જ્યારે રોગપ્રતિકારક શક્તિ ખોરવાય અને ફૉરેન બૉડી સિવાય ખુદના જ કોષોને મારવા લાગે એને ઑટોઇમ્યુન ડિસીઝ કહે છે. આ રોગનું પ્રમાણ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. એનાં અમુક શારીરિક કારણો છે પણ જેના પર ધ્યાન દેવા જેવું છે એ છે માનસિક કારણો.
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીમાં રહેતાં ૫૦ વર્ષનાં પારુલબહેન (નામ બદલાવ્યું છે) પહેલેથી સંયુક્ત પરિવારમાં રહ્યાં. ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખતાં-રાખતાં ખુદનો વિચાર તેમણે ક્યારેય ન કર્યો. સાસુએ ત્રાસ આપ્યો તો સહન કર્યો. લગ્ન પછી ૧૫ વર્ષ સુધી નણંદનાં લગ્ન નહોતાં થયાં એટલે તેની જોહુકમી સહી. દેરનાં લગ્ન કરાવ્યાં તો દેરાણીએ કહ્યું કે હું આટલું કામ નહીં કરું અને એ બન્ને અલગ થઈ ગયાં. પારુલબહેને દરેક સંબંધ સાચવ્યો. ઘરમાં બધાને એમ હતું કે પારુલ છેને, તે કરી લેશે. પતિની પણ એક જ અપેક્ષા હતી કે તું મારા માટે કંઈ કરે કે ન કરે, મારા ઘરનાને સાચવી લે. જોકે એક દિવસ કંઈક એવું થયું કે લોકો દંગ રહી ગયા. એક નાનકડી બોલચાલમાં પારુલબહેનને ખૂબ ગુસ્સો આવ્યો. તે તાડૂક્યાં અને કહ્યું કે હું કેટલું ચલાવી લઉં તમારા બધાનું? એની સાથે જ તે ધ્રૂજવા લાગ્યાં. તે બેસી શકે એમ જ નહોતાં. તે બેસે તો આખું બૉડી હલે. સૂવે તો પણ આખું શરીર જાણે કે વાઇબ્રેટ થતું હોય. તેમની વર્ટિબ્રલ કૉલમ અસરગ્રસ્ત થઈ હતી. તપાસ કરી તો ખબર પડી કે તેમને ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ થયો છે જે એક ઑટો ઇમ્યુન ડિસઑર્ડર છે. તેમણે હોમિયોપથી ટ્રીટમેન્ટ કરી. તેમના મનમાં દબાયેલા ગુસ્સા પર કામ કરવામાં આવ્યું. તેમને સલાહ આપવામાં આવી કે તમે તમારાં ઇમોશનને સમજો, એને વાચા આપો; જે થાય છે એ કહો અને ખુદ માટે સ્ટૅન્ડ લો. ધીમે-ધીમે તેમણે જીવનને બદલ્યું. તેમનાં સાસુને ઑલ્ઝાઇમર્સ આવ્યો. તેમના પતિ જોડે વાત કરીને ઘરની બાજુમાં બીજો ફ્લૅટ લઈને સાસુને ત્યાં રાખ્યાં. તેમનું જમવાનું પણ હજી પારુલબહેન જ બનાવે છે પણ એક છત નીચે હવે તેમને નથી રહેવું. એક તરફથી જોતાં લાગે કે કેવી ક્રૂર વહુ છે કે સાસુને આ પરિસ્થિતિમાં અલગ કરી દીધાં, પણ પારુલબહેન કહે છે, ‘હું જવાબદારીથી ક્યારેય ભાગી નથી, પણ હવે જ્યારે મારી તબિયત પર આવી ગયું છે ત્યારે પણ હું ફક્ત દુનિયાનો અને લોકોનો વિચાર કરું એમ કેમ ચાલે? તેમના માટે કૅરટેકર રાખવી જ પડશે. હું ધ્યાન રાખવા તૈયાર નથી. હું તેમની સાથે એક છત નીચે નહીં રહી શકું.’
આવું કરતાં પારુલબહેનને એક વર્ષ થયું. તેમનો રોગ હવે ૧૦ ટકા જેટલો જ બચ્યો છે. તે ઘણા બહોળા પ્રમાણમાં હીલ થઈ ચૂક્યાં છે.
૮૦ ટકા સ્ત્રીઓ
ADVERTISEMENT
હાલમાં વિશ્વવિખ્યાત ટ્રૉમા સ્પેશ્યલિસ્ટ ડૉ. ગૅબર મેટની એક ક્લિપ વાઇરલ થઈ હતી જેમાં તેમણે જણાવ્યું કે ૮૦ ટકા ઑટોઇમ્યુન ડિસીઝ સ્ત્રીઓમાં જોવા મળે છે. તેઓ કહે છે કે હું એ સ્ત્રીઓને રોગ થાય એ પહેલાં જ ઓળખી જાઉં છું. એનાં ચાર કારણો તેમણે તારવ્યાં છે. એવી સ્ત્રીઓ જે બીજાની ઇમોશનલ નીડને પોતાની જરૂરિયાત કરતાં આગળ મૂકે. તે પોતાની ઓળખ તેની જવાબદારીઓ કે ફરજોથી ગણે છે, ખુદથી નહીં. તે હંમેશાં સારું જ વર્તન કરે છે જેને કારણે તે પોતાનો ગુસ્સો દબાવી દેવામાં માનતી હોય છે. અને એવી વ્યક્તિઓ જે માને છે કે બીજા જે મહેસૂસ કરી રહ્યા છે એનું કારણ હું છું. સ્ત્રીઓને દરેક જગ્યાએ બીજાની ઇમોશનલ નીડને સાચવવાનું કામ સોંપવામાં આવે છે. ડૉ. મેટ કહે છે કે આ જેન્ડર-પ્રૉબ્લેમ નથી, કલ્ચરલ પ્રૉબ્લેમ છે. સ્ત્રીઓને આ રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે. બીજાનું ધ્યાન રાખવું, બીજા માટે કરવું, ખુદને ભૂલી જવું એ સ્ત્રીના ગુણધર્મો નથી; તેની અંદર એ નાખવામાં આવ્યું છે જે તેને આગળ જતાં હેરાન કરી શકે છે.
ગુણ બને છે ખુદ માટે અવગુણ
સ્ત્રી દયાળુ છે, પ્રેમાળ છે, સેવાભાવી છે, બીજાનું ધ્યાન રાખવું તેને ગમે છે. આ તો ગુણો કહેવાય સ્ત્રીના. સ્ત્રીએ જ નહીં, પુરુષોએ પણ આ ગુણો અપનાવવા જોઈએ. તો આ ગુણો કઈ રીતે વિલન બનીને સ્ત્રીના સ્વાસ્થ્યને ખરાબ કરે છે એ બાબત સમજાવતાં હોમિયોપૅથ ડૉ. ઉર્વી પટેલ કહે છે, ‘સ્ત્રીના આ ગુણો ઘણા સારા છે. એ છોડવાની જરૂર નથી પણ એને કારણે ખુદને નુકસાન ન થવું જોઈએ એ પણ સ્ત્રીએ જોવાનું છે. જ્યારે સ્ત્રી પાસે પરાણે કોઈ વસ્તુ કરાવવામાં આવે, જવાબદારી કે પ્રેમના નામે તેનું શોષણ થાય, તેની લાગણીઓ સપ્રેસ થતી રહે, તેનો ગુસ્સો તે દબાવ્યા જ કરે, સતત ચૂપ રહીને સહન કર્યા જ કરે ત્યારે એ ગુણ તેના ખુદ માટે અવગુણ સાબિત થાય છે અને રોગનું રૂપ લઈ લે છે. હોમિયોપથી માને છે કે સાઇકો, ન્યુરો, એન્ડોક્રાઇન અને ઇમ્યુન સિસ્ટમ આ બધા લેવલ પર ડિસ્ટર્બન્સ આવે ત્યારે રોગ ઘર કરે છે અને એટલે ઇલાજ માટે આ ચારેય લેવલ પર એકસાથે કામ કરવું પડે છે.’
શારીરિક કારણો
શારીરિક રીતે સ્ત્રીઓમાં એવું શું છે જેને કારણે ઑટોઇમ્યુન ડિસીઝનું પ્રમાણ પુરુષો કરતાં તેમનામાં વધુ જોવા મળે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં કન્સલ્ટન્ટ રૂમૅટોલૉજિસ્ટ અને ઑટોઇમ્યુન ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉ. હર્ષ જૈન કહે છે, ‘સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બન્ને હૉર્મોન હોય છે, પણ એનું પ્રમાણ ઉપર-નીચે થયા કરે છે. ખાસ કરીને માસિક આવે ત્યારે કે પ્રેગ્નન્સી આવે ત્યારે કે પછી મેનોપૉઝ આવે ત્યારે. આ જે હૉર્મોન્સની ઊથલપાથલ છે એ ઇમ્યુનિટીના કાર્યમાં બાધક બને છે. એના કોષોના કાર્યમાં એ અસર કરે છે. આ અસર કેટલાક કેસમાં ઑટોઇમ્યુન બનીને સામે આવે છે. એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ પુરુષો કરતાં વધુ સારી ડેવલપ થયેલી છે. એટલે જ પુરુષો જેટલા માંદા પડે એટલે કે ઇન્ફેક્શનનો ભોગ બને એની સરખામણીમાં સ્ત્રીઓ ઓછી માંદી પડતી હોય છે. પણ રોગપ્રતિકારક શક્તિ વધુ સ્ટ્રૉન્ગ હોય એટલે એ વધુ ઍન્ટિબૉડીઝ બનાવે છે. ક્યારેક કોઈ કેસમાં આ જ ગુણ અવગુણ સાબિત થાય છે અને એ પોતાના જ ટિશ્યુને મારવા લાગે છે. આમ રિસ્ક વધી જાય છે.’
આ સિવાયનાં કારણો જણાવતાં ડૉ. હર્ષ જૈન કહે છે, ‘સ્ત્રી સ્ત્રી એટલે છે કારણ કે તેની અંદર બે એક્સ (XX) ક્રોમોઝોમ છે. પુરુષની અંદર X અને Y બન્ને ક્રોમોઝોમ હોય છે. હવે આ X ક્રોમોઝોમ છે એ ઘણા ઇમ્યુન-રિલેટેડ જીન્સ ધરાવે છે. એટલે એમનેમ જોવા જઈએ તો પણ ઑટોઇમ્યુન ડિસીઝનો ખતરો સ્ત્રીઓ પર વધુ જ છે. એક વસ્તુ એ સમજવાની છે કે જે વ્યક્તિમાં આ રોગના જીન્સ છે તેમને સ્મોકિંગ, ઇન્ફેક્શન કે સ્ટ્રેસને કારણે જીન્સ ટ્રિગર થાય છે અને રોગ સામે આવે છે.’
આૅટોઇમ્યુન ડિસીઝ એટલે શું?
શરીરની રોગપ્રતિકારક શક્તિ જે બહારથી આવતા વાઇરસ-બૅક્ટેરિયા કે ફૉરેન બૉડીને મારીને શરીરને સુરક્ષિત રાખવાનું કામ કરે છે એ શરીરના ખુદના હેલ્ધી કોષોને પણ ફૉરેન બૉડી સમજીને મારવા લાગે ત્યારે આ તકલીફને ઑટોઇમ્યુન ડિસીઝ કહેવાય. આ કન્ડિશન હેઠળ અઢળક જુદા-જુદા પ્રકારના રોગો જોવા મળે છે.
સ્ત્રીઓમાં ક્યા પ્રકારના ઑટોઇમ્યુન ડિસીઝ વધુ જોવા મળે છે એ જાણીએ ડૉ. હર્ષ જૈન પાસેથી.
શોગ્રીન્સ સિન્ડ્રૉમ : જે આંખ અને મોઢા પર અસર કરે છે. એને લીધે આંખ અને મોઢું બન્ને ડ્રાય થઈ જાય છે.
સિસ્ટમિક લૂપસ અરીધીમ ટોસસ : શરીરનાં અલગ-અલગ અંગો જેમ કે સ્કિન, જૉઇન્ટ્સ, કિડની, ફેફસાં, હાર્ટ અને બ્રેઇન જેવાં અંગો આ રોગથી અસરગ્રસ્ત થઈ શકે છે.
ઇડિયોપૅથિક ઇન્ફ્લેમૅટરી માયોસાઇટિસ: આ રોગ સ્નાયુઓનો છે જેમાં નબળાઈ આવી જાય છે. દાદર ચડવા, હાથ ઉપર ઉઠાવવો કે ખુરસીથી ઊઠવું પણ અઘરું બની જાય છે.
રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ : સાંધા પર અસર કરે છે આ રોગ. પેઇન, સોજો અને થાક એનાં મુખ્ય લક્ષણો છે.
સિસ્ટમિક સ્ક્લરોસિસ : આ રોગમાં સ્કિન એકદમ કઠણ અને ટાઇટ થઈ જાય છે.
ફાઇબ્રોમાયલેજિયા : આ રોગમાં દરદીને અતિ બૉડી-પેઇન રહે છે, થાક લાગે છે અને ઊંઘ આવતી નથી.
બચાવ
પણ અહીં જે વાત કરવામાં આવી છે એ મુજબ સ્ત્રીઓના શરીર અને સ્વભાવ બન્નેને બદલવાં અઘરાં છે. તો કઈ રીતે આ રોગથી બચી શકાય? જો હું એક સ્ત્રી હોઉં અને મારા પર ઑટોઇમ્યુન ડિસીઝનો ખતરો પુરુષ કરતાં વધુ હોય તો મારે શું કરવું જેનાથી એ રોગથી હું બચી શકું? એના ઉપાય જાણીએ ડૉ. ઉર્વી પટેલ પાસેથી.
સારા હોવું ખરાબ નથી, સારા તો રહેવાનું જ છે પણ એની બાઉન્ડરી તમારે દોરવી પડશે. કોઈ તમારો ફાયદો ન ઉઠાવે એ તમારે જોવાનું છે. તમારી ઇચ્છા, તમારું સન્માન, તમારી ચૉઇસને મહત્ત્વ તમારે આપવું જરૂરી છે જેને કારણે બીજાના વર્તનથી તમે હર્ટ ન થાઓ.
જો તમે હર્ટ થયા, તમને ગુસ્સો આવ્યો કે કોઈ પણ નકારાત્મક લાગણી થઈ તો એને ધરબી દેવાની નથી, એને સમજવાની છે અને જરૂર લાગે તો એને વાચા આપવી.
જે પણ નકારાત્મક લાગણી તમારા મનમાં ઉદ્ભવી છે એને ધ્યાન દ્વારા હીલ કરવાની કોશિશ કરો. મનના એટલાબધા ઘાવ હોય છે જે ભરાયા નથી હોતા. એ ઘાવને રૂઝ આવવી જરૂરી છે નહીંતર એ ઑટોઇમ્યુન જ નહીં, કોઈ પણ રોગ તરીકે સામે આવી શકે છે. મોટા ભાગનાં કૅન્સર પાછળ પણ આ જ તકલીફ જવાબદાર છે. એને રેગ્યુલર હીલિંગની જરૂર છે.
હોમિયોપથી દવાઓ પણ હીલિંગનું જ કામ કરે છે જેનું રિઝલ્ટ ઘણું સારું મળતું હોય છે.


