Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પેટનો દુખાવો અને ડાયેરિયા ક્યારેક મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે

પેટનો દુખાવો અને ડાયેરિયા ક્યારેક મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે

Published : 09 July, 2026 02:57 PM | Modified : 09 July, 2026 02:57 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આજે જાણીએ નાના આંતરડા પર સોજો લાવતા આ રોગનાં કારણો, નિવારણો અને સારવાર વિશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ઍક્ટ્રેસ જૅસ્મિન ભસીનને દુબઈમાં અચાનક પેટના દુખાવાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નિદાન થયું કે તેને ટર્મિનલ આઇલીટિસ નામનું અત્યંત ગંભીર ઇન્ફેક્શન થયું છે. ભલે ખૂબ જ સામાન્ય લક્ષણો હોય, પરંતુ આ ઇન્ફેક્શન ખૂબ જોખમી છે. આજે જાણીએ નાના આંતરડા પર સોજો લાવતા આ રોગનાં કારણો, નિવારણો અને સારવાર વિશે...

તાજેતરમાં જાણીતી ટીવી-અભિનેત્રી જૅસ્મિન ભસીન દુબઈ ગઈ હતી ત્યારે પેટના ઇન્ફેક્શન અને સોજાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. ત્યારે ડૉક્ટરોએ તેને ટર્મિનલ આઇલીટિસ નામની બીમારી હોવાનું જણાવ્યું હતું. ભારત આવ્યા પછી પણ તેની સારવાર હજી ચાલી રહી છે અને એ હાઈ-રિસ્ક ઇન્ફેક્શન છે. સામાન્ય લોકો માટે આ રોગનું નામ નવું છે, પણ બદલાતી લાઇફસ્ટાઇલ અને ખાનપાનને કારણે આ સમસ્યા ગમે તેને થઈ શકે છે. ગ્લેનીગલ્સ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. શંકર ઝાંવર પાસેથી જાણીએ કે આ રોગ શું છે અને એને હળવાશમાં શા માટે ન લેવો જોઈએ.



ટર્મિનલ આઇલીટિસ એટલે શું?


આપણા શરીરમાં પાચનતંત્રનો એક મહત્ત્વનો ભાગ નાનું આંતરડું છે. આ નાના આંતરડાના સૌથી છેલ્લા ભાગને તબીબી ભાષામાં ટર્મિનલ આઇલિયમ કહેવાય છે જે આગળ જઈને મોટા આંતરડા સાથે જોડાય છે. જ્યારે કોઈ બૅક્ટેરિયા, વાઇરસ કે અન્ય કારણોસર આ ખાસ ભાગમાં તીવ્ર સોજો આવી જાય કે ચેપ લાગે ત્યારે એ સ્થિતિને ટર્મિનલ આઇલીટિસ કહેવામાં આવે છે.

કારણો શું?


આ રોગ થવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોતું નથી, પણ અમુક પરિબળો છે જે મુખ્ય ભાગ ભજવે છે. ક્રોહન્સ ડિસીઝ (એ પાચનતંત્રનો એક ક્રોનિંગ અને ઑટોઇમ્યુન રોગ છે જેમાં મોંથી લઈને મળદ્વાર સુધીના પાચનતંત્રના કોઈ પણ ભાગ પર અસર થાય છે.) આ રોગનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે. આ એક ઑટોઇમ્યુન સમસ્યા છે જેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ આંતરડાના સારા કોષોને દુશ્મન સમજીને એના પર હુમલો કરે છે અને ત્યાં કાયમી સોજો પેદા કરે છે. બીજું મુખ્ય પરિબળ બૅક્ટેરિયલ કે વાઇરલ ઇન્ફેક્શન છે. દૂષિત ખોરાક કે પાણી દ્વારા શરીરમાં પ્રવેશતા સાલ્મોનેલા, શિગેલા કે ટીબીના બૅક્ટેરિયા નાના આંતરડાના છેલ્લા ભાગમાં ગંભીર ચેપ લગાવી શકે છે. ટર્મિનલ આઇલીટિસ થવાનું એક જોખમ આડેધડ પેઇનકિલર દવા ખાવાથી પણ થાય છે. ડૉક્ટરની સલાહ વગર વારંવાર માથાના દુખાવા માટે, સાંધાના દુખાવા માટે કે શરીરના દુખાવા માટે લેવાતી દવાઓ આંતરડાના અંદરના સ્તરને છોલી નાખે છે જેને લીધે સોજો વધે છે. આ ઉપરાંત જો આંતરડાના છેલ્લા ભાગ સુધી લોહી પહોંચાડતી નસોમાં કોઈ અવરોધ આવે અને લોહીનો પુરવઠો ઓછો થઈ જાય તો પણ સોજો આવી જાય છે.

લક્ષણોને અવગણવા નહીં

ઘણા લોકો બીમારીનાં આ લક્ષણોને સામાન્ય પેટની ગરબડ કે ફૂડ-પૉઇઝનિંગ સમજીને અવગણવાની ભૂલ કરે છે. પેટની નીચેના જમણા ભાગમાં દુખાવો આ રોગનું સૌથી મોટું લક્ષણ છે. ટર્મિનલ આઇલીટિસની બીમારી હોવાથી આ ભાગમાં અસહ્ય દુખાવો કે કળતર થાય છે અથવા ક્રેમ્પ્સ આવે છે. ઘણી વાર સામાન્ય દવાઓથી પણ ઝાડા મટતા નથી અને ઘણી વાર મળમાં લોહી કે ચીકણો પદાર્થ નીકળે છે. આ લક્ષણ પણ ટર્મિનલ આઇલીટિસ હોવાનો સંકેત છે. આંતરડામાં સોજો હોવાને લીધે ખોરાક પચતો નથી, જેને લીધે દરદીને ખાવાની ઇચ્છા થતી નથી અને સતત વજન ઘટવા લાગે છે. શરીરમાં અંદર ઇન્ફેક્શન કે સોજો હોવાને કારણે દરદીને સતત ઝીણો અથવા બહુ તાવ રહ્યા કરે છે. આ લક્ષણોને અવગણવા કરતાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીને સારવાર શરૂ કરવી હિતાવહ છે.

શું છે આની સારવાર?

સામાન્યપણે આ રોગનું નિદાન એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી અથવા CT સ્કૅન (કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કૅન) દ્વારા થાય છે. આ ટેસ્ટના માધ્યમથી આંતરડામાં આવેલા સોજાનું ચોક્કસ કારણ જાણવા મળે છે. ત્યાર બાદ સારવાર શરૂ થાય છે. જો સોજો કોઈ બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે હોય તો ડૉક્ટર ઍન્ટિ-બાયોટિક્સ દવાઓ આપે છે, પણ જો ક્રોહન્સ ડિસીઝ હોય તો સ્ટેરૉઇડ્સ અથવા રોગપ્રતિકારક શક્તિને કાબૂમાં રાખતી સ્પેશ્યલ દવાઓ આપવામાં આવે છે. જો દરદી લાંબા સમય સુધી સારવાર ન લે તો આંતરડાનો એ ભાગ સાંકડો થઈ જાય છે અથવા ત્યાં બ્લૉકેજ થઈ જાય છે. આવી સ્થિતિમાં સર્જરી કરીને આંતરડાનો એટલો ખરાબ થયેલો ભાગ કાપવો પડી શકે છે.

ડાયટમાં શું ધ્યાન રાખી શકાય?

નાના આંતરડાનો આ છેલ્લો ભાગ આપણા શરીરમાં વિટામિન B12 અને પિત્ત ક્ષારોને શોષવાનું બહુ મહત્ત્વનું કામ કરે છે. તેથી સોજો હોય ત્યારે આંતરડાને આરામ મળે એવો આહાર લેવો જરૂરી છે. આ સમયે કાચાં શાકભાજી, કચુંબર, આખું અનાજ જેમ કે મકાઈ, બાજરી અને છોતરાંવાળી દાળ ન ખાવાં જોઈએ, કારણ કે એમાં રહેલું ફાઇબર પચાવવામાં આંતરડા પર જોર પડે છે. એને બદલે સારી રીતે રાંધેલી મગની દાળની ખીચડી, બાફેલાં શાકભાજી કે દૂધી-ગલકાં જેવાં હળવાં શાક લેવાં જોઈએ. ઝાડા થવાને કારણે શરીરમાં પાણી ખૂટી ન જાય એ માટે ઉકાળીને ઠંડું કરેલું પાણી, નારિયેળપાણી, મોળી છાશ અથવા ORSનું પાણી સતત પીતા રહેવું. વધુ પડતા મસાલા, તેલ, મેંદો, બહારનું પૅકેટ-ફૂડ, ચા-કૉફી અને કોલ્ડ ડ્રિન્ક્સ આંતરડાના સોજાને બમણો કરી શકે છે એટલે એમનાથી અંતર જાળવવું. સોજા હોય એ દરમ્યાન દૂધ, ચીઝ કે પનીર પચાવવામાં તકલીફ પડે છે અને ગૅસ-ડાયેરિયા વધી શકે છે એટલે થોડા દિવસ દૂધની આઇટમો ટાળવી. એકસાથે પેટ ભરીને ભારે ભોજન લેવાને બદલે દિવસમાં પાંચથી છ વખત થોડો-થોડો અને હલકો ખોરાક ખાવો જોઈએ જેથી પાચનતંત્ર સરળતાથી કામ કરી શકે.

લાઇફસ્ટાઇલમાં આ ફેરફાર કરો

આપણા મગજ અને આંતરડા વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે તમે વધુ માનસિક તનાવ કે ચિંતામાં હો છો ત્યારે આંતરડાનો સોજો અને અસ્વસ્થતા બમણાં થઈ જાય છે. સ્ટ્રેસ ઓછું કરવા માટે રોજ પંદરથી ૨૦ મિનિટ પ્રાણાયામ કે મેડિટેશન કરો અથવા હળવું સંગીત સાંભળવાની આદત પાડો.

પૂરતી અને ગાઢ ઊંઘ લો, કારણ કે ઊંઘ દરમ્યાન જ શરીર અંદરના સોજાને કુદરતી રીતે રૂઝવવાનું કામ કરે છે.

સ્મોકિંગ કે આલ્કોહોલની આદત આ રોગને અત્યંત ઘાતક બનાવી દઈ શકે છે અને એનાથી દવાની અસરો પણ ઘટી જાય છે. આલ્કોહોલ આંતરડાના અંદરના નાજુક સ્તરને સીધું નુકસાન પહોંચાડે છે અને સોજો વધારે છે. તેથી કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું અનિવાર્ય છે.

આંતરડામાં જ્યારે તીવ્ર દુખાવો કે સોજો હોય ત્યારે ભારે કસરતો કરવાનું કે જિમ જવાનું ટાળવું જોઈએ, પરંતુ સ્થિતિ સામાન્ય હોય ત્યારે બેઠાડુ જીવન છોડવું જરૂરી છે. સવાર-સાંજ અડધો કલાક હળવું ચાલવું અથવા હળવાં આસનો કરવાં. આનાથી આંતરડામાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને પાચનક્રિયા નિયમિત બને છે.

ઑફિસ, પ્રવાસ કે બહારના કામકાજ દરમ્યાન ઘરનું રાંધેલું ટિફિન સાથે રાખવાનો આગ્રહ રાખો. હોટેલનું ખાવાનું, રસ્તા પર મળતો ખુલ્લો ખોરાક કે વાસી ભોજન આંતરડામાં નવો બૅક્ટેરિયલ ચેપ લગાડી શકે છે જે આ સ્થિતિમાં દરદી માટે જોખમી સાબિત થાય છે.

દવાઓથી જ્યારે સારું લાગવા માંડે ત્યારે ઘણા દરદીઓ ડૉક્ટર પાસે જવાનું કે દવાઓ લેવાનું આપમેળે બંધ કરી દે છે જે સૌથી મોટી ભૂલ છે. ભલે તમે સ્વસ્થતા અનુભવતા હો, એમ છતાં ડૉક્ટરે આપેલા સમયે નિયમિત ચેક-અપ માટે જાઓ. આંતરડાની અંદર સોજો સંપૂર્ણ મટ્યો છે કે નહીં એ જાણવા માટે ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેવું જરૂરી છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 02:57 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK