ભલે પહેલો, બીજો એમ નંબર આપવાની જરૂર નથી પણ બાળકમય એટલા ન બની જશો કે એ બાળક જેને કારણે છે એ વ્યક્તિ જ ભુલાઈ જાય
ઍક્ટર નકુલ મહેતા પત્ની અને પુત્ર સાથે
મૉડર્ન પેરન્ટિંગમાં બાળક પ્રત્યે આટલુંબધું ધ્યાન રાખતા પેરન્ટ્સ વ્યસ્તતા કે બાળક માટેના વધુપડતા વળગણને કારણે ક્યારેક પોતાના જીવનસાથીને અવગણી નાખતા હોય છે કે પ્રાથમિકતાની દૃષ્ટિએ પાછળ મૂકી દેતા હોય છે. બાળક પછીનાં શરૂઆતનાં વર્ષો તો કદાચ એવાં જ જાય, પરંતુ હકીકત એ છે કે જ્યારે કપલ એકબીજાને પ્રેમ અને પ્રાથમિકતામાં પાછળ નથી રાખતાં ત્યારે બાળકને વધુ સિક્યૉરિટી આપતાં હોય છે. ભલે પહેલો, બીજો એમ નંબર આપવાની જરૂર નથી પણ બાળકમય એટલા ન બની જશો કે એ બાળક જેને કારણે છે એ વ્યક્તિ જ ભુલાઈ જાય
ઍક્ટર નકુલ મેહતાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મારા દીકરાને પૂછું છું કે સૂફી, તને ખબર છે ડૅડાની ફેવરિટ વ્યક્તિ કોણ છે? તો તે તરત જ કહેશે કે મમ્મી. અને બીજા નંબરે કોણ છે? તો કહેશે કે હું. નકુલ કહે છે, ‘એ હકીકત છે. સચ્ચાઈ છે. બાળક જે કારણથી આ દુનિયામાં આવ્યું છે એને મજબૂત કરવું અને મજબૂત રાખવું ઘણું જરૂરી છે. આ એક એવો છોડ છે જેને પાણી ન આપીએ કે મજબૂત ન બનાવીએ તો જીવન ખીલશે કઈ રીતે? એટલે હું તેને યાદ દેવડાવું છું કે તારી મા પહેલાં.’
ADVERTISEMENT
આ વાત પર ઍન્કર રણબીર અલાહાબાદિયાએ નકુલને ‘બિગેસ્ટ ગ્રીન ફ્લૅગ ઑફ ઇન્ડિયા’નો ખિતાબ આપ્યો હતો. એ રીલ ખાસ્સી વાઇરલ પણ થઈ છે, કારણ કે નકુલની આ વાત બધાને સ્પર્શી ગઈ છે.
પ્રાથમિકતા
લગ્ન થાય એ પછી જે બાળકોના જીવનમાં માતા-પિતા, પરિવાર અને મિત્રો શ્રેષ્ઠ હતાં તેમનું સ્થાન જીવનસાથી લઈ લે છે. ધીમે-ધીમે સ્પાઉઝ જીવનની પ્રથમ પ્રાથમિકતા બને છે, પણ જીવનમાં બધાં જ કપલ્સે અનુભવ્યું છે કે તેમનું જીવન બદલાઈ જાય છે જ્યારે તેમના જીવનમાં બાળક આવે છે. બાળક આવ્યા પછી મોટા ભાગે કપલ્સની પહેલી પ્રાથમિકતા બાળક જ બની જાય છે. નાના બાળકની જરૂરિયાતો જ એટલીબધી હોય છે કે એ ડિમાન્ડિંગ જૉબ નિભાવવામાં માતા-પિતા ઘણાં વ્યસ્ત થઈ જતાં હોય છે, એકબીજા માટે સમય બચતો જ નથી. સમય બચે તો એનર્જી બચતી નથી. જ્યાં એકબીજા માટે સમય જ સમય હતો તો હવે એવા પણ દિવસ જતા રહે છે જ્યારે એક જ ઘરમાં રહેતા હોવા છતાં આખો દિવસ એકબીજાને મળી પણ ન શક્યાં હોય. એ વિશે વાત કરતાં લાઇફ-કોચ અને કાઉન્સેલર મનીષા ઠક્કર કહે છે, ‘જેઓ કલાકો એકબીજા સાથે વાતો કરતાં તેમણે બન્નેએ એકબીજાને હાઇ પણ ન કહ્યું હોય અને જો થોડો સમય મળે તો પણ બાળકની જ વાતો અને બાળક સંબંધિત જ ચર્ચાઓ થયા કરતી હોય છે. એમાં બન્ને ભૂલી ગયા હોય છે કે એ બન્ને પણ કંઈક મહત્ત્વ ધરાવે છે, એ બન્નેનું એક અંગત જીવન છે, તેઓ બન્ને વ્યક્તિગત રીતે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. બન્ને અંદરથી દુખી હોય છે. બન્ને એ પહેલાંના સ્પાઉઝને મિસ કરતા હોય છે. તો પણ બન્ને બાળકને ગળે મળીને કહેતાં હોય છે કે મમ્મા લવ્ઝ યુ ધ મોસ્ટ અને પાપા લવ્ઝ યુ ધ મોસ્ટ. બાળકને તમે એમ કહો કે લવ યુ ધ મોસ્ટ એમાં કોઈ પ્રૉબ્લેમ નથી, પણ જ્યારે એ જવાબદારીઓને કારણે પાર્ટનર કે તમારી બન્ને વચ્ચેનો સંબંધ અવગણાય ત્યારે તકલીફ થાય છે.’
પ્રેમ
જ્યારે પપ્પા બાળકને કહે કે મારા માટે તારી મા ખૂબ મહત્ત્વની છે એ વાત કઈ રીતે કામ કરે છે એ સમજાવતાં રિલેશનશિપ કાઉન્સેલર સોની શાહ કહે છે, ‘આવું કરવું જરૂરી છે કેમ કે આ રીતે તમે તમારા બાળકને એક પ્રેમભર્યું વાતાવરણ આપો છો. દુનિયાના દરેક બાળકને એ વાતથી ખૂબ બળ મળે છે, સુરક્ષા લાગે છે કે તેનાં મમ્મી-પપ્પા વચ્ચે પ્રેમ છે અને એને કારણે તેના ઘરનું વાતાવરણ એકદમ પ્રેમાળ છે. જે માતા-પિતા વચ્ચે અંતર છે, પ્રેમ નથી તેમનાં બાળકો ઘણાં અસુરક્ષિત રહે છે. મા અને બાપ વચ્ચે વહેંચાયેલાં રહે છે. એકને વધુ અને બીજાને ઓછો પ્રેમ કરે છે. બાળક તેની માને પ્રેમ કરતું જ હોય છે અને પિતાને પણ મા પ્રત્યે અનહદ પ્રેમ છે એ વાત તેને ગમતી વાત છે.’
માન
આ ખરેખર જરૂરી છે એમ સજાવતાં મનીષા ઠક્કર કહે છે, ‘દરેક પિતાએ પોતાના સંતાનમાં એ રેડવું જરૂરી છે કે તેની મા બેસ્ટ છે. આ રીતે તે માને રિસ્પેક્ટ આપતાં શીખે છે. પુરુષે ‘તારી મામાં અક્કલ જ નથી’ જેવાં વિધાનો ન જ બોલવાં જોઈએ. આ વાત માને પણ લાગુ પડે છે. જે સ્ત્રીઓ એકલી પડી જાય છે અને બાળકોને જ પોતાનો સહારો બનાવે છે તે બાળકને પિતા વિશે ઘણી ખરી-ખોટી સંભળાવતી હોય છે એટલે બાળક, જે માને અતિ પ્રેમ કરે છે, તેને બાપ વિલન લાગે છે એટલે મમ્મીએ કોઈ પણ સંજોગોમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ કે નાની-મોટી તકરાર પણ બાળક સામે લાવવી નહીં. આ નહીં લાવવા માટે છુપાવવા જેવું કશું નથી. બાળક સામે ખોટું બોલવાની વાત નથી. તમે ખરેખર બન્ને એકબીજાને પ્રેમ અને માન આપશો ત્યારે જ બાળક તમને એ આપશે.’
જીવનસાથીનું મહત્ત્વ
એ વાત એકદમ પ્રૅક્ટિકલ છે કે બાળકો મોટાં થાય અને પોતપોતાના રસ્તે આગળ વધે છે અને તમારો સાથ જીવનસાથી જ આપે છે. એક ઉંમર પછી એ અહેસાસ થાય પણ ખરો. પણ એક ઉંમર સુધી માતા-પિતાએ બાળકને પ્રાથમિકતા આપવી જ પડે છે. શરૂઆતનાં ૧૫ વર્ષ તમે બાળકની નાની-મોટી દરેક પ્રવૃત્તિમાં સતત તેની સાથે જ હો છો એમ કહીએ તો અતિશયોક્તિ નથી. તો પછી આવા સંજોગોમાં એ ખાસ જોવાનું છે કે જીવનસાથી અને તમારી વચ્ચે કોઈ મોટું અંતર ન આવી જાય. એનો ઉપાય કઈ રીતે થઈ શકે એ જણાવતાં સોની શાહ કહે છે, ‘જરૂરી છે કે તમે બન્ને એકબીજા સાથે વાત કરો. એકબીજાનો થાક અને ત્રાસ સમજો. એકબીજાનું જીવન સરળ બનાવવાની કોશિશ કરો. ખાસ કરીને શરૂઆતનાં પાંચ વર્ષ. જો પાર્ટનર વિચિત્ર વર્તન કરે તો એ ચીડ કે ગુસ્સા પાછળના ભાવને સમજવાનો પ્રયાસ કરો. બાળકને મોટું કરવું એ બન્નેની જવાબદારી છે એ વાત સાચી, પણ એ ક્યારેય ૫૦-૫૦ નહીં થઈ શકે એ સત્ય સ્વીકારવું. એટલે એકબીજા પર ફરિયાદો કરવા કરતાં એક ટીમ બનો. મમ્મીઓ મોટે ભાગે અતિ વ્યસ્ત હોવાને કારણે પપ્પા હંમેશાં ફરિયાદ કરતા હોય છે કે તને મારા માટે સમય નથી. આ ફરિયાદો છોડો. જેમ કે પતિને એમ હોય કે પત્ની તેની સાથે કોઈ વેબ-સિરીઝ જુએ અને પત્ની કહે કે ના, બાળકને સુવડાવવું જરૂરી છે. તો પતિ કાં તો એટલો સમય રાહ જુએ નહીંતર પોતે પણ બાળકને સુવડાવવા જાય. સાથે સમય પસાર કરવો જરૂરી છે, પછી એ સમય બાળકનાં રોજિંદાં કામોમાં પણ વીતે તો એમાં શું ખોટું છે?’
પહેલો કે બીજો રૅન્ક
નકુલ મેહતાની જે રૅન્કિંગવાળી વાત હતી એને શબ્દશઃ લેવી નહીં એમ સમજાવતાં સોની શાહ કહે છે, ‘નકુલે જે કહ્યું એમાં વાત રૅન્કિંગ આપવાની નથી કે પહેલાં કોણ અને પછી કોણ, પણ મહત્ત્વનું એ છે કે બાળક પાછળ તમે એટલા બિઝી ન થઈ જાઓ કે પાર્ટનરને ભૂલી જાઓ. પહેલાં સ્પાઉઝ અને પછી બાળક એવું કંઈ નથી હોતું. બાળક નાનું હોય ત્યારે એ સર્વોત્તમ પ્રાથમિકતા હોવાનું જ છે. તમારે એ રાખવી જ જોઈએ, પણ રૅન્કિંગ ન આપો. આપણો પરિવાર એક યુનિટ છે અને બધા એકબીજાને અખૂટ પ્રેમ કરે છે એ જતાવવું જરૂરી છે. એ પ્રેમ બાળકમાં રેડવો જરૂરી છે. પહેલાં હું અને પછી તું એવું કરવાની જરૂર નથી.’
ધ્યાન રાખો
ઘણા એવા વિડિયોઝ જોવા મળે છે જેમાં દીકરી મમ્મીને દૂર હટાવતી હોય કે પાપા મારા છે, તું દૂર જા અથવા દીકરો પપ્પાને દૂર હટાવતો હોય કે મમ્મી મારી છે, તમે દૂર હટો. તો શું બાળક તેનાં મમ્મી કે પપ્પાથી ઈર્ષા અનુભવે છે? એનો જવાબ આપતાં સોની શાહ કહે છે, ‘એવું હોતું નથી અને હોય તો પણ એ વાતને એ રીતે લેવી નહીં. બાળકો ખૂબ જલદી અસુરક્ષિત બની જાય છે. આવા સમયે તમે જો ચાહીને તેને ચીડવો કે મસ્તી કરો કે આ વાતને મજા તરીકે લઈને તેની અસુરક્ષિત ભાવના પર હસો તો એ બિલકુલ યોગ્ય નથી. બાળકને તમારે વાળવું જોઈએ. મહત્ત્વનું એ છે કે બાળક સામે પતિ અને પત્ની બે જુદા-જુદા લોકો નહીં, એક ટીમ બનીને સામે આવે એ જરૂરી છે. ભલે ગુડ કૉપ-બૅડ કૉપ તમે કરતા હો તો પણ બાળકને અંદરખાને ખબર હોવી જોઈએ કે આપણે એક જ પરિવાર છીએ અને મમ્મી-પપ્પા એક જ ટીમ છે.’


