Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાઇપરટેન્શન હોય તો સવારે એક વાર બ્લડપ્રેશર માપી લો

હાઇપરટેન્શન હોય તો સવારે એક વાર બ્લડપ્રેશર માપી લો

Published : 09 April, 2026 08:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઇપરટેન્શન એક એવો રોગ છે જે આજે ઘરે-ઘરે પહોંચી ગયો છે. છતાં એની કાળજી કેવી રીતે લેવી એ બાબતે જાગૃતિનો અભાવ જોવા મળે છે. સ્ત્રીઓ કરતાં આ રોગ પુરુષોમાં વધુ જોવા મળે છે. પુરુષોમાં રહેલું ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન તેમનામાં હાઇપરટેન્શન માટે જવાબદાર છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


હાઇપરટેન્શન એક એવો રોગ છે જે આજે ઘરે-ઘરે પહોંચી ગયો છે. છતાં એની કાળજી કેવી રીતે લેવી એ બાબતે જાગૃતિનો અભાવ જોવા મળે છે. સ્ત્રીઓ કરતાં આ રોગ પુરુષોમાં વધુ જોવા મળે છે. પુરુષોમાં રહેલું ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન તેમનામાં હાઇપરટેન્શન માટે જવાબદાર છે. એને લીધે પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ નાની ઉંમરે આ રોગ આવી જાય છે. આ ઉપરાંત દારૂનું સેવન પણ આ રોગ પાછળનું મુખ્ય કારણ છે જેની આદત સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. જોકે નવી ગાઇડલાઇન્સ એવું પણ કહે છે કે સ્ત્રીઓની સરખામણીએ આ રોગને સહન કરવાની ક્ષમતા પુરુષોમાં ઘણી વધારે હોય છે. આ સિવાય વધતી ઉંમર, મેદસ્વી હોવું, પુરુષ હોવું અને આલ્કોહૉલનું સેવન કરવું એ હાઇપરટેન્શન થવાના રિસ્ક-ફૅક્ટરમાં સામેલ છે. હાઇપરટેન્શન જ્યારે લાંબા ગાળાનું હોય અને અનિયંત્રિત રહેતું હોય તો એ શરીરના જુદા-જુદા અવયવો જેમ કે હાર્ટ, કિડની, લિવર પર અસર કરે છે.

અમે સામાન્ય રીતે પણ દરદીઓને સલાહ આપીએ છીએ કે તમે ઘરે બ્લડપ્રેશરનું મશીન રાખો. બ્લડપ્રેશર અને ડાયાબિટીઝ જેવા રોગોમાં આમ પણ સેલ્ફ-એક્ઝામિનેશન ખૂબ મહત્ત્વનું ગણી શકાય. દરેક ઘરમાં એક બ્લડપ્રેશરનું, એક શુગર માપવાનું, એક થર્મોમીટર અને એક ઑક્સિમીટર હોવું ખૂબ જરૂરી છે. દરરોજ સવારે ઊઠતાંની સાથે જ તમારું બ્લડપ્રેશર માપી લેવું. સવારે ઘણી વાર એક સ્પાઇક એટલે કે વધારો આવતો હોય છે જે સરળતાથી પકડી શકાય છે. આ આદતને રૂટીનમાં લાવો. દરરોજ એક વાર સવારે ઊઠીને તમારે બ્લડપ્રેશર માપી જ લેવું. આદર્શ રીતે ૧૨૦/૮૦ એવું રીડિંગ આવવું જોઈએ. જો એનાથી વધે કે ઘટે તો તમારા ડૉક્ટરને જાણ કરવી.

બ્લડપ્રેશરની ગોળી આદર્શ રીતે સવારે ઊઠીને તરત લઈ લેવી. મીઠાનું પ્રમાણ જાળવીને વાપરવું. આદર્શ રીતે દરરોજ ૬ ગ્રામ એટલે કે ૬ ચપટી મીઠું જ તમારે લેવું જોઈએ. એનાથી વધારે મીઠાનો ઉપયોગ ટાળવો. ગરમીમાં બપોરના સમયે બહાર નીકળવું નહીં. આ સમયે બહાર નીકળવાથી બ્લડપ્રેશર એકદમ વધી શકે છે જેનું ધ્યાન રાખવું. સ્ટ્રેસ-લેવલ બને એટલું કાબૂમાં રાખવું. રેગ્યુલર ફિઝિકલ ઍક્ટિવિટી ચાલુ જ રાખવી.

હાઇપરટેન્શન એવો રોગ છે જેને સાઇલન્ટ કિલર માનવામાં આવે છે. એનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી. આ પરિસ્થિતિમાં લક્ષણોની રાહ ન જોવી. હેલ્ધી હોવા છતાં થોડા-થોડા સમયે પ્રેશર માપીને ચેક કરવું જરૂરી છે. જ્યારે હાઇપરટેન્શન ખૂબ વધી જાય ત્યારે માથું દુખે, શરીરમાં નમ્બનેસ આવી જાય એટલે કે શરીર થોડું ખોટું પડી ગયું હોય એમ લાગે, ચાલવામાં દમ લાગે, છાતીમાં દુખે. આ પરિસ્થિતિમાં રાહ જોયા વગર તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 08:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK