ડાયાબિટીઝના દરદીઓએ પોતાનું શુગર લેવલ કન્ટ્રોમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તમારા પગને સતત કાળજી આપો. પગની ઉપર, આંગળીઓની વચ્ચે અને તળિયાને દરરોજ તપાસતા રહો. કંઈ પણ થશે તો તમને દુખાવો મહેસૂસ નહીં થાય. આમ જો ઘા ન દુખતો હોય તો પણ ડૉક્ટરને બતાવો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આપણા શરીરમાં જે રક્તવાહિનીઓ રહેલી છે એ જુદી-જુદી પહોળાઈ ધરાવે છે જેને આપણે ત્રણ પ્રકારે વહેંચી શકાય. એક એકદમ સાંકડી, બીજી મધ્યમ પહોળી અને ત્રીજી પહોળી. દરેક અંગની જરૂરિયાત અનુસાર આ રક્તવાહિનીઓની પહોળાઈ બનેલી છે. પગ અને હાથની રક્તવાહિનીઓ સૌથી વધુ પહોળી છે. હવે જ્યારે ડાયાબિટીઝને કારણે હાથ કે પગની રક્તવાહિનીઓ અસરગ્રસ્ત થાય ત્યારે એને પેરિફેરલ વૅસ્ક્યુલર ડિસીઝ કહેવાય છે. રક્તવાહિનીઓ એ રક્તને દરેક અંગ સુધી પહોંચાડે છે અને જ્યારે એ ડૅમેજ થાય છે ત્યારે એ અંગને રક્ત પૂરતી માત્રામાં મળતું નથી. એટલે એ અંગના જ્ઞાનતંતુઓ પર અસર થાય છે અને પગનું સેન્સેશન ધીમે-ધીમે ઓછું થતું જાય છે. આ કારણસર જ્યારે ડાયાબિટીઝના દરદીને કઈ વાગે કે પગના ઘસાવાને કારણે એ છોલાઈ જાય ત્યારે તરત ખબર પડવી જોઈએ એ પડતી જ નથી. ત્યાં દુખે નહીં એટલે મોટા ભાગે ધ્યાન જ જતું નથી કે ત્યાં એક ઘા છે. આ ઘા ભરતાં વાર લાગે છે અને એને કારણે એ ઘા નાસૂર બની જાય છે. ઇન્ફેક્શન વધી જાય છે અને આ સંજોગોમાં એને કન્ટ્રોલ કરવું અઘરું પડે છે. એવું નથી કે ફક્ત ઘા, હાડકાને કોઈ તકલીફ થઈ હોય, સ્નાયુ ફાટી ગયો હોય કે સાંધા પર માર લાગ્યો હોય આવી કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક ખબર પડવી અઘરી છે. એટલે જ આ દરદીઓએ રાહ ન જોવી કે દુખશે તો જઈશું ડૉક્ટર પાસે. તેમણે તરત જ જવું.
ડાયાબિટીઝના દરદીઓએ પોતાનું શુગર લેવલ કન્ટ્રોમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તમારા પગને સતત કાળજી આપો. પગની ઉપર, આંગળીઓની વચ્ચે અને તળિયાને દરરોજ તપાસતા રહો. કંઈ પણ થશે તો તમને દુખાવો મહેસૂસ નહીં થાય. આમ જો ઘા ન દુખતો હોય તો પણ ડૉક્ટરને બતાવો. ઘરમાં કે બહાર ઉઘાડા પગે ન ફરો. સતત ચંપલ પહેરી રાખો.
શૂઝ પહેરો તો એમાં કાંકરા ભરાયા ન હોય એનું ખાસ ધ્યાન રાખો. ડાયાબિટીઝના દરદીને પગ પર સોજા આવતા હોય છે એટલે તેમને હંમેશાં શૂઝ સાંજે ખરીદવાં જોઈએ. દિવસે ખરીદે તો અડધો ઇંચ આગળ અને અડધો ઇંચ પાછળ એમ જગ્યા રાખીને થોડાં મોટાં શૂઝ જ લેવાં. તેમને ક્યારેય ટાઇટ શૂઝ પહેરવાં નહીં. પગમાં ખૂબ ઠંડા કે ગરમ પાણીનો શેક ન લેવો. એની સાથે-સાથે રેગ્યુલર કસરત અને હેલ્ધી ડાયટ અપનાવવી. કસરત કરવાથી તેમના લોહીના પરિભ્રમણમાં ચોક્કસ ફેર પડશે. પગ હંમેશાં સૂકા રાખો. ભીના પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે. ક્યારેય પલાંઠી વાળીને ન બેસો. એનાથી નસો દબાય છે જે લોહીના પરિભ્રમણને અસર કરે છે.


