હા, કૂદવું એક બેસ્ટ એક્સરસાઇઝ છે. ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ જ્યારે તમે શરીરને હવામાં ઉછાળો છો ત્યારે શરીરના દરેકેદરેક કોષ પર એની અસર થાય છે. આજે વર્લ્ડ જમ્પ ડે છે ત્યારે જાણીએ કૂદકા મારવાના ફાયદા પાછળનું વિજ્ઞાન અને સાવચેતીનાં પગલાંઓ વિશે
પ્રતીકાત્મક તસવીર
નાનાં બાળકો કૂદાકૂદ કરી મૂકતાં હોય છે. શું તમે એ નોટિસ કર્યું છે કે આવાં બાળકો ગમે એટલાં ઉત્પાતિયાં લાગે, તેમનો શારીરિક અને માનસિક ગ્રોથ શાંત રહેતાં બાળકો કરતાં વધુ હોય છે.
જેમ-જેમ આપણે મોટા થતા જઈએ છીએ એમ કૂદવાનું આપણા જીવનમાંથી ગાયબ થતું જાય છે. પછી એ ફરી જીવનમાં ત્યારે આવે છે જ્યારે ફિટનેસ-ટ્રેઇનર કહે કે શરૂ કરીએ કૂદવાનું. હકીકતમાં કૂદવું એ વેટ-બેયરિંગ એટલે કે શરીરનું વજન ઉપાડતી કસરત છે. આ પ્રકારની કસરતો હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમે તમારા શરીરની શક્તિ, ક્ષમતા અને ફ્લેક્સિબિલિટીના આધારે નક્કી કરી શકો છો કે કૂદવાની એક્સરસાઇઝને તમારા રૂટીનમાં સામેલ કરવી કે નહીં. જોકે આજે વિશ્વ જમ્પ ડે છે. એની શરૂઆત ૨૦૦૬માં જર્મન કલાકાર ટોર્સ્ટન લૌશમૅન દ્વારા એક કલાત્મક પ્રોજેક્ટ તરીકે થઈ હતી. આ દિવસનો મૂળ ઉદ્દેશ લોકોને એકસાથે કૂદવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રોજેક્ટ પાછળનો રમૂજી વિચાર એવો હતો કે જો પૃથ્વી પર રહેલા લાખો લોકો એક જ સમયે કૂદે તો એનાથી પૃથ્વીની ધરીમાં ફેરફાર થઈ શકે અને ગ્લોબલ વૉર્મિંગ સામે લડી શકાય. વૈજ્ઞાનિક રીતે આ શક્ય નથી, પરંતુ આજે પણ આ દિવસ લોકોને પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મિંગ વિશે જાગૃત કરવા માટે એક ઉત્સાહપૂર્ણ માધ્યમ બની ગયો છે. જોકે આજે જમ્પ ડે પર આપણે કૂદકા મારવાની પ્રક્રિયાની શરીર અને સ્વાસ્થ્ય પર અસર વિશે સમજીશું.
ફાયદો
ADVERTISEMENT
વૉકિંગની જેમ કૂદવા માટે ફક્ત જરૂર હોય છે તમારા બે પગની. એના માટે કોઈ મોંઘાં સાધનોની જરૂર પડતી નથી. તેથી એ ઘરના વર્કઆઉટનો એક ભાગ બની શકે છે. જો તમે મુસાફરી કરતા હો તો પણ એ સરળતાથી કરી શકો છો. વળી મુંબઈ જેવા શહેરમાં જ્યાં જગ્યાની કમી છે ત્યાં તમે ગમે ત્યારે અને ગમે ત્યાં નાની જગ્યામાં પણ જમ્પિંગ વર્કઆઉટ કરી શકો છો. આ તો થઈ સહૂલિયત. એના શારીરિક ફાયદાઓ જણાવતાં ફિઝિયોથેરપિસ્ટ
ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘કૂદવાથી શરીરની શક્તિ વધે છે અને મસલ્સ ટોન થાય છે. દોરડા કૂદવા અને જમ્પિંગ જૅક્સ જેવી કસરતો તમારા શરીરના ઉપરના અને નીચેના બન્ને ભાગો માટે ઉત્તમ છે. આ ઉપરાંત એ કૅલરી બર્ન કરવામાં મદદરૂપ છે જેનાથી શરીરમાં ફૅટની માત્રા ઘટાડી શકાય છે. કૂદવાથી મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા પણ સારી થાય છે. એ તમારા સ્નાયુઓને મજબૂત કરે છે અને જ્યારે તમે આરામ કરી રહ્યા હો ત્યારે પણ કૅલરી બર્ન કરવામાં મદદ કરે છે. એ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે જેથી તમે આખો દિવસ વધુ કૅલરી બર્ન કરી શકો છો. આમ શરીરની મજબૂતી પર એ કામ કરે છે અને સાચી રીતે વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.’
ફંક્શનલ ફિટનેસ વધે
કૂદવાથી સ્ટ્રેસ દૂર થાય છે. કૂદવું એ વર્કઆઉટના કંટાળાને દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે. કૂદવાથી તમે હળવાશ અને આનંદ અનુભવો છો. તમારું શરીર એન્ડોર્ફિન્સ જેવાં કેમિકલ્સ મુક્ત કરે છે જે દુખાવો ઓછો કરે છે અને તમને ખુશ રાખે છે એમ સમજાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘આ સિવાય હાડકાંની ઘનતા જેને બોન ડેન્સિટી કહેવાય છે એ સુધરે છે. હાડકાંના સ્વાસ્થ્યને સુધારવા માટે કૂદવાને શ્રેષ્ઠ વર્કઆઉટ્સમાંનું એક માનવામાં આવે છે. કૂદવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જ્યારે તમે કૂદો છો ત્યારે તમારું શરીર સ્નાયુઓને વધુ ઑક્સિજન અને લોહી પહોંચાડવા માટે ટેવાઈ જાય છે. આનાથી હૃદય અને ફેફસાંની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. આ ઉપરાંત શરીરમાં સંતુલન વધારવા અને તાલમેલ સાધવા માટે પણ એ ઉપયોગી છે. કૂદવાથી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ, રમતગમત અને અન્ય શારીરિક કાર્યો કરવાની તમારી ક્ષમતા જેને ફંક્શનલ ફિટનેસ કહેવાય છે એ વધે છે. કૂદવાથી તમારા ફોકસને અને માનસિક ક્ષમતાને સુધારવામાં પણ મદદ મળે છે.’
લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ પર અસર
કૂદવાનો એક પ્રકાર છે રીબાઉન્ડિંગ જેનો અર્થ થાય ખાસ કરીને મિની ટ્રૅમ્પોલિન પર કૂદકા મારવા. આ પ્રકારે કૂદવાથી એક જુદા પ્રકારનો ફાયદો થાય છે. હાર્ટને હેલ્ધી બનાવવાવાળી કસરતો ઘણી છે, પણ લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ જેને લસિકા તંત્ર કહેવાય છે એના પર કામ કરતી કસરતોમાં કૂદવું એ શ્રેષ્ઠ કસરત કહી શકાય. શરીરમાં લિમ્ફેટિક ડ્રેનેજ સિસ્ટમ એક અત્યંત મહત્ત્વપૂર્ણ નેટવર્ક છે, જે મુખ્યત્વે શરીરને અંદરથી સાફ રાખવાનું અને રોગો સામે લડવાનું કામ કરે છે. એ કાર્ડિયોવૅસ્ક્યુલર વિભાગનો જ એક ભાગ છે એમ સમજાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘લોહીને શરીરમાં ફેરવવા માટે હૃદય એક પમ્પ તરીકે કામ કરે છે, પરંતુ લિમ્ફેટિક સિસ્ટમ પાસે એવો કોઈ પોતાનો પમ્પ હોતો નથી. લિમ્ફ ફ્લુઇડને આખા શરીરમાં ફરતું રહેવું જરૂરી છે જેના માટે સ્નાયુઓના સંકોચન અને શરીરના હલનચલન પર આધાર રાખવો પડે છે. તમે જ્યારે જમ્પિંગ કરો છો ત્યારે દરેક કૂદકા સાથે તમારા શરીર પર ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે. કૂદતી વખતે જ્યારે તમે હવામાં હો ત્યારે લિમ્ફ વાહિનીઓના વાલ્વ ખૂલે છે અને જ્યારે તમે નીચે લૅન્ડ કરો છો ત્યારે સ્નાયુ સંકોચાય છે.’
આ પ્રક્રિયા ટેક્નિકલી કઈ રીતે કામ કરે છે એ સમજાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘લિમ્ફ ફ્લુઇડને ઉપરની તરફ પુશ કરે છે અને શરીરમાં એનું સર્ક્યુલેશન ખૂબ ઝડપી બનાવે છે. વળી લિમ્ફેટિક સિસ્ટમમાં રહેલા વાલ્વ માત્ર એક જ દિશામાં ખૂલે છે. કૂદતી વખતે જ્યારે ઉપર-નીચે થઈએ છીએ ત્યારે આ ગતિ આ વાલ્વને વારંવાર ખોલવા અને બંધ કરવા માટે પ્રેરિત કરે છે જેનાથી નકામા કચરાનો અને ટૉક્સિનનો નિકાલ સરળતાથી થઈ શકે છે. ટૂંકમાં, જમ્પિંગ કરવાથી લિમ્ફ ગ્રંથિઓ સક્રિય થાય છે જેને લીધે શરીરમાં સોજા ઓછા થાય છે, ઇમ્યુનિટી વધે છે અને બૉડી ડીટૉક્સિફાય થાય છે.’
ટ્રૅમ્પોલિન પર કૂદવાથી વધુ ફાયદો
નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)નું એક સંશોધન ૧૯૮૦માં કરવામાં આવ્યું હતું, જે આજે પણ ફિટનેસજગતમાં ખૂબ પ્રખ્યાત છે. NASAએ જ્યારે અંતરીક્ષયાત્રીઓ સ્પેસમાંથી પાછા ફરે ત્યારે તેમના સ્નાયુઓ અને હાડકાંની નબળાઈને ઝડપથી ઠીક કરવા માટે વિવિધ કસરતો પર રિસર્ચ કર્યું ત્યારે ટ્રૅમ્પોલિનનાં અદ્ભુત પરિણામો સામે આવ્યાં. NASAના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ટ્રૅમ્પોલિન પર કૂદવું એ દોડવા કરતાં ૬૮ ટકા વધુ અસરકારક છે. જો તમે ૧૦ મિનિટ ટ્રૅમ્પોલિન પર કૂદો છો તો એ શરીર માટે લગભગ ૩૦ મિનિટ દોડવા કે જૉગિંગ કરવા બરાબરનો કાર્ડિયો વર્કઆઉટ ફાયદો આપી શકે છે. વળી આ રિસર્ચ કહે છે કે તમે જ્યારે દોડો છો ત્યારે માત્ર તમારા પગ અને સાંધા પર ગુરુત્વાકર્ષણનું દબાણ આવે છે, પરંતુ ટ્રૅમ્પોલિન પર કૂદતી વખતે આખું શરીર ૩ તબક્કામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયાને કારણે શરીરના માથાના વાળથી લઈને પગના નખ સુધીના દરેક કોષ પર એકસાથે દબાણ આવે છે અને એ દબાય છે. આનાથી દરેક કોષ મજબૂત બને છે જેને કારણે NASAએ એને સેલ્યુલર એક્સરસાઇઝ કહી હતી. વળી આ વર્કઆઉટ સાંધા માટે સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવે છે. દોડતી વખતે જ્યારે પગ કડક જમીન સાથે અથડાય છે ત્યારે શરીરના વજન કરતાં ત્રણથી ચારગણું દબાણ ઘૂંટણ અને ઘૂંટી પર આવે છે જેને કારણે લાંબા ગાળે સાંધા ઘસાઈ શકે છે. ટ્રૅમ્પોલિનની સ્થિતિસ્થાપક સપાટી આ આંચકાને શોષી લે છે એટલે હાડકાં પર લોડ પડતો નથી અને ઈજા થવાનું જોખમ નહીંવત્ થઈ જાય છે.
કોણે ન કરવી?
નવું વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં હંમેશાં ક્વૉલિફાઇડ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટરની સલાહ લો. જોકે કૂદવું એ એક સરસ વર્કઆઉટ છે, પરંતુ જો તમને કેટલીક સ્વાસ્થ્ય-સમસ્યાઓ હોય તો તમારે કૂદવાનું ટાળવું જોઈએ અથવા સાવચેતી રાખવી જોઈએ. જો તમને હૃદયરોગ, સંધિવા કે આર્થ્રાઇટિસ, ફેફસાંની બીમારી, કોઈ ઈજા હોય અથવા તમે ગર્ભવતી હો તો કૂદવાની કસરત કરતાં પહેલાં તમારા ડૉક્ટરને પૂછો. જો એનાથી તમને કોઈ તકલીફ ન હોય એમ છતાં કૂદવામાં શરીર પર હાઈ-ઇમ્પૅક્ટ એટલે કે વધારે દબાણ આવતું હોવાથી સાંધા અને લિગામેન્ટમાં ઈજા થવાનું જોખમ હોઈ શકે છે.
કૂદવાની કસરતોના પ્રકારો
જમ્પિંગ જૅક્સ
દોરડા કૂદવા અથવા સ્કિપિંગ
બર્પીઝ
બૉક્સ જમ્પિંગ
સ્ક્વૉટ જમ્પ્સ કે લન્જ જમ્પ્સ
હાઇટ વધશે
કૂદવાથી હાઇટ વધે એ વાત ૧૦૦ ટકા વૈજ્ઞાનિક છે, પરંતુ એ માટે નાનપણમાં ગ્રોથ યર્સ સમયે કૂદવું જરૂરી છે. ૧૪-૧૮ વર્ષ દરમ્યાનમાં તમે એ શરૂ કરશો તો મોડું થઈ જશે એટલે બાળકને ૫-૧૩ વર્ષની ઉંમરમાં એવી કોઈ સ્પોર્ટ્સ જેમ કે બાસ્કેટબૉલ રેગ્યુલર રમાડો. એનાથી તેની હાઇટ ખૂબ સારી રીતે વધશે.
કૂદવાથી શરીરમાં સંગ્રહિત ગ્લાયકોજેન (ક્લુકોઝ) અને ચરબીનો ઉપયોગ થાય છે. ૧૫૦ પાઉન્ડ એટલે કે આશરે ૬૮ કિલો વજન ધરાવતી વ્યક્તિ જો ધીમી ગતિએ જમ્પિંગ જૅક્સ કરે તો તે ૧૦ મિનિટમાં લગભગ ૧૦૦ કૅલરી બર્ન કરી શકે છે. જો તમે કૂદવાની સ્પીડ વધારો કે સાથે વજન ઉપાડીને કૂદો તો કૅલરી બર્નની માત્રા વધતી જાય છે.
