સદીઓથી આપણે ત્યાં સ્ત્રીઓનું ઘડતર એ મુજબ જ કરવામાં આવ્યું છે કે ફિઝિકલ થવું એ પ્રેમનું અંતિમ ચરણ છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સ્ત્રી પ્રેમ માટે સેક્સ આપે છે અને પુરુષ સેક્સ માટે પ્રેમ આપે છે.
લાંબા સમયથી સોસાયટીમાં પ્રચલિત આ એક એવી માન્યતા છે જેને મૅક્સિમમ છોકરીઓએ સાચી માની લીધી છે. આ હું મારી અત્યાર સુધીની સેક્સોલૉજિસ્ટ તરીકેની કરીઅરના અનુભવના આધારે કહું છું, પણ સત્ય હકીકત એ છે કે આ વિધાન સંપૂર્ણ સત્ય નથી. હા, એની પાછળ કેટલાંક બાયોલૉજિકલ ફૅક્ટર્સ જોડાયેલાં છે જે સમજવાં જોઈએ. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામના હૉર્મોનનું પ્રમાણ વધારે હોય છે જે ઇન્ટિમેટ રિલેશનશિપ સાથે સીધો સંબંધ ધરાવે છે, જ્યારે સ્ત્રીઓમાં જાતીય ઇચ્છા મોટા ભાગે ભાવનાત્મક સુરક્ષા અને ઑક્સિટોસિન એટલે કે લવ હૉર્મોન સાથે
વધુ જોડાયેલી હોય છે.
ADVERTISEMENT
સદીઓથી આપણે ત્યાં સ્ત્રીઓનું ઘડતર એ મુજબ જ કરવામાં આવ્યું છે કે ફિઝિકલ થવું એ પ્રેમનું અંતિમ ચરણ છે. સામા પક્ષે પુરુષોને શારીરિક જરૂરિયાત તરીકે જોવાની છૂટ અપાઈ છે. જોકે આજના સમયમાં લાઇફસ્ટાઇલથી માંડીને રહેણીકરણી અને વિચારધારાને લીધે આ માન્યતા બદલાઈ રહી છે. ઘણી સ્ત્રીઓ માટે પણ શારીરિક સંતોષ મહત્ત્વનો છે અને ઘણા પુરુષો ભાવનાત્મક જોડાણ વગર સેક્સ એન્જૉય કરી શકતા નથી એટલે આને વૈશ્વિક સત્ય માનવું ભૂલભરેલું છે.
આ વાત જો પર્સનલ લાઇફમાં દેખાતી હોય તો હું પુરુષોને સજેશન આપીશ કે તેમણે ધ્યાન રાખવું જોઈએ કે માત્ર બેડરૂમમાં જ નહીં, દિવસ દરમ્યાન જ્યારે પણ તક મળે ત્યારે પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ અને આદર બતાવવો જોઈએ. નાની-નાની વાતોમાં થતી દરકાર બહુ મોટું પરિણામ આપી જતી હોય છે. પુરુષે એ પણ સમજવું રહ્યું કે તેની ફીમેલ પાર્ટનર માટે સેક્સ માનસિક સ્તરથી શરૂ થાય છે એટલે ફોરપ્લે અને લાગણીસભર વાતોનું બહુ મહત્ત્વ છે, એનું પાલન કરો અને એ અમલમાં મૂકો. ક્યારેય ભૂલવું નહીં કે મહિલા જ્યારે ઇમોશનલી સિક્યૉર્ડ ફીલ કરે છે ત્યારે તે ફિઝિકલી વધારે ખૂલે છે એટલે એને સાંભળવાનું કાર્ય કરો અને એને રોજિંદી આદતમાં ફેરવો.
સેક્સોલૉજી એ ખરેખર તો સાઇકોલૉજી સાથે જોડાયેલી જ એક બ્રાન્ચ છે એવા સમયે મહિલાઓએ ભૂલવું નહીં કે સુખી અને દૃઢ સંબંધ માટે પ્રેમ અને સેક્સ એક સિક્કાની બે બાજુ છે. સેક્સ વગરનો પ્રેમ અધૂરો લાગે અને પ્રેમ વગરનું સેક્સ યાંત્રિક લાગે. એટલે બન્ને એકબીજાની જરૂરિયાતને પ્રાયોરિટી પર મૂકે તો સંબંધોમાં દૃઢતા ઉમેરાય.
