Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સારી ઊંઘ માટે ગ્લાયસિન કેટલું અસરકારક?

સારી ઊંઘ માટે ગ્લાયસિન કેટલું અસરકારક?

Published : 23 July, 2026 06:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજકાલ ઇન્સ્ટાગ્રામ અને રીલ્સ પર સારી ઊંઘ અને ચમકતી ત્વચા માટે ગ્લાયસિન નામનું સપ્લિમેન્ટ ભારે ટ્રેન્ડમાં છે. લોકો એને સ્લીપ હૅક તરીકે પ્રમોટ કરી રહ્યા છે, પણ શું ખરેખર એ સુરક્ષિત છે કે નહીં એ જાણીએ

સારી ઊંઘ માટે ગ્લાયસિન કેટલું અસરકારક?

સારી ઊંઘ માટે ગ્લાયસિન કેટલું અસરકારક?


રાતે સારી ઊંઘ લાવવી હોય, સાંધા મજબૂત કરવા હોય, ત્વચા ટાઇટ થાય એ માટે પૂરતું કોલાજન જોઈતું હોય કે ચયાપચયની ક્ષમતા સુધારવી હોય તો ગ્લાયસિન સપ્લિમેન્ટ્સ લેવાં જોઈએ એવું આજકાલ ખૂબ માર્કેટિંગ થઈ રહ્યું છે. આ સપ્લિમેન્ટ્સ આજકાલ હેલ્થ ઇન્ફ્લુએન્સર્સ અને સોશ્યલ મીડિયા યુઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સપ્લિમેન્ટ લેવાથી ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ બજારમાં મળતી આ પિલ્સ કે પાઉડર પાછળ દોડતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે શું આપણું શરીર કુદરતી રીતે આ તત્ત્વ નથી મેળવતું? અને જો મેળવે છે તો બહારથી સપ્લિમેન્ટ લેવાની જરૂર કેમ પડે? કોઈ પણ સપ્લિમેન્ટ જ્યારે ક્વિક-ફિક્સ એટલે કે શૉર્ટ-કટ તરીકે અપનાવાતું હોય ત્યારે એ ખરેખર કારગત છે કે કેમ એ વિશે જાણી લેવું જરૂરી છે.

ગ્લાયસિન શું છે?



ગ્લાયસિન એ એક પ્રકારનું અમીનો ઍસિડ છે જે પ્રોટીન બનાવવા માટેનું બિલ્ડિંગ બ્લૉક છે. આપણું શરીર આ અમીનો ઍસિડ કુદરતી રીતે પણ બનાવે છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી પણ એ મળી રહે છે. ખાસ કરીને દૂધ, દહીં, પનીર જેવા ડેરી અને કઠોળ જેવા પ્રોટીનયુક્ત આહારમાં ગ્લાયસિન ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં એનાં મુખ્ય કાર્યોની વાત કરીએ તો ગ્લાયસિન ત્વચા, હાડકાં અને સાંધાઓને મજબૂત રાખતા કોલાજનના ઉત્પાદનમાં મદદ કરે છે. આ ઉપરાંત એ મેટાબોલિઝમ સુધારવા, પ્રોટીન સિન્થેસિસ અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે ચલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ શરીરમાં ગ્લુટાથાયોન નામના કુદરતી કેમિકલના નિર્માણમાં પણ મદદ કરે છે, જે કોષોને નુકસાન થતું બચાવે છે.
ઊંઘમાં ગ્લાયસિનનો રોલ શું?
નિષ્ણાતોના મતે ગ્લાયસિન નર્વ ફંક્શન અને ઊંઘની પૅટર્નને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સંશોધનો કહે છે કે ગ્લાયસિન મગજની ન્યુરોકેમિકલ પ્રક્રિયાઓને અસર કરીને બૉડીને રિલૅક્સ કરવામાં મદદ કરે છે. જ્યારે શરીરનું તાપમાન થોડું નીચું જાય છે, ત્યારે કુદરતી રીતે જ ગાઢ ઊંઘ આવવાની પ્રક્રિયા સરળ બને છે. આ જ કારણે સોશ્યલ મીડિયા પર એને સ્લીપ હૅક કહેવામાં આવે છે.


કેટલું સુરક્ષિત?

સામાન્ય અને સ્વસ્થ વયસ્કો માટે ભલામણ કરેલી માત્રામાં ગ્લાયસિન સપ્લિમેન્ટ્સ લેવું સુરક્ષિત મનાય છે, કારણ કે ગ્લાયસિન શરીરમાં કુદરતી રીતે પણ બને છે અને ખોરાકમાંથી પણ મળે છે. ક્લિનિકલ સ્ટડીઝ અનુસાર ઊંઘ માટે દરરોજ ૩થી ૫ ગ્રામ જેટલો ડોઝ સલામત અને અસરકારક માનવામાં આવ્યો છે. જોકે, ડૉક્ટરની સલાહ વિના એનું સેવન કરવામાં ન આવે એટલું સારું. ગ્લાયસિનની ગંભીર આડઅસરો ભાગ્યે જ જોવા મળે છે. જોકે, વધારે માત્રામાં લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ઊબકા, પેટમાં ગરબડ, પેટ ફૂલી જવું, પેટ ભારે લાગવું અથવા ઝાડા થવા. તેથી એનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સેવન કરવું મહત્ત્વનું છે. ગ્લાયસિન સપ્લિમેન્ટને ઊંઘની સમસ્યાનો કાયમી ઉકેલ માનવો યોગ્ય નથી. સંતુલિત આહાર, નિયમિત ઊંઘનો સમય અને સ્વસ્થ જીવનશૈલી સારી ઊંઘ માટે વધુ મહત્ત્વનાં છે. જો તેમ છતાં સપ્લિમેન્ટ લેવાનું વિચારો, તો પહેલાં તબીબી સલાહ લેવી જરૂરી છે.


જે લોકોને કિડનીની ગંભીર બીમારી હોય, લીવરની લાંબા સમયથી સમસ્યા હોય, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકોએ આ સપ્લિમેન્ટ ડૉક્ટરની સલાહ વિના ન જ લેવું.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK