Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હેલ્ધી ગણાતાં સૅલડ અને ફ્રૂટ્સ ચોમાસામાં ખાવાં કેટલાં સલામત?

હેલ્ધી ગણાતાં સૅલડ અને ફ્રૂટ્સ ચોમાસામાં ખાવાં કેટલાં સલામત?

Published : 23 July, 2026 05:53 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

અમેરિકામાં સાઇક્લોસ્પોરાના આઉટબ્રેક બાદ ચોમાસામાં કાચાં ફળો અને સલાડ ખાવાં સલામત છે કે નહીં તે અંગે ચર્ચા વધી છે. આયુર્વેદ શું કહે છે, શાકભાજી અને ફળો ક્યારે ચેપ ફેલાવી શકે અને તેનાથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ તે જાણો.

હેલ્ધી ગણાતાં સૅલડ અને ફ્રૂટ્સ  ચોમાસામાં ખાવાં કેટલાં સલામત?

હેલ્ધી ગણાતાં સૅલડ અને ફ્રૂટ્સ ચોમાસામાં ખાવાં કેટલાં સલામત?


અમેરિકામાં સાઇક્લોસ્પોરાના આઉટબ્રેક બાદ કાચાં ફળો અને સૅલડ જેવાં ફ્રેશ પ્રોડ્યુસ ખાવાં કે નહીં એની ચર્ચા તેજ બની છે. ભારતનું પૌરાણિક આયુર્વેદ વિજ્ઞાન આમેય ચોમાસામાં લીલોતરી ખાવાની ના પાડે છે. તો શું ચોમાસામાં ફળો અને શાકભાજી ન ખાવાં જોઈએ? પોષક તત્ત્વોથી ભરપૂર શાક અને ફળો કેમ રોગચાળો ફેલાવવાનું માધ્યમ બને છે? આવું ન થાય એ માટે શું સાવચેતી રાખવી એ વિશે જાણીએ

હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવનારા મોટા ભાગના લોકો પોતાની ડાયટમાં રોજ તાજાં ફળો અને સૅલડને ખાસ સ્થાન આપે છે. કાચાં ફળો અને શાકભાજી શરીરને વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પૂરાં પાડે છે એટલે એને આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં સાઇક્લોસ્પોરા નામના પૅરેસાઇટથી ફેલાયેલા ઇન્ફેક્શન બાદ સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો તો ચોમાસામાં કાચાં ફળો અને સૅલડ સંપૂર્ણપણે બંધ કરવાની સલાહ પણ આપી રહ્યા છે, પરંતુ શું ખરેખર ચોમાસામાં ફ્રેશ પ્રોડ્યુસ ખાવું જોખમી છે? ઇન ફૅક્ટ, આપણે ત્યાં ચોમાસાના ચાર મહિના એટલે કે ચાતુર્માસ દરમ્યાન લીલોતરી અવૉઇડ કરવાની સલાહ પણ અપાય છે. શું આની પાછળ કોઈ વિજ્ઞાન છે? ચોમાસું એટલે જાતજાતને ચેપોની ઋતુ કહેવાય છે ત્યારે એમાં હેલ્ધી ભોજનના ઑપ્શન્સ પણ  રોગ ફેલાવનારા ન બને એ માટે શું ધ્યાન રાખવું એ વિશે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી જાણીએ.



શું છે સાઇક્લોસ્પોરા?


સૌથી પહેલાં તો સમજીએ સાઇક્લોસ્પોરા ઇન્ફેક્શન શું છે એ. આ એક અતિ સૂક્ષ્મ પરોપજીવી જીવાણુ છે જે મુખ્યત્વે માનવમળથી દૂષિત થયેલા પાણી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. ખેતરોમાં સિંચાઈ માટે વપરાતા દૂષિત પાણી કે અસ્વચ્છતાને કારણે જો આ જીવાણુ ફળો અને લીલાં શાકભાજી પર ચોંટી જાય તો એને યોગ્ય રીતે ધોયા વગર ખાવાથી આ ચેપ ફેલાય છે. શરીરમાં પ્રવેશ્યા પછી એ નાના આંતરડા પર હુમલો કરે છે જેને તબીબી ભાષામાં સાઇક્લોસ્પોરિયાસિસ કહેવાય છે. એનાં મુખ્ય લક્ષણોમાં લાંબા સમય સુધી વારંવાર પાણી જેવા ઝાડા થવા, પેટમાં અસહ્ય ચૂક આવવી, ઊબકા આવવા, ભૂખ ઓછી લાગવી, સતત થાક લાગવો, વજન ઘટવું અને ક્યારેક તાવનો સમાવેશ થાય છે.

ચોમાસામાં જોખમ કેમ વધી જાય છે?


વરસાદની ઋતુમાં અતિશય ભેજ અને ઠેર-ઠેર ભરાતાં પાણીને કારણે વાઇરસ અને બૅક્ટેરિયા ઝડપથી વધે છે. આ દિવસોમાં ગટરનું પાણી અથવા માનવમળ ભળેલું દૂષિત પાણી પીવાના પાણીમાં કે ખેતીના પાણીના સ્રોતોમાં ભળી જવાની શક્યતા સૌથી વધુ રહે છે. આવું દૂષિત પાણી જ્યારે ખેતરોમાં શાકભાજી કે ફળો પર છાંટવામાં આવે ત્યારે સાઇક્લોસ્પોરા જેવા સૂક્ષ્મ જીવો પાકની સપાટી પર મજબૂત રીતે ચોંટી જાય છે. ચોમાસા દરમ્યાન આપણાં આંતરડાં પણ નબળાં હોય છે એટલે જો આ ફ્રેશ પ્રોડ્યુસને યોગ્ય રીતે સાફ કર્યા વગર કાચું જ ખાવામાં આવે તો પેટના ચેપનું જોખમ અનેકગણું વધી જાય છે. વરસાદમાં સામાન્ય રીતે જોવા મળતા ટાઇફૉઇડ, કૉલેરા, ગૅસ્ટ્રોએન્ટરાટિસ્ટ અને ફૂડ-પૉઇઝનિંગની જેમ જ સાઇક્લોસ્પોરા પણ પાણીજન્ય અને ખોરાકજન્ય ચેપ છે.

કયા ફૂડ્સમાં વધુ સાવચેતી રાખવી?

ચોમાસા દરમ્યાન બજારમાંથી લાવવામાં આવતા ચોક્કસ ફ્રેશ પ્રોડ્યુસ પર ખાસ નજર રાખવી જરૂરી છે. એમાં પાનવાળાં અને કાચાં ખવાતાં શાકભાજી જેવાં કે લેટસ, પાલક, મેથી, કોબી, ફ્લાવર અને રોજ વપરાતી કોથમીર મુખ્ય છે. આ ઉપરાંત જમીનની નજીક ઊગતાં ફળો અને શાકભાજી જેવાં કે ટમેટાં, રીંગણ, કાકડી અને છાલ સાથે ખવાતાં સ્ટ્રૉબેરી, જાંબુ, પેરુમાં વધુ સાવચેતી રાખવી પડે છે. આ તમામ વસ્તુઓની સપાટી એવી હોય છે કે એના પર ખેતરોની માટી, જંતુનાશક દવાઓના અવશેષો અને ગંદા પાણીમાં રહેલા સાઇક્લોસ્પોરા જેવા સૂક્ષ્મ જીવો ખૂબ જ મજબૂત રીતે ચોંટી જાય છે. સૌથી મોટું જોખમ ત્યારે થાય છે જ્યારે આપણે કોથમીર કે કાકડી જેવી વસ્તુઓ રાંધ્યા વગર સીધી જ કાચી ખાઈએ છીએ. એનું કારણ એ કે સાઇક્લોસ્પોરા ગરમીથી મરી જાય છે, પણ કાચા સૅલડ કે ચટણીના સ્વરૂપે એ સીધા પેટમાં પહોંચી જાય છે. આયુર્વેદમાં પણ ચોમાસાને પાચનશક્તિ માટે નબળો સમય માનીને ઋતુચર્યા અનુસાર આ દિવસોમાં ભારે, કાચો અને સરળતાથી દૂષિત થઈ શકે એવો ખોરાક ઓછો લેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને લીલાં પાંદડાંવાળી શાકભાજીમાં વરસાદ દરમ્યાન ભેજ અને ગંદકી વધુ ચોંટી રહેતી હોવાથી એનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું હિતાવહ છે. એનો અર્થ એવો બિલકુલ નથી કે આ શાકભાજી નુકસાનકારક છે અને ડાયટમાંથી ફ્રૂટ્સ કે સૅલડ સાવ બંધ કરી દેવાં જોઈએ, કારણ કે એનાથી શરીરમાં વિટામિન્સ અને ફાઇબરની ઊણપ થઈ શકે છે. મૂળ મુદ્દો કાચો ખોરાક બંધ કરવાનો નથી, એની સ્વચ્છતા અને સુરક્ષાનો છે

કોણે વધુ કાળજી રાખવાની જરૂર?

આ બધી સાવચેતીઓ સામાન્ય લોકો માટે જરૂરી છે જ; પરંતુ નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, ડાયાબિટીના દરદીઓ અને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એવા લોકોએ સૌથી વધુ કાળજી રાખવાની જરૂર છે. તેમનામાં આ ઇન્ફેક્શન ગંભીર રૂપ લઈ શકે છે એટલે તેમણે ચોમાસામાં રાંધેલા ગરમ ખોરાકને જ વધુ પ્રાધાન્ય આપવું જોઈએ.

ક્યારે ડૉક્ટર પાસે જવું?

જો કાચાં ફળો કે સૅલડ ખાધા પછી બે-ત્રણ દિવસથી વધુ સમય સુધી ઝાડા રહે, સતત પેટમાં દુખાવો થાય, તાવ આવે, ડીહાઇડ્રેશન થાય, ઊલટીઓ થાય, ખૂબ નબળાઈ અનુભવાય એવાં આ બધાં લક્ષણો દેખાય તો એને સામાન્ય ફૂડ-પૉઇઝનિંગ માનીને અવગણવાં નહીં. સમયસર સારવાર લેવાથી ચેપ ઝડપથી કાબૂમાં આવી શકે છે.

સાવચેતી શું રાખવી?

૧.    ચોમાસામાં થોડી વધારાની કાળજી રાખવાથી મોટા ભાગનું જોખમ ઘટાડી શકાય છે. સૌપ્રથમ ફળો અને શાકભાજી હાથમાં લેતાં પહેલાં સાબુથી સારી રીતે હાથ ધોવા જરૂરી છે, કારણ કે ગંદા હાથ દ્વારા પણ જીવાણુઓ ખોરાક સુધી પહોંચી શકે છે. 
૨.    ફળો અને શાકભાજીને માત્ર એક વાર પાણીમાં ડુબાડીને બહાર કાઢવાને બદલે નળના વહેતા પાણી હેઠળ હાથથી બરાબર ઘસીને ધોવાં જોઈએ. સાઇક્લોસ્પોરા જેવા પરજીવીઓ પર સામાન્ય ક્લોરિન કામ કરતું નથી એટલે પાણીમાં એક ચમચી ખાવાનો સોડા અથવા સફેદ વિનેગર મિક્સ કરીને શાકભાજીને દસ-પંદર મિનિટ પલાળી રાખવાં જોઈએ, જેથી એમની સપાટી પર ચોંટેલા જીવાણુઓ છૂટા પડી જાય. 
૩.    ઘણા લોકો શાકભાજી પહેલાં કાપે છે અને પછી ધુએ છે જે ખોટી રીત છે, કારણ કે એનાથી બહારના બૅક્ટેરિયા અંદરના ભાગમાં પહોંચી શકે છે. તેથી હંમેશાં પહેલાં ધોઈને પછી જ કટિંગ કરવું જોઈએ. 
૪.    આ ઋતુમાં કેળું, પપૈયું, મોસંબી, સંતરું જેવાં છાલ ઉતારી શકાય એવાં ફળોને વધુ પ્રાથમિકતા આપવી જોઈએ અને રસ્તા પર મળતાં ખુલ્લાં કે કાપેલાં ફળો ખરીદવાનું સાવ ટાળવું જોઈએ, કારણ કે એમાં જીવાણુઓ ઝડપથી વધે છે.
૫.    ઘરમાં પણ કાપેલાં ફળો કે સૅલડને રૂમના ટેમ્પરેચર પર લાંબો સમય રાખવાને બદલે તરત જ વાપરવાં જોઈએ અને કાચાં શાકભાજીને રાંધેલા ખોરાકથી અલગ રાખવાં જોઈએ જેથી ક્રૉસ-કન્ટેમિનેશન ન થાય. 
૬.    રસોડાનું ચૉપિંગ બોર્ડ અને છરી પણ નિયમિત સાફ કરવાં જરૂરી છે. ખાસ કરીને રેસ્ટોરાંમાં અથવા સ્ટ્રીટ-ફૂડમાં વપરાતાં કાચાં શાકભાજી કેટલી સ્વચ્છ રીતે ધોયેલાં છે એની ખાતરી ન હોવાથી બહાર સૅલડ કે ચટણી ખાવાનું ટાળવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 05:53 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK