બાળકોને ફટાકડા ન ફોડવા માટે જાગૃત કરો અને સમજાવો કે આ કેમ હાનિકારક છે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળી પર ફટાકડાને કારણે કેટકેટલા ઍક્સિડન્ટ થાય છે. રૉકેટ ઊડીને કોઈના ઘરમાં ગયું અને આગ લાગી ગઈ. રસ્તામાં ફટાકડા ફોડતા હતા અને સ્કૂટર પર જતા લોકોનો ઍક્સિડન્ટ થઈ ગયો. બૉમ્બ ફૂટ્યો નહીં અને બાળકો જોવા ગયાં અને ત્યાં જ ધડાકો થયો, ભયંકર દાઝી ગયાં. દૂર ઊભા-ઊભા ફટાકડા જોતા હતા અને ઊડીને એક ચિનગારી આંખમાં જતી રહી, આંખનું વિઝન ગયું. આમાંથી કેટલાક બનાવો તો લોકોએ જાતે પોતાની સગી આંખે જોયા હશે અને કેટલાક બનાવો ઘરની કોઈ વ્યક્તિએ સહન કર્યા હશે અથવા તો ખુદ જ ભોગ બન્યા હશે. દિવાળી એટલે રંગો અને રોશનીનો તહેવાર, પરંતુ ફટાકડાના નામે થતી રોશની આપણને મોંઘી પડે છે.
પોતાનો, પર્યાવરણનો, પ્રદૂષણનો કે પ્રાણીઓનો કોઈ પણનો વિચાર કરીને જો તમને લાગતું હોય કે ફટાકડા ફોડવા ન જોઈએ તો એ અત્યંત યોગ્ય વિચાર છે. એનો અમલ કરો અને સ્વસ્થ રહો. ઘણા લોકો એવું માને છે કે આપણે નહીં ફોડીએ તો ફક્ત એક માણસથી શું ફરક પડશે? એવું નથી, મોટા બદલાવ માટે નાની શરૂઆત જરૂરી હોય છે. જો તમે ફટાકડા ફોડતા નથી એનો અર્થ એ નથી કે તમે ઍક્સિન્ટથી બચી ગયા. દિવાળીના દિવસોમાં બહાર નીકળો ત્યારે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે ટૂ-વ્હીલર ચલાવતા હો ત્યારે. બને ત્યાં સુધી એવી જગ્યામાંથી પસર ન થાઓ જ્યાં ફટાકડા ફોડતા હોય અને જો થાઓ તો સાવચેતીથી નીકળો.
ADVERTISEMENT
બાળકોને ફટાકડા ન ફોડવા માટે જાગૃત કરો અને સમજાવો કે આ કેમ હાનિકારક છે. છતાં ન માને તો ફૂલઝર, ચકરી જેવા સામાન્ય ફટાકડા જેમાં રોશની થાય પરંતુ અવાજ ન આવે એ જ ચલાવો. આ ફટાકડાઓ પ્રમાણમાં સેફ છે. રૉકેટ કે બૉમ્બ કે તડાફડી જેવા ફટાકડાને અવગણો. ફટાકડા ફોડતી વખતે બાળકોને એકલાં ન મૂકો, ભલે એ ગમેતેટલાં મોટા થઈ ગયા હોય. વડીલ હોય તો એ લોકો કાબૂમાં રહે છે અને આ રીતે અકસ્માતોને ટાળી શકાય છે. દિવાળીમાં પહેરેલાં સિલ્કનાં કપડાં ફટાકડા વખતે નહીં ચાલે. વળી લહેરાતા દુપટ્ટા કે સાડી જલદી આગ પકડે છે. આવી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું.
સોસાયટીમાં ફટાકડા ફોડતાં બાળકોને રોકી ન શકો તો કંઈ નહીં, પરંતુ તમારી સેફ્ટી ખાતર તમારા ઘરનાં બારી-બારણાં બંધ રાખો અને બહાર કપડાં ન સૂકવો. કોઈ પણ બનાવ બને તો ઘરગથ્થુ ઉપચાર કરવા કરતાં હૉસ્પિટલ ભાગો. દિવાળીના સમયમાં જો ડૉક્ટર ન મળે તો મોટી હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં જતા રહો પરંતુ હૉસ્પિટલ પહોંચવામાં મોડું ન કરો.

