લ્યુપસ જેવી ઑટોઇમ્યુન બીમારીમાં દરદીઓ વારંવાર લોહી વહેતું હોય એવાં અથવા હુમલો થતો હોય એવાં સપનાં જોતા હોવાનું નોંધાયું છે.
પ્રતીકાત્મક તસવીર
સપનાં મગજની એક જટિલ પ્રક્રિયા છે પરંતુ સપનાં તમારા શરીરના સ્વાસ્થ્યનો અરીસો પણ હોઈ શકે છે. એ દિશામાં ભરપૂર સંશોધનો થયાં છે. આજકાલ મેડિકલ સાયન્સમાં ‘પ્રોડ્રોમલ ડ્રીમ્સ’ પર સંશોધન થઈ રહ્યું છે જે સૂચવે છે કે ગંભીર રોગોનાં શારીરિક લક્ષણો દેખાય એનાં વર્ષો પહેલાં મગજ સપના દ્વારા સંકેત આપી શકે છે.
કૅનેડા અને UKની યુનિવર્સિટીઓના સંશોધન મુજબ જે લોકો વારંવાર ડરામણાં સપનાં જુએ છે અથવા સપનાંમાં હિંસક પ્રતિક્રિયા આપે છે જેમ કે હાથ-પગ હલાવવા કે બૂમો પાડવી તેમને ભવિષ્યમાં પાર્કિન્સન્સ અથવા ડિમેન્શિયા થવાનું જોખમ વધારે હોય છે. નિષ્ણાતો માને છે કે જ્યારે મગજની સિસ્ટમમાં ગરબડ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ ઊંઘ અને સપનાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે. માત્ર માનસિક જ નહીં પરંતુ શારીરિક બીમારીઓ પણ સપના પર અસર કરે છે. દાખલા તરીકે હૃદયરોગના દરદીઓ ઘણી વાર એવાં સપનાં જુએ છે જેમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા કોઈ તેમનો પીછો કરતું હોય. કૅન્સરના દરદીઓમાં પણ નિદાનના થોડા સમય પહેલાં સપનાંની પૅટર્ન બદલાતી જોવા મળી છે. લ્યુપસ જેવી ઑટોઇમ્યુન બીમારીમાં દરદીઓ વારંવાર લોહી વહેતું હોય એવાં અથવા હુમલો થતો હોય એવાં સપનાં જોતા હોવાનું નોંધાયું છે.
ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે સપનાં મગજની ચેતવણી પ્રણાલી છે. જ્યારે આપણી જાગૃત અવસ્થા બીમારીના નાના સંકેતોને પકડી શકતી નથી ત્યારે અર્ધજાગ્રત મન ઊંઘ દરમિયાન એ સંકેતોને સપનાના રૂપમાં રજૂ કરે છે. જો તમને અચાનક સપનાં આવવાની પદ્ધતિમાં મોટો ફેરફાર જણાય ખાસ કરીને જો એ ડરામણાં અને હિંસક હોય તો એ હેલ્થ ચેકઅપ માટેનો સંકેત હોઈ શકે છે.
