ક્લાઉડ-સીડિંગની શરૂઆત ૧૯૪૬માં અમેરિકામાં થઈ હતી. ત્યાંના વૈજ્ઞાનિક વિન્સન્ટ શેફર અને બર્નાર્ડ વોનેગટે સૌથી પહેલાં સિલ્વર આયોડાઇડ અને ડ્રાય આઇસનો ઉપયોગ કરીને વાદળોમાં બીજ નાખવાનો પ્રયોગ કર્યો. આ પ્રયાસ સફળ થયો અને વાદળોમાંથી વરસાદ પડ્યો.
કેમ દિલ્હીમાં કૃિત્રમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ જ જાય છે?
તાજેતરમાં દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે કૃત્રિમ વરસાદ લાવવાનો અઢળક રૂપિયા ખર્ચતો પ્રયોગ થયો, પરંતુ સફળતા ન મળી. આ કંઈ પહેલી વારની નિષ્ફળતા નથી. સવાલ એ છે કે વરસાદ પાડવા માટે જરૂરી તમામ કેમિકલ્સ અને પ્રક્રિયાઓ બરાબર ફૉલો કરવા છતાં વરસાદ કેમ નથી પડતો? શું આ પદ્ધતિથી પ્રદૂષણ ઘટાડી શકાય, શું એ માનવ-સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? ચાલો, જાણીતા ક્લાઇમેટ સાયન્ટિસ્ટ ડૉ. રૉક્સી મૅથ્યુ કોલ પાસેથી સરળ વિજ્ઞાન સમજીએ
રાજધાની દિલ્હી હંમેશાં ચર્ચા અને ચિંતાનો વિષય રહે છે, કાં તો પૉલિટિક્સ માટે કાં તો પૉલ્યુશન માટે. હાલ દિલ્હીમાં પૉલ્યુશન ઓછું કરવા માટે વપરાયેલી ક્લાઉડ-સીડિંગ (Cloud seeding) પદ્ધતિની નિષ્ફળતા ચર્ચામાં છે. આ પ્રયોગ માટે દિલ્લી સરકાર દ્વારા IIT કાનપુરના વૈજ્ઞાનિકોની ટેકનિકલ મદદથી પાંચ ટ્રાયલ કરવા માટે અધધધ ભંડોળ નક્કી કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દિલ્હીમાં કરવામાં આવેલી ત્રણ ટ્રાયલમાં કરોડોનો ખર્ચ કર્યા છતાં નિષ્ફળતા મળી. અલબત્ત, આ કંઈ પહેલી વારની નિષ્ફળતા નથી. આ પહેલાં પણ દિલ્હીએ પ્રદૂષણને નાથવા માટે કૃત્રિમ વરસાદ માટેના પ્રયોગો કર્યા છે, પણ એ સફળ થયા નથી. આ પ્રયોગો ખૂબ ખર્ચાળ છે અધધધ રૂપિયા ખર્ચ્યા પછી પણ એ પૈસાનું પાણી ન વરસાવી શક્યા એની પાછળ શું કારણ છે?
ADVERTISEMENT
ક્લાઉડ સીડિંગ શું છે?
આપણે કૃત્રિમ રીતે વરસાદ પેદા કરવાની પદ્ધતિને ક્લાઉડ સીડિંગ કહેવાય છે. ભારતના અગ્રણી હવામાન અને જલવાયુ વિજ્ઞાનીઓમાંના એક ડૉ. રૉક્સી મૅથ્યુ કોલ પાસેથી ક્લાઉડ-સીડિંગના વિજ્ઞાન અને પાસાંઓ જાણીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને અનેક પ્રતિષ્ઠિત અવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગયા વર્ષે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. હાલ પુણેસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મીટિયરોલૉજી (IITM) માં ક્લાઇમેટ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત ડૉ. રૉક્સી હવામાનને સરળ ભાષામાં સમજાવી શકે એવા વૈજ્ઞાનિક તરીકે જાણીતા છે. તેઓ કહે છે, ‘ક્લાઉડ સીડિંગ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે વરસાદ કે હવામાનનો અભ્યાસ કરવા અને ક્યારેક વરસાદને વધારવા માટે વપરાય છે. આ પ્રક્રિયામાં સિલ્વર આયોડાઇડ (AgI) અથવા સામાન્ય મીઠું (NaCl) જેવા ખૂબ નાના દાણા જેવા કણો વાદળોમાં છાંટવામાં આવે છે. આ નાના કણો વાદળોની અંદર પાણીનાં ટીપાં અથવા બરફનાં સ્ફટિકો બનવા માટે બીજ જેવી કામગીરી કરે છે. એટલે કે જે પાણીનાં ટીપાં વરસાદ માટે યોગ્ય હોય એમને આકર્ષે છે અને સીડિંગની મદદથી આ ટીપાં મોટાં અને ભારે થઈ જાય છે, ત્યારે એ વરસાદ તરીકે નીચે પડે છે. આ રીત આ પદ્ધતિ નવાં વાદળો બનાવતી નથી પરંતુ વરસાદી વાદળની ક્ષમતા વધારે છે. ખાલી આકાશ એટલે કે વાદળ વગરના આકાશમાં આ પદ્ધતિ કામ કરતી નથી. વરસાદ પડાવવો હોય તો વાદળો અને ભેજ પહેલેથી હાજર હોવાં જરૂરી છે.’
ટૂંકમાં કૃત્રિમ વરસાદ માટે જરૂરી કન્ડિશન્સ વિશે પૂરી સ્પષ્ટતાઓ છે. શું એ તમામ શરતો પૂરી થાય એ પછી પણ વરસાદ ન પડે એવું બને? આટલી સ્પષ્ટ કન્ડિશનનો ખ્યાલ હોય તો પછી આ પદ્ધતિમાં નિષ્ફળતા કેવી રીતે મળી શકે?

દિલ્હીમાં લગભગ એક કરોડના ખર્ચે ક્લાઉડ સીડિંગની ત્રણ ટ્રાયલ કરવામાં આવી છતાં વરસાદ ન પડ્યો.
સફળતા માટે વાદળોમાં ભેજ અનિવાર્ય
ક્લાઉડ સીડિંગ માટે એક ચોક્કસ વાતાવરણની જરૂર હોય છે. આ પદ્ધતિની સફળતા માટે ભેજવાળાં વાદળો હોવાં અનિવાર્ય છે. આવાં વાદળો શોધવા માટે રડાર કે ઉપગ્રહનો ઉપયોગ થાય છે. વાતાવરણ સાથે અન્ય પરિબળો જ્યારે સંલગ્ન થાય ત્યારે જ ક્લાઉડ સીડિંગ કરવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીમાં ક્લાઉડ-સીડિંગના પ્રયોગની નિષ્ફળતા પર ડો. રૉક્સી કહે છે, ‘આ સમયે હવાની પરિસ્થિતિ અનુકૂળ નહોતી. ઑક્ટોબર–નવેમ્બર મહિના દરમિયાન દિલ્હી ચોમાસાના વાતાવરણમાં નથી હોતું. આ સમય દરમિયાન શહેરમાં શિયાળો પ્રવેશવાનું શરૂ થાય છે. એને કારણે જ્યાં હવા ઠંડી, શુષ્ક (સૂકી) અને સ્થિર બની જાય છે. આ દરમિયાન પ્રદૂષણ પણ ટેમ્પરેચર ઇન્વર્ઝનના કારણે નીચે ફસાઈ જાય છે. ટેમ્પરેચર ઇન્વર્ઝન એટલે ઉપરની હવા ગરમ અને નીચેની હવા ઠંડી થઈ જાય છે. આ ઠંડી હવા (ભેજ) નીચે ફસાઈ જાય છે અને ઉપર જઈ શકતી નથી. પરિણામે વાદળો આગળ વધતાં નથી કે ઊભાં નથી થઈ શકતાં. એમાં પાણીનાં ટીપાં બનવાની પ્રક્રિયા પણ ધીમે પડી જાય છે. જ્યારે હવા ઉપર જતી નથી ત્યારે વાદળો મંદ અને નબળાં બને છે. એટલા માટે જો આવા સમયમાં ક્લાઉડ-સીડિંગ કરવામાં આવે તો વાદળોમાં સીડિંગ કેમિકલ્સ નાખવા છતાં પણ વાદળો પૂરતાં વિકસતાં નથી અને વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. એટલે ટેમ્પરેચર ઇન્વર્ઝન ક્લાઉડ-સીડિંગને નિષ્ફળ બનાવે છે, કારણ કે એ વાદળોને વૃદ્ધિ પામવાથી અને વરસાદનાં ટીપાં બનવાથી રોકે છે. જો હવા સૂકી હોય અથવા વાદળો નબળાં હોય તો સીડિંગથી વરસાદ પેદા થઈ શકતો નથી, કારણ કે પાણી બનાવવા માટે સામગ્રી જ નથી. એ ઉપરાંત બીજું કારણ છે કે અરબી સમુદ્રમાં આવેલું ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતે હવા અને ભેજને પોતાની તરફ ખેંચી લીધાં, જેના કારણે દિલ્હીના વાદળોમાં ભેજ ઘટી ગયો અને હવા વધુ સૂકી બની ગઈ.’
ક્લાઉડ-સીડિંગની શરૂઆત ૧૯૪૬માં અમેરિકામાં થઈ હતી. ત્યાંના વૈજ્ઞાનિક વિન્સન્ટ શેફર અને બર્નાર્ડ વોનેગટે સૌથી પહેલાં સિલ્વર આયોડાઇડ અને ડ્રાય આઇસનો ઉપયોગ કરીને વાદળોમાં બીજ નાખવાનો પ્રયોગ કર્યો. આ પ્રયાસ સફળ થયો અને વાદળોમાંથી વરસાદ પડ્યો. ત્યાર બાદ આ ટેક્નિક ધીમે-ધીમે ઘણા દેશોમાં ફેલાઈ. ભારતમાં અનાવૃષ્ટિ મૅનેજમેન્ટ અંતર્ગત પ્રથમ વાર ૧૯૬૦ના દાયકામાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં વરસાદ ઓછો પડે ત્યારે ક્લાઉડ-સીડિંગ કરવામાં આવતું થયું.
વરસાદની માત્રા વધારવાની આ પદ્ધતિ છે
આપણે ત્યાં પ્રદૂષણ ઘટાડવા માટે આ પ્રયોગ દિલ્હીમાં કરવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ છે કે શું એ વૈજ્ઞાનિક રીતે શક્ય છે ખરું? પ્રદૂષણ માટે દિલ્હીમાં કૃત્રિમ વરસાદ પાડવાનું સાર્થક નીવડે એવું શક્ય નથી લાગતું. લોકો ક્લાઉડ-સીડિંગને હવાના પ્રદૂષિત કણોને નીચે બેસાડવા માટે એટલે કે પ્રદૂષણ ઘટાડવા માટેનું ચમત્કારિક વેપન માની રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિક રીતે તથ્ય શું છે એ જણાવતાં ડૉ. રૉક્સી કહે છે, ‘સૌપ્રથમ તો ક્લાઉડ-સીડિંગથી વરસાદ ત્યારે જ પડી શકે જ્યારે હવામાનની પરિસ્થિતિ યોગ્ય હોય — ખાસ કરીને ચોમાસા પહેલાં અથવા ચોમાસા દરમિયાન. જ્યારે હવામાં ભેજ વધુ હોય અને વાદળો ઘણાં અને ઊંડાં હોય. આવી સ્થિતિમાં ક્લાઉડ-સીડિંગ કરવાથી થોડોક વધારાનો વરસાદ મળી શકે છે. એમાં પણ વિશ્વમાં થયેલા ક્લાઉડ-સીડિંગના પ્રયોગમાં સામાન્ય રીતે વરસાદમાં માત્ર ૫–૧૫ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. હવે માનીએ કે ક્લાઉડ-સીંડિગ સફળ થયું અને થોડોક વરસાદ પડ્યો તો શું એ દિલ્હી અથવા કોઈ પણ શહેરમાં હવાનું પ્રદૂષણ ઓછું કરી દેશે? ખાસ નહીં. થોડોક વરસાદ પડે તો હવામાંના પ્રદૂષિત કણો અને ધૂળ થોડા સમય માટે નીચે બેસી જાય છે એટલે થોડા કલાકો માટે તમને હવા સ્વચ્છ લાગે પરંતુ આ અસર ટૂંક સમય માટે હોય છે કારણ કે વાહનો, ઉદ્યોગો અને કચરો સળગાવવાની પ્રક્રિયા ફરી પ્રદૂષણ પેદા કરતી જ રહે છે. ઉપરાંત ક્લાઉડ-સીડિંગને કારણે જમીન પર પડેલા ઘણા પ્રદૂષક કણો થોડા સમયમાં ફરી હવામાં ઊડી જઈ શકે છે.’
માનવ સ્વાસ્થ્ય પર ખતરો?
પ્રદૂષક કણોની વાત થઈ રહી છે ત્યારે લોકોમાં એમ પણ ચિંતા છે કે આ પદ્ધતિ માટે ઉપયોગમાં લેવામાં આવતું રસાયણ માનવ સ્વાસ્થ્ય માટે ખતરો છે અને જમીનને પણ ઝેરી બનાવે છે એમાં શું તથ્ય છે?
સિલ્વર આયોડાઇડ (AgI) એ એક રસાયણિક પદાર્થ છે. પિરિયોડિક ટેબલમાં ચાંદીની (Silver) સંજ્ઞા Ag અને આયોડિન (Iodine)ની સંજ્ઞા I છે. આ બન્ને રસાયણો મળીને સિલ્વર આયોડાઇડ બનાવે છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ક્લાઉડ-સીંડિગમાં થાય છે કારણ કે એ વાદળની અંદર બરફ જેવા નાના સ્ફટિકો બનાવે છે જેનાથી વરસાદ શરૂ થાય છે. ટૂંકમાં વાદળમાંથી વરસાદ પાડવામાં મદદ કરતો પાઉડર. એ સિવાય એનો ઉપયોગ જૂના જમાનાની ફોટો ફિલ્મ બનાવવામાં, ઍન્ટિસેપ્ટિક દવાઓમાં તેમ જ તાપમાન અને દબાણ માપવાનાં સાધનો બનાવવામાં થાય છે. હવે લોકો એવું માની રહ્યા છે કે જ્યારે સિલ્વર આયોડાઇડ વરસાદ રૂપે ધરતી પર પડે ત્યારે જમીનને ઝેરી બનાવે છે. તો એ ગેરસમજ દૂર કરતાં ડો. રૉક્સી કહે છે, ‘ક્લાઉડ-સીડિંગમાં વપરાતા સિલ્વર આયોડાઇડ અથવા મીઠાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. આ પ્રમાણ વાતાવરણમાં સ્વાભાવિક રીતે હાજર રહેલા સ્તરની તુલનામાં બહુ જ ઓછું હોય છે, એટલે આધુનિક પ્રયોગોમાં વપરાતું આ રસાયણ પર્યાવરણ માટે સુરક્ષિત માનવામાં આવે છે.’
ટૂંકમાં આજ સુધી આ પદાર્થની નકારાત્મક અસર પ્રયોગોમાં નોંધાઈ નથી.


