Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શિયાળામાં ગ્રીન ચણા છે પોષણનું પાવરહાઉસ

શિયાળામાં ગ્રીન ચણા છે પોષણનું પાવરહાઉસ

Published : 23 January, 2026 12:22 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આજકાલ લોકો સપ્લિમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, પણ શું તમે જાણો છો કે શિયાળામાં મળતા તાજા લીલા હરભરા આયર્ન, મૅગ્નેશિયમ અને વિટામિન B12નો કુદરતી સ્રોત છે? ડાયાબિટીઝથી લઈને લોહીની ઊણપ સુધીની અનેક સમસ્યાઓનો ઉકેલ તમારા રસોઈઘરમાં જ છુપાયેલો છે.

ચાલો જાણીએ કેમ શિયાળામાં લીલા ચણા ખાવા અનિવાર્ય છે

ચાલો જાણીએ કેમ શિયાળામાં લીલા ચણા ખાવા અનિવાર્ય છે


ઘણી વાર હેલ્ધી ગણાતા કઠોળ ગૅસ અને પેટના ભારનું કારણ બને છે, પરિણામે અનેક લોકો એ ખાવાનું ટાળે છે. જોકે શિયાળાની ખાસિયત ગણાતાં જિંજરા, પોપટા અને હરભરા તરીકે ઓળખાતા લીલા ચણા આ માન્યતાને ખોટી સાબિત કરે છે. પ્રોટીનથી ભરપૂર અને ગટ-ફ્રેન્ડ્લી એવા લીલા ચણા માત્ર વજન ઘટાડવામાં જ નહીં પણ બ્લડપ્રેશર અને શુગર કન્ટ્રોલ કરવામાં પણ અસરકારક સાબિત થયા છે.

શા માટે કહેવાય છે સુપરફૂડ?



લીલા ચણા કયાં કારણોસર ખાવા જોઈએ એ વિશે જણાવતાં અનુભવી ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ અશ્વિની શાહ કહે છે, ‘મોટા ભાગના લોકોને સૂકા ચણા કે છોલે ખાધા પછી પેટ ભારે લાગવું અથવા ગૅસ થવાની ફરિયાદ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે સૂકા ચણા પચવામાં ભારે હોય છે. આ ચણા બારેમાસ મળે છે કારણ કે એની સુકવણી થાય છે અને શેલ્ફ-લાઇફ પણ વધુ હોય છે. જોકે લીલા ચણાની પ્રકૃતિ એનાથી વિપરીત છે. એ ગૅસ-કૉઝિંગ નથી. શિયાળામાં આપણું મેટાબોલિઝમ એટલે કે પાચનશક્તિ કુદરતી રીતે જ મજબૂત હોય છે અને  ભૂખ પણ વધુ લાગતી હોય છે. આવા સમયે જો લીલા ચણા લેવામાં આવે તો એનાં પોષક તત્વોનો પૂરેપૂરો લાભ શરીરને મળે છે. અત્યારે ખરાબ લાઇફસ્ટાઇલને કારણે મોટા ભાગના લોકો એનીમિક હોય છે એટલે કે લોહીની ઊણપથી પીડાતા હોય છે. અને વિટામિન્સની કમી હોવી તો બહુ કૉમન થઈ ગયું છે. આથી ડાયટમાં સીઝનલ ફૂડ અને ફ્રૂટ પર વધુ ભાર મૂકવામાં આવે છે. જે સીઝનમાં જે ફળ અને શાક આવે એને ખાવું અત્યંત જરૂરી છે. શિયાળામાં લીલી શાકભાજીની જેમ લીલા ચણા માર્કેટમાં બહુ જોવા મળે છે. એ પ્રોટીનથી ભરપૂર હોવાની સાથે આયર્ન, ફોલિક ઍસિડ અને વિટામિન B12 જેવાં તત્ત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. એમાં કાર્બોહાઇડ્રેટ એટલે કે શુગર કન્ટેન્ટ ઓછું હોવાથી એ બ્લડશુગરને કન્ટ્રોલ કરે છે. ખાસ કરીને આ ચણા ખાવાથી ડાયાબિટીઝના દરદીઓને થતી હાઇપર હંગર એટલે કે વધારે ભૂખ લાગવાની સમસ્યામાં આ બેસ્ટ સ્નૅક સાબિત થઈ શકે છે. લીલા ચણામાં મૅગ્નેશિયમ અને પોટૅશિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે બ્લડશુગરને નિયંત્રિત રાખે છે અને હાર્ટ-હેલ્થને સુધારે છે. PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ જેવી હૉર્મોનલ સમસ્યાઓ સામે ઝઝૂમતી મહિલાઓ માટે જિંજરા બહુ મદદરૂપ સાબિત થાય છે. હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને બૅલૅન્સ કરવાની સાથે જેમને વિટામિન્સની કમીને લીધે પગમાં ક્રૅમ્પ્સ આવતા હોય તેમના માટે ચણામાંથી મળતું મૅગ્નેશિયમ કુદરતી સપ્લિમેન્ટનું કામ કરે છે.’


થર્મિક ઇફેક્ટ

શરીરમાં ગરમાશ લાવવાનું કામ ચણા કરે છે એ વાતને સમજાવતાં અશ્વિની શાહ કહે છે, ‘લીલા ચણા પ્રોટીનનો ખૂબ મોટો સ્રોત છે. જ્યારે આપણે પ્રોટીનયુક્ત ખોરાક લઈએ છીએ ત્યારે આપણું શરીર એને પચાવવા માટે અન્ય પોષક તત્ત્વો જેમ કે કાર્બોહાઇડ્રેટ કે ફૅટ કરતાં વધારે ઊર્જા વાપરે છે. આ પાચન પ્રક્રિયા દરમિયાન શરીરમાં કુદરતી રીતે ગરમી ઉત્પન્ન થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં થર્મોજેનેસિસ કહેવાય છે. હરભરા ખાવાથી શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ મળે છે. ઠંડીની સીઝનમાં આ ચણા શરીરની અંદર ગરમાશ પેદા કરે છે. આયર્નનું પ્રમાણ જળવાઈ રહેવાથી હીમોગ્લોબિન વધે છે, જે લોહીમાં ઑક્સિજનના વહન માટે જવાબદાર છે. જ્યારે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે ત્યારે શરીરનાં અંગો હૂંફ અનુભવે છે. એનીમિક લોકોને વારંવાર ઠંડી લાગતી હોય છે, તેમના માટે લીલા ચણા આશીર્વાદરૂપ છે. જો તમે લીલા ચણાને આદું, મરી અથવા લસણ સાથે વઘારીને કે શેકીને ખાઓ છો તો એની ગરમી આપવાની ક્ષમતા બમણી થઈ જાય છે. જેની તાસીર ઠંડી હોય એ લોકો માટે આ સારું છે, પણ જેની તાસીર ગરમ હોય તેને મર્યાદિત માત્રામાં ચણા ખાવા હિતાવહ છે.’


કેવી રીતે અને કેટલા ખાવા?

માર્કેટમાં મબલક પ્રમાણમાં મળતા હરભરા કઈ રીતે ખાઈએ છીએ એ પણ મહત્ત્વનું હોય છે. એને આરોગવાની પદ્ધતિ વિશે વાત કરતાં અશ્વિની કહે છે, ‘શિયાળામાં ઘણી વાર ઓવરઈટિંગ થઈ જતું હોય છે, પરંતુ લીલા ચણા ખાવાથી વજન વધવાની ચિંતા રહેતી નથી. રોજની એક વાટકી ચણા ચાટ બનાવીને અથવા શેકીને ખાઈ શકાય. ઑફિસ કે પ્રવાસમાં સ્નૅક બૉક્સ તરીકે એને કૅરી કરી શકાય છે. રાત્રે ભૂખ લાગે ત્યારે બિનઆરોગ્યપ્રદ ખાવાને બદલે એક મુઠ્ઠી એટલે કે આશરે ૪૫ ગ્રામ લીલા ચણા ઉત્તમ વિકલ્પ છે. એ પ્રોટીનથી ભરપૂર અને પાચન માટે હળવા હોવાથી ગટ-ફ્રેન્ડ્લી છે. દરેક વસ્તુના ફાયદાની સાથે કેટલીક મર્યાદાઓ પણ હોય છે. જે લોકોને કઠોળ કે ચણાના લોટની ઍલર્જી હોય તેમણે લીલા ચણા સાવચેતીપૂર્વક ખાવા જોઈએ અથવા તેમને લીલા, દેશી અને છોલે બધા જ પ્રકારના ચણાથી અંતર જાળવી રાખવું હિતાવહ છે. થાઇરૉઇડના દરદીઓએ એનું અતિસેવન ટાળવું જોઈએ. હરભરાના પકોડા કે ડીપ ફ્રાય કરેલા ચણામાંથી કોઈ પોષણ મળતું નથી. ડીપ ફ્રાય કરો એટલે બધાં જ પોષક તત્ત્વો નાશ પામે છે. એ ફાયદો આપવાને બદલે નુકસાન આપે છે. શરીરમાં ફૅટ સ્ટોરેજ થાય છે અને તળેલી ચીજો પચવામાં ભારે પડે છે. તેથી એને ખાવાને બદલે એના પર મસાલો, મીઠું અને મરી છાંટીને ખાવાં વધુ હિતાવહ છે.’

શું કહે છે આયુર્વેદ?

ઋતુ પ્રમાણે ખોરાક લેવાનું આયુર્વેદમાં વિશેષ મહત્ત્વ જણાવાયું છે. લીલા ચણાને લાભદાયક આહાર ગણાવાયો છે. કફ દોષને ઘટાડે છે અને શિયાળામાં વધતા કફજન્ય રોગોમાં ઉપયોગી સાબિત થાય છે. યોગ્ય રીતે ઉકાળીને અથવા ગરમ સ્વરૂપે લેવાય તો એ વાત દોષને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ બને છે. પિત્ત પ્રકૃતિ ધરાવનાર લોકોએ મર્યાદામાં લેવાનું સૂચવવામાં આવે છે, કારણ કે ઉષ્ણ ગુણ વધુ લેવાથી પિત્ત વધવાની શક્યતા રહે છે. યોગ્ય રીતે તૈયાર કરેલા લીલા ચણા જઠરાગ્નિને મજબૂત બનાવે છે. એમાં આદું, અજમો, હિંગ અથવા જીરું ઉમેરવાથી પાચનશક્તિ વધે છે અને ગેસ, ફુલાવો જેવી સમસ્યાઓથી બચાવ થાય છે. આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે ગુરુ સ્વભાવ ધરાવતો ખોરાક હંમેશાં અગ્નિ અનુસાર લેવો જોઈએ. લીલા ચણા ઓજસ વધારનાર છે. ઓજસ એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ. શિયાળામાં જ્યારે શરીર બહારના વાતાવરણ સામે વધુ સંવેદનશીલ બને છે ત્યારે લીલા ચણાનો સમાવેશ ઇમ્યુનિટી મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. એને હંમેશાં ઉકાળીને, હળવા શેકીને અથવા ગરમ સ્વરૂપે લેવાની સલાહ આપવામાં આવે છે. ઠંડા અથવા વધારે રુક્ષ સ્વરૂપે લેવાથી વાત દોષ વધવાની શક્યતા રહે છે. લીલા ચણા સવારે અથવા બપોરે લેવાનું શ્રેષ્ઠ ગણાય છે. સાંજે અથવા રાત્રે લેવાથી પાચન પર ભાર પડે છે. મર્યાદામાં લેવાય તો એ ઔષધ સમાન ફાયદો આપે છે, પરંતુ અતિશય સેવન હાનિકારક બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2026 12:22 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK