Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક્સપાયરી ડેટ જતી રહેલી હોય એવા દૂધ કે પનીરને ગરમ કરીને વાપરી શકાય?

એક્સપાયરી ડેટ જતી રહેલી હોય એવા દૂધ કે પનીરને ગરમ કરીને વાપરી શકાય?

Published : 17 September, 2026 09:19 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ડેરી-પ્રોડક્ટ્સ કે પૅક્ડ ફૂડ પર લખેલી યુઝ બાય ડેટ પસાર થઈ જાય એ પછી એને ઊંચા તાપમાને ઉકાળીને કે રાંધીને વાપરવાની ટેવથી દવાખાનાનાં ચક્કર લગાવવાં પડી શકે છે

AI ઇમેજ

AI ઇમેજ


ઘરમાં સવારે ચા બનાવતી વખતે કે સાંજે શાક બનાવતી વખતે જો દૂધ કે પનીરના પૅકેટ પર નજર પડે અને ખબર પડે કે એની એક્સપાયરી ડેટ તો ગઈ કાલે જ પૂરી થઈ ગઈ છે તો ગૃહિણીઓ એમ વિચારે કે એક જ દિવસ થયો છેને તો કંઈ નહીં થાય, થોડું વધારે ઉકાળીને રાંધીશું એટલે બધા બૅક્ટેરિયા મરી જશે. શાકાહારી ડાયટમાં દૂધ, પનીર, મલાઈ અને ક્રીમ આપણી દિનચર્યાનો મુખ્ય હિસ્સો છે; પરંતુ ફૂડ-સેફ્ટી બાબતે થોડી પણ બેદરકારી પેટની ગંભીર બીમારીઓ કે ફૂડ-પૉઇઝનિંગ નોતરી શકે છે. આ આદત આરોગ્ય સાથે કેવાં જોખમો ઊભાં કરી શકે છે એ વિશે મુલુંડ અને ભાંડુપના જાણીતા અને અનુભવી ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. નિમિશ શાહ પાસેથી જાણીએ.

ઉકાળવાથી ફૂડ સેફ થાય?



ખોરાકને ઉકાળવાથી કે ગરમ કરવાથી એમાંથી જીવંત બૅક્ટેરિયા કદાચ નષ્ટ થઈ જાય, પણ એ વાસી કે બગડેલા ખોરાકને ફરી સુરક્ષિત બનાવી શકતું નથી. ખોરાક જ્યારે બગડવાનું શરૂ થાય છે ત્યારે બૅક્ટેરિયા પોતાનાં ઝેરી તત્ત્વો રિલીઝ કરે છે. એને ગરમ કરવાથી બૅક્ટેરિયા મરી શકે છે, પણ કેમિકલ ટૉક્સિન્સ ગરમ કરવાથી પણ નષ્ટ થતાં નથી. જો દૂધ કે પનીર એક્સપાયરી ડેટ પછી યોગ્ય તાપમાને ન સચવાયાં હોય તો રાંધતાં પહેલાં જ એમાં હજારો બૅક્ટેરિયા ઉત્પન્ન થઈ ચૂક્યા હોય છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના જણાવ્યા અનુસાર ખોરાકમાં રહેલા કેટલાક ગંભીર રોગકારક બૅક્ટેરિયા ખોરાકનો રંગ, સ્વાદ કે વાસ બદલ્યા વગર પણ એને ઝેરીલો બનાવી દે છે.


બેસ્ટ બિફોર VS એક્સપાયરી ડેટ

પૅકેટ પર લખેલી તારીખો સમજવી ખૂબ જરૂરી છે. બેસ્ટ બિફોરની બાજુમાં લખેલી તારીખ એ દર્શાવે છે કે ત્યાં સુધી ખોરાકની ગુણવત્તા, ટેસ્ટ અને તાજગી ૧૦૦ ટકા ઉત્તમ રહેશે. જો યોગ્ય રીતે સ્ટોર કર્યું હોય તો આ ડેટ પછી ખોરાક સેફ હોઈ શકે છે, પણ એની ગુણવત્તા થોડી ઘટી શકે છે. એક્સપાયરી ડેટ અથવા યુઝ્ડ બાયની બાજુમાં લખેલી તારીખ એ સમજાવે છે કે એ સમયમર્યાદા છે જેના પછી એ ખોરાક આરોગ્ય માટે સુરક્ષિત નથી. એક્સપાયરી ડેટ જતી રહ્યા પછી એ વસ્તુ કોઈ પણ સંજોગોમાં ન વાપરવી જોઈએ.


તારીખ પહેલાં પણ બગડી શકે

પૅકિંગમાં લીકેજ કે ફ્રિજનું તાપમાન જળવાયું ન હોય તો એક્સપાયરી ડેટ પહેલાં પણ દૂધ, પનીર જેવી આઇટમો બગડી શકે છે. પનીરમાં ખાટી, વાસી કે આથો આવી ગયો હોય એવી ગંધ આવે કે એને સ્પર્શ કરતાં ચીકાશ લાગે તો તાત્કાલિક એને ફેંકી દેવું જોઈએ. ઘણી વાર પનીર પીળાશ પડતું દેખાય કે એનું પૅકેટ ફૂલી જાય તો પણ એને વાપરવું જોઈએ નહીં. પનીરની જેમ દૂધમાં પણ ખાટી ગંધ આવે, ગરમ કર્યા વગર જ ગંઠાઈ ગયેલું અથવા ઘટ્ટ લાગે તો એને વાપરવું જોઈએ નહીં.

પૅકેટ ખોલ્યા પછી ફ્રિજમાં કેટલા દિવસ રખાય?

ટેટ્રાપૅક કે કૅન પર છાપેલી એક્સપાયરી ડેટ પૅકિંગ બંધ હોવા સુધી જ માન્ય રહે છે. એક વાર ખોલ્યા પછી ફ્રિજમાં એની લિમિટ બદલાઈ જાય છે.
ટેટ્રાપૅક દૂધ કે ક્રીમ : પૅક ખોલ્યા પછી ફ્રિજમાં રાખવા છતાં એને ૩ દિવસની અંદર વાપરી લેવું જોઈએ. કૅન ખોલ્યા પછી ખોરાકને કૅનની અંદર જ ફ્રિજમાં ન રાખવો. એને કાચના કે ઍર-ટાઇટ સ્ટીલના વાસણમાં ટ્રાન્સફર કરીને ફ્રિજમાં મૂકવો અને બેથી ૩ દિવસમાં વાપરી લેવો.

બગડેલા ખોરાકને કારણે શું-શું થઈ શકે?

બગડેલી ડેરી આઇટમ્સ કે શાકાહારી પ્રોડક્ટ્સ ખાવાથી ઊબકા, ઊલટી, પેટમાં અસહ્ય દુખાવો, મરડો, ઝાડા અને તાવ જેવાં ફૂડ-પૉઇઝનિંગનાં લક્ષણો દેખાઈ શકે છે. જો લૂઝ મોશન દરમ્યાન બ્લીડિંગ આવે, તાવ ૧૦૨ કરતાં વધારે જ રહે, વારંવાર ઊલટીઓને કારણે શરીરમાં પાણી ન ટકે, યુરિન ઓછું આવે, મોં સુકાઈ જાય, ચક્કર આવે જેવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરીને ટ્રીટમેન્ટ કરાવવી.

રસોડામાં ખોરાકનો બગાડ અટકાવવો સારી વાત છે, પરંતુ થોડું બચેલું પનીર કે દૂધ બચાવવાની લાલચ હૉસ્પિટલના મોટા બિલમાં પરિણમી શકે છે. જ્યારે પણ ખોરાકની તાજગી પર શંકા જાય ત્યારે આ ગોલ્ડન રૂલ યાદ રાખો : શંકા હોય ત્યારે ફેંકી દેવું જ સારું છે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 09:19 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK