Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લહૂ મુંહ લગ ગયા!

06 May, 2024 08:02 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

અમુક લોકોની ત્વચા ટેક્સ્ચરવાળી હોવાથી એ પોતાની ત્વચા લીસી કરાવવા માટે કરાવે છે. ઍન્ટિ-એજિંગ અને ફાઇન લાઇન્સની ટ્રીટમેન્ટ માટે પણ આ ફેશ્યલ અસરકારક સાબિત થાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લોહીને પ્રોસેસ કરીને માઇક્રોનીડલિંગ વડે રીતસરનું એને ચહેરા પર લગાડીને કરવામાં આવતું વૅમ્પાયર ફેશ્યલ હવે કંઈ નવી વાત રહી નથી. પોતાના જ લોહીના ગુણકારી ફાયદાઓ લણવાની આ ટેક્નિક એક રીતે તો કુદરતી છે છતાં તાજેતરમાં ન્યુ મેક્સિકોમાં નોંધાયેલા ત્રણ કેસમાં આ ફેશ્યલ કરાવનારને HIV ઇન્ફેક્શન લાગી ગયું ત્યારે આ ફેશ્યલ કેટલુંક ભરોસાપાત્ર છે એના પર સવાલ ઊઠ્યો છે. હકીકત શું છે આવો જાણીએ

સ્કિન-કૅર ટ્રીટમેન્ટનું સામ્રાજ્ય દિવસે નહીં એટલું રાતે અને રાતે નહીં એટલું દિવસે વધી રહ્યું છે એવી સ્થિતિમાં વૅમ્પાયર ફેશ્યલ સૌંદર્ય ઉત્સાહીઓ અને તબીબી વ્યાવસાયિકોને એકસરખું જ આકર્ષિત કરે છે. લોહીમાંથી મેળવેલા પોતાના પ્લેટલેટ-રિચ પ્લાઝ્મા (PRP)ના ઇન્ફ્યુઝન દ્વારા કાયાકલ્પનું વચન આપતી આ પ્રક્રિયા ત્વચાની રચનાનું સંવર્ધન કરવાની એની ક્ષમતાને લીધે અમુક અંશે ફાયદાકારક નીવડી છે. જોકે એના આ વચનને લીધે અમુક વ્યાવસાયિકો એની સાથે જોડાયેલા જોખમ સામે આંખ આડા કાન કરી દે છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં કૉસ્મેક્સ ક્લિનિકનાં કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. આલિયા દેશમુખ કહે છે, ‘વૅમ્પાયર ફેશ્યલને PRP થેરપી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં બે પ્રક્રિયાઓનું મિશ્રણ થાય છે એક તો પ્લેટલેટ-રિચ પ્લાઝ્મા (PRP) અને બીજું, માઇક્રોનીડલિંગ. PRP થેરપી લોકપ્રિય કૉસ્મેટિક સારવાર છે. આમાં વ્યક્તિનું પોતાનું જ લોહી વાપરવામાં આવે છે અને બીજું, આ પ્રક્રિયા દરમિયાન ચહેરો લાલ થઈ જાય છે એટલે એને ‘વૅમ્પાયર ફેશ્યલ’ જેવું વિચિત્ર નામ આપવામાં આવ્યું છે. આ ટ્રીટમેન્ટ એવા લોકો કરાવે છે જેમને કુતૂહલ હોય કે એમાં શું થાય છે. એટલે એ લોકો શોખ ખાતર સ્કિન રિજુવિનેશન કરાવવા આ ફેશ્યલ કરાવે છે. અને બીજા એવા લોકો જેમને ડૉક્ટર્સ દ્વારા સજેસ્ટ કરાયું હોય અને ખાસ જરૂર પણ હોય. જેમ કે કોઈને સ્કિન પર ઍક્નેના સ્કાર્સ વધુ હોય, ડાર્ક સર્કલ્સ, નાની ઉંમરે એજિંગ સિમ્પટમ્સ  હોય, ઓપન પોર્સ હોય. અમુક લોકોની ત્વચા ટેક્સ્ચરવાળી હોવાથી એ પોતાની ત્વચા લીસી કરાવવા માટે કરાવે છે. ઍન્ટિ-એજિંગ અને ફાઇન લાઇન્સની ટ્રીટમેન્ટ માટે પણ આ ફેશ્યલ અસરકારક સાબિત થાય છે. આ સિવાય જેમને વાળ બહુ ખરતા હોય એ વાળના ઝડપી વિકાસ માટે સ્કૅલ્પ ટ્રીટમેન્ટ કરાવે છે.’

પ્લેટલેટ-રિચ પ્લાઝમા પ્રક્રિયા 
આ આખી પ્રક્રિયામાં લગભ ૪૫ મિનિટથી એક કલાક જેવો સમય લાગી શકે છે એવું જણાવતાં ડૉ. આલિયા આગળ કહે છે, ‘PRP પ્રક્રિયામાં લોહી પર ત્રણ તબક્કામાં પ્રોસેસ થાય છે. પહેલાં તો હાથમાંથી લોહી લેવામાં આવે છે. લગભગ બેથી ચાર ટેબલસ્પૂન જેટલું લોહી લેવાય છે. પછી સેન્ટ્રિફ્યુજ નામના મશીનમાં એ ટેસ્ટટ્યુબને મૂકવામાં આવે છે. એ પ્રક્રિયામાં લોહીની અંદર રહેલા ઘટકો અલગ-અલગ થાય છે. એમાંથી એક પ્લેટલેટ્સ પણ હોય છે. ત્રીજા સ્ટેપમાં આ પ્લેટલેટ્સને લઈને આગળની પ્રક્રિયા માટે શરીરમાં રી-ઇન્જેક્ટ કરવામાં આવે છે.’
ત્વચા પર ટ્રીટમેન્ટ વિશે વાત કરતાં ડૉ. આલિયા કહે છે, ‘પહેલાં તો સ્કિન કે જ્યાં આ થેરપી કરવાની છે એ એરિયાને બરાબર સાફ કરવામાં આવે છે. પછી ઍનેસ્થેટિક ક્રીમની મદદથી થોડો સમય માટે સ્કિનને નમ્બ કરી દેવામાં આવે છે. સ્કિન પર સંવેદનાઓ અનુભવાતી બંધ થાય એ પછીથી એ જગ્યાએ માઇક્રોનીડલિંગથી કામ થાય છે. ડર્મેટોલૉજી ઉપરાંત ઑર્થોપેડિક સર્જરી, ડેન્ટલ અને વુન્ડ હીલિંગમાં પણ આ રીતે PRPનો ઉપયોગ થાય છે. આના ફાયદાઓ અનેક છે. એનાથી કરચલીઓ ઓછી થાય છે, ઝૂલતી સ્કિન ટાઇટ થાય છે, રંગ સારો થાય છે અને ઍક્ને સ્કાર્સ પણ જાય છે. વાળ માટે પણ વૅમ્પાયર PRP, વાળના વિકાસને ઉત્તેજિત કરવા માટે વપરાય છે. જો તમે વાળ ખરવા માટે અસરકારક અને કુદરતી ઉપાય શોધી રહ્યા હો તો વૅમ્પાયર PRP શ્રેષ્ઠ છે. આ બધાં કારણોસર આની માગ પણ વધતી જાય છે.’ 



ચેપ ક્યારે લાગે? 
PRP એવી પ્રક્રિયા છે જેના માટે બહુબધું રિસર્ચ કરવું નથી પડતું. સેન્ટ્રિફ્યુજ અને માઇકોનીડલિંગ બન્નેનો ઉપયોગ ફાવે તો આ કામ કરવું સરળ છે. એટલે નૉન-મેડિકલ સેન્ટરમાં આનો ઉપયોગ આરામથી થાય છે. એમાં સૅનિટાઇઝેશનના પ્રોટોકૉલ પળાતાં નથી. એક જ નીડલ વારંવાર વાપરવાથી HIV જેવા રોગ થઈ શકે છે. આવું જણાવી આ વાત પર વધુ પ્રકાશ પાડતાં ડૉ. આલિયા કહે છે, ‘PRP તબીબી ઉપકરણમાં આવે છે પણ દરેક તબીબી ઉપકરણ માટે બહુબધા નિયમો નથી સેટ થયેલા હોતા. વૅમ્પાયર ફેશ્યલમાં મૂળ વસ્તુ સૅનિટાઈઝેશન છે. જો એકની એક નીડલથી બીજા લોકોને પણ ટ્રીટ કરે તો ઇન્ફેક્શન તો લાગવાનું જ. આમાં ફક્ત HIV જેવા જ નહીં પણ હેપેટાઇટિસ-B અને અન્ય ક્રૉસ બ્લડ ઇન્ફેક્શન્સ પણ થઈ શકે છે. ત્યાં સુધી કે જીવ જવાની સંભાવના પણ છે. આવી પ્રોસેસ ઑથોરાઇઝ્ડ મેડિકેટેડ સેન્ટરમાં જ કરાવવી જોઈએ. નૉન-મેડિકેટેડ સેન્ટર અને સ્ટાફ પાસે ન કરાવવી જોઈએ. મેડિકલ સેન્ટરમાં નીડલ અને ટેસ્ટટ્યુબ્સ વગેરેને સૅનિટાઇઝ કરવાના પ્રોટોકૉલ પૂરી તકેદારીથી નિભાવવામાં આવે છે. વસ્તુઓ એક વાર વાપર્યા બાદ ડિસ્કાર્ડ થાય છે. બીજું, અમે કોઈ પણ બ્લડ-ડિસીઝ ધરાવતા લોકોને આ રેકમન્ડ જ નથી કરતા.’ 


એની સાઇડ ઇફેક્ટ
આમ તો આ એકદમ કુદરતી પ્રક્રિયા છે, કારણ કે એમાં જે પ્લેટલેટ્સ વપરાય છે એ તમારા પોતાના લોહીના જ ઘટકો છે. એટલે એક રીતે આ કુદરતી હોવાથી સાઇડ ઇફેક્ટ કોઈ નથી એવું જણાવતાં ડૉ. આલિયા કહે છે, ‘નીડલિંગને લીધે થોડો સમય એ ભાગ સૂઝેલો દેખાય છે. અમુક લોકોની સ્કિન એકાદ અઠવાડિયા સુધી સૂકી અને નિસ્તેજ દેખાય છે. ત્વચાની રિજુવિનેશન પ્રોસેસ ચાલુ હોય છે એટલે સાતેક દિવસ બાદ સ્કિનમાં સુધારો દેખાય છે.’

કેટલી સિટિંગ જોઈએ?
આખી થેરપીની સિટિંગ વિશે વાત કરતાં ડૉ. આલિયા કહે છે, ‘જેવી તકલીફ એવી સિટિંગ. નૉર્મલ રિજુવિનેશન માટે એક સિટિંગ પૂરતી છે, જ્યારે ઍન્ટિ-એજિંગ અને કરચલીઓની લગભગ ચારેક સિટિંગ થાય છે. ઍક્નેની સ્કાર્સ જેવી અમુક ટ્રીટમેન્ટ છથી આઠ સિટિંગમાં થાય છે. થેરપી પછી થોડો સમય તડકામાં જવાનું ટોટલી બંધ કરવું પડે છે. એની અસર છથી લઈને ૧૮ મહિનાઓ સુધી પણ જોવા મળે છે.’ 



Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:02 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK