શહેરી પ્રદૂષણના સતત સંપર્કમાં રહેવાથી ઍક્ને, ડ્રાયનેસ અને ડલનેસની સમસ્યા થઈ જતી હોય છે ત્યારે એક્સપર્ટ પાસેથી એવી ટિપ્સ જાણીએ જે ત્વચાને પ્રોટેક્ટ, રિપેર અને રીસ્ટોર કરવામાં મદદ કરી ચહેરા પરનો નૅચરલ ગ્લો પાછો લાવે
પ્રદૂષણ ત્વચાને નુકસાન પહોંચાડી રહ્યું છે? જાણી લો ઉપાય
વાયુપ્રદૂષણ ફક્ત તમારા ફેફસાંને જ નહીં, ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે. સૂક્ષ્મ ધૂળના કણો અને સ્મૉગ, વાહનો અને ઉદ્યોગોથી નીકળતાં ઝેરી તત્ત્વો આપણી ત્વચા માટે અદૃશ્ય દુશ્મન છે. હવામાં હાજર ધૂળ, ધુમાડો અને હાનિકારક કણ ત્વચાનાં રોમછિદ્રોને બંધ કરી દે છે, જેને કારણે ઍક્ને થવા, ચહેરો રૂક્ષ થઈ જવો, ત્વચા નિસ્તેજ પડી જવી વગેરે સમસ્યા થાય છે.
ત્વચાના નિષ્ણાતો અનુસાર ચહેરા પરના ઍક્ને સમય સાથે પ્રદૂષણ કરચલીઓ અને ડાર્ક સ્પૉટ્સ જેવાં વૃદ્ધત્વનાં લક્ષણોને પણ ઝડપથી વધારવાનું કામ કરે છે. એટલે ત્વચાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. દિવસમાં બે વાર ચહેરો સાફ કરો જેથી ધૂળ અને પ્રદૂષણ હટી જાય. એ માટે જેન્ટલ ફેસવૉશનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાનાં નૅચરલ ઑઇલ્સને ખતમ ન કરે. એ પછી ટોનર, હાઇડ્રેટિંગ સિરમ અને મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે જેથી ત્વચાનું હાઇડ્રેશન જળવાયેલું રહે અને પ્રદૂષણથી સ્કિન બૅરિયરને નુકસાન ન પહોંચે. તમે જે મૉઇશ્ચરાઇઝર વાપરો એ સારી ક્વૉલિટીનાં હોવાં જોઈએ, સનસ્ક્રીન લોશન પણ હંમેશાં SPF 50 વાળું જ વાપરવું જોઈએ. સાથે જ ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ એટલે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડાયરેક્ટ દુકાન અથવા મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને પ્રોડક્ટ્સ વાપરવાનું ટાળવું જોઇએ.
ADVERTISEMENT
નિષ્ણાતો અનુસાર ત્વચાને હેલ્ધી બનાવવા માટે ઍન્ટિઑક્સિડન્ટ્સ અને વિટામિન Cથી ભરપૂર ખાદ્ય પદાર્થ ખાવા પણ ખૂબ જરૂરી છે. સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવું, ફળો અને શાકભાજીઓ ખાવાં અને ધૂમ્રપાનથી દૂર રહેવું પણ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે એક્સફોલિએશન એટલે કે ત્વચાની મૃત કોશિકાઓને હટાવવી પણ ખૂબ જરૂરી છે. ત્વચાને નિયમિત રૂપથી સ્ક્રબ અને એક્સફોલિએટ કરવી જોઈએ, પણ આ કામ ડૉક્ટરની સલાહ અનુસાર જ કરવું જોઈએ. વધુ એક્સફોલિએશન કરવાથી રેડનેસ, ઇરિટેશન, બર્નિંગ સેન્સેશન જેવી સમસ્યા થઈ શકે છે. ચારકોલ, ક્લે અથવા ફ્રૂટ ઍસિડ્સ જેવાં ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલા ડીટૉક્સિફાઇંગ અને એક્સફોલિએટિંગ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરી શકાય છે. આ માસ્ક ત્વચામાં જમા ગંદકી અને પ્રદૂષક તત્ત્વોને સાફ કરે છે અને ત્વચાને તાજગી પ્રદાન કરે છે.


