આ ફીલિંગ એક પ્રકારનું લાઇફસ્ટાઇલ હૅન્ગઓવર હોઈ શકે છે. બીજાના જીવનની ચમક જોઈને પોતાનું જીવન ફિક્કું લાગવા માંડે છે. સવાલ એ છે કે આપણે કેટલામાં અને શામાં ખુશ છીએ? સોશ્યલ મીડિયા સરખામણી આપણને દેખાદેખીની દોડમાં ધકેલે છે.
સોશ્યલ મીડિયા અસર
રાતના ૧૧ વાગ્યા છે. આખો દિવસ કામ કર્યા પછી શરીર થાકી ગયું છે. હવે ફોન બાજુ પર મૂકીને ઊંઘી જવું જોઈએ એવું મન કહે છે, પણ હાથ આપોઆપ સ્માર્ટફોન તરફ જાય છે. એક રીલ, પછી બીજી, પછી ત્રીજી... અને ખબર પણ નથી પડતી કે અડધો કલાક ક્યાં ગયો. એવામાં સ્ક્રીન પર એક જૂના મિત્રની પોસ્ટ આવે છે. બાલીનો દરિયો, પાછળ સૂર્યાસ્ત, હાથમાં મોંઘું કૉકટેલ અને કૅપ્શન લખ્યું છે લાઇફ ઇઝ બ્યુટિફુલ. પછી આગળ સ્ક્રોલ કરીએ તો કોઈ ઓળખીતી વ્યક્તિ તેની નવી કારની ચાવી સાથે ફોટો મૂકે છે. કોઈ વિદેશપ્રવાસ પર છે. કોઈ નવી ઑફિસમાં પ્રમોશનની ખુશી મનાવી રહ્યું છે. કોઈ રેસ્ટોરાંમાં પરિવાર સાથે ડિનર કરી રહ્યું છે. આ જોયા બાદ થોડા સમય પહેલાં સુધી જે જીવન આપણને સામાન્ય લાગતું હતું એ જ અચાનક અધૂરું લાગવા માંડે છે. આપણું પોતાનું ઘર છે, નોકરી છે, પરિવાર છે, સુવિધાઓ છે, કદાચ દિવસભર મહેનત કરીને મેળવેલી કેટલીક એવી વસ્તુઓ પણ છે જેના માટે થોડાં વર્ષો પહેલાં આપણે સપનાં જોયાં હતાં. છતાં બીજા કોઈની પોસ્ટ જોયા પછી મન કહે છે, ‘યાર, મારા જીવનમાં એવું શું છે?’ આ જ છે આજના ડિજિટલ યુગનો એક વિચિત્ર વિરોધાભાસ. બધું હોવા છતાં ઘણી વાર પહેલાં કરતાં વધારે અસંતોષી બની રહ્યા છીએ. આ લાગણીને અહીં લાઇફસ્ટાઇલ હૅન્ગઓવર કહેવાય, એટલે કે બીજાના જીવનની ચમક વારંવાર જોવાથી પોતાના જીવનની સાદગી ફિક્કી લાગવા માંડે એ સ્થિતિ. મુલુંડમાં સાઇકોથેરપી અને હૉલિસ્ટિક હીલિંગ આત્મકાયા સેન્ટરનાં ફાઉન્ડર અને અનુભવી સાઇકોલૉજિસ્ટ ખુશ્બૂ સંઘવી પાસેથી જાણીએ કે આવી સ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય.
હવે દુનિયા સાથે સરખામણી
ADVERTISEMENT
થોડાં વર્ષો પહેલાં સરખામણી ફક્ત પાડોશીઓ સાથે જ થતી. બાજુવાળાએ નવું સ્કૂટર લીધું, સામેના કાકાએ મોટું ઘર બનાવ્યું, પાડોશીની દીકરીને સારી નોકરી મળી. બસ, વાત એટલી જ. આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સ્માર્ટફોને આપણા ઘરમાં આખી દુનિયાને લાવી દીધી છે. હવે સરખામણી બાજુના પાડોશી સાથે નથી થતી. ન્યુ યૉર્કમાં રહેતા ઓળખીતા, મુંબઈનો ઇન્ફ્લુઅન્સર, દુબઈમાં રહેતો બિઝનેસમૅન કે કોઈ અજાણી વ્યક્તિ જે દર અઠવાડિયે વિદેશપ્રવાસ કરે છે આ બધા આપણી સરખામણીનો ભાગ બની ગયા છે. સમસ્યા અહીંથી શરૂ થાય છે, કારણ કે આપણે આપણી રોજિંદી જિંદગીની સરખામણી બીજાના અસાધારણ દિવસો સાથે કરવા લાગ્યા છીએ. આપણી સોમવારની ઑફિસ, ટ્રાફિક, બિલ, ઘરકામ અને સામાન્ય ડિનરની સામે કોઈ બીજાનો મૉલદીવ્ઝનો સૂર્યાસ્ત વધુ ગમવા લાગે છે અને આને જ કારણે મનને સમજાવવું મુશ્કેલ બની જાય છે કે બન્ને જીવનની સરખામણી જ મૂળભૂત રીતે ખોટી છે.
એડિટેડ વર્ઝનની માયાજાળ
સોશ્યલ મીડિયા પર જે લોકોની પોસ્ટ જુઓ છો એ તેમની લાઇફનું એડિટેડ વર્ઝન છે. તમે છેલ્લે ક્યારેય કોઈને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં જોયું કે આજે મારી પત્ની સાથે જોરદાર ઝઘડો થયો, આજે બૉસે મારી ખરાબ રીતે બોલતી બંધ કરી, આજે હું પૈસાની ચિંતામાં આખી રાત ઊંઘી શક્યો નહીં? આવું કોઈ દેખાડવા ન માગે; કારણ કે સોશ્યલ મીડિયા ડાયરી નથી, પસંદ કરેલી ક્ષણોનું પ્રદર્શન છે. મોબાઇલની ગૅલરીમાંથી જે ફોટો સારો લાગે એ સિલેક્ટ કરીને એને મૅચ થતી કૅપ્શન પણ સમજી-વિચારીને લખાય છે. જીવનની ગૂંચવણમાંથી સુંદર ક્ષણોને અલગ કરીને પછી એને દુનિયા સામે મુકાય છે. જોકે આપણે શું કરીએ છીએ? બીજાના જીવનની પસંદ કરેલી ક્ષણોને જોઈને આપણા આખા જીવનનું મૂલ્યાંકન કરી નાખીએ છીએ. બીજાની ‘રીલ’ સામે આપણી ‘બિહાઇન્ડ ધ સીન’ જિંદગી રાખીએ છીએ અને પછી એવું લાગવા લાગે છે કે મારું જીવન બોરિંગ છે. હકીકતમાં કદાચ જીવન બોરિંગ નથી. આપણી સરખામણીની પદ્ધતિ
ખોટી છે.
સ્ક્રીનને બદલે તમારા મનને જુઓ
સવાલ એ નથી કે તમે દિવસમાં કેટલો સમય ઇન્સ્ટાગ્રામ ચલાવો છો. સવાલ એ છે કે એ જોયા પછી તમે કેવા બની જાઓ છો? સ્ક્રોલ કર્યા પછી તમને કામ કરવાની પ્રેરણા મળે છે કે મનમાં ચીડ થાય છે? તમને કોઈ નવી વસ્તુ શીખવાની ઇચ્છા થાય છે કે લાગે છે કે ‘મારી પાસે તો કંઈ જ નથી’? કોઈ સફળ માણસને જોઈને તમે કહો છો કે આમાંથી હું શું શીખી શકું? કે પછી કહો છો કે મારી કિસ્મત જ ખરાબ છે? આ બન્ને વચ્ચેનો તફાવત નાનો લાગે છે, પરંતુ માનસિક રીતે મોટો છે. સંશોધનોમાં પણ સોશ્યલ મીડિયા પર પોતાને પોતાના કરતાં વધુ સફળ અથવા વધુ સુખી લાગતા લોકો સાથે સરખાવવાની વૃત્તિ આપણા વિકાસને અવરોધે છે. ૨૦૨૬ની મેટા ઍનૅલિસિસમાં આ વિશે ૩૬,૫૮૩ લોકોના ડેટાનું સંકલન કરવામાં આવ્યું હતું અને એ વિવિધ નકારાત્મક માનસિક પરિણામો સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું હતું. સરખામણી હંમેશાં ખરાબ નથી હોતી. તમે એ જ સફળ વ્યક્તિને જોઈને કહી શકો કે મારે પણ આ ક્ષેત્રમાં કંઈક શીખવું છે. આ કમ્પૅરિઝન નહીં, ઇન્સ્પિરેશન બની જાય છે. તમે એમ પણ વિચારી શકો કે તેની પાસે છે, મારી પાસે કેમ નથી? આ છે સેલ્ફ-ડિફીટ. ફોટો એક જ છે, ફરક તમારી અંદરની પ્રતિક્રિયામાં છે.
લાઇક્સનો ખેલ
તમે નવી તસવીર મૂકી અને પાંચ મિનિટમાં ૨૦ પછી ૫૦ અને પછી ૧૦૦ લાઇક્સ મળી. આનાથી ફીલ ગુડ હૉર્મોન્સ રિલીઝ થાય છે અને એ સ્વાભાવિક છે, પરંતુ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે બહારની પ્રશંસા અંદરની કિંમત નક્કી કરવા લાગે. ગઈ કાલે ૫૦૦ લાઇક્સ આવી હતી, આજે ૧૮૦ આવી એટલે આજની પોસ્ટ કોઈને ગમી નથી. આ વલણ થોડું અતિશયોક્તિ જેવું લાગે છે, પણ પોતાનું મૂલ્ય સોશ્યલ ફીડબૅક સાથે જોડાઈ જાય તો આવી માનસિક નિર્ભરતા ઊભી થઈ શકે છે. એટલે એક વખત પોતાને પૂછજો કે ‘મારા જીવનની ખુશીનું રિમોટ કન્ટ્રોલ ખરેખર કોના હાથમાં છે?’ તમારા કે નોટિફિકેશનના? સૌથી મોંઘી વસ્તુ શું છે? હજી થોડું વધુ જોઈએની લાગણી? આપણે ઘણી વાર માનીએ છીએ કે સુખનું ગણિત સીધું છે. વધુ પગાર, મોટું ઘર, મોંઘી કાર, વિદેશપ્રવાસ, નવો ફોન એ જ સુખ છે. નવી વસ્તુનો આનંદ ક્ષણિક હોય છે. પછી એ સામાન્ય બની જાય છે. પછી ફરીથી નવી ઇચ્છાઓ જન્મે છે. આજે ફોન લીધો તો કાલે કાર લેવી છે. પછી બીજું કંઈક. આ દોડ ક્યાં પૂરી થાય છે? જવાબ છે ક્યાંય નહીં, કારણ કે વસ્તુ મેળવવાનો આનંદ એક બાબત છે અને જીવનથી સંતોષ બીજી બાબત. એક વ્યક્તિ પાસે બે કરોડનું ઘર હોઈ શકે અને ઊંઘ ન આવતી હોય. બીજી વ્યક્તિ 1BHKના ભાડાના ઘરમાં પરિવાર સાથે ખરેખર ખુશ હોય. બન્નેમાં કોણ વધારે સફળ? આ સવાલનો
જવાબ બૅન્ક-બૅલૅન્સથી નહીં મળે. દરેક માટે સુખની વ્યાખ્યા અલગ હોય છે. આર્ટિસ્ટ માટે કૅન્વસ પર કલર પૂરવામાં જ સાચું સુખ છે. લેખક માટે શાંતિથી ચા પીતાં-પીતાં પુસ્તક વાંચવામાં સુખ છે. ઍથ્લીટ માટે ગ્રાઉન્ડ પર પરસેવો પાડવામાં સુખ છે. તમારે બીજાની વ્યાખ્યા મુજબ જીવવાનું બંધ કરીને તમે ખરેખર ક્યારે અને કેવા સંજોગોમાં વધારે ખુશ છો એ શોધવું પડશે.
આ ૪ ગોલ્ડન રૂલ્સ યાદ રાખો
જીવનમાં વાસ્તવિક શાંતિ મેળવવા માગતા હો તો આ ૪ ગોલ્ડન રૂલ્સ આજે જ અપનાવીને પોતાની બેઝલાઇન હૅપીનેસ સેટ કરો.
રાત્રે સૂતાં પહેલાં ‘ડિજિટલ કરફ્યુ’ લગાવો
રાત્રે સૂવાના એક કલાક પહેલાં ફોન બાજુ પર મૂકી દો. રાત્રે સ્ક્રોલ કરવાથી મગજમાં નકારાત્મક કમ્પૅરિઝન જાગે છે. ફોનની જગ્યાએ કોઈ સારું પુસ્તક વાંચો અથવા શાંતિથી ઊંઘવાનો પ્રયત્ન કરો.
કૃતજ્ઞતા કેળવો
રોજ રાત્રે સૂતાં પહેલાં એવી ૩ વસ્તુઓ યાદ કરો જે તમારી પાસે છે અને જેના માટે તમે ઈશ્વરના આભારી છો. જેમ કે સારું સ્વાસ્થ્ય, છત, થાળીમાં ભોજન
અને પ્રેમ કરનાર પરિવાર. જે છે એની કદર કરશો તો જે નથી એનો અફસોસ ઓછો થશે.
‘ઇનર વર્ક’ શરૂ કરો
જ્યારે પણ મનમાં અધૂરાપણું લાગે ત્યારે બહાર લાઇક્સ શોધવા જવાને બદલે પોતાની અંદર જુઓ. તમને ખરેખર શું ગમે છે? મ્યુઝિક, રસોઈ, ફિટનેસ, કોઈ રમત કે ટ્રાવેલિંગ? તમારા ગમતા ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરો.
સેલ્ફ-ઑડિટ કરો
બીજા કોણ ક્યાં પહોંચી ગયા એ જોવાને બદલે સાંજે પોતાની જાતને પૂછો કે શું આજે મેં ગઈ કાલ કરતાં કંઈક નવું શીખ્યું? શું આજે હું ગઈ કાલ કરતાં થોડો વધુ સંતોષી અને શાંત રહ્યો? તમે એકને પાછળ છોડશો તો આગળ બીજો ઊભો છે. એટલે સરખામણીની રેસ છોડવાનો એકમાત્ર રસ્તો એ છે કે રેસનો માપદંડ બદલો. બીજા કરતાં આગળ નીકળવાને બદલે ગઈ કાલ કરતાં થોડા આગળ વધો.
