Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઓળખતાં શીખો આંખોનાં આ સાઇલન્ટ સિગ્નલ્સને

ઓળખતાં શીખો આંખોનાં આ સાઇલન્ટ સિગ્નલ્સને

Published : 19 February, 2026 02:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં આપણે શરીર દ્વારા અપાતા સંકેતો પર ધ્યાન નથી આપતા અને પછી આગળ જતાં એ ગંભીર બીમારીમાં ફેરવાય છે. આંખોની બીમારી થતાં પહેલાં અમુક સાઇલન્ટ સિગ્નલ મળે છે એને ઓળખવામાં આવે તો આંખો સારી રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણી લાઇફસ્ટાસલ જ એવી બની ગઈ છે કે સવારથી સાંજ સુધી આંખો સતત કામ કર્યા રાખે છે. એને આરામ મળતો નથી. લોકો ઘણી વાર વધતી ઉંમર કે કામનું ભારણ કહીને એને નજરઅંદાજ કરે છે, પરંતુ આ બેદરકારી આગળ જતાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. હકીકતમાં આ આંખોની હેલ્થ ખરાબ થવાની અર્લી સાઇન્સ હોય છે. આઇ સર્જ્યનોના મતે ૯૦ ટકા જેટલા લોકો આંખોની બીમારીના શરૂઆતના સંકેતોને ઓળખી શકતા નથી. પરિણામે જે સમસ્યા સામાન્ય ચશ્માં કે ટીપાં નાખવાથી મટી શકતી હતી એ ગંભીર ઑપરેશન સુધી પહોંચી જાય છે. આથી અમુક એવી અર્લી સાઇન્સને ઓળખવાની જરૂર છે. આંખની મોટા ભાગની બીમારીઓ રાતોરાત નથી આવતી. એ ધીમે-ધીમે પગપેસારો કરે છે.

આ પ્રારંભિક લક્ષણોને અવગણવાં નહીં



બ્લરી વિઝનઃ જો તમને અચાનક જ વસ્તુઓ સ્પષ્ટ જોવામાં તકલીફ પડતી હોય અથવા એવું લાગે કે આંખ સામે ધુમ્મસ આવી ગયું છે તો એ માત્ર થાક નથી, એ મોતિયાની શરૂઆત અથવા રેટિનાને લગતી ગંભીર બીમારી હોઈ શકે છે. ખાસ કરીને જો આવું માત્ર એક આંખમાં હોય તો તાત્કાલિક તપાસ જરૂરી છે.


વારંવાર માથાનો દુખાવોઃ ઘણા લોકો માથાના દુખાવા માટે પેઇનકિલર લેતા હોય છે, પણ હકીકતમાં એ આંખના નંબર વધવાને કારણે હોઈ શકે છે. જ્યારે આંખના સ્નાયુઓ પર વધુ ભાર પડે છે ત્યારે એ માથાના દુખાવા સ્વરૂપે સંકેત આપે છે.

આંખોમાં લાલાશઃ આજના પ્રદૂષિત વાતાવરણમાં આંખો લાલ થવી સામાન્ય લાગે છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર થતી હોય તો એ ડ્રાય આઇ સિન્ડ્રૉમ હોઈ શકે છે. આંખોમાં કુદરતી ભેજ ઓછો થવાથી રેટિના પર અસર પડી શકે છે.


પ્રકાશની આસપાસ કૂંડાળાં દેખાવાં: જો રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે કે લાઇટની આસપાસ ઇન્દ્રધનુષ જેવાં કૂંડાળાં દેખાય તો અ ગ્લૉકોમા એટલે ઝામરનું લક્ષણ હોઈ શકે છે. ઝામરને દૃષ્ટિનો છૂપો ચોર કહેવામાં આવે છે, કારણ કે એ કોઈ પણ દુખાવા વગર દૃષ્ટિ છીનવી લે છે.

ફ્લોટર્સઃ આંખ સામે કાળાં ટપકાં કે કરોળિયાનાં જાળાં જેવું તરતું દેખાવું અથવા વીજળીના ઝબકારા જેવું લાગવું એ રેટિના ડિટૅચમેન્ટનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં વિલંબ કરવો એ અંધાપાને આમંત્રણ આપવા જેવું છે.

શા માટે લક્ષણો ઓળખાતાં નથી?

આપણી પાસે હૃદય કે કિડની માટે જેટલી જાગૃતિ છે એટલી આંખો માટે નથી. ઘણા કિસ્સાઓમાં આપણી બીજી આંખ નબળી પડી રહેલી આંખનું કામ સંભાળી લે છે, જેના કારણે આપણને ખબર જ નથી પડતી કે એક આંખની દૃષ્ટિ ઓછી થઈ રહી છે. જ્યારે બન્ને આંખોની સ્થિતિ બગડે ત્યારે જ માણસ ડૉક્ટર પાસે જાય છે, જે ઘણું મોડું ગણાય.

શું કરવું જોઈએ?

જો તમને કોઈ તકલીફ ન હોય તો પણ વર્ષમાં એક વાર આંખના નિષ્ણાત પાસે જઈને સંપૂર્ણ ચેકઅપ કરાવવું જોઈએ.

સતત કામ કરતી વખતે દર ૨૦ મિનિટે, ૨૦ ફુટ દૂર આવેલી વસ્તુને ૨૦ સેકન્ડ માટે જુઓ. આનાથી આંખના સ્નાયુઓને આરામ મળે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન-A યુક્ત આહાર જેમ કે ગાજર, પાલક અને પપૈયું લેવા જોઈએ. સાથે જ ૭-૮ કલાકની ઊંઘ આંખોને રિપેર થવાનો સમય આપે છે.

તડકામાં નીકળતી વખતે હંમેશાં અલ્ટ્રાવાયલેટ પ્રોટેક્શનવાળાં ચશ્માંનો ઉપયોગ કરો.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK