પરિવારોને તૂટતા બચાવવાના અન્ય એક ઉપાય તરીકે પરિવારમાં વડીલો તરફથી પારંપરિક જડતાને બદલે નવા વિચારોના સ્વીકાર માટે થોડીક પહેલ કરવામાં આવે
પ્રતીકાત્મક તસવીર
હાલમાં OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘Mrs.’ જોઈ. અહીં એ ફિલ્મની ચર્ચા કરવાનો હેતુ નથી, પરંતુ ફિલ્મમાં દર્શાવેલા એક નવપરિણીત સ્ત્રીના નવા પરિવારમાં ગોઠવાવાના સંઘર્ષ વિશે તેમ જ તેના સંનિષ્ઠ પ્રયત્નો છતાં તેને મળતી અસફળતાનાં કારણો વિશે ચર્ચા કરવી છે.
અગાઉ પાકશાસ્ત્રમાં નિપુણ બનાવવાને તેમ જ અન્ય ઘરકામમાં પ્રવીણ બનાવવાને કેન્દ્રમાં રાખીને જ છોકરીઓનો ઉછેર કરવામાં આવતો હતો પરંતુ આજે છોકરીઓને તેઓ પગભર બને, આત્મનિર્ભર બને એ ધ્યાનમાં રાખીને જ તેમનો ઉછેર કરવામાં આવે છે.
ADVERTISEMENT
પુત્રીઉછેરની ધરમૂળથી બદલાયેલી વિભાવનાની સામે બીજી તરફ પુત્રઉછેરની વિભાવનામાં બહુ ખાસ ફરક આવ્યો નથી. તેને તો હજી એ જ રીતે ઉછેરવામાં આવે છે જેમાં તેની જવાબદારી ફક્ત ઘરમાં કમાઈને પૈસા લાવવા પૂરતી જ સીમિત છે. ઘરકામમાં પણ તેણે જવાબદારી લેવી પડશે એવું તેમ જ એ માટેની તૈયારી રૂપે પુત્રને કંઈ જ શીખવવામાં આવતું નથી. ઉછેરમાં આવેલા મૂળભૂત તફાવતને કારણે છોકરીઓની માનસિકતા બદલાઈ હોવા છતાં લગ્ન પછી ઘરના કામની જવાબદારીનું વહન તો હજી પણ એકલી સ્ત્રીએ જ કરવું અપેક્ષિત છે. આમ સ્ત્રીએ પગભર બનવાની નવી જવાબદારી તો ઉપાડી લીધી, પણ તેની પરંપરાગત જવાબદારીઓ ઓછી થઈ નથી. આવી અસમતુલાને કારણે આજે લગ્નજીવનો ડામાડોળ થઈ રહ્યાં છે એવું લાગે છે.
બીજું એક કારણ લગ્ન કરતાં પહેલાં એકબીજા સાથે કરવામાં આવતી અપૂરતી સ્પષ્ટતાને ગણી શકાય. અગાઉના જમાનામાં પતિ-પત્નીની ભૂમિકા નિશ્ચિત હતી, એ વખતે કદાચ આવી કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નહોતી લાગતી. પરંતુ હવે જ્યારે આજે એ ભેદરેખા ભૂંસાઈ રહી છે ત્યારે આવી સ્પષ્ટતા અનિવાર્ય બની જાય છે.
પરિવારોને તૂટતા બચાવવાના અન્ય એક ઉપાય તરીકે પરિવારમાં વડીલો તરફથી પારંપરિક જડતાને બદલે નવા વિચારોના સ્વીકાર માટે થોડીક પહેલ કરવામાં આવે અને નવી પેઢી, વડીલો માટેના આદર સાથે તેમના અનુભવોમાંથી કંઈક શીખીને પોતાના જીવનમાં એનો અમલ કરવાની થોડીક તૈયારી બતાવે તો બન્ને પક્ષે સામંજસ્ય સાધી શકાય કદાચ.જીવન કેવી રીતે જીવવું, શેને પ્રાધાન્ય આપવું એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે અને હોવો જ જોઈએ. પરંતુ પરિવારના દરેક સભ્યએ પારિવારિક પ્રેમના અગ્નિને અખંડ રાખવા માટે એમાં પોતાના ભાગની આહુતિ તો આપવી જ રહી.
- સોનલ કાંટાવાલા
(સોનલ કાંટાવાલા કૉમર્સ ગ્રૅજ્યુએટ છે, યોગનાં અભ્યાસી છે અને સામાજિક સંસ્થા સાથે સક્રિયપણે જોડાયેલાં છે.)

