મોડે સુધી જાગવાથી શરીરને લાગે છે કે એ હજી દિવસનો સમય છે જેથી શરીરમાં હૉર્મોનલ સિક્રેશન ખોરવાય છે જેમ કે ઊંઘ લાવતા હૉર્મોન મેલાટોનિનનું ઉત્પાદન ઘટી જાય છે
પ્રતીકાત્મક તસવીર
આધુનિક જીવનશૈલીમાં મોડે સુધી જાગવાની અને અનિયમિત સમયે ભોજન લેવાની આદત સામાન્ય બની ગઈ છે, પરંતુ નિષ્ણાતો ભારપૂર્વક ચેતવણી આપે છે કે આ બન્ને આદતો તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમી પરિબળો છે. આની પાછળનું મુખ્ય કારણ તમારા શરીરની આંતરિક ઘડિયાળ એટલે કે સર્કેડિયન રિધમ સાથે જોડાયેલું છે. આપણા શરીરનાં તમામ કાર્યો ૨૪ કલાકના ચક્ર દ્વારા નિયંત્રિત થાય છે, જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. ઊંઘ અને ખોરાક લેવાનો સમય આ રિધમ સાથે સુસંગત એટલે કે લયમાં હોવો જોઈએ. જ્યારે આ લય તૂટી જાય છે ત્યારે શરીરની ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ જાય છે.
મોડે સુધી જાગવાથી શરીરને લાગે છે કે એ હજી દિવસનો સમય છે જેથી શરીરમાં હૉર્મોનલ સિક્રેશન ખોરવાય છે જેમ કે ઊંઘ લાવતા હૉર્મોન મેલાટોનિનનું ઉત્પાદન ઘટી જાય છે અને સ્ટ્રેસ હૉર્મોન ગણાતા કૉર્ટિઝોલનું સ્તર વધી શકે છે. કૉર્ટિઝોલનું ઊંચું સ્તર બ્લડપ્રેશર અને હૃદયના ધબકારામાં વધારો કરી શકે છે જે લાંબા ગાળે હૃદય પર તાણ વધારે છે.
ADVERTISEMENT
બીજું, શરીર ખોરાકને પચાવવા અને ગ્લુકોઝનો ઉપયોગ કરવા માટે દિવસ દરમિયાન સૌથી વધુ સક્ષમ હોય છે. જ્યારે તમે અનિયમિત સમયે ખાસ કરીને મોડી રાત્રે ભોજન લો છો ત્યારે શરીર આ ફેરફારને અસરકારક રીતે સંચાલિત કરી શકતું નથી. રાત્રિના સમયે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા ઓછી હોય છે. મોડેથી જમવાથી બ્લડ શુગરનું સ્તર અસામાન્ય રીતે ઊંચું થઈ શકે છે, જે લાંબા ગાળે ટાઇપ ટૂ ડાયાબિટીઝ તરફ દોરી જાય છે. ડાયાબિટીઝ હૃદયરોગનું મુખ્ય જોખમી પરિબળ છે.
એ જ રીતે રાત્રે ખાવાથી કૅલરી બર્ન થવાને બદલે ચરબી તરીકે સંગ્રહ થવાની શક્યતા વધી જાય છે, જેનાથી સ્થૂળતા વધે છે. સ્થૂળતા હાઈ બ્લડપ્રેશર, હાઈ કૉલેસ્ટરોલ અને હૃદયરોગનું જોખમ સીધું વધારે છે. અનિયમિત ઊંઘ અને ખાવાની પૅટર્ન તમારા લોહીના માપદંડોને નકારાત્મક રીતે અસર કરે છે. અપૂરતી અને અનિયમિત ઊંઘ બ્લડપ્રેશરને સ્થિર થવા દેતી નથી. ઊંઘ દરમિયાન બ્લડપ્રેશર કુદરતી રીતે ઘટે છે પરંતુ જે લોકો મોડે સુધી જાગે છે અથવા તેમની ઊંઘ ખોરવાય છે, તેમનું બ્લડપ્રેશર રાત્રે ઊંચું રહે છે જે હૃદયની ધમનીઓ પર વધારાનો બોજ મૂકે છે.
મોડેથી જમવાથી અને સર્કેડિયન રિધમમાં વિક્ષેપ આવવાથી ચરબીનું ચયાપચય ખોરવાય છે. આનાથી ખરાબ કૉલેસ્ટરોલનું સ્તર વધી શકે છે જે ધમનીઓમાં જામીને હાર્ટ-અટૅકનું જોખમ વધારે છે. અનિયમિત જીવનશૈલીને કારણે શરીરમાં ક્રૉનિક સોજો પેદા થાય છે. આ સોજો હૃદયરોગ માટે એક મૂળભૂત કારણ છે, કારણ કે એ ધમનીઓની દીવાલોને નુકસાન પહોંચાડી શકે છે અને ધમનીઓની સ્ટિફ થવાની પ્રક્રિયાને વેગ આપે છે. જો આ બધું જ થાય એવું ઇચ્છતા હો તો મોડે સુધી જાગવાનું અને ગમે તે સમયે ખાવાનું ચાલુ રાખો.
આ ત્રણ આદત અપનાવશો તો તમે સુખી થશો
દરરોજ લગભગ સાતથી આઠ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવાનો પ્રયાસ કરો અને દરરોજ એક જ સમયે સૂવા અને જાગવાનું સમયપત્રક જાળવો.
સૂતાં પહેલાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક પહેલાં રાતનું ભોજન લઈ લેવું જોઈએ.
રાત્રે વધુપડતી કૅલરી, ખાંડવાળા અથવા ચરબીયુક્ત ખોરાક ટાળો.


