Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કિડની ડિસીઝનાં લક્ષણો દેખાતાં નથી એટલે નિયમિત ચેક-અપ જરૂરી છે

કિડની ડિસીઝનાં લક્ષણો દેખાતાં નથી એટલે નિયમિત ચેક-અપ જરૂરી છે

23 April, 2024 07:58 AM IST | Mumbai
Dr. Bharat Shah | askgmd@mid-day.com

બ્લડ-પ્રેશર એક સાઇલન્ટ ડિસીઝ છે અને કિડની ડિસીઝ પણ. એવા છૂપા રોગો જે લક્ષણો સાથે બહાર આવતા નથી

પ્રતીકાત્મક તસવીર

ડોક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હાલમાં મારા ક્લિનિકમાં ૪૯ વર્ષનો એક પુરુષ શ્વાસની તકલીફની ફરિયાદ લઈને આવ્યો. જ્યારે અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે તેને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ છે. અમે તેને અમુક ટેસ્ટ કરાવવાનું કહ્યું અને એ કરાવ્યા પછી ખબર પડી કે તેને ક્રૉનિક કિડની ડિસીઝ છે અને એનું ડાયાલિસિસ તરત ચાલુ કરવું પડે એમ છે. આવું ઘણા દરદીઓ સાથે થાય છે, એનો એક ડૉક્ટર તરીકે અમને ખૂબ અફસોસ થતો હોય છે, કારણ કે કિડની એટલી ખરાબ થઈ જાય કે તમે સીધા ડાયાલિસિસ સુધી પહોંચી જાઓ એ ખૂબ જ દુખદ પરિસ્થિતિ છે. આદર્શ રીતે જો એ રોગ પહેલાં પકડાય જાય તો માણસ એટલો જલદી એ સ્ટેજ પર પહોંચે જ નહીં. વિચારો ફક્ત ૪૯ વર્ષની નાની વયે વ્યક્તિની કિડની ખરાબ થઈ ગઈ છે. 

હકીકત એ હતી કે ૨૦૧૬માં તેમણે નૉર્મલ યુરિન રિપોર્ટ કરાવ્યો હતો. તેમણે જે ડૉક્ટરને બતાવ્યું હશે તેમના ધ્યાન બહાર રહી ગયું કે તેમના રિપોર્ટમાં ૩+ પ્રોટીન હતું જે નૉર્મલી બિલકુલ ઝીરો આવવું જોઈતું હતું. એ પછી ૨૦૧૮માં તેમનું ક્રિયેટિનિ​ન ૧.૬ આવ્યું હતું જેની નૉર્મલ વૅલ્યુ ૦.૬-૦.૯ જેટલી રહે છે. એ પછી પણ ન કોઈ દવા કે ન કોઈ ઇલાજ સાથે તેઓ આગળ વધ્યા હતા. કિડની ડિસીઝની જ્યારે શરૂઆત હોય ત્યારે એ પકડમાં આવે તો એ રોગને આગળ વધતાં અટકાવી શકાય. મને તેમને જોઈને એ જ અફસોસ થયો કે આ વ્યક્તિની કિડની ખૂબ સરળતાથી બચાવી શકાઈ હોત જો તેમણે તેમના રિપોર્ટ‍્સ પર ધ્યાન આપ્યું હોત, જો તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો. આ રોગ તેમની અંદર છેલ્લાં ૮ વર્ષથી થોડો-થોડો વધતો રહ્યો, કારણ કે તેમને હાઈ બ્લડ-પ્રેશર હતું, જેની કોઈ દવા તેઓ લેતા નહોતા. આ બધી બાબતો એક વાત પર આવીને ઊભી રહે છે જે છે સમયસર નિદાન અને એ વિશે જાગૃતિ. 



બ્લડ-પ્રેશર એક સાઇલન્ટ ડિસીઝ છે અને કિડની ડિસીઝ પણ. એવા છૂપા રોગો જે લક્ષણો સાથે બહાર આવતા નથી, રિપોર્ટ કરાવો તો જ સામે આવે. રિપોર્ટ કરાવ્યા પછી પણ જાણકાર ડૉક્ટરને બતાવવા જરૂરી છે, તો જ સમયસર નિદાન થઈ શકે. આજની તારીખે કોઈ વ્યક્તિ સમયસર નિદાન અને ઇલાજ વગર રહી જાય એ મેડિકલ સાયન્સ માટે દુખદ ઘટના છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો વધુ ને વધુ જાગૃત બને જેથી સમયસર નિદાન થવાને લીધે અમે તેમને બચાવી શકીએ. આ ભાઈને ૨૦૧૬માં યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો આજે તેમને ડાયાલિસિસ સુધી પહોંચતાં રોકી શકાયા હોત. 


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 07:58 AM IST | Mumbai | Dr. Bharat Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK