Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નાની ઉંમરે ડાયાબિટીઝ આવવાનું એક કારણ સ્ત્રીઓમાં વધતું જતું સ્ટ્રેસ પણ છે

નાની ઉંમરે ડાયાબિટીઝ આવવાનું એક કારણ સ્ત્રીઓમાં વધતું જતું સ્ટ્રેસ પણ છે

Published : 31 August, 2026 03:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાંબા સમય સુધી રહેતો સ્ટ્રેસ સ્ત્રીઓના હૉર્મોન્સ, ઊંઘ, હાડકાં, સ્નાયુઓ અને ઇમ્યુનિટી પર અસર કરી શકે છે. વધેલું કૉર્ટિસૉલ ભૂખ અને શુગર ક્રેવિંગ વધારીને ઓબેસિટી તથા ડાયાબિટીઝનું જોખમ વધારી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી ૨૦ વર્ષ પહેલાં ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હાર્ટ-પ્રૉબ્લેમ્સ, મગજનો સ્ટ્રોક જેવી બીમારીઓ પુરુષોમાં વધુ જોવા મળતી, કારણ કે સ્ત્રીઓએ જન્મજાત આ બધી બીમારીઓથી પ્રોટેક્શન મેળવેલું છે. તમે સ્ત્રી છો તો તમારાં સ્પેશ્યલ હૉર્મોન્સ આ ગંભીર બીમારીઓથી તમારું રક્ષણ કરે છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ઍન્ડ્રોજન જેવાં સ્ત્રીહૉર્મોન્સ સ્ત્રીના શરીરમાં માસિક સ્રાવ શરૂ થાય એટલે કે લગભગ ૧૨-૧૩ વર્ષની ઉંમરથી લઈને મેનોપૉઝ આવે એટલે કે ૪૦-૫૦ વર્ષની ઉંમર સુધી ઍક્ટિવ રહે છે અને આ હૉર્મોન્સ સ્ત્રીને એક સુરક્ષા-કવચ આપે છે જેના દ્વારા તે આ બીમારીઓથી દૂર રહી શકે છે. જોકે આજની તારીખે ઘણી સ્ત્રીઓ ૨૦-૩૦ વર્ષ જેવી નાની ઉંમરે આ રોગોનો ભોગ બનતી જોવા મળે છે. એની પાછળનું મુખ્ય કારણ સ્ત્રીઓની બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને એને કારણે ઉદ્ભવતું 
સ્ટ્રેસ છે.
સ્ટ્રેસ સ્ત્રીના શરીર પર કઈ રીતે અસર કરે છે? સ્ટ્રેસને કારણે સ્ત્રીઓમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ સર્જાય છે. લાંબા ગાળાનું સ્ટ્રેસ સ્ત્રીઓનાં હાડકાંને નબળાં કરે છે, સ્નાયુઓ નબળા કરે છે, સેક્સ માટે અરુચિ પેદા કરે છે, રોગપ્રતિકારક શક્તિ નબળી કરે છે, ઊંઘ સંબંધિત તકલીફો ઊભી કરે છે અને ઑટો-ઇમ્યુન ડિસીઝને આમંત્રણ આપે છે. આ સિવાય સ્ટ્રેસને કારણે થતા હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે માનસિક રોગોને પણ આમંત્રણ મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં સ્ટ્રેસને કારણે ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, વધુ પ્રમાણમાં ગુસ્સો વગેરે પ્રૉબ્લેમ્સ વધુ જોવા મળે છે.
વધુ સ્ટ્રેસને કારણે શરીર વધુ માત્રામાં ઇન્સ્યુલિન રિલીઝ કરે છે. જે વ્યક્તિને વધુ સ્ટ્રેસ હોય તે વ્યક્તિના ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં હંમેશાં ગરબડ થાય છે જે લાંબા ગાળે ડાયાબિટીઝનું કારણ બને છે. ઇન્સ્યુલિન એક હૉર્મોન છે જે શુગરને દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઇન્સ્યુલિનનું લેવલ જ્યારે શરીરમાં વધી જાય ત્યારે શરીર ફૅટ્સને સ્ટોર કરતું થઈ જાય છે અને શરીર જો ફૅટ્સને બાળવા ઇચ્છે તો વધેલું ઇન્સ્યુલિન એ ફૅટ્સને બળતાં પણ રોકે છે જેને કારણે ઓબેસિટી આવે છે. સ્ટ્રેસ આવવાથી જે હૉર્મોન્સ છૂટાં પડે છે એમાંનું મુખ્ય હૉર્મોન છે કૉર્ટિસૉલ. કૉર્ટિસૉલનું પ્રમાણ શરીરમાં વધી જવાથી વ્યક્તિને ભૂખ ખૂબ વધુ લાગે છે. એટલું જ નહીં, શુગરની ક્રેવિંગ પણ ખૂબ વધારે થાય છે. આમ સહજ રીતે તે વધુ ખોરાક ખાશે. આ ઉપરાંત એ ફૅટ્સના સ્ટોરેજ માટે પણ જવાબદાર બને છે. વળી ઓબેસિટી ધરાવતી વ્યક્તિ ડાયાબિટીઝનો ભોગ જલદીથી બનતી હોય છે. સ્ત્રીઓમાં આ બાબતે જાગૃતિ જરૂરી છે. 
ઘર સાચવતી હોમમેકર્સ, કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી યંગ વુમન્સ, ઘરકામ અને બાળક વચ્ચે પિસાતી નોકરિયાત સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી બિઝનેસ-વુમન્સ આ બધી જ સ્ત્રીઓ જુદી-જુદી પરિસ્થિતિઓમાં હોવા છતાં લગભગ એક જ પ્રકારની તકલીફથી પીડાય છે અને એ છે સ્ટ્રેસ. આવો, આ સ્ટ્રેસને દૂર કરવામાં સ્ત્રીઓની મદદ કરીએ.


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK