ચોકઠું ન પહેરવાને લીધે પેઢાં પર વજન આવતું નથી અને પેઢાંનું હાડકું સમય જતાં સંકોચાય છે અને નાનું બનતું જાય છે
પ્રતીકાત્મક તસવીર
સૌથી પહેલાં તો એ જરૂરી છે કે તમે જે માપ સાથે જે ડૉક્ટર પાસે ચોકઠું બનાવ્યું હોય એ વ્યવસ્થિત અને એકદમ માપસર બનીને આવે. એમાં કયું મટીરિયલ વાપરવું જોઈએ, તમારા બજેટમાં શું ફિટ થાય છે, નકલી દેખાશે કે એકદમ ઓરિજિનલ દાંત જેવા જ દેખાશે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચોકઠું બનાવડાવવું. ચોકઠું આવ્યા પછી એને ધીમે-ધીમે મૅક્સિમમ સમય સુધી દિવસના ભાગમાં પહેરવું. ઘણા લોકો એવા હોય છે કે એ ફક્ત જમતી વખતે જ ચોકઠું પહેરે છે બાકી દિવસ દરમિયાન પણ કાઢી નાખે છે. એને લીધે થાય છે એવું કે તેમને એની આદત પડતી જ નથી. ચોકઠું આવ્યા પછી તમારે એને સમય આપવાનો છે જેનાથી તમારું શરીર અને મગજ એને સ્વીકારી લે. એ તમને અજુગતું ન લાગે અને એની આદત પડી જાય.
આ સમય જે લોકો નથી આપતા તેમની જોડે એ તકલીફ થાય છે કે ચોકઠું ન પહેરવાને લીધે પેઢાં પર વજન આવતું નથી અને પેઢાંનું હાડકું સમય જતાં સંકોચાય છે અને નાનું બનતું જાય છે. પેઢાંનું માપ બદલે એટલે ફરી ચોકઠું ફિટ આવતું નથી અને બીજું બનાવવું પડે છે. તો શું ચોકઠું તમે પહેરો તો એ લાઇફટાઇમ ચાલે? આ પ્રશ્નનો જવાબ છે ના. ચોકઠું પહેર્યા પછી પણ પેઢાંનું હાડકું સંકોચાય છે પણ એટલું ઝડપથી નહીં જેટલું એ વગર ચોકઠે સંકોચાય. પરંતુ જ્યારે એ સંકોચાય જેમ કે કદાચ ૨ કે ૩ વર્ષમાં તો ચોકઠું બદલવું પડે છે. ચોકઠું હંમેશાં દિવસ દરમિયાન જ પહેરવું, રાત્રે નહીં. રાત્રે ચોકઠું પહેરીને સૂઈ ગયા તો ચોકઠાની નીચે ફંગલ ગ્રોથ થઈ શકે છે અને એને કારણે મોઢામાં ઇન્ફેક્શન ફેલાઈ જાય છે. એનાથી બચવા વગર ભૂલ્યે રાત્રે ચોકઠું કાઢી જ નાખવું. એને રાત્રે કાઢીને રૂમ-ટેમ્પરેચર ધરાવતા પાણીમાં બોળીને રાખવા. એક ડેન્ચર ક્લીનિંગ ટૅબ્લેટ આવે છે એને આ પાણીમાં નાખી દેવાની. સવારે એને સરસ સાફ કરીને પહેરી લેવું.
ADVERTISEMENT
દિવસે જેટલી વાર જમો એટલી વાર ચોકઠું કાઢીને બ્રશથી સાફ કરવું જરૂરી છે. એને વહેતા નળના પાણીમાં ધોઈ નાખવું. શરૂઆતમાં ફિટિંગ ઠીક રહે એ માટે જેલ કે પાઉડર પણ પણ આવે છે જેને ચોકઠાની નીચેના ભાગમાં લગાવવાની હોય છે પરંતુ એ જેલ ફક્ત તમને ઇરિટેશન ન થાય એ માટેની છે. થોડા શરૂઆતના દિવસો એ ઘણી કામ લાગે છે. ચોકઠું ધોતી વખતે ખાસ ધ્યાન રાખવું જો એ હાથમાંથી છટકીને પડી ન જાય અને એનું મટીરિયલ ખાસ મજબૂત ન હોય તો સીધા બે કટકા થઈ જઈ શકે છે.


