Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૮-૯ વર્ષે પ્યુબર્ટી આવી જાય અને ૩૫-૪૦ વર્ષે મેનોપૉઝ

૮-૯ વર્ષે પ્યુબર્ટી આવી જાય અને ૩૫-૪૦ વર્ષે મેનોપૉઝ

Published : 24 August, 2026 05:52 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

અભ્યાસોમાં નોંધાયું છે કે જે ફીમેલમાં ખૂબ નાની વયે માસિકચક્ર શરૂ થઈ જતું હોય છે તેને મેનોપૉઝ પણ વહેલો આવે છે. વળી આજકાલ યુવતીઓ લેટ મૅરેજ કરતી હોવાથી તેમને ફર્ટિલિટી પિરિયડ પણ નાનો મળે છે. હૉર્મોનલ અસંતુલન પેદા કરતી આ બાબતો કઈ છે એ જાણીએ  

૮-૯ વર્ષે પ્યુબર્ટી આવી જાય અને ૩૫-૪૦ વર્ષે મેનોપૉઝ

૮-૯ વર્ષે પ્યુબર્ટી આવી જાય અને ૩૫-૪૦ વર્ષે મેનોપૉઝ


આજના સમયમાં મહિલાઓના હૉર્મોનલ સ્વાસ્થ્યમાં ઝડપથી બદલાવ જોવા મળી રહ્યો છે. એક તરફ ઘણી બાળકીઓમાં આઠથી ૯ વર્ષની ઉંમરે જ પ્યુબર્ટીની શરૂઆત થઈ જાય છે તો બીજી તરફ ૩૦-૩૫ વર્ષની આસપાસ ઓવેરિયન રિઝર્વ ઘટી જવું, PCOS, એન્ડોમેટ્રિઓસિસ અને ક્યારેક સમય પહેલાં મેનોપૉઝ જેવી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. સાથે જ મહિલાઓમાં મોડાં લગ્ન અને મોડું માતૃત્વ પણ હવે સામાન્ય બની ગયું છે. ઉચ્ચ શિક્ષણ, કરીઅર અને આર્થિક સ્થિરતાને કારણે ઘણી મહિલાઓ ૩૦ વર્ષ પછી ફૅમિલી પ્લાનિંગ કરે છે, પરંતુ જ્યારે તેઓ માતૃત્વ માટે તૈયાર થાય છે ત્યારે કેટલીક વાર ગર્ભધારણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિ માટે માત્ર ઉંમરને જવાબદાર ગણવી યોગ્ય નથી. મહિલાનું હૉર્મોનલ સ્વાસ્થ્ય બાળપણથી જ ઘડાતું હોય છે. બાળકીને કેવું વાતાવરણ મળે છે, તે શું ખાય છે, કેટલું ઊંઘે છે, કેટલું રમે છે અને માનસિક રીતે કેટલી સ્વસ્થ રહે છે એની અસર આગળ જઈને તેના પિરિયડ્સ, ઈંડાંના છૂટા પડવાની ઓવ્યુલેશન પ્રક્રિયા અને ફર્ટિલિટી સુધી જોવા મળી શકે છે. એટલે દીકરીના હૉર્મોનલ સ્વાસ્થ્યની કાળજી ત્યારે નહીં શરૂ કરવી જ્યારે સમસ્યા ઊભી થાય, પરંતુ જન્મથી જ એની શરૂઆત કરવી જરૂરી છે. આને લઈને આપણે ગાયનેકોલૉજિસ્ટ ડૉ. ધ્રુપ્તિ દેઢિયા પાસેથી જાણીએ.

હેલ્ધી ડાયટથી હૉર્મોનલ હેલ્થનો મજબૂત પાયો



આજના સમયમાં બાળકીઓમાં વધતી હૉર્મોનલ સમસ્યાઓ પાછળ બદલાતી ખાણી-પીણી એક મહત્ત્વનું કારણ બની રહી છે. પૅકેટ નાસ્તા, ફાસ્ટ-ફૂડ, કોલ્ડ ડ્રિન્ક્સ, બેકરી પ્રોડક્ટ્સ, વધુ પડતી ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ હવે બાળકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયાં છે. આ પ્રકારનો ખોરાક શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માત્ર ડાયાબિટીઝ સાથે જોડાયેલી સમસ્યા નથી; એ પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ (PCOS), વધતું વજન અને હૉર્મોનલ અસંતુલન સાથે પણ સંબંધિત છે. ખાસ કરીને આજના સમયમાં યુવતીઓમાં જોવા મળતી PCOS જેવી સમસ્યાઓમાં જીવનશૈલીનું મહત્ત્વ ઘણું છે. એટલે બાળકીને બહારનું ખાવાનું સંપૂર્ણ બંધ કરાવવું એ ઉકેલ નથી. એને બદલે ઘરમાં જ પોષક અને સ્વાદિષ્ટ વિકલ્પો ઉપલબ્ધ કરાવવા જોઈએ. દાળ, કઠોળ, લીલાં શાકભાજી, ફળો, મિલેટ્સ, ઘરનું દહીં, સૂકા મેવા અને પ્રોટીનયુક્ત આહાર બાળકના વિકાસ માટે જરૂરી છે. માતા-પિતાએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળકના ભોજનનો સમય નિયમિત હોય. વારંવાર થોડું-થોડું ખાતા રહેવું, નાસ્તો કરીને ભોજન ટાળવું અથવા અનિયમિત સમયે જમવાની ટેવ શરીરના મેટાબૉલિઝમને અસર કરી શકે છે. અઠવાડિયામાં એકાદ વખત બહારનું ખાવું નુકસાનકારક નથી; પરંતુ જો પીત્ઝા, બર્ગર, ફ્રાઇડ ફૂડ અને પૅકેટ ફૂડ રોજિંદી ટેવ બની જાય તો એની અસર લાંબા ગાળે શરીરની મેટાબૉલિક અને હૉર્મોનલ સિસ્ટમ પર પડી શકે છે.


ફિઝિકલ એક્ટિવિટીને પ્રાથમિકતા

પહેલાંના સમયમાં બાળકોનો મોટા ભાગનો સમય બહાર રમવામાં પસાર થતો હતો. આજે સ્કૂલ, ટ્યુશન અને ત્યાર બાદ મોબાઇલ, ટીવી અથવા ગેમિંગને કારણે બાળકોની શારીરિક પ્રવૃત્તિ ઘણી ઘટી ગઈ છે. શારીરિક પ્રવૃત્તિ માત્ર વજન-નિયંત્રણ માટે જરૂરી નથી. નિયમિત કસરત શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે, હૉર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અને PCOS જેવી સમસ્યાઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે. બાળપણથી જ કોઈ એક રમત, ડાન્સ, સ્વિમિંગ, સાઇક્લિંગ, યોગ અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિ જીવનનો ભાગ બનવી જોઈએ. બાળકોએ દરરોજ ઓછામાં ઓછી ૪૫થી ૬૦ મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. 
સ્ક્રીન-ટાઇમનો મુદ્દો માત્ર શારીરિક પ્રવૃત્તિ પૂરતો મર્યાદિત નથી. કેટલાક કિસ્સામાં તેઓ ઉંમરને અનુરૂપ ન હોય એવી કન્ટેન્ટના સંપર્કમાં પણ આવી જાય છે. આવા ડિજિટલ એક્સપોઝરની અસર તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર પડી શકે છે.


ઊંઘ અને સ્ટ્રેસનું પણ રાખો ધ્યાન

હૉર્મોનલ હેલ્થમાં ઊંઘની ભૂમિકા ઘણી વખત અવગણાય છે. શરીરનાં અનેક હૉર્મોન્સ ઊંઘ દરમ્યાન સંતુલિત થાય છે. જો બાળક રોજ મોડી રાત સુધી મોબાઇલ કે ટીવી જોવાનું ચાલુ રાખે તો તેની બાયોલૉજિકલ ક્લૉક ખોરવાઈ શકે છે. સમયસર સૂવું, સમયસર જાગવું અને વય પ્રમાણે પૂરતી ઊંઘ લેવી બાળકના શારીરિક વિકાસ સાથે તેના ભવિષ્યના હૉર્મોનલ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. આજનાં બાળકો માત્ર અભ્યાસના દબાણમાંથી જ નહીં; સોશ્યલ મીડિયા, દેખાવ, મિત્રતા અને સતત સરખામણીના દબાણમાંથી પણ પસાર થાય છે. લાંબા સમય સુધી રહેતું સ્ટ્રેસ શરીરમાં કૉર્ટિસોલનું પ્રમાણ વધારી શકે છે જે હૉર્મોનલ સંતુલનને અસર કરી શકે છે. માતા-પિતાએ બાળક સાથે એવો સંબંધ બનાવવો જોઈએ કે તે પોતાની ચિંતા, ડર કે મૂંઝવણ સરળતાથી શૅર કરી શકે. માનસિક રીતે સ્વસ્થ બાળકનું શરીર પણ વધુ સારી રીતે સંતુલિત રહે છે.

માસિક વિશે વાત કરવામાં સંકોચ ન રાખો

ઘણા પરિવારોમાં આજે પણ પિરિયડ્સ અથવા શરીરમાં થતા હૉર્મોનલ ફેરફારો વિશે ખુલ્લી વાત કરવામાં સંકોચ અનુભવાય છે, પરંતુ દીકરીને નાની ઉંમરથી જ તેના શરીરમાં થતા બદલાવ વિશે યોગ્ય માહિતી આપવી જરૂરી છે. માસિક આવવું એ શરીરની કુદરતી પ્રક્રિયા છે. દીકરીને એ સમજાવવું જરૂરી છે કે પિરિયડ્સ કોઈ બીમારી કે શરમની વાત નથી. જો બાળકીને બાળપણથી જ તેના શરીર વિશે યોગ્ય સમજ આપવામાં આવે તો તે કોઈ પણ સમસ્યા આવે ત્યારે ડર્યા વગર માતા-પિતાને કહી શકે છે. માસિક શરૂ થયા પછી શરૂઆતના એકથી બે વર્ષ સુધી સાઇકલ થોડી અનિયમિત રહેવી સામાન્ય હોઈ શકે છે, કારણ કે શરીરની હૉર્મોનલ સિસ્ટમને નિયમિત થવામાં થોડો સમય લાગે છે. જો લાંબા સમય સુધી પિરિયડ્સ ખૂબ અનિયમિત રહે, ઘણા મહિના સુધી ન આવે, ખૂબ વધારે બ્લીડિંગ થાય અથવા દુખાવો અસહ્ય હોય તો એને અવગણવું નહીં.

ક્યારે ડૉક્ટરની સલાહ લેવી?

ઘણી કિશોરીઓ માસિક દરમ્યાન થતી સમસ્યાઓ વિશે માતા-પિતાને કહેતી નથી. સંકોચ અથવા ડરને કારણે તેઓ પોતાની તકલીફ છુપાવી રાખે છે. તેથી માતા-પિતાએ જાતે જ દીકરી સાથે વાત કરીને તેની સ્થિતિ સમજવી જરૂરી છે. જો માસિક દરમ્યાન એટલું વધારે બ્લીડિંગ થતું હોય કે દર એક-બે કલાકે પૅડ બદલવું પડે, કપડાં કે ચાદર બગડી જાય અથવા સતત નબળાઈ અનુભવાય તો ગાયનેકોલૉજિસ્ટની સલાહ લેવી જોઈએ. વધુ પડતું બ્લીડિંગ થાઇરૉઇડ, હૉર્મોનલ અસંતુલન, બ્લડ-ક્લૉટિંગની સમસ્યા અથવા અન્ય તબીબી કારણોનું લક્ષણ હોઈ શકે છે. એ જ રીતે જો માસિક દરમ્યાન એટલો દુખાવો થતો હોય કે દીકરી સ્કૂલ ન જઈ શકે, રોજિંદાં કામ ન કરી શકે અથવા વારંવાર પેઇનકિલર લેવાની જરૂર પડે તો એને સામાન્ય ગણીને અવગણવું યોગ્ય નથી. જો પિરિયડ્સ ખૂબ ઓછા આવે, લાંબો ગૅપ રહે અથવા અનિયમિતતા સતત રહે તો PCOS, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, વજનમાં મોટો ફેરફાર અથવા અન્ય હૉર્મોનલ સમસ્યાઓની તપાસ જરૂરી બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 05:52 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK