નૉર્મલ ગૅસ અથવા બહાર કંઈક ખાવામાં આવી ગયું હશે એમ વિચારીને પેટના દુખાવાને ઇગ્નૉર કરતા હો તો સાવધાન થઈ જાઓ. આ પાંચ બીમારીનાં એ લક્ષણો હોઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
પેટમાં થતો હળવો દુખાવો મોટા ભાગે નજરઅંદાજ કરવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓ ખાવાને કારણે, ગૅસને કારણે અથવા મન્થ્લી સાઇકલને કારણે દુખાવો થઈ રહ્યો હોવાનું ગણીને એને બહુ ભાવ નથી આપતી હોતી. જોકે કેટલાક નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અપાયેલી ચેતવણી મુજબ સામાન્ય લાગતો પેટનો દુખાવો ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. પેટના દુખાવાને ક્યારે સામાન્ય ન ગણવો એ સૂચવતા પાંચ સંકેતો વિશે જાણી લો.
પિત્તાશયની પથરી
ADVERTISEMENT
પિત્તાશયની પથરી સ્ત્રીઓમાં વધુ સામાન્ય છે, ખાસ કરીને હૉર્મોન્સ અને આહારને કારણે. એનાથી પેટની જમણી બાજુએ તીવ્ર દુખાવો થાય છે, ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક ખાધા પછી. આ દુખાવો ઘણી વાર ઍસિડિટી અથવા ગૅસ તરીકે ભૂલથી ઓળખવામાં આવે છે. જો દુખાવો મહિનાઓ સુધી ચાલે અને રાહત ન મળે તો સર્જરીની જરૂર પડી શકે છે. સમયસર નિદાન જરૂરી છે.
ઍપેન્ડિસાઇટિસ
આ સ્થિતિ ખૂબ જ જોખમી બની શકે છે, જેનાં લક્ષણો ઘણી વાર માસિક ધર્મના ખેંચાણ જેવાં લાગે છે. જો પેટના નીચેના જમણા ભાગમાં દુખાવો વધે તો તરત જ તબીબી સહાય લેવી. જો ઍપેન્ડિક્સ ફાટી જાય તો એ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી વહેલી સારવાર જીવન બચાવી શકે છે.
એન્ડોમેટ્રિઓસિસ
આ સ્થિતિ પ્રજનન-સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. એ પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો પેદા કરે છે, જેને કેટલાક લોકો પાચનની સમસ્યા માને છે. ગર્ભાશયની અંદરની દીવાલ (એન્ડોમેટ્રિયમ) જેવો જ ટિશ્યુ ગર્ભાશયની બહાર જેમ કે અંડાશય, ફેલોપિયન ટ્યુબ્સ અથવા પેડુના અન્ય ભાગોમાં વધવા લાગે છે. આ ટિશ્યુ માસિક ચક્ર દરમ્યાન ગર્ભાશયના ટિશ્યુની જેમ જ જાડો થાય છે, તૂટે છે અને રક્તસ્રાવ કરે છે; પણ એને શરીરની બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો નથી. આના કારણે પેડુમાં ક્રોનિક (લાંબા સમયનો) દુખાવો થાય છે, ખાસ કરીને માસિક ધર્મ દરમ્યાન અને એ વંધ્યત્વનું કારણ પણ બની શકે છે. આ દુખાવો તીવ્ર હોઈ શકે છે અને દૈનિક જીવનને અસર કરે છે. આમાં સમયસર નિદાન અને સારવાર જરૂરી છે. ઘણી સ્ત્રીઓ એને માસિક ચક્રનો ભાગ માનીને જીવે છે, પણ સચોટ નિદાન માટે ડૉક્ટરને મળવું અનિવાર્ય છે. નહીં તો લાંબા ગાળે વધુ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
અંડાશયની ગાંઠો
અંડાશયની ગાંઠોને કારણે પેટ ફૂલવું અને પેડુમાં હળવો દુખાવો થઈ શકે છે, જેને ઘણી વાર માસિકના ખેંચાણ તરીકે ઓળખવામાં આવે છે. જો ગાંઠ મોટી થઈ જાય અને એ વળી જાય તો તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.
હર્નિયા
હર્નિયા ઘણી વાર ધ્યાન બહાર રહી જાય છે. પેટ અથવા પેડુના વિસ્તારમાં નાના ઉભારને વજનનો વધારો માનીને અવગણવામાં આવે છે. આને અવગણવાથી આંતરડાંનો અવરોધ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે જે મેડિકલ ઇમર્જન્સી સર્જી શકે છે.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
1. જો આરામ કરવા છતાં પેટનો દુખાવો દૂર ન થાય.
2. જો પેટના દુખાવા સાથે તાવ, ઊલટી કે પેટ ફૂલવા જેવાં લક્ષણો હોય.
3. જો તમારાં આંતરડાંની હિલચાલ અથવા પાચન-સ્વાસ્થ્યમાં અચાનક ફેરફાર થાય.
4. જો ખાધા પછી દુખાવો વધે.
5. જો દુખાવો તમારી દૈનિક પ્રવૃત્તિઓને અસર કરી રહ્યો હોય.


