Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારી ફાંદ મોટી અને હાથ દૂબળા થતાં જઈ રહ્યાં છે?

તમારી ફાંદ મોટી અને હાથ દૂબળા થતાં જઈ રહ્યાં છે?

Published : 10 August, 2026 08:21 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પુરુષોમાં વધતી ફાંદ સાથે જો હાથ પાતળા થતા જાય તો તેને સામાન્ય ન ગણવું. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ફૅટી લિવર અને ડાયાબિટીઝના જોખમનો સંકેત હોઈ શકે છે. જાણો કારણો અને બચવાના ઉપાય.

તમારી ફાંદ મોટી અને હાથ દૂબળા થતાં જઈ રહ્યાં છે?

તમારી ફાંદ મોટી અને હાથ દૂબળા થતાં જઈ રહ્યાં છે?


સામાન્ય રીતે એક ઉંમર પછી પુરુષોમાં ફાંદ વધવી નૉર્મલ ગણાતું જાય છે એટલે ૩૨-૩૫ વર્ષે ધીમે-ધીમે ફાંદની શરૂઆત થાય ત્યારે પુરુષને તેની વધતી ફાંદથી તકલીફ થતી હોય છે, પણ શરૂઆતમાં કઠતી ફાંદથી ૪૦-૪૫ વર્ષે પુરુષો ઍડ્જસ્ટ કરી લેતા હોય છે અને એ તેમને નૉર્મલ લાગવા લાગી હોય છે. પ્રૉબ્લેમ ત્યાં આવે છે કે વધતી ફાંદ સાથે જો તમારા હાથ પાતળા થતા જતા હોય તો એ સૂચવે છે કે તમારી અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી રહ્યું છે અને ડાયાબિટીઝ આવવાની તૈયારી છે. આ લક્ષણો અને એના ઉપાયને સમજીએ

એક સમયે ૬૦-૭૦-૮૦ વર્ષના પુરુષોને પણ ફાંદ હોતી નહીં. પછી એવો સમય આવ્યો જ્યારે પુરુષોને ફાંદ હોવી નૉર્મલ ગણાવા લાગ્યું. એક ઉંમર પછી પેટનો ઘેરાવો વધી જ જતો હોય છે એમ પુરુષો માનવા લાગ્યા. છોકરાઓને પણ લાગવા લાગ્યું કે પપ્પાને ફાંદ તો હોય. જ્યારે શરૂઆતમાં ફાંદ આવે ત્યારે પુરુષ બેબાકળો થઈ જતો હોય છે અને તેને લાગવા લાગે છે કે મને ફાંદ કેવી રીતે આવી? એટલે તે બધા પ્રયાસો કરી ચૂકે છે. વજન ઊતરી જાય છે, પણ ફાંદ ઊતરતી નથી. ધીમે-ધીમે ઉંમર સાથે ફાંદ કાયમી બનતી જાય છે એટલું જ નહી, ઉંમર સાથે એ વધે પણ છે અને ફાંદ સાથે આવતી તકલીફો પણ વધે છે. પપ્પાની ફાંદ તમે ગમે એટલી સ્વીકારી લીધી હોય, પણ જો તેમને ફાંદ છે તો તેમની કાળજી તમારે વધુ લેવાની છે એ યાદ રાખવું. ખાસ કરીને જો ફાંદની સાથે હાથ પણ પાતળા થઈ રહ્યા હોય તો ફૅમિલી ફિઝિશ્યનની એક મુલાકાત જરૂરી છે. તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે અથવા તો છે અને ડાયાબિટીઝ ખૂબ જલદી આવી જશે. આજે સમજીએ આ બન્ને લક્ષણોમાં શું કનેક્શન છે અને એ માટે શું કરવું.



હૉર્મોન્સ અને પાચન


પુરુષોમાં ઉંમર વધવાની સાથે પેટનો ભાગ અથવા ફાંદ વધે છે. કેમ? એ પ્રશ્નનો જવાબ સમજીએ તો એની પાછળ કેટલાંક મુખ્ય શારીરિક કારણો અને ખોટી લાઇફસ્ટાઇલ બન્ને જવાબદાર હોય છે. શારીરિક કારણો સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘ઉંમર સાથે વ્યક્તિની અંદર હૉર્મોન્સમાં ફેરફાર થાય છે. પુરુષોમાં ઉંમર વધવાની સાથે ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવા લાગે છે. ટેસ્ટોસ્ટેરોન શરીરના સ્નાયુઓ જાળવી રાખવામાં અને ફૅટ બર્ન કરવામાં મદદ કરે છે. એની ઊણપથી શરીરમાં ફૅટ, ખાસ કરીને પેટના ભાગે ચરબી જમા થવાની શક્યતા વધી જાય છે. વધતી ઉંમર સાથે શરીરનો ચયાપચયનો દર જેને આપણે મેટાબૉલિઝમ કહીએ છીએ એ મંદ પડી જાય છે. આના કારણે શરીર પહેલાં જેટલી ઝડપથી કૅલરી બર્ન કરી શકતું નથી એટલે વધારાની કૅલરી ફૅટ સ્વરૂપે પેટ પર જમા થાય છે. આમ પુરુષની ઉંમર વધે તો ફાંદ આવવાની શક્યતા એટલે કે પેટનો ઘેરાવો વધવાની શક્યતા પણ વધતી જાય છે.’

ઉંમર વધે એમ ખોરાક બદલવો જરૂરી


ઉંમર સાથે વ્યક્તિનું જીવન પણ બદલાય છે જે આપણને સમજાતું નથી, પણ એ ઘણું મહત્ત્વનું કારણ છે ફાંદ વધવાનું. એ વિશે ધ્વનિ શાહ કહે છે, ‘વ્યક્તિની ઉંમર વધે એમ તેની ફિઝિકલ ઍક્ટિવિટી ઓછી થતી જાય છે. ઉંમર વધવાની સાથે અને કામકાજ કે જવાબદારીઓને કારણે કસરત કરવાનું, ચાલવાનું કે શારીરિક હલનચલન કરવાનું ઓછું થઈ જાય છે. સક્રિયતા ઘટે પરંતુ ખોરાકનું પ્રમાણ પહેલાં જેટલું જ રહે તો એ ચરબીમાં રૂપાંતરિત થાય છે. આપણાં ગુજરાતી ઘરોમાં નાનપણથી ફરસાણ ખવાતું હોય તો ૮૦ વર્ષની ઉંમરે પણ ફરસાણ ખવાય છે. ઉંમર સાથે ખોરાકનું પ્રમાણ જ ફક્ત બદલાતું નથી. ખોરાકને પણ બદલવો જરૂરી છે એ આપણે બદલતા નથી એટલા માટે ઉંમર સાથે ફાંદ બહાર નીકળે છે.’

યુવાન વયે ફાંદ

એક સમય હતો કે ૫૦ વર્ષની ઉંમર પછી પુરુષોમાં ફાંદ વધતી દેખાતી, પરંતુ આજકાલ તો ૨૦-૨૫ વર્ષના છોકરાઓમાં પણ ફાંદ વધે છે. આ બન્ને ફાંદમાં ફરક સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘પુરુષોમાં ફાંદ અને સ્ત્રીઓમાં ફાંદ જુદી-જુદી હોય છે. પુરુષોમાં શરીરની આગળની તરફ પેટ વધતું લાગે એ ફાંદ છે. આવી ફાંદ અત્યારે પંચાવન વર્ષથી ઉપરના પુરુષોમાં દેખાય છે, પરંતુ યુવાન પુરુષોમાં જે ફાંદ હોય એ આખા ટાયર જેવી ફૂલેલી હોય છે. એટલે કે ફૅટ ફક્ત આગળના ભાગમાં નહીં, સાઇડમાં પણ એટલી જ જમા થતી હોય છે. સ્ત્રીઓમાં આ પ્રકારની ફાંદ જોવા મળે છે. જો તમને પુરુષો જેવી જ ફાંદ એટલે કે ફક્ત આગળની બાજુએ વધેલું પેટ હોય તો સમજી શકાય કે ઉંમર અને હૉર્મોન્સને કારણે આ ફાંદ આવી છે, પરંતુ જો તમને ટાયર જેવી બધી બાજુથી ગોળ ફાંદ આવી હોય તો એનો અર્થ એ છે કે તમારી લાઇફસ્ટાઇલ ખોટી છે.’ 
યુવાનવયે ફાંદ આવવાનું કારણ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘ખોરાકમાં પ્રોટીનનું ઓછું પ્રમાણ, વધુ પડતાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે મેંદો કે ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ અને મીઠાઈઓનું વધુ પડતું સેવન ફાંદ વધારવામાં સીધો ભાગ ભજવે છે. આ ઉપરાંત માનસિક તનાવને કારણે શરીરમાં કૉર્ટિઝોલ નામના હૉર્મોનનું સ્તર વધે છે. કૉર્ટિઝોલને કારણે પેટના ભાગ પર ચરબી એકઠી થાય છે. ઉપરાંત પૂરતી ઊંઘ ન મળવાથી પણ હૉર્મોન્સ અસંતુલિત થાય છે. પહેલાંના સમયમાં પણ લોકોને સ્ટ્રેસ હશે જ, પરંતુ તેમની ઊંઘ અને ખોરાક તો સારાં હતાં જે આજના સમયે નથી. એટલે સ્ટ્રેસ સાથે જ્યારે ખોટી લાઇફસ્ટાઇલ પણ જોડાય ત્યારે નાની ઉંમરે ફાંદ આવી જાય છે.’ 

મસલ્સમાં ઘટાડો

૩૦-૪૦ વર્ષની ઉંમર પછી કુદરતી રીતે જ મસલમાસ એટલે કે સ્નાયુઓનું પ્રમાણ ઘટવા લાગે છે. સ્નાયુઓ કૅલરી બર્ન કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. મસલ્સ ઘટવાથી શરીર ઓછી કૅલરી વાપરે છે અને શરીરમાં બચેલી કૅલરી ફૅટના રૂપે જમા થાય છે, પરંતુ જે પુરુષને ફાંદ આવી હોય અને તેના હાથ પાતળા થતા જતા હોય તો ચેતવાની જરૂર છે એમ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘આ બન્ને લક્ષણોનું સાથે હોવું દર્શાવે છે કે તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થયું છે અથવા તો એની શરૂઆત છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડે છે ત્યારે શરીર કૅલરીને સ્નાયુઓના પોષણ માટે વાપરવાને બદલે સીધી પેટની ચરબી સ્વરૂપે સ્ટોર કરવા લાગે છે. આનાથી હાથના મસલ્સ નબળા પડે છે અને પેટ વધે છે. આ ઇન્સ્યુલિનનું સંતુલન બગડવું એટલે ડાયાબિટીઝની નજીક જવું. આનું મુખ્ય કારણ એ છે કે પેટ પરની વધેલી ચરબી લિવર પર જમા થયેલી ફૅટ દર્શાવે છે. ફૅટી લિવર એક પ્રકારનો મેટાબૉલિક સિન્ડ્રૉમ છે જે તમને ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ, બ્લડ-પ્રેશર જેવી તકલીફોની નજીક લઈ જાય છે. આમ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.’

ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કે આ પરિસ્થિતિનો ઉપાય શું છે

ફાંદ વધે ત્યારે એ સ્વીકારવા કરતાં એના પર કામ કરવું જરૂરી છે. જેટલું જલદી કામ શરૂ કરશો એટલી મહેનત ઓછી કરવી પડશે. 
આ કામ એટલે વજન ઉતારવું એ તો બરાબર, પણ આ પગલું સમજીને સાચી દિશામાં લેવું. 
વજન ઉતારવા પાછળ એકદમ ન મંડી પડો. પહેલાં આ બધા પાછળનું કારણ સમજો. એ માટે પહેલાં ફૅટી લિવરની માત્રા કેટલી છે એ સમજો. પેટની સોનોગ્રાફી કરીને સમજો કે ફૅટી લિવરના કયા સ્ટેજ પર તમે છો. લિવર પરની ફૅટ ઉતારશો ત્યારે જ ફાંદ જશે અને બીજી તકલીફો ઘટશે. 
જો તમે ફૅટી લિવરની સમસ્યાને અવગણીને ફાંદ ઓછી કરવા ક્રૅશ ડાયટ કરી, ખૂબ ભૂખ્યા રહ્યા, લિક્વિડ ડાયટ પર જતા રહ્યા કે વધુ પડતી એક્સરસાઇઝ ચાલુ કરી દીધી તો શરીરમાંથી સ્નાયુઓની લૉસ થવાની જ છે અને એને કારણે તકલીફ વધશે, ઘટશે નહીં. 
યોગ્ય પોષણયુક્ત ડાયટ, નિયમિત એક્સરસાઇઝ, સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ, પ્રોટીનયુક્ત હેલ્ધી આહાર, ઉંમર પ્રમાણે ડાયટમાં બદલાવ અને દરરોજનું ૩૦-૪૦ મિનિટનું વૉકિંગ ધીમે-ધીમે તમારા જીવનમાં સામેલ કરશો તો તકલીફમાં સુધારો આવશે. 
આ ઉપરાંત રિકવરી માટે રોજ ૭-૮ કલાકની શાંત ઊંઘ લેવી જરૂરી છે એ સમજો.
જીવનમાં સ્ટ્રેસ ક્યારેય ઓછું નહીં થાય, પરંતુ એનું મૅનેજમેન્ટ શીખી લેવું.

વિષચક્ર  તોડવું જરૂરી છે

ફાંદ હોવી અને હાથ-પગના સ્નાયુઓ પર અસર થવી આ બન્ને પ્રક્રિયા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે એ સમજી શકાય છે. એ સંબંધ સ્પષ્ટ કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘આપણા શરીરના સ્નાયુઓ કૅલરી બર્ન કરવાનું મુખ્ય કામ કરે છે. શરીરમાં જ્યારે મસલલૉસ થાય છે ત્યારે શરીરની કૅલરી બાળવાની ક્ષમતા ઘટી જાય છે. આના પરિણામે તમે જે પણ ખોરાક લો છો એમાંથી વપરાયા વિનાની કૅલરી સરળતાથી પેટના ભાગે ચરબી-ફાંદ સ્વરૂપે જમા થવા લાગે છે. મસલ્સ ગ્લુકોઝનો ઉપયોગ ઊર્જા માટે કરે છે. મસલમાસ ઓછો થવાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે અને ઇન્સ્યુલિન હૉર્મોન યોગ્ય રીતે કામ નથી કરી શકતું. આમ શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધવાથી પેટ અને આંતરિક અંગોની આસપાસ વિસરલ ફૅટ વધવા લાગે છે. વધુ ફાંદ હોવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન ઘટે છે જે નવા મસલ્સ બનવામાં અડચણ ઊભી કરે છે. મસલ્સ ઘટવાથી શરીરમાં નબળાઈ અને થાક અનુભવાય છે જેથી વ્યક્તિ કસરત કે હલનચલન ઓછું કરી દે છે. શારીરિક પ્રવૃત્તિ ઘટવાથી ફાંદ વધુ મોટી થાય છે અને ફાંદ વધવાથી મસલ્સ વધુ નબળા પડે છે. આમ આ એક ચક્ર છે જેને તોડવું જરૂરી છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 08:21 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK