અંગ્રેજીના બે શબ્દો હન્ગ્રી અને ઍન્ગ્રીને મેળવીને એક શબ્દ બન્યો છે હૅન્ગ્રી, જેનો અર્થ સમજીએ તો જ્યારે વ્યક્તિને ભૂખ લાગે ત્યારે એ ભૂખને કારણે તેને ભયંકર ગુસ્સો આવે એ પરિસ્થિતિ. ભૂખ તો બધાને લાગે છે પણ બધાને ભૂખ લાગતી વખતે ગુસ્સો આવે એ જરાય જરૂરી નથી
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ હૅન્ગ્રી બને?
- એની પાછળ કયાં-કયાં કારણો જવાબદાર હોઈ શકે છે?
- એ આજે સમજીએ
૧૦ વર્ષનો સની જ્યારે ધમપછાડા કરે, જોર-જોરથી રાડો પાડે ત્યારે તેની મમ્મી તેને તરત જ જમવા બેસવાનું કહે છે. તેના ફેવરિટ પરાઠા રોલ પેટમાં જાય એટલે તે એકદમ ડાહ્યોડમરો બની જાય છે. તેની મમ્મી એ જ વાતે આખો દિવસ બડબડ કરે છે કે કેટલી વાર કીધું છે કે સમય પર જમી લે, પણ રમવામાં એટલો મગ્ન થઈ જાય છે કે સમય પર ખાતો જ નથી; છેલ્લા બે કલાકથી હું તેની પાછળ પડી છું કે ખાઈ લે પણ બૅટ હાથમાંથી છૂટતું નથી; ત્યાં ગેમમાં બધા જોડે લડીને ઘરે આવ્યો.
તેના મિત્રોને પણ હવે ખબર છે એટલે તે આવું કરે તો તેને તરત ઘરે મોકલી દે છે. ભૂખ લાગે ત્યારે તેને ગુસ્સો આવે છે.
ADVERTISEMENT
IT કંપનીના CEO પ્રદીપભાઈ મહિનામાં ૧-૨ વાર કંપનીમાં બધાનો ઊધડો લઈ લે છે. તેમની કામ કરવાની સ્ટાઇલ ગુસ્સે થવાની નથી. આમ તે એક અત્યંત પ્રેમાળ બૉસ છે. બધા કમર્ચારીઓનાં સુખ-દુઃખમાં તેઓ તેમની સાથે રહે છે, મદદ કરે છે પણ અમુક દિવસો એવા હોય છે જ્યારે કંપનીમાં બધાને લાગે છે કે આજે થયું છે શું? કેમ આવી નાની બાબતોમાં આટલું ખિજાઈ રહ્યા છે બૉસ? પણ પછી તરત જ બધા સમજી જાય છે અને તેમને કંઈક તેમનું ભાવતું ખવડાવી દે છે. એટલે બૉસ શાંત થઈ જાય છે. પ્યુન ઘનશ્યામને કહીને રાખ્યું છે કે બૉસને સમયસર જમાડવાની જવાબદારી તારી છે, તે ભૂખ્યા રહ્યા તો બધાને કાચા ખાઈ જશે.
આપણી આસપાસ પ્રદીપભાઈ કે સની જેવા ઘણા લોકો છે જે નૉર્મલી ગુસ્સે થતા નથી પરંતુ ભૂખ્યા હોય ત્યારે ૧૦૦ ટકા તેમને ગુસ્સો આવે છે. એ પણ એવો ગુસ્સો જેને સામાન્ય ન કહી શકાય. ઘણા લોકોને તે ભૂખ્યા હોય ત્યારે એ ભૂખ તેમના ગુસ્સા વાટે બહાર આવતી હોય છે. એમાંથી મોટા ભાગના લોકો એવા છે જેમને ખુદને નથી ખબર હોતી કે તેમને ગુસ્સો કેમ આવી રહ્યો છે. કોઈ લૉજિકલ વાત તેમના ગુસ્સા પાછળ જવાબદાર નથી હોતી. બસ, તેઓ ગુસ્સે ભરાય છે. અને આવું થાય ત્યારે તેમની આજુબાજુના, તેમને જાણતા અને તેમને ખૂબ પ્રેમ કરતા લોકો સમજે છે કે ગુસ્સામાં તેમનું જે વર્તન છે એનાથી ખરાબ લગાડવા જેવું નથી. આ લોકો ગુસ્સામાં જે બોલી રહ્યા છે એ વાતમાં તેઓ માનતા નથી. બસ, ગુસ્સો કરી રહ્યા છે કારણ કે તેમને ખૂબ ભૂખ લાગી છે. નવાઈની વાત એ છે કે જે વ્યક્તિ આવી હોય છે તેમને એ ભાન આવતું નથી કે મને ભૂખ લાગી છે એટલે મને ગુસ્સો આવે છે. તેમની આજુબાજુની વ્યક્તિઓને જ આ વાત સમજાય છે. ખાસ કરીને વ્યક્તિની મા કે પત્ની જ હોય જે આ વાત સમજતી હોય કે ગુસ્સા પાછળ ભૂખ છે, બીજું કંઈ નથી. જેવું આ લોકોને ખાવાનું આપીએ કે તેઓ એકદમ શાંત અને સારા થઈ જતા હોય છે.
મગજના સંકેત
ભૂખ લાગવી એ એક હેલ્ધી વ્યક્તિની નિશાની છે. કેટલા બધા અંદરથી બીમાર લોકોને ભૂખ લાગતી જ નથી. એટલે જો તમને ભૂખ લાગતી હોય તો એ બેસ્ટ ગણાશે. શરીર સિગ્નલ આપે છે કે એને ખોરાકની જરૂર છે. આ સિસ્ટમ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કુંજલ શાહ કહે છે, ‘મગજનો મૂળ ખોરાક એનર્જી છે એટલે કે કાર્બ્સ. કાર્બોહાઇડ્રેટ પદાર્થ એટલે જ ખાવા અત્યંત જરૂરી છે કારણ કે મગજને ચલાવવા માટે એની જરૂર રહે છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન એ બધાની જરૂર જુદી-જુદી છે. મગજને ચલાવવા માટે તો કાર્બ્સ જ જોઈએ. જ્યારે એનર્જી ખૂટી જાય ત્યારે મગજ શરીરને અમુક સંકેત આપે છે જેને આપણે કહીએ છીએ ભૂખ. જન્મથી દરેક બાળકને આ ભાવ સમજાય છે કે તેને ખોરાકની જરૂર છે. આ સંકેત વ્યક્તિના ખોરાકની પૅટર્ન, તે શું ખાય છે, ક્યારે ખાય છે, કેટલું ખાય છે, કેટલા નિયમિત કે અનિયમિત છે આવા ઘણા જુદા-જુદા ફૅક્ટર પર આધાર રાખે છે. જેમ કે જે લોકો નિયમથી સમયસર જમતા હોય તેમને ચોક્કસ સમયે ભૂખ લાગી જ જતી હોય છે. જે લોકોનું જીવન અનિયમિત છે તેમને કોઈ પણ સમયે ભૂખ લાગે છે અને ત્યારે તે જમે નહીં તો તેમની આખી સાઇકલ ડિસ્ટર્બ થઈ જાય છે. આવા લોકોને ભૂખના સંકેતો વિશેની સમજ થોડી ઓછી હોય છે. ક્યારે ભૂખ લાગે છે એ તેમને સમજાતું નથી.’
સ્ટ્રેસ-હૉર્મોન્સ
ભૂખ અને ગુસ્સો બન્નેના જીન્સ અને મગજમાં રહેલા ન્યુરલ પાથ-વે સરખા હોય છે. એક પ્રકારનું બ્રેઇન કેમિકલ છે જેનું નામ છે ન્યુરોપેપ્ટાઇડ વાય, જે ગુસ્સા અને ભૂખ બન્નેને રેગ્યુલેટ કરે છે. ભૂખ અને ગુસ્સા વચ્ચેના સંબંધને શરીરની રચના દ્વારા સમજાવતાં કુંજલ શાહ કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિ વધુ સમયથી ભૂખી હોય ત્યારે તેના લોહીમાંની શુગર એકદમ ડ્રૉપ થઈ જાય એવું બનતું હોય છે જેમાં મગજ સ્ટ્રગલ કરે છે કે એ વ્યવસ્થિત કામ કરી શકે, પણ એનું કામ ખોરવાય છે, જેને કારણે શરીર ટકી રહેવા માટે સ્ટ્રેસ હૉર્મોન્સ જેમ કે કૉર્ટિઝોલ અને એડ્રિનલિન રિલીઝ કરે છે. આ હૉર્મોન્સ શરીરમાં મૂડને બદલાવે છે. લાગણીને કાબૂમાં રાખી શકવાનું તંત્ર પણ એની સાથે ખોરવાય છે એટલે એ તમને અકળાવે છે, જેને લીધે ખુદ પરનો કન્ટ્રોલ વ્યક્તિ ખોઈ બેસે છે અને ગુસ્સો જન્મે છે.’
કોને થાય?
હકીકતે ભૂખ બધાને લાગે પણ એ ભાવને દરેક વ્યક્તિ મૅનેજ કરે છે. એટલે જ દરેક વ્યક્તિને ભૂખ લાગે ત્યારે ગુસ્સો આવતો નથી. તેમનું મગજ તેમના કન્ટ્રોલમાં રહે છે. જેમનું શરીર અને મગજ તેમના કન્ટ્રોલમાં રહેતું નથી જે પોતાના શરીરના સંકેતોને વ્યવસ્થિત સમજી શકતા નથી તેમને તકલીફ થાય છે એમ સમજાવતાં કુંજલ શાહ કહે છે, ‘અમુક લોકો અતિ દૂબળા હોય છે. જેમના શરીરમાં ફૅટ રિઝર્વ ખૂબ ઓછું હોય છે, જેને લીધે તેઓ જમે નહીં તો બ્રેઇન પાસે બીજો કોઈ એનર્જીનો સોર્સ હોતો જ નથી એટલે તેમને આવું થઈ શકે. આ સિવાય ઘણા લોકોનું મેટાબોલિઝમ સારું હોય તો ખોરાક ધાર્યા કરતાં જલદી પચી જતો હોય તો પણ આવું થઈ શકે. ઘણા લોકોના ઘરમાં કોઈને આવી આદત હોય તો બાળકો પણ જોઈને એવું શીખી જતાં હોય એવું બને.’
કારણ જાણવું જરૂરી
કોઈ પણ વ્યક્તિને ભૂખ લાગે અને તે ગુસ્સો કરતી હોય ત્યારે તેની આજુબાજુના લોકો તેને ખાવાનું આપીને શાંત કરે છે કારણ કે તેમને એવું હોય છે કે બસ, એ વ્યક્તિનો ગુસ્સો શાંત થઈ જાય એટલે બધું ઠીક થઈ ગયું. પણ એવું હોતું નથી એમ સમજાવતાં કુંજલ શાહ કહે છે, ‘જો તમને આવું નિયમિત રીતે થતું હોય તો એ જાણવું ખૂબ જરૂરી છે કે આવું કેમ થઈ રહ્યું છે. એની પાછળ શું કારણો છે. એ કારણોને સમજીને આ તકલીફને દૂર કરી શકાય. ઘણા સમયસર જમતા નથી એટલે તેમને એવું થાય છે તો ઘણા પોતાની લાગણીઓને રેગ્યુલેટ નથી કરી શકતા એટલે એવું થાય છે. તો ઘણા જમવામાં ફક્ત સિમ્પલ કાર્બ્સ ખાય છે એટલે તેમને એવું થાય છે. ઘણી વ્યક્તિઓને આવું કરવાની સાઇકોલૉજિકલ આદત પડી ગઈ હોય છે કારણ કે તે જુએ છે કે હું ગુસ્સો કરું તો મને લોકો વધુ મહત્ત્વ આપે છે અને મને ગમે એવું વર્તન મને મનાવવા માટે મારી સાથે કરે છે. આમ ભૂખ સમયે ગુસ્સો આવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે એને તમારે સમજવાં જોઈએ અને પછી એના પર કામ કરવું જોઈએ. આ રીતે આ તકલીફ સુધરી શકે છે.’
જો તમે ભૂખ્યા હો ત્યારે ગુસ્સો આવતો હોય તો શું કરશો?
ખાવાનો સમય નિયત રાખો. દરરોજ નિશ્ચિત સમયે ખાઈ લેશો તો આ સમસ્યા નહીં નડે.
ફક્ત ખાઈ લેવું પૂરતું નથી. તમે શું ખાઓ છો એ પણ એટલું જ જરૂરી છે. સિમ્પલ કાર્બ્સ જલદી પચી જાય છે અને એની એનર્જી જલદી રિલીઝ થઈ જાય છે. એટલે વ્યક્તિએ હંમેશાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ ભજનમાં લેવાં જેમ કે ફક્ત બ્રેડ, રોટલી કે પરોઠું દૂધ કે ચા સાથે ખાઈ લો તો એ સિમ્પલ કાર્બ્સ થઈ ગયાં પણ શાક અને દાળ સાથે એ ખાઓ ત્યારે એ કૉમ્પ્લેક્સ કાર્બ્સ બને છે અને એનું પાચન ધીમે થવાથી જલદી ભૂખ નથી લાગતી અને એનર્જી ડ્રૉપ નથી થતી.
તમને સ્ટ્રેસ મૅનેજ કરતાં આવડવું જોઈએ. ભૂખ લાગી એ બરાબર, પણ એ સમયે આવતા ગુસ્સાને સમજવો જરૂરી છે. જ્યારે તમને ગુસ્સો આવે કે બીજી કોઈ લાગણી અનુભવાય તો એ લાગણી પાછળનાં કારણો વિશે તમને સમજ પડવી જોઈએ. ખુદને ઓળખતાં શીખવું જરૂરી છે.


