એક સમયે છત્તીસગઢનું જે બસ્તર નક્સલવાદીઓ માટે કુખ્યાત હતું એ બસ્તરના ખેડૂત રાજારામ ત્રિપાઠીએ હેલિકૉપ્ટર ખરીદીને દુનિયાભરના ખેડૂતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. બૅન્કરમાંથી રાજારામ ત્રિપાઠી કેવી રીતે ફાર્મિંગ-ફીલ્ડમાં આવ્યા એ જાણવા જેવું છે
ડૉ. રાજારામ ત્રિપાઠી
કોઈ ઉદ્યોગપતિ પ્લેન કે હેલિકૉપ્ટર લે તો તમને ને મને અચરજ ન થાય. અરે, કોઈ બિઝનેસમૅન કે ફિલ્મસ્ટાર પણ આવું હવામાં ઊડતું એકાદ વાહન ખરીદી લે તો પણ તમને ને મને વિચાર ન આવે કે આવું કેમનું બન્યું? પણ તમને જો કોઈ આવીને કહે કે એક ખેડૂતે હેલિકૉપ્ટર ખરીદ્યું તો ચોક્કસ આપણા સૌની આંખમાં અચરજનો પાક લહેરાવા માંડે. કારણ પણ બહુ સ્પષ્ટ છે. ખેડૂતનું એક પિક્ચર નાનપણથી જ આપણી સામે એવું ઊભું કરવામાં આવ્યું છે કે ખેડૂત એટલે તો બિચારો, ગરીબડો, કુદરતી થપ્પડો સહેતો અને સરકારી રાહતો પર જીવતો માણસ. જોકે તમારી આ માન્યતા સંપૂર્ણપણે બદલાઈ જાય જો તમે ડૉ. રાજારામ ત્રિપાઠીને મળો તો. રાજારામજી વિશે વધુ વાત કરતાં પહેલાં કે પછી તેમના વિશે વિગતે ચર્ચા કરતાં પહેલાં કહેવાનું કે આ મહાશય એક સમયે નૅશનલાઇઝ્ડ બૅન્કમાં સિનિયર પોઝિશન પર હતા, પણ ખેતી પ્રત્યેના લગાવ વચ્ચે તેમણે બૅન્કની કુશાંદે વાતાવરણ ધરાવતી ચેમ્બર અને નોકરી છોડી દીધાં અને ખેતીએ લાગી ગયા. રાજારામે જ્યારે પોતાનો આ નિર્ણય સૌને કહ્યો ત્યારે અડધોઅડધ લોકોએ તેમને મનોમન પાગલ ગણી લીધા તો બાકીના અડધાએ તેમને સલાહ આપી કે જો એકાદ વર્ષમાં કંઈ ઉકાળી ન શકાય તો ફરીથી બૅન્કમાં ટ્રાય કરજે, ટ્રેક-રેકૉર્ડ સારો છે તો કદાચ ફરી જૉબ અપાવવામાં અમને ઓછી તકલીફ પડશે.
ખેતીના રવાડે ચડેલા આ રાજારામને આજે દુનિયા ‘હેલિકૉપ્ટરવાળા ખેડૂત’ તરીકે ઓળખે છે, કારણ કે રાજારામજીએ ખેતીની આવકમાંથી થોડા સમય પહેલાં ૭ કરોડ રૂપિયાનું હેલિકૉપ્ટર ખરીદ્યું છે, જેમાં તે ઑફિસર-ઘર અને પોતાની વાડીએ રોજ અવરજવર કરે છે!
કોણ છે આ ખેતપુરુષ?
ડૉ. રાજારામ ત્રિપાઠીનો જન્મ છત્તીસગઢના કોન્ડાગામ નામના જિલ્લાના બસ્તર નામના ગામમાં થયો છે. પોતાના જીવનના સાઠ દશક પૂરા કરી ચૂકેલા રાજારામજીનો જન્મ જે બસ્તરમાં થયો છે એ બસ્તર ગામ પર આ જ નામની એક ફિલ્મ ઑલરેડી આવી ગઈ છે. બસ્તર અને આ આખો વિસ્તાર ત્યાંના નક્સલવાદને કારણે બહુ વગોવાયેલો છે. એક તબક્કે તો એવું કહેવાતું કે આ વિસ્તારના દરેક ત્રીજા ઘરમાં એક નક્સલવાદી રહેતો. ડૉ. રાજારામે એવા વાતાવરણ વચ્ચે પોતાનું નાનપણ પસાર કર્યું. ભણવામાં હોશિયાર એવા રાજારામજીએ સાયન્સમાં બૅચલરની ડિગ્રી લીધા પછી લૉમાં પણ ગ્રૅજ્યુએશન કર્યું અને એ પછી તેમણે ઇકૉનૉમિક્સ ઍન્ડ ફાર્મિંગ વિષય પર ડૉક્ટરેટ પણ કર્યું.
એંસીના દશકનો આરંભ થાય એ પહેલાં જ રાજારામજીને બૅન્કમાં જૉબ મળી ગઈ અને નૅશનલાઇઝ્ડ બૅન્કની ઇન્ટર્નલ એક્ઝામ પાસ કરતાં-કરતાં તે સિનિયર પોઝિશન સુધી પણ પહોંચ્યા. અલબત્ત, મૂળ ગામનો જીવ એટલે ધરતી સાથે તેમનો લગાવ અકબંધ. મનમાં એવી ઇચ્છા પણ ખરી કે ગામમાં જમીન લઈને ફાર્મ બનાવવું. બૅન્કમાંથી જ લોન લઈને તેમણે ૧૯૯૬માં બસ્તરમાં જ પાંચ એકર જમીન લીધી, પણ જમીન લીધા પછી તેમનો વિચાર બદલાયો અને તેમણે ફાર્મહાઉસ બનાવવાને બદલે ખેતી માટે એ જમીન ફાળવી દીધી. બૅન્કની ડ્યુટી વચ્ચે ફાર્મિંગ કરવાનું હતું, પણ એ તેમનો શોખ હતો એટલે કોઈ પણ રીતે સમય કાઢીને પોતે-જાતે ખેતી પર ધ્યાન આપવા માંડ્યા. ડૉ. રાજારામ કહે છે, ‘શરૂઆતમાં તો મેં ટમેટાં અને બીજી શાકભાજી જેવા સામાન્ય પાક લેવાનું શરૂ કર્યું, જે મારા માટે મારું એજ્યુકેશન બન્યું. ઑર્ગેનિક ખાતરના ઉપયોગથી આખા ખેતરને નવેસરથી ફળદ્રુપ બનાવ્યા પછી મેં જોયું કે માત્ર પાકની માત્રામાં જ નહીં, એની ગુણવત્તામાં પણ ફરક પડવાનો શરૂ થયો છે અને હું વધુ ને વધુ એમાં ઊંડો ઊતરતો ગયો.’
ચારેક વર્ષમાં તો એવો સમય આવી ગયો કે રાજારામજીના ખેતરમાં એવી તંદુરસ્ત શાકભાજી ઊગતી કે આજુબાજુવાળા પણ જોવા આવવા માંડ્યા. માત્ર ૩ ટમેટાંમાં એક કિલો વજન થઈ જાય એવાં ભરાવદાર ટમેટાંનો પાક લેતાં-લેતાં રાજારામજીએ ફાર્મિંગ વિશે વધુ ને વધુ અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું.
બૅન્કરમાંથી ફાર્મર
એક સમય હતો કે પ્રમોશન માટે ૨૪ કલાક વાંચ-વાંચ કરતા આ બૅન્કરને ખેતી એવી તે મનમાં વસી ગઈ કે તેમણે પછી પોતાનો બધો સમય ખેતીવિષયક જ્ઞાન મેળવવામાં વાપરવાનું શરૂ કરી દીધું. જેમ-જેમ વધારે વાંચતા ગયા એમ-એમ તેમને સમજાવા માંડ્યું, લાગવા માંડ્યું કે તે ઍરકન્ડિશન્ડ વાતાવરણમાં બેસવા માટે નહીં પણ ખુલ્લા આકાશ નીચે જમીન સાથે ધીંગામસ્તી કરવા માટે સર્જાયા છે.
લાંબી વિચારણા પછી રાજારામ ત્રિપાઠીને લાગ્યું કે તેમણે બૅન્કને બદલે ખેતીને વધારે સમય આપવો જોઈએ અને ૧૯૯૮માં બૅન્કની જોબ છોડી દીધી. ડૉ. રાજારામ કહે છે, ‘મેં જોબ છોડી ત્યારે બધાને એવું હતું કે ફાર્મિંગના નામે જે કામ કરવા જઈ રહ્યો છું એ મારી ભૂલ છે, મારે એવું ન કરવું જોઈએ. જોકે મને બે વાત ખબર હતી. એક, હું ભૂખ્યો નહીં રહું અને બીજું, મને રાતે શાંતિ અને સંતોષની ઊંઘ આવશે.’
રાજારામે ટમેટાં અને શાકભાજીની દુનિયામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું અને એની પાછળ કારણ પણ હતું. રાજારામ કહે છે, ‘ખેતપેદાશમાં પણ અમુક પ્રોડક્ટ્સ એવી છે જેને કાચું સોનું કહેવામાં આવે છે. મને વિચાર આવ્યો કે રાતોરાત જે પેદાશ તૈયાર થાય છે અને માર્કેટમાં ફટાફટ વેચાય જાય છે એ ઉગાડનારાઓ પણ મોટી સંખ્યામાં છે. હું શું કામ એવું કશું ઉગાડવા વિશે ન વિચારું જેની ડિમાન્ડ બહુ મોટી હોય, પણ સપ્લાય ઓછી હોય અને એને લીધે પેમેન્ટ પણ સારું મળી રહે.’
ડૉ. રાજારામે એ દિશામાં કામ શરૂ કર્યું.
શું મળ્યું રાજારામને?
સામાન્ય ઘટનાઓના વિજ્ઞાનને સમજવામાં ઊંડો રસ ધરાવતા ડૉ. રાજારામ કહે છે, ‘ખેતી અને સાયન્સ વચ્ચે એક સમાનતા છે. જો તમે નવું શીખો નહીં, એક્સપરિમેન્ટ કરો નહીં તો ત્યાં જ અટકી જાઓ. મારે અટકવું નહોતું, મૉડર્ન સાયન્સની જેમ મૉડર્ન ફાર્મિંગનો કન્સેપ્ટ ડેવલપ કરવો હતો એટલે મેં રૂટીન ફાર્મિંગ પર ધ્યાન આપવાનું ઓછું કર્યું અને બસ્તરમાં શું સારું ઊગી શકે એ માટે રિસર્ચ શરૂ કર્યું.’
ખેતીનું ફીલ્ડ હતું એટલે પાણી અને જમીનના રિપોર્ટ જરૂરી હતા. રાજારામે એ રિપોર્ટ કરાવ્યા તો ખરા, પણ એ રિપોર્ટ મુજબના પાણી અને જમીન સાથે કયો પાક વધારે સારી રીતે લઈ શકાય એના પર પણ રિસર્ચ શરૂ કર્યું અને તેમને ખબર પડી કે આ જમીન પર કાળાં મરીનો શ્રેષ્ઠ પાક આવી શકે. એટલે રાજારામ એ કામ પર લાગ્યા. પહેલાં બે વર્ષ સુધી તેમણે માત્ર એક્સપરિમેન્ટ્સ કર્યા અને જોઈતું પરિણામ મળ્યું એટલે રાજારામે પોતાનું બીજું કામ શરૂ કર્યું. રાજારામ કહે છે, ‘કેટલાક પાક લેવા માટે મોટી જમીન હોય એ બહુ જરૂરી બને છે. મેં મારા ખેતરની આજુબાજુના ફાર્મરને સાથે લેવાનું શરૂ કર્યું. તેમને ડર હતો કે આ પ્રકારે ઑફ-બીટ પાક લેવા જતાં ક્યાંક રૂટીન આવક તેમણે ગુમાવવી ન પડે.’
અહીં રાજારામજીને બૅન્કનો અનુભવ કામ લાગ્યો. રાજારામજી કહે છે, ‘બૅન્ક નફો કરે કે ન કરે પણ એને ત્યાં મૂકવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ પર એ વ્યાજ ચોક્કસ ચૂકવે છે. મેં પણ મારી સાથે જોડાવા ઇચ્છતા ફાર્મર્સને એ જ ફૉર્મેટ આપ્યું કે જો ધાર્યો પાક ન થયો કે ઇન્કમ ન થઈ તો હું તેમને નક્કી થયેલી પ્રાઇસ ચૂકવીશ. બીજા લોકોને મારી આ ઑફરમાં જોખમ દેખાતું હતું, પણ મારે મન એ બિઝનેસ હતો અને બિઝનેસમાં રિસ્ક તો રહેવાનું જ.’
રિસ્ક હૈ તો ઇશ્ક હૈ
નૅચરલી, શરૂઆતનાં વર્ષોમાં ધાર્યું પરિણામ નહોતું આવ્યું, પણ સૌથી સારી વાત એ હતી કે કાળાં મરીનો જે પાક આવ્યો હતો એની ક્વૉલિટી એકદમ ઉમદા હતી. રાજારામજી કહે છે, ‘લેવામાં આવેલા એ પાકના ખરીદદારોમાં દેશની ટૉપમોસ્ટ આયુર્વેદ કંપનીઓ હતી અને તેઓ માર્કેટ કરતાં પણ સારી પ્રાઇસ ચૂકવવા તૈયાર હતી. મારા માટે એ સૌથી સારી વાત હતી. તેમની એ ઑફરે મારી હિંમત ટકાવી રાખી.’
એ પછી રાજારામજી પાક વધારવા માટે શું કરવું એના કામ પર લાગ્યા. આપણા દેશના ખેડૂતોની આ જ મોટી કમનસીબી છે કે તેમનામાં ભણતરનો અભાવ હોવાથી તેઓ રૂઢિગત રસ્તાઓ અપનાવે છે, જ્યારે રાજારામજી એજ્યુકેશનની બાબતમાં અવ્વલ હતા એટલે તેમણે ખાંખાંખોળા કરીને જાતજાતની ને ભાતભાતની માહિતીઓ એકત્રિત કરી તો તેમની સામે આવ્યું કે દુનિયાભરમાં સૌથી ખુશ્બૂદાર અને મસાલેદાર જો કાળાં મરી ક્યાંય થતાં હોય તો એ કેરલા છે. ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, વિયેટનામ, શ્રીલંકા અને બ્રાઝિલ પણ કાળાં મરીના પાકમાં ખાસ્સાં આગળ છે. ડૉ. રાજારામજીએ ભાતભાતના પ્રયોગો કર્યા, જેના માટે તેઓ કેરલા ઉપરાંત ઇન્ડોનેશિયા, વિયેટનામ, શ્રીલંકા અને બ્રાઝિલનાં ખેતરોમાંથી માટી સુધ્ધાં લાવ્યા અને એ માટીને તેમના ફાર્મની માટી સાથે ભેળવીને પાક લેવાની કોશિશ કરી. ડૉ. રાજારામ કહે છે, ‘ખેતીમાં સૌથી મોટી જો કોઈ જરૂર હોય તો એ છે ધીરજની. તમારામાં ધીરજ હોય તો જ તમે ખેડૂત બની શકો અને તમારામાં જો પારાવાર ધીરજ હોય તો જ તમે ક્રાન્તિ લાવે એવી ખેતી કરી શકો.’
એક પછી એક અખતરાઓ થતા ગયા અને એ અખતરાઓ વચ્ચે પાકનું ઉત્પાદન વધતું ગયું. એક તબક્કે આ ઉત્પાદન એ સ્તર પર પહોંચ્યું કે ખુદ ભારત સરકારની ઍગ્રિકલ્ચર મિનિસ્ટ્રીએ પણ બસ્તર ગામે ડૉ. રાજારામ ત્રિપાઠીના ખેતરની મુલાકાત લીધી. ડૉ. રાજારામને એ દિવસે મળેલો સંતોષ આજ સુધી તેમના હૈયાને ટાઢક આપે છે. ડૉ. રાજારામ કહે છે, ‘એક સમયે સેન્ટરમાંથી ટીમ આવતી જે નક્સલવાદીઓની ઇન્ક્વાયરી કરતી અને એ વખતે જે ટીમ આવી એણે અમારા ફાર્મમાં ખેતી કેવી રીતે થાય છે એની તપાસ કરી!’
એ દિવસ, આજની ઘડી
ડૉ. રાજારામ ત્રિપાઠીએ કાળાં મરીની ક્રાન્તિકારી ખેતી કરી એટલે એ વિસ્તારના વધુ ને વધુ લોકો તેમની સાથે જોડાતા ગયા. વધુ જમીન મળતી ગઈ એટલે રાજારામજીએ એક જ પાકમાં મચ્યા રહેવાને બદલે સફેદ મૂસળી જેવો બીજો પાક લેવાનું શરૂ કર્યું, જેની ઇન્ટરનૅશનલ માર્કેટમાં બહુ મોટી ડિમાન્ડ છે. એ પછી તેમણે હળદરની સૌથી ઊંચી ક્વૉલિટીનું ઉત્પાદન પણ લેવાનું શરૂ કર્યું. રાજારામજી કહે છે, ‘હું હર્બલ ફાર્મિંગ પર વધારે ફોકસ રાખું છું, કારણ કે એની ડિમાન્ડ મોટી છે અને સાથોસાથ એ પાકને રિસ્પેક્ટ સાથે જોવામાં આવે છે. હું પર્સનલી માનું છું કે ખેડૂતે પોતાનો રિસ્પેક્ટ જાતે જ ઊભો કરવો જોઈએ. અનફૉર્ચ્યુનેટલી આપણે ત્યાં એ ઓછું થાય છે, કારણ કે આપણે ત્યાં ખેડૂતો એ દિશામાં બહુ જાગૃત નથી.’
આજે ૪૦૦ આદિવાસી ખેડૂત સાથે ડૉ. રાજારામજી ૧૦૦૦ એકર જમીન પર પોતાનું હર્બલ ફાર્મિંગ કરે છે. તૈયાર થતો આ પાક ડૉ. રાજારામ ત્રિપાઠીની માઁ દંતેશ્વરી હર્બલ ગ્રુપ ખરીદે છે અને પછી એનું પ્રોસેસિંગ અને પૅકેજિંગ કરીને ઇન્ટરનૅશનલ માર્કેટમાં આપે છે. આ ગ્રુપનું ઍવરેજ વાર્ષિક ટર્નઓવર ૬૦ કરોડ રૂપિયા છે. ઑર્ગેનિક ખેતીમાં વિશ્વાસ ધરાવતા ડૉ. રાજારામ ત્રિપાઠીને અત્યાર સુધીમાં ૪ વખત દેશના સર્વોત્તમ ખેડૂત તરીકે સન્માન પણ મળ્યું છે તો આજે તે દેશના સૌથી શ્રીમંત ખેડૂત તરીકે પણ પૉપ્યુલર છે. ડૉ. રાજારામ ત્રિપાઠીની દીકરી અપૂર્વા ત્રિપાઠી અત્યારે કંપનીનો વહીવટ જુએ છે તો આજે પણ રાજારામજી વધારે સારો અને વધુ માત્રામાં પાક કઈ રીતે લઈ શકાય એના રિસર્ચમાં જ લાગેલા હોય છે.
કણમાંથી મણ ઊભું કરી દેવાની ક્ષમતા ધરાવતી ખેતકળામાં જો ધ્યાન આપો તો રંકમાંથી એ રાજા પણ બનાવી દે.


