મૃત્યુ ખરેખર અચાનક જ આવ્યું કે વ્યક્તિની સ્વાસ્થ્ય પ્રત્યેની અવગણનાને લીધે એ કહેવું અઘરું થઈ પડે છે
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો પોતે કદી માંદા ન પડ્યા હોવાનું ગૌરવ લે છે. જોકે કદી માંદા ન પડવું એક વાત છે અને જ્યારે માંદા પડીએ ત્યારે એનો સ્વીકાર ન કરવો એ જોખમી વાત છે. માંદગીનાં લક્ષણો દેખાય ત્યારે ચાલે હવે, એ તો થયા કરે, મને તો કંઈ નથી થવાનું એવું વલણ વધુ જોખમી પુરવાર થઈ શકે છે. આવા લોકો અચાનક મૃત્યુનો ભોગ બનતા હોય છે એમ લાગે છે, પરંતુ એ મૃત્યુ ખરેખર અચાનક જ આવ્યું કે વ્યક્તિની સ્વાસ્થ્ય પ્રત્યેની અવગણનાને લીધે એ કહેવું અઘરું થઈ પડે છે
વર્ષો પહેલાં આપણા દાદા-પરદાદાના સમયમાં એવું કહેવાતું કે તેમને તો નખમાં પણ રોગ નહોતો, કોઈ બીમારી નહોતી, ક્યારેય તેમણે જીવનમાં એક ગોળી લીધી નથી, કોઈ દિવસ તેમને આપણે માંદા નથી જોયા, પથારીવશ તો ક્યારેય નહીં. તેમના મૃત્યુ વિશે પણ એ જ સાંભળવા મળે કે રાત્રે સૂતા અને સવારે ઊઠ્યા જ નહીં. અત્યારે મેડિકલનો અધધધ ખર્ચો કરતા અને હૉસ્પિટલના ધક્કા ખાતા લોકોને જોઈને બધાને ક્યાંક ને ક્યાંક લાગતું હોય છે કે પહેલાંનો સમય સારો હતો. પહેલાંના લોકોને બીમારીઓ નડતી નથી. ઘણા લોકો તો એનાં કારણો પણ આપવા લાગે છે કે ત્યારે હવા-પાણી શુદ્ધ હતાં, બાપદાદાઓએ તો દેશી ઘી ખાધું છે એટલે તેમનામાં એવી તાકાત હતી એટલે તેઓ ક્યારેય બીમાર પડતા નહીં. આ બધું સાંભળવામાં ખૂબ જ સારું લાગે છે અને ખરું પૂછો તો આજે આપણે આવું જીવન જ જીવવા માગીએ છીએ, પણ જ્યારે-જ્યારે આપણે પહેલાં બધું સરસ હતું અને અત્યારે કશું જ સારું નથીની ભ્રમણામાં હોઈએ ત્યારે થોડી હકીકતો સમજી લેવા જેવી છે.
ADVERTISEMENT
માંદગી આવવી નૉર્મલ છે
કેટલાક લોકો જીવનભર કદી માંદા નથી પડ્યા હોતા, પણ અચાનક નાની શી માંદગી તેમના માટે જીવલેણ બની જાય છે. એનું કારણ શું? વ્યક્તિ ૭૦-૮૦ વર્ષની થઈ ગઈ હોય છતાં તેના નખમાં પણ રોગ ન હોય એ શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘તમે એવું કહો કે મારી પાસે ૧૯૯૦ની સાલમાં લીધેલી ગાડી છે જે એક વાર પણ રિપેર નથી થઈ તો એ શક્ય નથી. એવાં મશીનો હોય તો પણ એના માલિકને પૂછો તો કહેશે કે તેમણે એક પણ સર્વિસ મિસ નથી કરી. એટલે ગાડી ટકાટક ચાલે છે, જેમાં પણ કેટલા પાર્ટ્સ તો બદલવા જ પડ્યા હશે. કહેવાનો અર્થ એ છે કે શરીર એક એવું મશીન છે જેની સતત કાળજી જરૂરી છે. એમાં કોઈ ને કોઈ નાની-સૂની તકલીફો તો આવવાની જ છે. ઉંમર એનું કામ કરવાની જ છે. એટલે એ શક્ય નથી કે કોઈ વ્યક્તિ ૭૦-૮૦ વર્ષ સુધીમાં એક પણ વાર માંદી પડી જ ન હોય. જે લોકો પોતાનું અતિ ધ્યાન રાખે છે, સારું ખાય છે, એક્સરસાઇઝ કરે છે, લાઇફસ્ટાઇલ એકદમ સારી છે તેમને પણ નાની-સૂની તકલીફો ક્યારેક તો થઈ જ હોય છે; પણ એવું ચોક્કસ બને કે ૭૦ વર્ષની વયે વ્યક્તિને એવી તકલીફો નથી જે તેમના રૂટીન જીવનને અસર કરે છે. ઘણા લોકોને ઇન્ફેક્શન થયું હોય, તાવ આવતો હોય તો પણ તેઓ નૉર્મલ કામ કરી શકતા હોય છે કારણ કે શરીર સશક્ત છે.’
આટલું સમજો
તો પછી એવું કેમ કહેવાય છે કે તે વ્યક્તિ ક્યારેય માંદી જ નથી પડી કે તેણે ગોળી પણ ખાધી નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એવું ચોક્કસ બને છે કે તેમને જે તકલીફ થઈ છે એનું નિદાન થયું નથી, કારણ કે હજી પણ ઘણા લોકો છે જે તેમનાં લક્ષણોને કે ચિહ્નોને અવગણે છે. ડૉક્ટર પાસે જવું તેમને પસંદ જ નથી. શરીર એક સરસ યંત્ર છે જે ખુદને ઠીક કરી જાણે છે. એટલે ખોટી દવાઓ લીધા કરવી પણ ઠીક નથી, પણ એનાથી વિપરીત તમને કંઈ પણ થાય તો ડૉક્ટર પાસે તો જવું જ નથી એમ વિચારવું પણ યોગ્ય નથી. પહેલાંના સમયમાં સાયન્સ એટલું ડેવલપ નહોતું. રાત્રે વ્યક્તિ સૂએ અને ઊંઘમાં અટૅક આવી જાય તો તેનું મૃત્યુ થઈ જાય, સવારે ઊઠે જ નહીં. એટલે એવું લાગતું કે સારું મૃત્યુ થયું, પણ વિચારો કે તે વ્યક્તિને છેલ્લાં ૧૫ વર્ષથી શુગર કે બ્લડ-પ્રેશર હતાં જે ચેક જ નહોતાં કરાવ્યાં એટલે ન નિદાન થયું કે ન ગોળીઓ ખાધી અને અંતે રાત્રે હાર્ટ-અટૅક આવ્યો અને તેમનું મૃત્યુ થયું અને આપણે માનવા લાગ્યા કે તેમને તો કંઈ જ નહોતું. આજે ૨૦૨૬માં આટલા ઇગ્નૉરન્સ સાથે ન જીવી શકાય. મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. અચાનક અને અણધાર્યું મૃત્યુ એ એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના છે. કોઈ તંદુરસ્ત દેખાતી વ્યક્તિનું જ્યારે અચાનક કે પછી ઘણી વાર લક્ષણો શરૂ થયાના એક કલાકની અંદર જ મૃત્યુ થાય છે ત્યારે એનું મુખ્ય કારણ કોઈ છુપાયેલી અથવા નિદાન ન થયેલી તબીબી સમસ્યા હોઈ શકે છે.’
અચાનક મૃત્યુ થવાનાં મુખ્ય કારણો
ડૉ. સુશીલ શાહ પાસેથી જાણીએ કે અચાનક મૃત્યુ પાછળનાં દેખીતાં કારણો કયાં છે.
અચાનક થતાં તમામ કુદરતી મૃત્યુમાંથી ૮૦ ટકા જેટલાં મૃત્યુ હૃદયની સમસ્યાઓ સંબંધિત હોય છે. એને સડન કાર્ડિઍક ડેથ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કૉરોનરી આર્ટરી ડિસીઝ સૌથી મુખ્ય કારણ છે. હૃદયની ધમનીઓમાં અચાનક બ્લૉકેજ થવાને કારણે હૃદયના સ્નાયુઓ સુધી ઑક્સિજન પહોંચતો નથી, જેને લીધે અચાનક હાર્ટ-અટૅક આવી શકે છે જે ઘાતક સાબિત થઈ શકે છે. મોટા ભાગે દેખીતાં બ્લૉકેજ ઍન્જિયોગ્રાફીમાં પકડાઈ જાય છે અને વ્યક્તિની પ્રિવેન્ટિવ સર્જરી દ્વારા તેને બચાવી શકાય છે, પરંતુ અમુક સમયે અમુક પ્રકારનાં બ્લૉકેજ ટેસ્ટમાં પકડાતાં જ નથી એટલે આવા કેસમાં જોવા મળે છે કે થોડા સમય પહેલાં જ ઍન્જિયોગ્રાફી થઈ હતી ત્યારે કશું નહોતું અને અચાનક જ અટૅક આવી ગયો.
કાર્ડિઍક એરિધમિયા : હૃદયને સતત ધબકતું રાખવા માટે એક પ્રકારની ઇલેક્ટ્રિક સિસ્ટમ એટલે કે વિદ્યુતપ્રણાલી કામ કરે છે. એ વિદ્યુતપ્રણાલી અચાનક જ ખોરવાઈ જાય છે ત્યારે તકલીફ પડે છે, જેને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અથવા હૃદય સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ જાય છે. આવું થવા પાછળ ‘વેન્ટ્રિક્યુલર ફિબ્રિલિએશન’ એક સામાન્ય કારણ છે. જે લોકોને કોઈ રોગ ન હોય, કોઈ તકલીફ ન હોય અને એકદમ જ મૃત્યુ થાય તો એની પાછળ આ કારણ મુખ્ય રીતે જોવા મળે છે.
આ સિવાય કાર્ડિયોમાયોપથી જેમાં હૃદયના સ્નાયુઓ જાડા અથવા મોટા થઈ જાય છે એ તકલીફ યુવાન રમતવીરોમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ બને છે. મોટા ભાગે લક્ષણો ખાસ ન હોવાને કારણે પહેલેથી એનું નિદાન અઘરું બનતું હોય છે. આ સિવાય ઘણી વખત કોઈ પણ કારણસર શરીરની મુખ્ય ધમની (એઓર્ટા) ફાટી જાય તો એને કારણે શરીરમાં અંદર અચાનક ભારે રક્તસ્રાવ થાય છે જે ઘાતક સાબિત થતો હોય છે.
બીજાં કારણોમાં શ્વાસ અને ફેફસાં સંબંધિત રોગો પણ આવે છે. જ્યારે શ્વસનતંત્ર અચાનક નિષ્ફળ જાય છે ત્યારે એ શરીરનાં મુખ્ય અંગો સુધી ઑક્સિજનની કમી પેદા કરે છે. જેમ કે પલ્મનરી એમબોલિઝમ થાય, જેમાં લોહીનો ગઠ્ઠો (સામાન્ય રીતે પગની નસોમાંથી) ફેફસાં સુધી પહોંચે છે અને ફેફસાંની મુખ્ય ધમનીને બ્લૉક કરી દે છે અથવા કોઈને અસ્થમાનો તીવ્ર અટૅક આવે. બ્રેઇન સ્ટ્રોક થાય, જેમાં મગજની લોહીની નળી અચાનક ફાટી જાય અને વ્યક્તિ મૃત્યુ પામે. અચાનક જ આંચકી આવે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે.
ભાગ્યે જ જોવા મળતાં બીજાં કારણોમાં જોઈએ તો શરીરમાં ફેલાયેલા ઇન્ફેક્શન સામે શરીરની રોગપ્રતિકારક શક્તિની તીવ્ર પ્રતિક્રિયા, જેને કારણે અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને મૃત્યુ થાય છે. કોઈ પણ ઍલર્જીના કારણે થતી જીવલેણ પ્રતિક્રિયા જેને લીધે શ્વાસનળી બંધ થઈ જાય છે અને બ્લડ-પ્રેશર ગંભીર રીતે ઘટી જાય છે. નશીલા પદાર્થો અથવા ઝેરી પદાર્થોનું વધુ પડતું સેવન, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નબળી પાડે છે અને શ્વાસ લેવાની પ્રક્રિયા બંધ કરી દે છે.
આમાંની ઘણીબધી સ્થિતિઓ, જેમ કે હૃદયની બીમારી કે હાઈ બ્લડ-પ્રેશર કોઈ પણ સ્પષ્ટ લક્ષણો વગર લાંબા સમય સુધી શરીરમાં વધી શકે છે એટલે નિયમિત મેડિકલ ચેક-અપ કરાવવું અને પરિવારના સ્વાસ્થ્યનો ઇતિહાસ જાણવો એ આનાથી બચવાના મહત્ત્વપૂર્ણ ઉપાયોમાં ગણાય છે.
રેગ્યુલર ચેક-અપ ઇઝ મસ્ટ
ગાઇડલાઇન્સ પ્રમાણે જરૂરી છે કે દરેક વ્યક્તિ ૪૦ની ઉંમર પછી એક વખત રેગ્યુલર ચેક-અપ કરાવે. એમાં તેના લોહીનાં પરિમાણો, શુગર, લિવર, કિડની, લિપિડ પ્રોફાઇલ, બેઝિક યુરિન અને સ્ટૂલ ટેસ્ટનો સમાવેશ થવો જોઈએ. આ સિવાય કોઈ પણ પ્રકારનાં નાનામાં-નાનાં ચિહ્નોને પણ અવગણીને થઈ જશે બધું ઠીક એવું ન સમજો. ડૉક્ટરની મુલાકાત જરૂરી છે, કારણ કે તમને જે પણ તકલીફ છે એનું નિદાન કરવું જરૂરી છે.
