંચાડતી શ્વાસનળીમાં ક્યાંક ઇન્ફ્લમેશન હોય એને બ્રૉન્કિયલ અસ્થમા કહેવાય. જ્યારે કોઈ ચોક્કસ ચીજ ન સદતી હોવાથી રોગપ્રતિકારક શક્તિ દ્વારા અપાતા ઍલર્જિક રીઍક્શનને કારણે શ્વાસ ચડવાની જે તકલીફ થાય એ ઍલર્જિક અસ્થમા કહેવાય. આજકાલ મોટા ભાગના ક્રૉનિક અસ્થમા અને બ્રેથલેસનેસના દરદીઓએ હાથે કરીને પોતાની હાલત વધુ બગાડી હોય એવું મેં જોયું છે. 



અસ્થમા છે શું?
આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો અસ્થમા કફ અને વાયુદોષનું લક્ષણ છે. એને તમકશ્વાસ નામ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં જ્યારે પણ શરદી-કફ થાય અને તરત એને સૂકવી નાખવાની દવાઓ અપાય છે એ જ અસ્થમાનું મૂળ છે એમ કહું તો ચાલે. પહેલાં તો લોકો રાતના ઉજાગરા કરે, ઠંડાં પીણાં બેફામ પીએ, ચિલ્ડ ACમાંથી ગરમીમાં અને ધોમધખતી ગરમીમાંથી પાછા ચિલ્ડ ઍર-કન્ડિશન્ડ વાતાવરણમાં ફરે. આ બધાને કારણે વારંવાર શરદી-કફ થાય. છાતીમાં કફ રીતસરનો ખખડે એ હદે પહેલાં તો કફ પેદા કરે અને પછી કહે ઝડપથી આ કફ સુકાઈ જાય એવું કંઈક કરોને ડૉક્ટરસાહેબ! મને થાય કે મહિનાઓ સુધી ખોટી લાઇફસ્ટાઇલને કારણે છાતીમાં ખખડતો કફ ભરાયો છે એને તમારે ચુટકીઓમાં સૂકવી નાખવો છે? એ સુકાઈને ત્યાં જ જામેલો કફ શ્વાસનળીને સાંકડી કરશે અને શ્વસનની ક્રિયાને વધુ અવરોધદાયક બનાવશે. 


લાઇફસ્ટાઇલ ઉપરાંત આજકાલ બહુ મોટું પરિબળ પ્રદૂષણ પણ રહ્યું છે. પ્રદૂષિત હવાને કારણે પણ બ્રેથલેસનેસ બહુ વધી રહી છે. એમાંય જે લોકોનાં ફેફસાં નબળાં છે, પહેલેથી કોઈ ફેફસાંનો TB જેવો રોગ કે ચેપ લાગેલા હોય એ બધાની ઇમ્યુનિટી આમેય કૉમ્પ્રોમાઇઝ થયેલી હોય છે એમાં પ્રદૂષણ પણ ફેફસાંની કાર્યક્ષમતા ખોરવે છે. અસ્થમા ઉપરાંત પણ બ્રેથલેસનેસ થવા માટે સેન્ટ્રલ ઓબેસિટી, વિટામિન B12ની ડેફિશ્યન્સી, હાઇપોથાઇરૉઇડ, હીમોગ્લોબિન વધુપડતું હોય અથવા ખૂબ જ ઓછું હોય, પ્લેટલેટ કાઉન્ટ્સ વધી ગયા હોય, ઍલર્જી, ફિઝિકલ ઍક્ટિવિટીનો અભાવ, ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી, પાચનની તકલીફો, હૃદયના સ્નાયુઓની નબળાઈ જેવાં ઘણાં કારણો હોઈ શકે છે. 

જેવાં કારણો એવી સારવાર 
અસ્થમા કે બ્રેથલેસનેસ શા માટે થાય છે એનું ચોક્કસ નિદાન કર્યા વિના લક્ષણને ડામવાની પ્રક્રિયા કરવામાં આવે તો એ ટેમ્પરરી રિલીફ આપે, કાયમી નહીં. મૉડર્ન મેડિસિન સાયન્સમાં અસ્થમા માટે કોઈ ક્યૉર નથી. સ્ટેરૉઇડ્સથી રાહત મળે છે એ પણ કાયમી નથી હોતી. આયુર્વેદમાં એટલે જ દરદીના ત્રણેય દોષોની અવસ્થા તપાસીને, લક્ષણોનાં મૂળ સુધી પહોંચીને સારવાર થતી હોવાથી એ અકસીર રહે છે. ક્રૉનિક કફની સમસ્યા હોય એવા લોકોએ વમન ક્રિયા દ્વારા કફનું શોધન કરાવી લેવું જોઈએ. કફને સૂકવી કે ડામી દેવાને બદલે શરીરમાંથી બહાર ફેંકી દેવાનું આ કર્મ શરીરને ખરા અર્થમાં હળવું કરી દે એવું હોય છે. બાકી ઍલર્જિક લક્ષણો હોય તો શાની ઍલર્જી છે એ જાણીને એનાથી દૂર રહેવાથી કામ બની જાય છે. ઓબેસિટી અને લાઇફસ્ટાઇલ ડિસીઝને કારણો હોય તો પહેલાં એ રોગોને કાબૂમાં લેવા જરૂરી બને છે. 


બ્રેથલેસનેસમાં શું કરવું?
જ્યારે શરદી થાય, અસ્થમાનો હુમલો થાય કે ગળામાં કફ કરડતો હોય ત્યારે અજમો ઉત્તમ છે. એવા સમયે અજમાનું પાણી વધુ અસરકારક રહે છે. ક્રૉનિક કફ ભરાઈને સુકાઈ જવાથી અસ્થમાના હુમલા થતા હોય, ઊંડા શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય તો અજમાના અર્ક જેવી અકસીર બીજી કોઈ દવા નથી. રોજ જમ્યા પછી બે ચમચી અજમાનો અર્ક લાંબા સમય સુધી લેવામાં આવે તો અસ્થમાના દરદીઓમાં દમની ફ્રીક્વન્સી અને તીવ્રતા બન્નેમાં ફરક પડે છે.

અજમામાં ઍન્ટિ-બૅક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ અને ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી ક્ષમતા હોય છે. એનો મતલબ એ કે શરીરના કોઈ પણ ટિશ્યુમાં સોજો, લાલાશ કે આળાશ આવી ગઈ હોય તો અજમાથી ફાયદો થાય છે. બદલાતી સીઝન દરમ્યાન વાઇરલ ઇન્ફેક્શનને કારણે શ્વસનતંત્રને સૌથી પહેલી અસર થાય છે. ઉનાળામાંથી ચોમાસું, ચોમાસામાંથી શિયાળો કે શિયાળામાંથી ઉનાળો બેસતો હોય એવી ઋતુસંધિઓમાં શ્વસનતંત્રમાં ઇન્ફેક્શન અને ઇન્ફ્લમેશન થવાની સંભાવના વધે છે ત્યારે અજમો અકસીર છે. 

કેટલાક લોકોને રાતે પથારીમાં સૂવા પડે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને બેઠા થાય એટલે સારું લાગે. આ પ્રકારની બ્રેથલેસનેસમાં પણ સવાર-સાંજ બે-બે ચમચી અજમાનો અર્ક 
પાણીમાં મેળવીને લઈ શકાય. અજમાનું પાણી અને અજમાનો અર્ક એ બે જુદી વસ્તુ છે. અજમાના પાણીને ઉકાળીને એનું ડિસ્ટિલ્ડ વૉટર તૈયાર કરવામાં આવે એને અર્ક કહેવાય. આયુર્વેદિક કંપનીઓ ડબલ ડિસ્ટિલ વાપરે છે જ્યારે યુનાની કંપનીનો અર્ક સિંગલ ડિસ્ટિલ પદ્ધતિ વાપરે છે. ડબલ ડિસ્ટિલવાળો અજમાનો અર્ક વધુ સ્ટ્રૉન્ગ હોય છે. ઘરે બનાવેલું અજમાનું પાણી વધુ પિત્તકર બની શકે છે. ઠંડીની સીઝનમાં ઘરે બનાવેલું અજમાનું પાણી પણ ચાલી શકે, પરંતુ હાલની સીઝનમાં અર્ક જ વાપરવો હિતાવહ છે.

પ્રિવેન્શન માટે શું થઈ શકે?
પચવામાં ભારે ઠંડું દૂધ અને દૂધના માવાની બનાવટો ન લેવી. કેળાં, ખાંડ, મીઠાઈઓ કે કાળી દાળ જેવાં કઠોળ ન લેવાં. અતિ તીખું, તળેલું, ફાસ્ટ ફૂડ, પાપડ-અથાણાં, પ્રિઝર્વેટિવ્સવાળું, વાસી ખાવાનું ન ખાવું. જમ્યા પર તરત કંઈ ન ખાવું. 
ધુમાડો, પરફ્યુમની તીવ્ર સુગંધ, પેઇન્ટ કે અન્ય સ્ટ્રૉન્ગ સ્મેલ ધરાવતાં કેમિકલ્સ ન વાપરવાં. 
પીંછાંવાળા તકિયાને બદલે કૉટનનાં તકિયા અને બેડશીટ વાપરવાં. 
નાકમાં દિવસમાં ત્રણથી ચાર વાર ગાયનું ઘી કે તેલ લગાવવું. 
ટ્રેન, સ્કૂટર  કે બસની બારી પાસે મોં પર સીધો પવનનો મારો થાય એવી રીતે ન બેસવું. ખરાબ હવામાન, ધૂળ, રજકણ, પ્રદૂષિત વાતાવરણમાં નાક પર રૂમાલ કે દુપટ્ટો પહેરવો. 
ઍર-કન્ડિશનર વાપરતા હો તો ફિલ્ટર રેગ્યુલરલી બદલાવતા રહો.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:32 AM IST | Mumbai | Dr. Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK