ગુજરાતમાં છ કોર્ટ, ઉત્તર પ્રદેશમાં ટ્રેનની અને કર્ણાટકની મૈસૂર કોર્ટમાં વિસ્ફોટકોની ધમકી મળી હતી; કેરલામાંથી મળ્યા ૧૨ દેશી બૉમ્બ
પ્રતીકાત્મક તસવીર
મંગળવારે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં અલગ-અલગ જગ્યાઓ પર બૉમ્બથી ધડાકા કરવાની ધમકીઓ મળી હતી. ગુજરાતમાં છ કોર્ટમાં, ઉત્તર પ્રદેશમાં મઉ રેલવે-સ્ટેશન પર અને કર્ણાટકની મૈસૂર જિલ્લા કોર્ટમાં બૉમ્બ મુકાયાની ધમકી મળતાં પોલીસ અને બૉમ્બ-સ્ક્વૉડની ટીમો દોડતી થઈ ગઈ હતી.
ગુજરાતમાં હાઈ કોર્ટ અને પાંચ લોકલ કોર્ટને RDXથી ઉડાડવાની ધમકી મળી હતી. સુરતની કોર્ટને ઑફિશ્યલ ઈ-મેઇલ ઍડ્રેસ પર સોમવારે રાતે બે વાગ્યે ધમકી મળી હતી. ઉત્તર પ્રદેશના મઉ સ્ટેશન પર સવારે ૯.૩૦ વાગ્યે કાશી એક્સપ્રેસમાં બૉમ્બની માહિતી મળતાં ટ્રેન ખાલી કરાવવામાં આવી હતી. જોકે ગુજરાતની કોઈ પણ કોર્ટ કે ટ્રેનમાંથી શંકાસ્પદ વસ્તુ નહોતી મળી.
બીજી તરફ કેરલામાં કન્નુર જિલ્લામાં પોલીસને બે અલગ-અલગ જગ્યાએથી ૧૨ દેશી વિસ્ફોટક ઉપકરણો મળી આવ્યાં હતાં. એમાંથી ચાર સ્ટીલના બૉમ્બ હતા.


