Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું આપણી જીવનશૈલી આપણી ગરદનને નુકસાન પહોંચાડી રહી છે?

શું આપણી જીવનશૈલી આપણી ગરદનને નુકસાન પહોંચાડી રહી છે?

Published : 26 August, 2026 06:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાંબો સ્ક્રીન-ટાઇમ, ખોટું પૉશ્ચર અને બેઠાડુ જીવનશૈલીને કારણે હવે નાની ઉંમરે પણ ગરદનનો દુખાવો અને સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસની સમસ્યા વધી રહી છે. જાણો લક્ષણો, કારણો અને બચવાના સરળ ઉપાયો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ, જેને સામાન્ય રીતે ગરદનનો વા કે આર્થ્રાઇટિસ કહેવામાં આવે છે એને પરંપરાગત રીતે તો ઉંમર વધવાની સાથે જોડાયેલી પરિસ્થિતિ માનવામાં આવે છે. જોકે આજના ડિજિટલ યુગમાં ગરદનનો દુખાવો અને અકડન ખૂબ નાની ઉંમરે જોવા મળી રહ્યાં છે; ખાસ કરીને એવા લોકોમાં જેઓ કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ટૅબ્લેટ પર લાંબો સમય વિતાવે છે.
આધુનિક સમયમાં ગરદનની સમસ્યાઓનું એક સૌથી મોટું કારણ લાંબો સ્ક્રીન-ટાઇમ છે. મોબાઇલ ફોન કે ટૅબ્લેટમાં સતત નીચે જોઈ રહેવાથી, લૅપટૉપ પર કામ કરવાથી અથવા ટેબલ પર બેસી રહેવાથી માથું આગળ તરફ નમેલી સ્થિતિમાં રહે છે. આનાથી ગરદનના સ્નાયુઓ, લિગમન્ટ્સ અને સાંધા પર તનાવ વધે છે. વારંવાર ખોટા પૉશ્ચરને જાળવી રાખવાથી સ્નાયુઓમાં સતત થાક રહે છે અને ગરદનનો ઘસારો વધુ ગંભીર બની શકે છે.
આપણી બેઠાડુ જીવનશૈલી આ સમસ્યામાં વધારો કરે છે. ઘણા લોકો તેમના કામનો મોટા ભાગનો સમય બેસીને વિતાવે છે અને ત્યાર બાદ મુસાફરી કરતી વખતે, ટીવી જોતી વખતે કે ફોન વાપરતી વખતે પણ બેસી જ રહે છે. નિયમિત કસરતના અભાવથી ગરદન અને પીઠના ઉપરના ભાગને ટેકો આપતા સ્નાયુઓ નબળા પડે છે. માનસિક તનાવ અને અપૂરતી ઊંઘ સ્નાયુઓના ખેંચાણને વધુ વધારી શકે છે અને ગરદનના દુખાવાને વધુ અસહ્ય બનાવી શકે છે.
સામાન્ય લક્ષણોમાં ગરદનનો દુખાવો અને અકડન, ખભા સુધી ફેલાતો દુખાવો, માથાનો દુખાવો અને ગરદનની મર્યાદિત હિલચાલનો સમાવેશ થાય છે. કેટલાક દરદીઓમાં ચેતા પર દબાણ આવવાને કારણે હાથ કે આંગળીઓમાં દુખાવો, ઝણઝણાટી, બહેરાશ કે નબળાઈ આવી શકે છે.
સારી વાત એ છે કે જીવનશૈલીમાં ફેરફાર કરીને મોટો તફાવત લાવી શકાય છે. હેતુ ટેક્નૉલૉજીને સંપૂર્ણપણે છોડવાનો નથી, પરંતુ એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનો છે. કમ્પ્યુટરની સ્ક્રીનને આંખના લેવલ પર રાખો, મોબાઇલ ફોનમાં સતત નીચે જોવાનું ટાળો, પીઠને ટેકો આપીને બેસો અને વચ્ચે-વચ્ચે બ્રેક લો. 
નિયમિત શારીરિક પ્રવૃત્તિ પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ચાલવાથી, સ્વિમિંગ કરવાથી અને ગરદન, ખભા તથા પીઠના ઉપરના ભાગને મજબૂત કરતી યોગ્ય કસરતો કરવાથી હિલચાલ અને સ્નાયુઓની મજબૂતી જાળવી રાખવામાં મદદ મળે છે. લક્ષણો જ્યારે સતત રહે ત્યારે ફિઝિયોથેરપી ખાસ કરીને ઉપયોગી થઈ શકે છે. મોટા ભાગના કેસ સર્જરી વિના જ સંભાળી શકાય છે. 
મહત્ત્વની વાત એ છે કે એક્સ-રેમાં સર્વાઇકલ સ્પૉન્ડિલોસિસ દેખાય એનો અર્થ એ નથી કે વ્યક્તિને લક્ષણો કે દુખાવો હશે જ. ઉંમર વધવાની સાથે ઘસારાના ફેરફારો સામાન્ય છે અને સારવાર માત્ર સ્કૅન કે રિપોર્ટના આધારે નહીં પરંતુ લક્ષણો અને શારીરિક તપાસના આધારે થવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK