સાઇકોલૉજીમાં આવી ઘટનાને એટલે કે લાઇફ-પાર્ટનરથી છુપાવીને કરવામાં આવતા ફાઇનૅન્શિયલ વહીવટોને ફાઇનૅન્શિયલ ઇનફિડેલિટી એટલે કે નાણાકીય બેવફાઈ કહેવાય છે અને આ વાતને સિરિયસ્લી જોવામાં પણ આવે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આમ તો તે લેડી મુંબઈની બહુ જાણીતી કહેવાય એવી એક સ્કૂલનાં પ્રિન્સિપાલ છે. મૅરેજનાં ૭ વર્ષ પછી અચાનક તેમને ખબર પડી કે તેમના હસબન્ડ પોતાની ઇન્કમનો મોટો હિસ્સો તેમની જાણ બહાર છૂપી રીતે અન્ય જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હતા, જે અવળું પડતાં મોટું દેવું થઈ ગયું છે. આ ઘટના પછી તેમના અને તેમના હસબન્ડના રિલેશન ઝીરો થઈ ગયા. તેમનો મુદ્દો હતો કે હસબન્ડની આ વાત તેમને એટલો જ શૉક આપી ગઈ જાણે કે તેમના કોઈની સાથે એક્સ્ટ્રા-મૅરિટલ રિલેશન હોય. હસબન્ડનું માનવું છે કે પૈસા એ તેમની પર્સનલ વાત છે, એમાં રિલેશન ક્યાં વચ્ચે આવ્યા? તે બહેનનો પ્રશ્ન એ હતો કે સેક્સ્યુઅલ અફેરની જેમ આ વાત પણ ઇમોશનલી અને ફિઝિકલી રિલેશનશિપને સ્પોઇલ શું કામ ન કરી શકે? તેમના હસબન્ડને પૈસા મોટા લાગતા હોઈ શકે, એમ મારા માટે વાત છુપાવવી મોટી ઘટના હોઈ શકે.
સાઇકોલૉજીમાં આવી ઘટનાને એટલે કે લાઇફ-પાર્ટનરથી છુપાવીને કરવામાં આવતા ફાઇનૅન્શિયલ વહીવટોને ફાઇનૅન્શિયલ ઇનફિડેલિટી એટલે કે નાણાકીય બેવફાઈ કહેવાય છે અને આ વાતને સિરિયસ્લી જોવામાં પણ આવે છે.
ADVERTISEMENT
એક વાત સૌ કોઈએ સમજવી રહી કે મૅરેજ એ માત્ર બે વ્યક્તિને ઇન્ટિમેટ થવાનું લાઇસન્સ નથી, પણ બે વ્યક્તિ વચ્ચેનો પરસ્પરનો ટ્રસ્ટ ટ્રાન્સપરન્સીની વાત છે. જ્યારે કોઈ પોતાના લાઇફ-પાર્ટનરથી પૈસા છુપાવે ત્યારે વાસ્તવમાં તે પૈસા નહીં પણ સત્ય છુપાવે છે. આજે પણ ગુજરાતી ફૅમિલીમાં મહિલાઓ આ રીતે બચત કરતી હોય છે અને પુરુષો એને ખેલદિલીથી લઈ લે છે, પણ વાત બે પ્રોફેશનલ વ્યક્તિની અને તેમની લાઇફમાં રહેલી ટ્રાન્સપરન્સીની છે ત્યારે બીજા પાર્ટનરને એવું ફીલ થઈ શકે કે જો આ વ્યક્તિ મારી સાથે પૈસા બાબતે જૂઠું બોલી શકે તો પછી તે બીજું શું-શું છુપાવતી હશે?
આ જે શંકા છે મનમાં એ ઇનસિક્યૉરિટી અને વિશ્વાસઘાતનો ઘા આપે છે. સેક્સોલૉજીનો બેઝિક સિદ્ધાંત છે કે શારીરિક નિકટતા ત્યારે જ શક્ય બને જ્યારે મન સંપૂર્ણપણે સિક્યૉર્ડ અને પીસફુલ હોય. જ્યાં મનમાં અવિશ્વાસ કે કડવાશ હોય ત્યાં બેડરૂમની હૂંફ આપોઆપ વરાળ બની જાય. પાર્ટનરનો સ્પર્શ પણ પછી બોજારૂપ લાગવા માંડે છે. મૅરેજ-લાઇફમાં અંગત સ્પેસ હોવી જોઈએ, પણ વાત જ્યારે બન્નેના ફ્યુચરની હોય એવા સમયે નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી હોવી અનિવાર્ય છે. ફાઇનૅન્શિયલ ઇનફિડેલિટી એ આજના સમયમાં નાની ભૂલ નથી, પણ સંબંધના પાયા હચમચાવી શકતો અવિશ્વાસ છે. પૈસા ફરી કમાઈ શકાય, પણ એક વાર તૂટેલો વિશ્વાસ સાંધવો અઘરો છે એ વાત કપલનાં બન્ને પાત્રોએ સમજવી જ રહી.
