Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમને માંદો પાડી શકે છે કાળઝાળ ગરમી અને ઍર-કન્ડિશનની ચિલ્ડ ઠંડીનો વિરોધાભાસ

તમને માંદો પાડી શકે છે કાળઝાળ ગરમી અને ઍર-કન્ડિશનની ચિલ્ડ ઠંડીનો વિરોધાભાસ

Published : 05 June, 2026 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑફિસ, મેટ્રો કે કારની ઠંડી હવામાંથી અચાનક બહારની ગરમીમાં પગ મૂકવો એ માત્ર અકળામણ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. જાણો આ થર્મલ શૉક શરીર પર કેવી અસર કરે છે અને એનાથી બચવા શું કાળજી રાખવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બહાર નીકળો તો આભમાંથી અગનગોળા વરસતા હોય અને ઑફિસ, મેટ્રો કે લક્ઝરી કારમાં બેસો તો શિમલા જેવી ઠંડક લાગે. આવી ફીલિંગ દરેક નોકરિયાત વ્યક્તિને આવતી હશે. કલાકો સુધી બાવીસ ડિગ્રી તાપમાનમાં રહ્યા પછી અચાનક જ્યારે આપણે ૪૦ ડિગ્રીના બફારામાં પગ મૂકીએ છીએ ત્યારે શરીર ગૂંચવાઈ જાય છે. તાપમાનમાં આવતો આ આકસ્મિક બદલાવ માંદા પાડી શકે છે. આ સડન સ્વિચ સ્વાસ્થ્ય માટે સાઇલન્ટ વિલન બની શકે છે.

આપણું શરીર બહારના વાતાવરણ સાથે પોતાનું તાપમાન બૅલૅન્સ રાખવા સતત કામ કરે છે, પણ જ્યારે તાપમાનમાં પંદરથી ૨૦ ડિગ્રીનો તફાવત આવે ત્યારે શરીરને ઍડ્જસ્ટ કરવાનો સમય મળતો નથી. ઠંડા વાતાવરણમાંથી અચાનક ગરમ વાતાવરણમાં જવાથી નાક અને ગળાની શ્વસનનળીઓ સંકોચાઈને ખૂલી જાય છે. આનાથી શરીરની ડિફેન્સ સિસ્ટમ નબળી પડે છે અને વાઇરસ સરળતાથી અટૅક કરે છે. ઠંડીમાં બ્લડ વેસલ્સ સંકોચાયેલી હોય છે. અચાનક ગરમીમાં જતાં જ એ ઝડપથી પહોળી થાય છે. આના કારણે બ્લડ-પ્રેશરમાં અચાનક ઉતાર-ચડાવ આવે છે, જેનાથી ચક્કર આવે છે કે ગભરામણ થઈ શકે છે. આ સડન સ્વિચને કારણે જ ગરમીમાં પણ લોકોને શરદી, ઉધરસ, ગળામાં ઇન્ફેક્શન અને માથાના અસહ્ય દુખાવાની સમસ્યા થાય છે. ACની ડ્રાય હવામાંથી સીધા પરસેવાવાળા વાતાવરણમાં જવાથી સ્કિનનાં પોર્સ પ્રભાવિત થાય છે અને ક્યારેક ઍલર્જી પણ થઈ શકે છે.



શું કાળજી રાખવી?


તમે જ્યારે ઑફિસ કે મેટ્રોમાંથી બહાર નીકળવાના હો ત્યારે સીધા તડકામાં ન જાઓ. થોડી મિનિટો લૉબીમાં અથવા સેમી-ઓપન એરિયામાં ઊભા રહો જેથી શરીર બહારના તાપમાન સાથે થોડું સેટ થઈ શકે. કારમાં મુસાફરી કરતા હો તો ડેસ્ટિનેશન પર પહોંચવાના પાંચ મિનિટ પહેલાં AC બંધ કરી દો અને બારી સહેજ ખોલી નાખો.

ઑફિસ કે ઘરમાં ACનું તાપમાન ૧૬ કે ૧૮ ડિગ્રી રાખવાની જીદ છોડો. ૨૪થી ૨૬ ડિગ્રી તાપમાન માનવશરીર માટે આદર્શ માનવામાં આવે છે. આ તાપમાને બહાર નીકળતી વખતે શરીરને બહુ મોટો આંચકો લાગતો નથી.


બહારના બફારામાંથી આવીને તરત જ ફ્રિજનું ચિલ્ડ પાણી પીવું એ અમૃત નહીં પણ ઝેર સમાન છે. એનાથી ગળું પકડાઈ જવાની અને તાવ આવવાની શક્યતા ૧૦૦ ટકા વધી જાય છે. રૂમ-ટેમ્પરેચરનું અથવા માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખો.

AC મેટ્રોમાંથી કે કારમાંથી બહાર નીકળો ત્યારે કૉટનનો સ્કાર્ફ, કૅપ કે કૉટનનું જૅકેટ પહેરી રાખવું હિતાવહ છે. એ બહારની ગરમ હવાના સીધા સંપર્કથી તમારા શરીરને બચાવે છે.

શરીરમાં પાણીની અછત ન થવા દો. દિવસ દરમ્યાન લીંબુપાણી, નારિયેળપાણી કે છાશ પીતા રહો. વિટામિન ‘C’વાળાં ફળો ખાઓ જેથી તમારી ઇમ્યુનિટી મજબૂત રહે અને તાપમાનનો આ આંચકો તમારું કંઈ બગાડી ન શકે.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK