બિહારના મેકૅનિકલ એન્જિનિયર એવા પ્રશાંત કુમારે પહેલું ફ્લોટિંગ હાઉસ તૈયાર કરીને દુનિયાભરમાં દેકારો મચાવી દીધો છે. નદીઓમાં આવતા પૂરને કારણે જાનમાલનું નુકસાન સહન ન કરવું પડે એવાં ફ્લોટિંગ હાઉસ બનાવવાનું બીડું ઝડપ્યું છે.
પ્રશાંત કુમાર અને તેને બનાવેલ ફ્લોટિંગ ઇકો-ફ્રેન્ડ્લી ઘર
બિહારના મેકૅનિકલ એન્જિનિયર એવા પ્રશાંત કુમારે પહેલું ફ્લોટિંગ હાઉસ તૈયાર કરીને દુનિયાભરમાં દેકારો મચાવી દીધો છે. છાશવારે નદીઓમાં આવતા પૂરને કારણે ઘર ગુમાવવાનો જાતઅનુભવ કરી ચૂકેલા પ્રશાંતે નદીકિનારા પાસેના પરિવારોને જાનમાલનું નુકસાન સહન ન કરવું પડે એવાં ફ્લોટિંગ હાઉસ બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગંગાના કિનારે એક સફળ મૉડલ તૈયાર થઈ ગયું છે અને હવે બનાવવાની ઇચ્છા છે આખેઆખું ફ્લોટિંગ વિલેજ.
‘સાચું કહું તો મને એવું કંઈ નહોતું કે એન્જિનિયર બનીને મારે આ કરવું કે તે કરવું. એન્જિનિયર બનવું હતું. મેકૅનિકલમાં ઍડ્મિશન મળ્યું એટલે એમાં ડિગ્રી લીધી. બસ, એટલું જ. પણ હા, કૉલેજ દરમ્યાન એક વાત સમજાઈ કે મેકૅનિકલ એન્જિનિયરને બહુ લિમિટેડ નજરથી જોવામાં આવે છે જે નજરમાં મારે નથી બંધાવું.’
વાત કરે છે મેકૅનિકલ એન્જિનિયર પ્રશાંત કુમાર, એ પ્રશાંત કુમાર જેણે દુનિયાનું પહેલું ફ્લોટિંગ એટલે કે નદીમાં તરે એવું ઇકો-ફ્રેન્ડ્લી ઘર બનાવીને દુનિયાભરમાં દેકારો મચાવી દીધો છે. બિહારના આરા શહેરમાં રહેતા પ્રશાંત કુમારે તોફાની નદીઓમાં આવેલા પૂરમાં ઘર ગુમાવ્યું છે. પૂર આવે ત્યારે તણખલાની જેમ તણાઈ જતાં ઘરો જોઈને તેણે આનો કોઈ કાયમી ઉકેલ લાવવો જોઈએ એવું વિચાર્યું અને એમાંથી જન્મ્યો ફ્લોટિંગ હાઉસનો કન્સેપ્ટ. જ્યારે ફ્લોટિંગ હાઉસનો આઇડિયા પેપર પર તૈયાર કરીને ભારતની ખમતીધર એજન્સીઓ અને બૅન્કો પાસે મૂક્યો ત્યારે બધાએ પાછા પગ કરી લીધા પણ તમને જાણીને નવાઈ લાગશે નેધરલૅન્ડ્સની વૉટર સ્ટુડિયો અને જર્મનીની મિયાલોફા ફાઉન્ડેશન જેવી ઇન્ટરનૅશનલ સંસ્થાઓને પ્રશાંતની વાતમાં દમ લાગ્યો અને તેમણે સપોર્ટ આપવાનું નક્કી કર્યું. ટેક્નૉલૉજી અપગ્રેડેશનથી લઈને ફાઇનૅન્શિયલ સપોર્ટ માટે તૈયાર થયેલી એ સંસ્થાની મદદ સાથે પ્રશાંત કુમારે એવું કામ કરીને દેખાડ્યું જે ખરા અર્થમાં પૃથ્વી અને કુદરત બન્નેને સાચવવાનું કામ તો કરે જ છે પણ સાથોસાથ સસ્તું, એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી અને ફ્લડ-પ્રૂફ ઘર પણ લોકોને આપે છે.
પહેલાં વાત પ્રશાંતની...
બિહારના પ્રશાંત કુમાર મેકૅનિકલ એન્જિનિયર છે પણ હવે એ માત્ર એન્જિનિયર જ નહીં પણ સોશ્યલ ઇનોવેટર બની ગયો છે. પોતાના વતનના વિસ્તારમાં દર વર્ષે આવતા પૂરથી લોકોને થતી હેરાનગતિ અને આર્થિક નુકસાની જોઈને પ્રશાંત કુમારના મનમાં વિચાર આવ્યો કે કંઈક એવું કરવું જોઈએ જેનાથી આ હાડમારીમાંથી કાયમી છુટકારો મળે. અલબત્ત, આ વિચાર પણ પ્રશાંતને એમ ને એમ તો નહોતો જ આવ્યો.
પ્રશાંતને આવેલા આ વિચાર પાછળ ક્યાંક તેની બાઇક-યાત્રા જવાબદાર હતી.
બન્યું એમાં એવું હતું કે કૉલેજ પછી ૨૦૧પમાં પ્રશાંતની મુલાકાત કૅનેડાના એજ્યુકેટર બેન રીડ-હાવેલ્સ સાથે થઈ. મુલાકાત દોસ્તીમાં પરિણમી અને બેન સાથે પ્રશાંતે બાઇક પર બાવીસ દેશોની ટૂર કરી. આ યાત્રા ૬૦ હજાર કિલોમીટરની હતી. આ યાત્રા માટે બેન પાસે તો મકસદ હતી. બેન ઇચ્છતો હતો કે તે દુનિયાભરમાં રહેલી વેસ્ટ-ટુ-આર્ટ અપસાઇક્લિંગની ટેક્નૉલૉજી શીખે. જો તમને મનમાં પ્રશ્ન જન્મ્યો હોય કે વેસ્ટ-ટુ-આર્ટ અપસાઇક્લિંગ શું છે તો કહેવાનું, આ એક એવી ટેક્નૉલૉજી છે જે રીસાઇક્લિંગ પર આધારિત છે અને ઓછામાં ઓછા ખર્ચે શ્રેષ્ઠતમ સુવિધા ઊભી કરવાનું કામ કરે છે.
પ્રશાંતને એ ટૂરના અનુભવે ખૂબ શીખવ્યું. તે કહે છે, ‘અમારી એ ટૂર દરમ્યાન મેં એવી-એવી રીતે રહેતા લોકોને જોયા જેની તમે કલ્પના પણ ન કરી શકો. ઝાડ પર ઘર હોય અને એ ઘરનું વજન માત્ર ચાલીસ કિલો જ હોય! ફોલ્ડિંગ ઘરો પણ જોયાં, જે પંદર મિનિટમાં તૈયાર થઈ જતાં હોય અને એટલી જ વારમાં પૅક પણ થઈ જતાં હોય. બેન સાથે કરેલી એ ટૂરે મારું વિઝન ખોલવાનું કામ કર્યું અને મને થયું કે આપણે પણ ઇન્ડિયામાં રહીને એવું કામ કરવું જોઈએ જેનાથી લોકોની તકલીફો ઘટે. જો તકલીફ ઘટે તો જ માનવજીવન પોતાનું સર્વોચ્ચ મેળવવાની દિશામાં આગળ વધી શકે.’
કેટલી સરસ વાત, કેટલી સાચી વાત.
તકલીફ વચ્ચે ક્યારેય માણસ નવું પામવાની દિશામાં આગળ નથી વધતો.
પાછા આવ્યા પછી પ્રશાંતે એ જ દિશામાં કામ શરૂ કર્યું અને સેન્ટર ઑફ રેઝિલિયન્સની શરૂઆત કરી.
રેઝિલિયન્સનું ABC...
અત્યારે તો આ જે સેન્ટર ઑફ રેઝિલિયન્સ છે એનો વ્યાપ ખાસ્સો વધી ગયો છે પણ એની શરૂઆત કરવામાં આવી ત્યારે એ બહુ નાના સ્તર પર હતું. બિહારના ભોજપુર નામના ગામમાં આવેલા આ સેન્ટરમાં મજૂરોને સ્કિલ્ડ વર્કર બનાવવામાં છે જેમાં ફૅબ્રિકેશનથી લઈને ચણતર સુધીનાં કામોનો સમાવેશ થાય છે. મજાની વાત એ છે કે અહીં શીખવવામાં આવતાં તમામ કામમાં પ્રકૃતિને પહેલાં ધ્યાનમાં રાખવામાં આવે છે. ચણતર શીખવવામાં આવે છે પણ એ ચણતરની કલા એવી હોય છે જે ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાવે. ફૅબ્રિકેશન શીખવવામાં આવે પણ એ ફૅબ્રિકેશનમાં નહીંવત વીજળીનો ઉપયોગ થાય છે. આવું કેવી રીતે એવું જો મનમાં સૂઝે તો તમારે પ્રશાંત કુમારે શરૂ કરેલા સેન્ટર ઑફ રેઝિલિયન્સની વિઝિટ કરવી પડે.
આ સેન્ટરનો છેલ્લાં ત્રણ વર્ષથી હેતુ બદલાયો છે. હવે એ ફ્લોટિંગ હાઉસ અને એ પછી ફ્લોટિંગ વિલેજ બનાવવાની દિશામાં કામ કરે છે. આ કામમાં જે વર્કરો જોડાયા છે તેમને દસથી વીસ હજાર સુધીનું મહેનતાણું પણ આપવામાં આવે છે. પ્રશાંત કહે છે, ‘કંઈ નવું કરવાની ઇચ્છા મારી છે તો મારે એવી અપેક્ષા રાખવી ન જોઈએ કે બીજા પણ મારી જેમ જ વિચારે. દરેકની પ્રાયોરિટી અલગ-અલગ હોઈ શકે છે. જો તમે એ પ્રાયોરિટીને પ્રાધાન્ય આપો તો જ સાથે કામ થઈ શકે.’
ફ્લોટિંગ હાઉસ પર આવીએ તો પ્રશાંત કુમાર જે ફ્લોટિંગ હાઉસ તૈયાર કરે છે એ માત્ર ઘર જ નથી પણ એ સોલાર અને વિન્ડ એનર્જી જનરેટ કરવાની સાથોસાથ હાઇડ્રોપોનિક્સ, ઍક્વાપોનિક્સ જેવી સિસ્ટમોથી પણ સજ્જ છે.
કથા ફ્લોટિંગ-હાઉસની...
પ્રશાંત કુમારે તૈયાર કરેલું ફ્લોટિંગ હાઉસ બિહારના ભોજપુર જિલ્લાના આરા નામના ગામના પાદરમાંથી પસાર થતી ગંગા નદીમાં તૈયાર થયું છે. આ ફ્લોટિંગ હાઉસ ૨૦૨૩માં તૈયાર થયું પણ એમાં અલગ-અલગ અખતરાઓ હજી ચાલુ છે.
ફ્લોટિંગ હાઉસનો બેઝ એટલે કે તળિયું બનાવવા માટે મોટાં ડ્રમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ઇમલો એટલે કે મકાનનું આખું માળખું તૈયાર કરવા માટે મેટલની પાઇપ વપરાઈ છે. આ ફ્લોટિંગ હાઉસમાં જે ઈંટનો ઉપયોગ થયો છે એ ઈંટ ગાયનું છાણ, ચૂનો, ગોળ અને ચોખામાંથી બનાવવામાં આવી છે. પ્રશાંત કુમાર કહે છે, ‘મકાનમાં બે પ્રકારની ઈંટનો વપરાશ થયો છે. એક હલકી ઈંટ છે જેનું કામ મકાનને તરતું રાખવાનું છે તો બીજી ભારે ઈંટ છે જે ઈંટ મકાનની અંદરનું તાપમાન સંતુલિત રાખે છે.’
૩૦ ફીટના ચોરસ પ્લૉટ પર તૈયાર થયેલા આ ફ્લોટિંગ હાઉસમાં ૧૦ બાય ૧૨ ફીટનો એક એવા ૩ રૂમ છે તો કિચન અને ડ્રાય ટૉઇલેટ છે. આ ડ્રાય ટૉઇલેટની ટેક્નૉલૉજી જૅપનીઝ છે, પણ અહીં ખૂબી એ છે કે આ જૅપનીઝ ટેક્નૉલૉજીમાં ભારતીય બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ચોખાના ભૂસા અને બુરાદાનો એટલે કે લાકડું છોલ્યા પછી એનો જે ભૂકો વધે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્લોટિંગ હાઉસને ઇલેક્ટ્રિસિટી મળી રહે એ માટે એની છત પર ચાર સોલાર પૅનલ્સ ફિટ કરવામાં આવી છે જે ૭૨૦ વૉટ વીજળી ઉત્પન્ન કરે છે.
ફ્લોટિંગ હાઉસની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પૂરના સમયમાં તરતું રહે છે અને સામાન્ય સીઝનમાં જમીન પર ટકી રહે છે. ઉનાળામાં આ ઘર ઠંડું રહે છે અને શિયાળામાં એ ઘરને ગરમ રાખે છે. પ્રશાંત કુમાર કહે છે, ‘નદીકિનારે રહેલાં ઘરો પૂર દરમ્યાન દર વર્ષે તૂટતાં રહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી બિહારમાં પૂર આવે છે અને દર વખતે લાખો લોકો હેરાન થાય છે. જો તે સૌને આ ફ્લોટિંગ હાઉસ આપવામાં આવે તો સામાન્ય સંજોગોમાં એ જમીન પર જ હશે પણ નદીમાં પૂર આવે તો આપોઆપ જ એ ઘર પાણી પર તરવા માંડશે, જેને લીધે જીવ-હાનિ પણ નહીં થાય અને ઘરમાં રહેલા લોકોનું જીવન પણ સરળતાથી પસાર થશે.’
એક ફ્લોટિંગ હાઉસ બનાવવામાં અત્યારે છ લાખનો અંદાજિત ખર્ચ આવ્યો છે પણ પ્રશાંત કુમાર કહે છે કે આ ખર્ચને ઘટાડીને બે લાખ સુધી લઈ જવાનો અમે પ્રયાસ કરીએ છીએ.
ફ્લોટિંગ હાઉસની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કુદરતી સામગ્રીનો ઉપયોગ થયો હોવાથી એ સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડ્લી છે, જે પાણીમાં પ્રદૂષણ વધારતું નથી. પ્રશાંત કુમાર કહે છે, ‘વાત અહીં બેચાર ઘર બનાવવાની નથી, વાત આખેઆખાં ફ્લોટિંગ વિલેજ તૈયાર કરવાની છે. આપણે ત્યાં અનેક વિસ્તાર એવા છે જ્યાં દર વર્ષે પૂર આવે છે, દર વર્ષે વ્યક્તિગત અને સરકારી તિજોરીને નુકસાન સહન કરવું પડે છે. જો એ રોકવું હોય અને લોકોને તકલીફ ન પડે એ જોવું હોય તો આપણે એ વિસ્તારના સિમેન્ટ-ઈંટનાં મકાનો છોડીને આખું ફ્લોટિંગ વિલેજ તૈયાર કરવું જોઈએ.’
જો પ્રશાંત કુમારનું સપનું સાકાર થયું તો ભવિષ્યમાં દેશમાં સેંકડો ફ્લોટિંગ વિલેજ જોવા મળશે.
નિકાલ નહીં, એનો સદુપયોગ
અત્યારે તો પ્રશાંત કુમારની આંખો માત્ર ને માત્ર ફ્લોટિંગ હાઉસ પર છે પણ આ ફ્લોટિંગ હાઉસની પહેલાં પ્રશાંતે બિહારમાં જ કેટલાક એવા પ્રોજેક્ટ પર પણ કામ કર્યું જે યુનિક હતા. પ્રશાંત કહે છે, ‘જેનો નિકાલ નથી એનો ઉપયોગ ઘટાડતા જવો જોઈએ અને જે ઉપયોગમાં આવી ગયું છે એનો સદુપયોગ કરતાં શીખવું જોઈએ.’
નૉન-સાઇકલ પ્લાસ્ટિક અને વાંસનો ઉપયોગ કરીને પ્રશાંત બિહારમાં અફૉર્ડેબલ ઘરો બનાવ્યાં તો સાથોસાથ આ જ ચીજવસ્તુમાંથી તેણે ગાય-ભેંસ માટે ગમાણ અને તબેલા પણ બનાવ્યાં. આ ઉપરાંત પ્રશાંત કુમારે મેટલનો ઉપયોગ ઘટે અને સ્વરોજગાર વધે એવા ભાવથી બામ્બુનો ઉપયોગ કરીને રોજબરોજના ઉપયોગમાં આવે એવાં વાસણો બનાવવાનું અને એ બનાવવાનું કૌવત શીખવવાનું કામ પણ કર્યું. પ્રશાંત કુમાર એને સસ્ટેનેબલ લિવિંગ સ્ટાઇલ કહે છે. પ્રશાંત કહે છે, ‘જો પર્યાવરણનું ધ્યાન આપણે નહીં રાખીએ તો પર્યાવરણ પોતે પોતાનું ધ્યાન રાખશે અને જો એવું થયું તો એણે રૌદ્ર રૂપ લેવું પડશે જે આપણાથી સહન નહીં થાય એટલે સમય આવી ગયો છે કે આપણે નેચરનું ધ્યાન રાખવાનું શરૂ કરીએ અને નેચરને હીલ કરીએ.’

