ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં અભિનેતા અને પ્રોડ્યુસર ધ્રુવિન શાહે પોતાની સફર, Medal જેવી ફિલ્મનો અનુભવ અને તેમના પ્લેટફોર્મ Jojo Studios તથા Jojo App વિશે અનેક રસપ્રદ વાતો કરી. અહીં વાંચો...
`મેડલ` સેટની તસવીરો
ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં અભિનેતા અને પ્રોડ્યુસર ધ્રુવિન શાહે પોતાની સફર, Medal જેવી ફિલ્મનો અનુભવ અને તેમના પ્લેટફોર્મ Jojo Studios તથા Jojo App વિશે અનેક રસપ્રદ વાતો કરી.
ધ્રુવિન હાલ અનેક નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. Jojo OTT પ્લેટફોર્મ આજે 147 દેશોમાં સ્ટ્રીમ થાય છે અને વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકો સુધી ફિલ્મ, વેબ સિરીઝ, નાટકો, ડોક્યુમેન્ટરીઝ અને રિયલિટી શોઝ પહોંચાડે છે. હવે તેઓ Jojo Studios મારફતે ઉચ્ચ સ્તરની ફિલ્મ પ્રોડક્શન તરફ આગળ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે “આગામી થોડા વર્ષોમાં ગુજરાતી સિનેમામાં મોટી તેજી આવવાની છે, અને એ સફરમાં અમારે મહત્ત્વનો ફાળો આપવો છે.”
ADVERTISEMENT
અભિનયની દુનિયામાં આવવા પહેલાં ધ્રુવિનનો સફર વ્યવસાયથી શરૂ થયો હતો. બાદમાં તેમણે ન્યુયોર્ક અને લૉસ એન્જલસમાં અભિનય અને ફિલ્મ પ્રોડક્શનનો અભ્યાસ કર્યો, અને યુનિવર્સલ અને વોર્નર જેવા આંતરરાષ્ટ્રીય સ્ટુડિયોઝમાં કામ કરવાનો મોકો મળ્યો. ભારતમાં પાછા ફર્યા પછી તેમની ફિલ્મ Superstar ગુજરાતી સિનેમાની પ્રથમ એવી ફિલ્મ હતી જે Netflix પર સ્ટ્રીમ થઈ. એ જ સમયે તેમને લાગ્યું કે ગુજરાતી સિનેમાને એક વિશાળ પ્લેટફોર્મની જરૂર છે. એ વિચારે તેમને Jojo જેવી OTT સર્વિસ શરૂ કરવાની પ્રેરણા આપી.
ફિલ્મ `મેડલ` તેમના માટે એક ખાસ અનુભવ હતો. આ ફિલ્મમાં તેમણે કેમેરા સામે અભિનય કરવાને બદલે નિર્માતા તરીકે કામ કરવાનું પસંદ કર્યું. તેઓ કહે છે, "એક કલાકાર તરીકે, એ મહત્વનું છે કે તમે ઓળખો કે તમે કયા પાત્ર માટે યોગ્ય છો અને કયા નહીં. મેડલની સ્ક્રિપ્ટમાં એક્ટર તરીકે મારો મોટો ભાગ નહોતો, પરંતુ નિર્માતા તરીકે, હું આ ફિલ્મને પ્રામાણિકતાથી સાકાર કરી શક્યો."
આ ફિલ્મનું શૂટિંગ ગ્રામીણ ગુજરાતના ટીંબી ગામમાં થયું હતું, જ્યાં આખી ટીમે ગરમી, મુશ્કેલ પરિસ્થિતિઓમાં અને ઘણા સ્થાનિક કલાકારો સાથે કામ કર્યું હતું. ધ્રુવિન કહે છે કે તે એક મનોહર અનુભવ હતો - ખાસ કરીને બાળકો અને ગામડાના કલાકારોનો સમાવેશ, જેણે ફિલ્મને પ્રામાણિકતા આપી.
`Medal` ની કહાની શિક્ષણ અને રમતગમત જેવા વિષય પર આધારિત છે—ગુજરાતી ફિલ્મોમાં સામાન્ય રીતે જોવા મળતા શહેરી પરિવારિક નાટકોથી બિલકુલ અલગ. આ જ કારણ છે કે ફિલ્મ પ્રેક્ષકોને અનોખી રીતે સ્પર્શી ગઈ. ઘણા સ્કૂલોમાં ફિલ્મના ખાસ શો યોજાયા, રાજ્ય સરકાર અને એજ્યુકેશન બોર્ડે પણ ફિલ્મને વખાણી. આ ફિલ્મ લાખો બાળકો માટે પ્રદર્શિત કરવામાં આવી હતી અને ગ્રામીણ વિસ્તારોમાં પણ તે અત્યંત લોકપ્રિય બની હતી.
આ ફિલ્મ પછીથી વેબ સિરીઝ તરીકે રજૂ કરવામાં આવી. ધ્રુવિન સમજાવે છે, "અમે ઘણું કન્ટેન્ટ શૂટ કર્યું હતું. શરૂઆતમાં એડિટ કરીને તેને ફિલ્મની રીતે રજૂ કરાયું, કારણ કે સિનેમા હોલમાં દર્શકો આખો સમય જોડાયેલા રહ્યા. પરંતુ જ્યારે જોજો પ્લેટફોર્મ તૈયાર થયું, ત્યારે અમે એ જ વાર્તાને વેબ સિરીઝ સ્વરૂપે મૂકી જેથી લોકો ધીમે ધીમે તેનો અનુભવ કરી શકે અને તેની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે"
તેમના મતે ગુજરાતી કન્ટેન્ટને હવે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે, પણ હજી ઘણું કામ બાકી છે. “2025 ગુજરાતી સિનેમાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ વર્ષ સાબિત થશે. આવતા વર્ષોમાં ગુજરાતમાંથી પણ ‘કંતારા’, ‘કેજીએફ’ કે ‘સૈરાટ’ જેવી ફિલ્મો આવી શકે છે,” એમ તેઓ આત્મવિશ્વાસથી કહે છે.
ધ્રુવ પણ પોતાની અભિનય કારકિર્દી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેણે જોજો ઓટીટી અને સ્ટુડિયોને આગલા સ્તર પર લઈ જવા માટે પોતાનો સમય સમર્પિત કર્યો છે, હવે તે ફરીથી સ્ક્રિપ્ટો વાંચી રહ્યો છે, વર્કશોપમાં ભાગ લઈ રહ્યો છે અને 2026 માં પોતાના અભિનય પ્રોજેક્ટ્સ સાથે આવવા માટે તૈયાર છે.
અંતમાં તેઓ કહે છે, “મારા માટે Jojo માત્ર એક પ્લેટફોર્મ નથી, એ વૈશ્વિક સ્તરે ગુજરાતી સંસ્કૃતિ અને મનોરંજન પહોંચાડવાનું મિશન છે. અને વ્યક્તિગત રીતે, હવે મને લાગે છે કે મારી અભિનયની સફર ફરી શરૂ કરવા યોગ્ય સમય આવી ગયો છે. 2026 મારા માટે અને Jojo Studios માટે એક નવો અધ્યાય સાબિત થશે.”
`મેડલ` હવે જોજો એપ પર સ્ટ્રીમ થઈ રહ્યું છે.

