૩૦ વર્ષે લગ્ન કરો કે નહીં, વધતી જવાબદારીઓ અને કામ વચ્ચે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી. આ ઉંમરે હાઈ કૉર્ટિસૉલ, આયર્નની ઊણપ, ફૅટી લિવર અને પાચન સમસ્યાઓને કઈ રીતે ઓળખી શકાય અને એ માટે શું કરી શકાય
૩૦+ની ઉંમરે સ્ત્રીઓમાં વધતા જતા સ્ટ્રેસને કારણે શું તકલીફો જોવા મળે છે?
૩૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી સ્ત્રીઓના શરીરમાં શારીરિક, હૉર્મોનલ અને જીવનશૈલી સંબંધિત મોટા ફેરફારો આવે છે. ૩૦ પછી સ્ત્રીઓના શરીરમાં ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હૉર્મોન્સનું સંતુલન બદલાવા લાગે છે. ૩૦ પછી મોટા ભાગની સ્ત્રીઓ પર ઘર, બાળકો અને કરીઅરની બહુવિધ જવાબદારીઓ આવે છે. સતત માનસિક કે શારીરિક તનાવમાંથી તે પસાર થાય છે. સ્ત્રી પરિણીત ન હોય તો પણ ઘરમાં માતા-પિતાની જવાબદારી નિભાવવામાં અને જો પરિણીત હોય તો પરિવાર અને બાળકોની કાળજી લેવામાં અવારનવાર પોતાના ખોરાક અને ઊંઘમાં અનિયમિતતા લાવે છે. સમયસર ન જમવું, અતિશય ચા-કૉફી પીવી, પ્રોસેસ્ડ કે જન્ક ફૂડ ખાવું અને પૂરતું પાણી ન પીવું જેવી ટેવો પાચનની સમસ્યાઓ અને ઍસિડિટી ઊભી કરે છે. ઘરકામ કે ઑફિસના કામમાં સમય વિતાવવાથી અલગથી કસરત કે ચાલવા માટે સમય નથી મળતો. શરીરમાં સ્નાયુઓનું પ્રમાણ ઘટવાથી અને શારીરિક શ્રમ ઓછો થવાથી વજન વધી જાય છે અને ફૅટ જમા થતી જાય છે. ૩૦ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં હૉર્મોનલ બદલાવ, તનાવ અને જીવનશૈલીના કારણે અમુક સમસ્યાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે જે બાબતે આપણું શરીર અમુક ચોક્કસ સંકેતો આપે છે, જેને આજે સમજીએ અને જાણીએ એના ઉપાયો પણ.
આયર્નની ઊણપ
ADVERTISEMENT
ભારત એનીમિયાગ્રસ્ત દેશ છે. ખાસ કરીને આપણી સ્ત્રીઓમાં એનીમિયા ઘણો વધારે જોવા મળે છે. નાની ઉંમરની છોકરીઓથી લઈને મોટી ઉંમરની સ્ત્રીઓ સુધી હીમોગ્લોબિનની કમી ઘણી વ્યાપક રીતે પ્રવર્તે છે. એનાં લક્ષણો વિશે વાત કરતાં ડાયટિશ્યન કુંજલ શાહ કહે છે, ‘થોડું કામ કરવાથી કે પગથિયાં ચડવાથી જો તમારો શ્વાસ ફૂલી જાય; ચહેરો, નખ અને આંખોનો અંદરનો ભાગ પીળો પડી ગયો હોય; વાળ અતિશય ખરવા લાગ્યા હોય અને નખ બરડ થઈ ગયા હોય; વારંવાર માથાનો દુખાવો કે ચક્કર આવવા જેવી હાલત થઈ જતી હોય તો નક્કી તમારું આયર્ન-લેવલ ઓછું છે, જેના માટે કમ્પ્લીટ બ્લડ-કાઉન્ટ (CBC) જેવી એક ટેસ્ટ કરી લેવી. એના દ્વારા હીમોગ્લોબિન વિશે માહિતી મળે છે. જો એ ઓછું આવે તો એક વાર ડૉક્ટરને મળવું જરૂરી છે. એની ટીકડીઓ જે ડૉક્ટર આપે એ મુજબ લેવી. આ સિવાય નૅચરલ ઉપાયરૂપે લીલાં પાંદડાંવાળાં શાકભાજી પાલક, મેથી દૈનિક આહારમાં લેવાં. આ સિવાય બીટ, દાડમ, ખજૂર, ગોળ અને સીંગદાણા ખાવા જોઈએ. ખોરાકમાં વિટામિન C એટલે કે લીંબુ, આમળાં પણ લેવાં; કારણ કે આયર્ન સાથે વિટામિન C લેવાથી લોહીમાં આયર્ન ઝડપથી શોષાય છે. જમ્યા પછી તરત ચા-કૉફી પીવાનું ટાળવું, કારણ કે એ આયર્નનું શોષણ રોકે છે.’
હાઈ કૉર્ટિસૉલ
કૉર્ટિસૉલ એ સ્ટ્રેસ-હૉર્મોન છે. ૩૦થી વધુ ઉંમરે જે પ્રકારનું જીવન હોય છે એમાં સ્ત્રીઓનું સ્ટ્રેસ તેમના જીવનમાં અતિ નૉર્મલ બની જતું હોય છે. આ તકલીફનાં લક્ષણો જણાવતાં કુંજલ શાહ કહે છે, ‘યોગ્ય કસરત કે ડાયટ છતાં પેટના ભાગે વધારાની ચરબી જમા થવી, રાત્રે ઊંઘ ન આવવી કે વારંવાર ઊંઘ ઊડી જવી, મોડી રાત્રે ગળ્યું કે ચટપટું ખાવાની તીવ્ર ઇચ્છા થવી, સ્વભાવમાં વારંવાર ચીડિયાપણું કે અસ્વસ્થતા રહેવી જેવાં લક્ષણો જો તમારી અંદર જોવા મળે તો સમજવું કે કૉર્ટિસૉલની માત્રા વધી રહી છે, જેના ઉપાય જોકે સરળ છે. લક્ષણો દેખાય ત્યારે સ્ત્રીએ રાત્રે સાતથી ૮ કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવી. દિવસમાં ૧૫-૨૦ મિનિટ પ્રાણાયામ, ધ્યાન અને હળવું વૉકિંગ કરવું અને કૅફીનનું પ્રમાણ ઘટાડવું. આ ઉંમરે વધેલી જવાબદારીઓને કારણે ખુદ પર ધ્યાન ઓછું આપી શકાય છે. થોડી તમને ગમતી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય કાઢો. ચોક્કસ ફરક પડશે.’
ફૅટી લિવર
ફૅટી લિવર આજના સમયની સૌથી સામાન્ય ગણાતી તકલીફ છે જે દર બીજી વ્યક્તિમાં જોવા મળે છે. તકલીફ એ છે કે મેટાબોલિક ડિસઑર્ડર તરફ તમને દોરી જતી આ સમસ્યાને જલદી ઓળખવી અને એનો ઉપાય કરવો અત્યંત જરૂરી છે, જેનાં લક્ષણો વિશે વાત કરતાં કુંજલ શાહ કહે છે, ‘જો તમને પેટના ઉપરના જમણા ભાગમાં ભારેપણું અથવા હળવો દુખાવો રહેતો હોય, પેટ હંમેશાં ફુલાયેલું લાગતું હોય, સવારે ઊઠતી વખતે ભારે આળસ અને અશક્તિ લાગતી હોય તો સમજવું કે તમને ફૅટી લિવર છે. જોકે આનું યોગ્ય નિદાન પેટની સોનોગ્રાફી કરાવવાથી મળે છે. વજન ઉતારવું સરળ છે, પણ ફૅટી લિવરથી છુટકારો પામવાનું નહીં. માટે જો તમને આ તકલીફ હોય તો એ બાબતે પ્રયાસો સઘન કરવા પડશે. સૌથી પહેલાં તો ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ, મેંદો અને તળેલું ખાવાનું બંધ કરવું પડશે. દિવસમાં ઓછામાં ઓછું ૩૦ મિનિટ ઝડપી ચાલવું કે કસરત કરવી અને રોજિંદા ખોરાકમાં હળદર, લસણ અને ગ્રીન ટીનો સમાવેશ કરવો. આ એક એવી તકલીફ છે જેમાં તમને પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે. ફૅટી લિવરથી મુક્તિ પામવા તમારે ફૅટલૉસ કરવો જરૂરી છે જે માટે જાણકાર વ્યક્તિનું ગાઇડન્સ લેવું જોઈએ.’
પાચનસંબંધિત સમસ્યાઓ
એક સમય હતો જ્યારે પથરા પણ તમને પચતા હતા. વધુ પડતું ખાઈ લેવામાં કે બહારનું ખાવામાં મજા પડતી, તકલીફ થતી નહી; પરંતુ ૩૦ વર્ષની ઉંમર વટાવી દીધા પછી એવું થતું નથી. પાચન સંબંધિત તકલીફો શરૂ થઈ જાય છે, જેનાં લક્ષણો વિશે વાત કરતાં કુંજલ શાહ કહે છે, ‘જમ્યા પછી તરત પેટ ફૂલી જવું, ગૅસ થવો કે ઍસિડિટી થવી, કબજિયાત અથવા અનિયમિત પેટ સાફ થવું કે પછી ખોરાક યોગ્ય રીતે ન પચવો અને છાતીમાં બળતરા થવા જેવી તકલીફો સૂચવે છે કે તમને પાચન સંબંધિત તકલીફો છે, જેના પર ધ્યાન ન આપ્યું તો એ વધતી જ જશે. એના ઉપાય માટે અમુક નિયમ અનુસરવા જરૂરી છે. જમતી વખતે ખોરાક ખૂબ ચાવીને શાંતિથી ખાવો. ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ વધારવું. આંતરડાંના સારા બૅક્ટેરિયા માટે પ્રોબાયોટિક્સ, જેમ કે તાજું દહીં, છાશ કે આથો આવેલો ખોરાક લેવો અને દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું.’
